Aa Janamni pele paar - 32 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૩૨

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૩૨

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૨

દિયાનનું આ વર્તન તેના માતા-પિતા અને સાસુ-સસરા માટે આંચકો આપનારું હતું. કોઇની સાથે કંઇ વાત કર્યા વગર તે અંદર જતો રહ્યો હતો. એ ઉપરાંત કોઇ સવાલ ન પૂછવાની તાકીદ કરીને ગયો હતો. બધાંને દિયાન પાછો ફર્યો એ વાતનો આનંદ હતો. પણ તે એકલો આવ્યો એનું દુ:ખ હતું. હેવાલી તેની સાથે કેમ આવી નથી એ સમજાતું હતું. બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. તે કોઇના સવાલોના જવાબ આપવા માગતો ન હતો કે પછી આપવા માટે સક્ષમ ન હતો. તેની મનોદશાને જોતાં બધાંએ આંખોથી જ પરસ્પર વાત કરી લીધી.

મનોહરભાઇ ઊભા થતાં બોલ્યા:'દિનકરભાઇ, કદાચ હેવાલી પણ ઘરે આવી ગઇ હશે. ત્યાં પહોંચીએ. તમે દિયાનને સંભાળો... અમે હેવાલી સાથે વાત કરીશું...'

'હા, અત્યારે તો એ જ રસ્તો છે. દિયાન ઘણો દુ:ખી લાગે છે. બંને એકસાથે રહે, એમનું લગ્નજીવન ચાલુ રહે એવો આપણો આશય એમના સુખ અને આનંદ માટે જ હતો. હવે એમને લગ્નજીવનમાં સુખ અને આઝાદી મળતા ના હોય તો આપણે શું કરી શકીએ?' દિનકરભાઇ મનોહરભાઇના ખભે હાથ મૂકતાં બોલ્યા.

'દિનકરભાઇ અને સુલુબહેન, અમારાથી કે અમારી છોકરીથી કોઇ ભૂલ થઇ હોય તો અમને માફ કરશો...' મનોહરભાઇનો અવાજ ગળગળો થઇ ગયો.

'જુઓ ભાઇ, ભૂલ કોઇની નથી. સમય અને સંજોગ કોની પાસે કેવો ખેલ કરાવે છે એ કોઇ કહી શકતું નથી. આપણે કઠપુતળી જેવા છે. અમે પણ એ આશા સાથે જ પ્રયત્ન કરીશું કે દિયાન- હેવાલીની જોડી અમર રહે...બંને સાત જન્મ સુધી એકબીજાના બનીને રહે...' દિનકરભાઇ આશ્વાસન આપતા હોય એમ બોલ્યા.

ચંદનબેન અને મનોહરભાઇ દુ:ખી હ્રદયે ગયા.

જેકેશ અને રતીના ક્યારનાય ચૂપ બેઠા હતા. દિયાને એમની તરફ નજર સુધ્ધાં નાખી ન હતી. સુલુબેન જેકેશની તરફ ફરીને બોલ્યા:'બેટા, તું જઇને મળી આવ. કદાચ એ તને કંઇક કહે એવું બની શકે...'

'આંટી, એની મનોદશા જોતાં હું કંઇ પૂછી શકું એમ નથી. એણે પહેલાંથી જ મને આ બાબતથી દૂર રહેવા અને કોઇને જાણ ન કરવા કહ્યું હતું...' જેકેશ પોતાની મજબૂરી વ્યક્ત કરતાં બોલ્યો.

'સુલુ, એની વાત સાચી છે. હમણાં બધું સમય પર છોડી દઇએ...' મનોહરભાઇ બોલ્યા.

જેકેશ અને રતીના 'ફરી મળીશું' કહીને નીકળી ગયા.

એકલા પડેલા સુલુબેનની આંખોમાં આંસુ હતા. એમને દિયાન અને હેવાલીની અલગ થવાની વાત હ્રદયમાં ખટકતી હતી.

***

દિયાન પોતાના બેડરૂમમાં આવ્યા પછી શૂન્યમનસ્ક થઇ ગયો હતો. કંઇ જ સૂઝતું ન હતું. શિનામિને તે પ્રેમ કરવા લાગ્યો હતો એવું એને લાગતું હતું પણ એ વાત ખરેખર સાચી હતી? દિયાન પોતાના જ દિલને જાણે પૂછી રહ્યો. બંગલામાં શિનામિ સાથે રહ્યા પછી તે ખુશ હતી અને એણે હવે મારા ઘરમાં જ રહેવાનું કહ્યું હતું. કદાચ હેવાલીને પણ મેવાને આવું જ કહ્યું હોવું જોઇએ. હું અને હેવાલી એકબીજા સાથે મળતા નથી. દિવસ દરમ્યાન મેવાન અને શિનામિ મળતા હોય એમ બની શકે? અમે એ બંનેને ક્યાંય શોધી શકીએ એમ નથી. રાત્રે જ એમની મુલાકાત થાય છે. આજે રાત્રે શિનામિને આ અંગે પૂછવું જોઇએ? દિયાન જાતને એક પછી એક સવાલ કરી રહ્યો હતો. તેને થયું કે હવે અહીં રહેવા આવી ગયો છે ત્યારે તે શિનામિની વાત કેટલો સમય છુપાવી શકશે? એક પ્રેત કે ભૂત સાથે આ જન્મ કેવી રીતે પૂરો થશે? રોજ રાત્રે ગયા જન્મની પત્ની સાથે સમય વીતાવવાનું સારું લાગતું હોય તો પણ દિવસનું અલગ જીવન કેવી રીતે જીવી શકાય?

દિયાનને માતા-પિતાનો વિચાર આવી રહ્યો હતો. એમણે કેટલી ખુશીથી પરણાવ્યો હતો. પોતાને પણ ક્યાં ખબર હતી કે જીવનમાં આવો વળાંક આવશે. પોતે આ જનમની પેલે પારના પાત્ર સાથે રહેવું પડશે. હેવાલીને દિલોજાનથી ચાહતો હોવા છતાં અગાઉના જન્મની પત્ની શિનામિએ પોતાનો હક હોવાનું કહ્યું હતું. એનું પ્રેત પ્રેમાળ છે. એની વાતો સાચી છે. એને ગયા જન્મમાં જન્મોજનમના સાથનું વચન આપ્યું હતું. હેવાલીને પણ એવું જ વચન આપ્યું હતું. હેવાલીનો કોઇ વાંક ન હતો. હેવાલીએ ઘરમાં પુત્રવધુ તરીકે નહીં પુત્રી હોય એમ માતા-પિતાની સેવા શરૂ કરી હતી. દિયાન ઘણીવાર સુધી વિચારતો રહ્યો. તેને જાતજાતના વિચારો આવતા રહ્યા. લાંબું વિચારીને તેણે એક નિર્ણય લીધો અને બેડરૂમમાંથી બહાર નીકળ્યો.

ક્રમશ: