Sath Taro in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાથ તારો

Featured Books
Categories
Share

સાથ તારો

આજે કેમ અખિલેશને આવવામાં આટલું બધું મોડું થઈ ગયું. નિહારિકા સતત તેની રાહ જોઈ રહી હતી અને મનમાં ને મનમાં બબડી રહી હતી.

દરરોજ નિહારિકાની સવાર અખિલેશના આગમન સાથે જ થતી. સવાર પડે એટલે તે અખિલેશની ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ રાહ જોતી હોય બસ, છેલ્લા એક મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો.

સવાર પડે એટલે અખિલેશ આવે નિહારિકાને બ્રશ કરાવે અને નિહારિકા માટે એલચીવાળી ગરમાગરમ સુંદર ચા બનાવે અને પછી બંને સાથે બેસીને ચા પીવે ત્યારબાદ અખિલેશ નિહારિકાને હાથ પગ મોં ધોવડાવે અને કપડા બદલાવે અથવા તો દર બે કે ત્રણ દિવસ પછી તેને સરસ માલિશ કરીને નવડાવે અને સુંદર કપડાં પહેરાવીને તૈયાર કરે અને પછી બે મિનિટ તેની સામે એકીટશે જોઈ રહે અને પછી તેની તારીફ કરતાં બોલે કે, "હવે મારી રાણી એકદમ રૂડી રૂપાળી લાગે છે બસ, તારે ડિયર રોજે આવું તૈયાર રહેવાનું તો મને બહુ ગમે." અને બંને એકબીજાની આંખોમાં જોઈ રહેતાં અને ખુશ થતાં. ત્યારબાદ બંને સાથે બેસીને થોડા ગપ્પા મારે...

દરરોજ જ્યારે અખિલેશ નિહારિકાની સાથે વાત કરવા માટે બેસે ત્યારે નિહારિકા તેને એક જ રીક્વેસ્ટ કરે કે, "અખિલેશ મારી વાત સાંભળ, હજી તો ડૉક્ટર સાહેબે મને ત્રણ મહિના બિલકુલ રેસ્ટ કરવાનું કહ્યું છે અને તે પછી પણ હું નોર્મલ થઈશ કે નહીં, મને બિલકુલ સારું થશે કે નહીં તેની મને કે તને કે ડૉક્ટર સાહેબને કોઈને ખબર નથી તો પછી તું મારી વાત માની જા અને મને છોડી દે અને કોઈ સારી, સુંદર અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી લે જે તારી મમ્મીની પણ સેવા-ચાકરી કરે.

અને નિહારિકાની આ વાત સાંભળીને અખિલેશ થોડો અકળાઈ જતો અને નિહારિકાને કહેતો કે, " તું ગમે તેટલી વખત આ એકની એક વાત મને કહ્યા કરીશ પણ હું તારી વાત જરાપણ સાંભળવાનો નથી અને લગ્ન કરીશ તો હું તારી સાથે જ કરીશ, નિહારિકા મેં તારા જેવી બોલ્ડ અને બ્યુટીફુલ છોકરી ક્યાંય જોઈ નથી. પહેલી જ વાર જ્યારે કંપનીમાં જોઈ ત્યારે જ તું મને ખૂબજ ગમી ગઈ હતી અને પછી તો તારે મારા હાથ નીચે ટ્રેઈનીંગ લેવાની થઈ એટલે હું ખૂબજ ખુશ થઈ ગયો હતો અને બસ પછી તો આપણી મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેની મને ખબર જ ન પડી. ધીમે ધીમે મને જાણે તારી આદત પડતી ગઈ, પપ્પાનું હું નાનો હતો ત્યારે જ અવસાન થઈ ચૂક્યું હતું મમ્મીએ એકલે હાથે મારી પરવરિશ કરીને મને એન્જિનિયર બનાવ્યો, આપણી કંપનીમાં મને સરસ જોબ મળી ગઈ અને હવે તું મને મળી ગઈ છે. મારા અને તારા કરતાં વધારે તું મારી મમ્મીનો ખ્યાલ રાખે છે. એ પણ તારી સાથે ખૂબ ખુશ છે. અને હું તને અનહદ પ્રેમ કરું છું. તને છોડીને બીજા કોઈની સાથે જિંદગીની નવે સરથી શરૂઆત હું કદી નહીં કરી શકું માટે આજે તું આ શબ્દો બોલી એ બોલી આ જ પછી તારે કદીપણ એવું વિચારવાનું પણ નથી કે તને સારું નહીં થાય બરાબર ? મેં ડૉ.સુમન મહેતા સાથે વાત કરી લીધી છે. તારી ઉંમર નાની છે એટલે તને સારું સો એ સો ટકા થઈ જ જશે. ફક્ત થોડો સમય લાગશે અને હું તે સમયની રાહ જોઈશ. બીજી તને શું તકલીફ છે ? તું કંપનીના કામે જ મી.વિરલ બલસારાને મળવા જતી હતી અને રસ્તામાં તારો એક્સિડન્ટ થઈ ગયો છે. તને બ્રેઈન સ્ટ્રોક વાગ્યો છે પરંતુ તારી હાલત એટલી બધી ખરાબ નથી કે તને સારું ન જ થાય. ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે આરામ અને રેગ્યુલર દવા લેવાથી આ તકલીફમાં બિલકુલ સારું થઈ જાય છે માટે તું જરાપણ ચિંતા ન કરીશ. શાંતિથી આરામ કર અને પોઝીટીવ વિચાર. તો તને જલ્દીથી સારું થઈ જાય. ઓકે માય ડિયર..." અને અખિલેશે પોતાની નિહારિકાને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેને કીસ કરવા લાગ્યો.
ત્યારબાદ અખિલેશ પોતાની જોબ ઉપર જવા માટે નીકળી ગયો અને નિહારિકા પોતાની માળા હાથમાં લઈને ભગવાનનું નામ લેવા બેસી ગઈ.

નિહારિકા એક અનાથ છોકરી હતી. તેના દૂરના મામાએ જ તેને ભણાવી ગણાવીને મોટી કરી હતી. પહેલેથી જ માતા પિતાના પ્રેમથી વંચિત રહેલી એટલે પોતાના માણસો અને તેમના પ્રેમ માટે તે જીવનભર તરસતી રહી. ભણવામાં ખૂબજ હોંશિયાર નિહારિકા પણ એન્જિનિયર બની અને અખિલેશની કંપનીમાં જ તેને જોબ મળી અને ત્યાં તેની મુલાકાત અખિલેશ સાથે થઈ. બંને વચ્ચે પ્રેમની ગાંઠ બંધાઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
પરંતુ એક દિવસ નિહારિકા પોતાની કંપનીના કામે બીજી કંપનીના મેનેજર સાથે મીટીંગ કરવા માટે જઈ રહી હતી અને રસ્તામાં તેનો સ્કુટર એક્સિડન્ટ થયો. માથું પછડાવાને કારણે તેને બ્રેઈન સ્ટ્રોક વાગી ગયો.
દશ દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી તેને ઘરે લાવવામાં આવી.

********************

બરાબર બે મહિના પછી...
અખિલેશ દરરોજની જેમ સવારમાં આવી ગયો. હવે નિહારિકાને બિલકુલ સારું હતું તેથી તે જાતે જ ઉઠી જતી અને ફર્સ્ટ ક્લાસ એલચીવાળી ચા બનાવી લેતી. અખિલેશ અને નિહારિકા બંનેએ સાથે બેસીને ચા પીધી અને પછી અખિલેશ નિહારિકાને લઈને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબે નિહારિકાને ચેકઅપ કરીને કહ્યું કે, હવે તે બિલકુલ ઓકે છે અને પોતાની જોબ ઉપર પણ પાછી જઈ શકે છે. નિહારિકા અને અખિલેશ બંને ખૂબજ ખુશ થઈ ગયા. અને થોડાક જ દિવસોમાં બંને સાદાઈથી મંદિરમાં પરણી ગયા. ધીરજના ફળ મીઠાં.

કોઈનો પ્રેમ, હૂંફ અને સાચો સાથ મળે તો માણસના જીવનમાં ન ધારેલું પણ બની શકે છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9 /5/22