રાશી નાં અપહરણ અને હત્યા માટે જવાબદાર પરિતોષ અને નરેશ તથા તેમના અન્ય સાગરીતો પકડાઈ ગયા હતા તેમ છતા રાશી નાં અપહરણ માટે પરિતોષ નાં ભાઈ સંતોષ ને પાંચ લાખ રૂપિયા આપનાર વ્યક્તિ અને સંતોષ ને પકડવા તે હજુ પોલીસ માટે પડકાર રૂપ બનવા નું હતું.
__________
પરિતોષ અને નરેશ પાસે થી સંતોષ યાદવ નાં અન્ય ઠેકાણા નાં સરનામા લીધા અને ત્યાં છાપા મારવામાં આવતા તેમની ગેંગ નાં અન્ય માણસો પણ હાથ માં આવી ગયા તેમ છતાં સંતોષ યાદવ હજુ ફરાર હતો અને જ્યાં સુધી સંતોષ હાથ માં નાં આવે ત્યાં સુધી તે વ્યક્તિ કે જેણે રાશી નાં અપહરણ માટે સંતોષ ને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા તેના સુધી પહોંચવું અશક્ય હતું.
__________
આ દરમિયાન મીડિયા માં રાશી નાં અપહરણ અને હત્યા કેસ સોલ્વ થઈ ગયા નાં સમાચાર ફરી રહ્યા હતા. અમિતાભે મીડિયા ને સંતોષ અને પેલા વ્યક્તિ ની વાત જાણી જોઈ ને કહી ના હતી કારણકે અમિતાભ તે વ્યક્તિ કે જે સાચો કીડનેપર હતો તેના સુધી એવો મેસેજ મોકલવા માગતો હતો કે પોલીસ ને તેના વિશે કંઈ જ ખબર નથી અને બની શકે કે કદાચ તે ગાફેલ રહી ને કોઈ ભૂલ કરે. અમિતાભે મીડિયા માં કહ્યું હતું કે પરિતોષ જ ઘટના નો સાચો માસ્ટર માઇન્ડ છે અને તેણે તથા તેના સાગરીતો એ રાશી નું રૂપિયા માટે અપહરણ કરાવ્યું હતું, અને ત્યાર બાદ તેના સાગરીત થી તેના બળાત્કાર અને હત્યા થઈ ગયા ની બાકી ની બધી વાતો જણાવી હતી.
__________
બીજે દિવસે સવાર નાં સાડા દસ થયા હતા અને અમિતાભ તથા અભિમન્યુ સવાર ની આ બીજી ચા પી રહ્યા હતા. થોડી વાર કોઈ કંઈ ના બોલ્યું ત્યાર બાદ શાંતિ ને ચિરતા અભિમન્યુ એ બોલવા નું શરુ કર્યું, " સર, હવે આપણે શું કરીશું? સંતોષ તો આપણા હાથ માં ના આવ્યો, અને જ્યાં સુધી એ નહિ પકડાય ત્યાં સુધી આપણે કેસ માં આગળ કેમ વધીશું? મને તો કંઈ સૂઝતું નથી."
અભિમન્યુ નાં ચિંતા થી ભરેલા આવા શબ્દો સાંભળ્યા બાદ અમિતાભે કહ્યું, "અભિમન્યુ, ગુન્હા શોધન નો એક બેઝિક સિદ્ધાંત યાદ રાખજે કે ક્યારેય કોઈ એક ગવાહ, સબૂત કે પુરાવા નાં આધારે તમારી તપાસ ને આગળ નહિ વધારવા ની. એક સાચો ગુન્હા શોધક હંમેશા વિવિધ પુરાવાઓ ને આધારે કેસ માં આગળ વધવાની વૃત્તિ ધરાવતો હોવો જોઈએ." અમિતાભ ની આવી ધીરજ ભરેલી વાતો થી જાણે અભિમન્યુ માં એક નવી ઊર્જા નો સંચાર થયો હતો.
અમિતાભે આગળ કહ્યું, "હું ક્યારનો એ વિચારું છું કે તે વ્યક્તિ એ રાશી ને પેલા અપહરણ કરાવી અને ત્યાર બાદ તેના બદલામાં પાંચ લાખ રૂપિયા પણ આપ્યા પરંતુ તેણે તે અપહરણકારો પાસેથી રાશી નો કબ્જો લેવા ની ના શા માટે પાડી હશે?"
"એ વાત તો મને પણ નથી સમજાતી સર. પેલા તેણે જ પરિતોષ ને કહી તેનું અપહરણ કરાવ્યું અને ત્યાર બાદ ના કહી દીધી." અભિમન્યુ એ અસમંજસ સ્થિતિ ને ઉજાગર કરતા કહ્યું.
