એક પછી એક નાની મોટી વસ્તુઓ જમીન ઉપર પછડાવાના અવાજો બહારથી આવી રહ્યા. આ કેવી રીતે બને તે ઘડીભર વિચારમાં ડૂબી ગઈ અને કઈક અણસારથી ડરતી તે દોરીને વધારે જોરથી ઘસવા લાગી. એક સામટી હિંમત ભેગી કરી તેણે જોર લગાવ્યું અને એક જ ઝાટકે હાથે બાંધેલું દોરડું તુટી ગયું. પણ તેવું કરવા જતાં ટેબલ ખસી ગયું અને તેના ઉપર પડેલો પાણીનો જગ જમીન ઉપર પડી ગયો અને જરાક શાંત પડેલ વાતાવરણ ફરી તે જગના રણકારથી ગુંજી ઉઠ્યું. તે પોતાને સંભાળી ન શકી અને જમીન ઉપર ધડામ કરતી નીચે પછડાઈ.
ગભરાહટ અને ડરને કારણે તે થરથર ધ્રુજી રહી હતી. ત્યાં એના કાને કોઈના પગલાંની આહટ પોતાના રૂમની નજીક આવતી સંભળાઈ. તે કાંપતી ઊભી થઈ અને રૂમમાં આમતેમ નજર ફેરવવા લાગી. ત્યાં સાઈડમાં પડેલો નાનો દંડો દેખાયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને તે દંડો ઉઠાવી રૂમના બારણાં પાછળ ઊભી રહી. તેના અશક્ત પગ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. બહારથી લોક કરેલા દરવાજાના કી-હોલમાં થોડો સળવળાટ થયો અને ખટાક કરતો એક અવાજ આવતાની સાથે જ લોક ખુલી ગયું. ધીરેથી દરવાજો ચરરર કરતો ખુલ્યો અને એક પડછાયો અંદર પ્રવેશતાં જ તેણે હતું એટલું જોર લગાવી પેલા ઓછાયા ઉપર દંડો વીંઝી દીધો.
****
માતાપિતાના આશીર્વાદ લઈને તે ઉત્સાહથી ઘરની બહાર નીકળ્યો. ઘરમાંથી આત્મવિશ્વાસનો શ્વાસ ભરીને નીકળેલા તેના કદમો દૂર જતાની સાથે જ જાણે બેજાન બની રહ્યા. તેના ચહેરા ઉપર અકળ વેદના છવાઈ ગઈ. બસ સ્ટેન્ડ તરફ જવાની જગ્યાએ તેના કદમો થોડે દૂર આવેલા બગીચા તરફ જઈને અટક્યા. બગીચામાં પ્રવેશીને સીધો તે દૂર આવેલ બાંકડે જ્યાં કોઈની જલ્દી નજર ન પડે ત્યાં જઈને બેસી ગયો.
લોકોની ચહલ પહલથી બગીચો જીવંત લાગી રહ્યો હતો. મોડા પડેલા કેટલાક લોકો હજુ મોર્નિંગવોક કરી રહ્યા હતા. ક્યાંક બાળકો ક્રિકેટ તો ક્યાંક બેડમિન્ટન રમી રહ્યા હતા. સિનિયર સિટીઝનનું એક ટોળું ખુલીને હાહાહા કરી હસતા હસતા કસરત કરી રહ્યું હતુ. કેટલાક માતા પિતા પોતાના નાનાં બાળકોને પ્લે એરિયામાં ઝૂલા, લપસણી અને ઘણી બધી રમતો રમાડી રહ્યા હતા. ક્યાંક મોડર્ન યુવતીઓ હાંફતી છાતીએ દોડી રહી હતી તો કોઈ સિપરમાથી એનર્જી ડ્રીંકનાં ઘૂંટડા ભરી રહી હતી. અમુક બીઝનેસ ટાયકૂન જેવા ચાલીસીએ પહોંચેલા યુવાનો, હાથમાં પાળેલ ઊંચી નસલના કૂતરાનાં ગળે પરોવેલ પટ્ટો હાથમાં લઈ પોતાના મિત્રો સાથે વાતો કરતા દોડી રહ્યા હતા.
આટલી ભીડભાડ અને કિલ્લોલ કરતા વાતાવરણમાં પણ તે એકદમ શાંત બેસી રહ્યો હતો. બહાર થઈ રહેલ અવાજ જાણે એના કાન સુધી પહોંચી નહોતા રહ્યા. અજીબ કશ્મકશમાં ડૂબેલો તે કલાકો સુધી વિચારોમાં ખોવાયેલ રહ્યો. સૂરજના કિરણો વિલીન થવાની તૈયારીમાં હતા ત્યાં જ વાતાવરણમાં બદલાવ આવી રહ્યો હતો. સંધ્યાની લાલીની જગ્યાએ ઘનઘોર વાદળોથી આકાશ રંગાઈ રહ્યું હતું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને હવામાં ભીની ભીની માટીની મહેક ફેલાઈ રહી. વાતાવરણમાં આવેલ બદલાવને કળીને તે બગીચાની બહાર નીકળી ગયો.
થોડી જ ક્ષણોમાં મૌસમનો પહેલો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. વધતા વરસાદથી બચવા લોકો જલ્દી પોતાનું કામ પતાવી ઘરે પહોંચી જવાની ઉતાવળમાં ભાગી રહ્યા હતા. ભાગી રહ્યા એ ટોળાંમાં વીસ બાવીસ વર્ષનો તે બેફિકર યુવક બધાથી અલગ તરી આવતો હતો.
તેની આંખોમાં અજીબ ભાવ ડોકાઈ રહ્યો હતો, અને પરેશાનીની લકીરો છવાયેલ ચહેરો તેની અંદર ચાલી રહેલ કશ્મકશની ચાડી ખાઈ રહ્યો હતો. ભીડથી અલગ થતો તે આગળ જઈને એક બહુમાળી એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો.
🌺 જીવનના એવા મોડ પર આવી ઊભો છું,
અજીબ એવી કશ્મકશમાં આજે હું ઊભો છું...🌺
* ક્રમશ *
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)