નમસ્તે વાચકમિત્રો🙏🙏આશા રાખું છું કે આ ધારાવાહિક આપ સૌને પસંદ આવી રહી છે.
આગળનાં ભાગમાં આપણે જોયું :
સારંગે કડકાઇથી તેની સામે જોયું તેથી સૈનિકે ગભરાઇને સારંગ પર પ્રહાર કર્યો. સારંગ તેને કરેલ બધા જ પ્રહારથી બચી ગયો.તેથી સૈનિકે પોતાની પુરી તાકાત લગાવી તેના પર છેલ્લો પ્રહાર કર્યો. તે પ્રહારથી બચવા સારંગે તલવારને પોતાનાં હાથ વડે પકડી લીધી. તેનાં કારણે તેનાં હાથમાંથી લોહી વહેંવા લાગ્યું. તેણે સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને તેને ધક્કો માર્યો. તેથી સૈનિક સામેની દિવાલ સાથે જોશથી અથડાઈને નીચે પડી ગયો.
“આશા રાખું છું કે તારી ગેરસમજ હવે દુર થઇ ગઇ હશે અને તારાં મનમાં ઉદ્દભવેલા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે.”સારંગે અહંકારથી કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.
…
હવે આગળ:
બીજે દિવસે સવારથી જ શાશ્વત અને પદમા તૈયારીઓમાં લાગી ગયાં.તેઓએ પંડિતજી પાસે મુહૂર્ત કઢાવ્યું.તેઓએ પખવાડિયા પછીનો સમય આપ્યો.
શાશ્વત અને પદમા રાજ્યાભિષેકમાં શું-શું કરવું એ વિશે વિચારી રહ્યા હતા.થોડાં વિચાર-વિમર્શ બાદ તેઓએ નક્કી કર્યું કે સૌ પ્રથમ તો પદમા અને તેની સખીઓ નૃત્ય દ્વારા રાજકુમાર સારંગને અભિનંદન પાઠવશે.એ ઉપરાંત રાજકુમાર સારંગ યોદ્ધા પ્રતિયોગીતાનાં વિજેતા હતાં અને તેઓને શસ્ત્ર-વિદ્યા અત્યંત પ્રિય હતી માટે બધા નૃત્ય પુર્ણ કરી લે ત્યાર બાદ શાશ્વત અને તેનાં સૈનિક મિત્રો શસ્ત્ર-વિદ્યાનું પ્રદર્શન કરી તેઓને શુભેચ્છાઓ આપશે અને અંતે પદમા તથા તેની સખીઓ અને શાશ્વત તથા તેના સૈનિક મિત્રો સાથે મળી યુદ્ધનાં થોડાં કૌશલ્યો દેખાડશે.
“પદમા,તું તારી સખીઓ સાથે નૃત્યની તૈયારીઓ કર, ત્યાં સુધી હું મહેલે જઇ આવું.”શાશ્વતે કહ્યું અને અન્ય તૈયારીઓ કરવાં મહેલે ગયો.પદમા પોતાની સખીઓ સાથે નૃત્ય કરવાં લાગી.
હવે રાજ્યાભિષેક આડે માત્ર ત્રણ દિવસ જ હતાં. તેનાં માટે મોટાં ભાગની તૈયારીઓ થઇ ગઇ હતી.પદમા અને રેવતી મેદાનમાં બેઠાં હતાં. ત્યાં શાશ્વત આવ્યો.
“પદમા,ચાલ આપણે શસ્ત્રોનાં વિવિધ કૌશલ્યો શીખી લઇએ.”
“રેવતી,આપણી સખીઓને બોલાવી લાવ.”પદમાએ કહ્યું.
“નહીં રેવતી, રહેવાં દે.”શાશ્વતે કહ્યું અને પદમા સામે જોયું.
“પદમાં,જો તારી સખીઓ મારી પાસેથી તાલીમ લેશે તો તેમને થોડો સંકોચ થશે અને તેમનો સંકોચ દુર થતાં થોડો સમય પણ લાગશે.પરંતુ આપણી પાસે પર્યાપ્ત સમય ન હોવાથી મારો વિચાર છે કે હું માત્ર તને જ શીખવી દવ.ત્યાર બાદ તું તારી સખીઓને શીખવી દેજે.”
“હા.”પદમાએ કહ્યું અને શાશ્વત પાસેથી તાલીમ લેવાં લાગી.પદમા આ પહેલા પણ શાશ્વત પાસેથી તલવાર અને બાણ ચલાવવાની તાલીમ લઈ ચુકી હતી તેથી તેનાં વિવિધ કૌશલ્યો શીખતાં બહુ સમય ન લાગ્યો પરંતુ ભાલો ફેકવાનું કૌશલ્ય તેનાં માટે નવું હતું તેથી તે શીખવામાં તેને થોડો સમય લાગી રહ્યો હતો.
શાશ્વતે પોતાનાં હાથમાં ભાલો લીધો. તેનાં પર પકડ મજબુત બનાવી થોડું આગળની તરફ ચાલ્યો અને નિશાન સાંધ્યું.ત્યાર બાદ પોતાની બાજુમાં પડેલ એક બીજો ભાલો પદમાને આપ્યો અને કહ્યું,
“પદમા,હવે તું પ્રયાસ કર.”
પદમાએ ભાલો મજબૂતાઇથી પકડ્યો.શાશ્વત તેનાથી થોડો દુર આગળની તરફ ઉભો રહ્યો. પદમાએ ભાલો ફેંકવા માટે પેશકદમી લીધી પરંતુ તેનો પગ તેની સામે પડેલ પથ્થર સાથે અથડાયો.તેનાં કારણે તેને પોતાનું સંતુલન ગુમાવ્યું.
“પદમા…”શાશ્વતે કહ્યું અને તેની મજબુત ભુજા વડે પદમાને પકડી લીધી.
“પદમા,ક્યાં ધ્યાન છે તારું?પથ્થર લાગી ગયો હોત તો?”શાશ્વતે પદમાને ઉભી કરી અને ક્રોધિત થઇને કહ્યું.
શાશ્વતનો ક્રોધ જોઇને પદમાએ મોં ફુલાવ્યું અને કહ્યું,
“ચાલ રેવતી, મારે આ ક્રોધી પાસેથી કઇ નથી શીખવું.”
શાશ્વત પોતાનું હાસ્ય રોકી પદમાને જતી જોઇ રહ્યો.
“પદમા,તું શા માટે ત્યાંથી ચાલી આવી?શાશ્વત સત્ય તો કહી રહ્યો હતો. તને એટલો મોટો પથ્થર ન દેખાયો?”રેવતીએ ચાલતાં-ચાલતાં જ પુછ્યું.
તેનાં ઉત્તરમાં પદમા મૌન રહી.એ જોઇને રેવતીએ કંઇક વિચાર્યું અને હસી.
“પદમા,શાશ્વત કેટલો બહાદુર છે નહીં?તેને માત્ર પોતાની એક ભુજા વડે જ તને પકડી લીધી.”રેવતીએ શાશ્વતની પ્રશંસા કરતાં કહ્યું.
“તું મારાં શાશ્વતની આટલી પ્રશંસા શા માટે કરી રહી છે?”
રેવતી ફરીથી હસી અને કહ્યું, “પદમા,તું ચિંતિત ન થા.મને તારાં શાશ્વતમાં નહીં પરંતુ રાજકુમાર સારંગમાં રસ છે.”
“એવું તો શું છે તેઓમાં કે તમે બધા તેની પ્રશંસા કરતાં થાકતાં નથી?”
“એ તો તે ક્યારેય તેઓને જોયા નથી એટલે કહે છે. તને ખબર છે રાજકુમાર સારંગ સુંદર તો છે જ પરંતુ એ ઉપરાંત તેઓ બહુ જ બહાદુર છે. મારી સખી કહેતી હતી કે ગઇ વખતે જે ‘યોદ્ધા’ સ્પર્ધા યોજાણી હતી તેમાં તેઓએ પોતાનાં કૌશલ્યોથી સૌ કોઈને અચંબિત કરી દીધાં હતાં.”
“જો એવું જ હોય તો તું પણ શસ્ત્રનાં કૌશલ્યોની તૈયારી શરૂ કરી દે ને.શું ખબર તેઓ પણ તારી સુંદરતા અને તારી બહાદુરી જોઈને તને પસંદ કરી લે.”પદમાએ હળવાશથી કહ્યું પરંતુ તેને ખબર નહોતી કે તેનાં બોલેલા આ શબ્દો સાચા પડવાના છે પરંતુ રેવતી નહીં તેનાં માટે.
...
એક પખવાડિયાનો સમય પુર્ણ થયો અને રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો.સારંગગઢની બધી જ પ્રજા મહેલનાં આંગણામાં ઉપસ્થિત હતી.પુરા રાજમહેલને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
“સારંગઢનાં વીર અને બહાદુર મહારાજ યુવરાજસિંહ પધારી રહ્યાં છે.”સેનાપતિ કલ્પે ઉલ્લાસથી કહ્યું.
પ્રાંગણમાં ઢોલ-નગારાઓ વાગવા લાગ્યાં.મહારાજ યુવરાજસિંહ, રાજકુમાર સારંગ અને રાજકુમાર વિદ્યુત પ્રાંગણમાં આવ્યાં. તેમનાં પર ફુલોની વર્ષા કરવામાં આવી.મહારાજ યુવરાજ અંતિમ વખત પોતાનાં સિંહાસન પર બેઠાં. તેઓની એક તરફ રાજકુમાર સારંગ બેઠાં અને અન્ય તરફ રાજકુમાર વિદ્યુત.બધાએ પોત-પોતાનું સ્થાન લઇ લીધું ત્યાર બાદ રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.
સૌપ્રથમ મહારાજ યુવરાજસિંહે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું અને ત્યાર બાદ કાર્યક્રમ શરૂ કરવાનું કહ્યું.
પદમા પોતાની સખીઓ સાથે પ્રાંગણમાં આવી.રાજકુમાર સારંગનું ધ્યાન તેનાં તરફ ગયું.તે પદમાને એકીટશે જોઇ રહ્યો.પદમાએ આછા આસમાની રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં. પોતાનાં લાંબા વાળને ચોટલમાં ગુથ્યા હતાં અને તેની શોભા વધારવા સફેદ ફુલોની વેણી નાખી હતી.તેણે પોતાની નાજુક બાહુમાં બાજુબંધ બાંધ્યો હતો અને પગમાં અદભુત રણકાર ઉત્પન્ન કરતાં જાંજર પહેર્યાં હતાં.તેણે લગાડેલ કાજલ તેની આંખોની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.
તે સૌથી આગળ ઉભી રહી. ત્યાર બાદ તેણે અને તેની સખીઓએ નમસ્કાર મુદ્રા દ્વારા બધાને પ્રણામ કર્યા.
ક્રમશઃ
....