ઘરમાં પ્રવેશીને તે થોડી ક્ષણો ત્યાંજ ઊભો રહ્યો અને બધે નજર ફેરવી પેલી યુવતીને શોધી રહ્યો, રખેને વળી પાછી તે ક્યાંક સંતાઈ હોય અને અચાનક હુમલો કરી દે! પણ તે યુવતીના કોઈ આસાર ન જાણતા ગભરાતા હૃદયે એક એક ડગલું સાવધાનીથી મૂકતો તે યુવક પેલા રૂમમાં જઈ ચડ્યો, ત્યાં જમીન ઉપર હજુ પણ એ યુવતી કણસતી પડી હતી.
તે યુવક ઝડપથી રસોડામાં દોડી ગયો અને થોડીઘણી મહેનત બાદ આખરે તેને એક ડબ્બો મળ્યો, અને તે ડબ્બો લઈ યુવક પેલી યુવતી પાસે પાછો ફર્યો. તેણે ખસી ગયેલું ટેબલ સરખું કર્યું અને તેના ઉપર પેલો ડબ્બો રાખી દીધો. પગમાં અથડાતો આવી પડેલ પાણીનો જગ ઉઠાવીને પાછો મૂક્યો. ત્યારબાદ તે યુવક નીચે જમીન ઉપર પડેલી પેલી યુવતીને ઊભી કરવા લાગ્યો. પોતાને છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી અશક્ત એવી યુવતીને તેણે પરાણે ઊભી કરી, અને રૂમમાં રહેલ બેડ ઉપર તકિયાનો આધાર આપી સરખી બેસાડી.
યુવકે હવે ધ્યાનથી તે યુવતી સામે જોયું, તેના કપાળેથી હજુ પણ થોડું લોહી વહી રહ્યું હતું. તેણે યુવતીની હડપચી પોતાના એક હાથે મજબૂતીથી પકડી અને બીજા હાથે ડબ્બામાં રહેલ હળદર તેના કપાળે લગાડવા લાગ્યો. થોડીવારમાં જ યુવતીના કપાળેથી લોહી વહેવાનું બંધ થઈ ગયું. થોડું સારું લાગતા તે યુવતીના ચહેરા ઉપર રહેલ ડર ઓછો થયો.
બંને જણા ત્યાં જ બેડ ઉપર ચૂપચાપ બેસી રહ્યા. પવનને કારણે વરસાદની ઝીણી ઝીણી ફોર બારીની અંદરથી આવીને બંનેને ભીંજવી રહી હતી અને જાણે સાથે બંનેના મનને અંદરથી શાંત પાડી રહી હતી.
એકબીજાથી સાવ અજાણ્યા બે લોકોને કુદરત અને મજબૂરીએ એક જ મોડ ઉપર લાવી ઊભા રાખી દીધા હતા, પણ તે વાતથી અજાણ બંને વચ્ચે મૌનનો પડદો પડેલો હતો. કિસ્મતે આજે બંનેને એવા પડાવ સુધી લાવી મૂક્યા હતા કે ના ઈચ્છવા છતાં તેમને એકબીજા સાથે આ વરસાદી રાત પસાર કરવી પડે એમ હતી.
"તમે મને ચોર જેવા લાગતા નથી?" આખરે મૌન તોડતા શબ્દો પેલી યુવતીના મોઢેથી સરી પડ્યા.
એ મધુર અવાજમાં જાણે કોઈ પોતીકાપણું લાગતું હતું હોય એમ યુવાન તે યુવતી સામે જોઈ રહ્યો અને અત્યાર સુધી બાંધી રાખેલ આંસુઓની ધાર વરસતા વરસાદની જેમ તે યુવાનની આંખોમાંથી વહી રહી.
પેલી યુવતી ઊભી થઈ અને ધીમેથી ચાલતી રસોડા તરફ ગઈ. તેની અશક્ત ચાલ જોઈ એના શરીરમાં થતા કષ્ટનો અહેસાસ તે યુવાન હવે અનુભવી રહ્યો અને પોતાના ઉપર થયેલ દંડાનો પ્રહાર કેમ આટલો નબળો હતો તેની પાછળનું કારણ તે સમજી શક્યો. થોડીવારમાં જ પાણી ભરેલો ગ્લાસ લઈ તે પાછી આવી અને યુવકને આપ્યો.
આંખોથી જ આભાર વ્યક્ત કરતો તે આખો ગ્લાસ એક શ્વાસમાં ગટગટાવી ગયો.
" માણસ જન્મથી જ ચોર નથી હોતો, કોઈ મજબૂરી, પરિસ્થિતિ કે પછી તેનામાં રહેલ લાલચને કારણે તે ચોર બને છે. "
પોતાની વેદના ઠાલવતા તેણે મૌન તોડ્યું.
"તમારી જરૂર કોઈ મજબૂરી જ હશે જેણે તમને અહી લાવી મૂક્યા છે", પેલી યુવતી તે યુવકની આંખોમાં રહેલ વેદના જોતી બોલી.
"હમમ મજબૂરી, તમે કેવી રીતે નક્કી કરી શકો મારી પરિસ્થિતિ?", લાંબો શ્વાસ લેતા તે અટક્યો અને યુવતીને સામો સવાલ કરતા બોલ્યો.
"પરિસ્થિતિ અને મજબૂરીનો માર્યો માણસ ચોર જરૂર બને પણ તેનામાં રહેલ માણસાઈ ક્યારે મરી પરવારતી નથી. ચોરીનો રસ્તો તેણે મજબૂરી વશ પસંદ કર્યો હોય છે પણ માણસાઈ રૂપી દીપ તેના હૃદય અને મનને હંમેશા પ્રકાશિત રાખે છે."
"અને તે સચ્ચાઈ મે તમારી આંખોમાં જોઈ છે. તમે ઈચ્છતા તો મને વધારે નુકશાન પહોંચાડી શક્યા હોત પણ તમે એવું ન કર્યું. ઉલટાનું તમે મારી સારવાર કરી મારા પ્રત્યે તમારી ચિંતા દર્શાવી. એટલી બાબત જ કાફી છે તે જાણવા કે તમે એક સારા માણસ છો", પોતાના અવાજમાં યુવક પ્રત્યે હમદર્દી બતાવતા તે યુવતી બોલી.
"તમને શું ખબર? હું અહી એટલે ફરીથી પાછો આવ્યો કેમ કે બહાર ધોધમાર વરસાદને કારણે બધા જ રસ્તાઓ બંધ છે. મે નીચે જતાં સાથે જ આ એપાર્ટમેન્ટના ચોકીદારને જોયો માટે તેની પાસે પકડાઈ ન જાઉં તે ડર અને વરસાદને કારણે હું અહી પાછો આવ્યો. હું કઈ તમારા માટેની લાગણી કે તમને મલમ લગાડવા માટે અહી નહોતો આવ્યો", તે યુવક બોલ્યો.
"હા પણ એનાથી તમે ખરાબ અને લાલચુ છો તેની સાબિતી નથી મળતી. તમે જો લાલચુ હોત તો મને ઇજા થતાં ડરીને ભાગી ન જતા, ઉલટાનું તેનો ફાયદો ઉઠાવી મને ડરાવી અને ધમકાવીને તમે અહી જે કામ માટે કે વસ્તુ લેવા માટે આવ્યા હતા તે પ્રાપ્ત કરી શક્યા હોત. તમારામાં માણસાઈ છે એટલે જ તમે મારી દરકાર કરી મારો ઈલાજ કરવાની કોશિશ કરી. બાકી આજના જમાનામાં મરતા માણસને પણ કોઈ પૂછતું નથી", આટલું બોલી તે ચૂપ રહી ગઈ.
વરસાદ જ કદાચ કારણ હતો જેનાથી આ ઘરમાં બે સાવ અજાણ્યા લોકો આજે અજાણતા જ ભેગા થઈ ગયા અને એકબીજા સામે પોતાની વ્યથા હળવી કરવાનું મન મનાવી રહ્યા.
ઘનઘોર છવાયેલ વાદળો જાણે વરસવા માટે તરસે એમ તે યુવકનું હૃદય પણ ખાલી થવા માટે તડપતું હોય એમ તેની આંખોમાં દેખાઈ રહ્યું હતું.
અને આજે કોઈને ન કહેલ પોતાની જીવનની કરુણતા તે કોઈ અજાણી યુવતી સામે ઠાલવવા બેઠો.
🌺 હતા અજાણ્યા જે ક્ષણ પહેલા,
બન્યા હમદર્દ તે પળ ભરમાં... 🌺
ક્રમશઃ ....*
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)