અમિતાભે કહ્યું, "કંઈ વાંધો નહિ. એ તો સત્ય જે કંઈ પણ હશે તે આપણે શોધી ને જ રહીશું. બાય ધ વે અભિમન્યુ, ઋષિકેશ કેસ માં કઈ મૂવમેન્ટ? તેમના મમ્મી પપ્પા ને કોઈ ખંડણી નો ફોન કે અન્ય કઈ ધાક ધમકી ભરેલો ફોન?"
"નો સર, ઋષિકેશ નાં કોઈ જ સમાચાર નથી. વિનોદ અને બીના બંને ના ફોન આપણી રડાર માં જ છે, ઉપરાંત તેમના ઘરે પણ આપણા બે કોન્સ્ટેબલ સાદા ડ્રેસ માં ચોવીસ કલાક ધ્યાન રાખી ને બેઠા છે, પણ કોઈ જ હિલચાલ જોવા નથી મળી." અભિમન્યુ એ કહ્યું.
અમિતાભે કહ્યું, "મે તને ઋષિકેશ ની આઇ. ટી.આઇ ની બહાર ના ફૂટેજ મંગાવવા નું કહ્યું હતું તેનું શું થયું?"
અભિમન્યુ એ કહ્યું, "સર, એ આજ સાંજ સુધી માં આવી જશે. સર, મને એક બીજો વિચાર પણ આવે છે." અભિમન્યુ ની વાત સાંભળી અમિતાભ થોડો ચોંક્યો. અભિમન્યુ શું કહેવા માગતો હતો?
અમિતાભે કહ્યું, "બોલ ને અભિમન્યુ તને શું લાગે છે? જે કંઈ પણ વિચારો આવે એ બિન્દાસ શેર કરજે. બની શકે કે આપણા કેસ નું સમાધાન કોઈ નવા જ વિચારો માં છુપાયેલું હોય."
(અમિતાભ તરફ થી મળતું આ પ્રકાર નું પ્રોત્સાહન જ ખરા અર્થ માં ભવિષ્ય માટે નાં બાહોશ પોલીસ અધિકારીઓ બનાવી શકવા ને સમર્થ હોય છે. કાશ આ પ્રકાર નું પ્રોત્સાહન દરેક સરકારી અધિકારીઓ તેમની નીચે નાં કર્મચારીઓ ને જો આપતા થઈ જાય તો આપણા દેશ નું સરકારી તંત્ર ખરા અર્થ માં શક્રિય અને કાર્યક્ષમ બની જાય.)
અમિતાભ તરફ થી પ્રોત્સાહન મળતા અભિમન્યુ એ કહ્યું, "સર, હું વિચારી રહ્યો છું કે એવું ના બની શકે કે આ બે કેસ સિવાય પણ બીજા કીડનેપિંગ નાં કેસ આ બે કેસ સાથે સંકળાયેલ હોય?"
અમિતાભ થોડો આશ્ચર્ય માં હતો. "અભિમન્યુ, સ્પષ્ટ રીતે કહે તું કહેવા શું માગે છે? શું તને એમ લાગે છે કે રાશી અને ઋષિકેશ નાં કિડનેપિંગ નાં કેસ એકબીજા જોડે સંબંધ ધરાવે છે? અને આના જેવા હજુ બીજા પણ કેસ હોય શકે એમ? અને તું આવું શેના આધારે કહેવા માગે છે?"
અમિતાભ નાં સવાલો પર થોડું વિચારી રહ્યા બાદ અભિમન્યુ એ કહ્યું, "સર, ખબર નહિ પણ મને એવું મન માં આવ્યું તો કહ્યું. બાકી કોઈ આધાર પુરાવાઓ તો એ દિશા માં કઈ છે નહિ."
અમિતાભે કહ્યું, "અભિમન્યુ, ભલે તે આમ જ કહ્યું. પણ તારી શંકા ને સાવ જ રૂલ આઉટ કરવા જેવી નથી. ભલે તારી વાત માં કદાચ એક ટકા યે જો તથ્ય હોય તો પણ તેને ચકાસી જોઈએ. તું એક કામ કર આખા જિલ્લા માં છેલ્લા ચાર થી પાંચ મહિના માં જેટલા આ પ્રકાર ના કીડનેપિંગ નાં અથવા તો કિશોર વયના છોકરા કે છોકરી ગાયબ થયા હોય તેની માહિતી કઢાવ. આમ પણ હાલ આપણી પાસે બીજી કોઈ લીડ તો છે નહિ તો આ પણ જોઈ લઈએ."
__________
એ જ દિવસે સાંજે ઋષિકેશ કેસ માં આઇ.ટી.આઇ. નાં બહાર નાં ચાર રસ્તા પાસે નાં સીસીટીવી નાં રેકોર્ડ આવી ગયા હતા. અમિતાભ અને અભિમન્યુ બંને બેઠા હતા અને એક પછી એક ફૂટેજ ચકાસી રહ્યા હતા. એવામાં એક ફૂટેજ જોતા જ અમિતાભે અભિમન્યુ ને વિડિયો અટકાવવા કહ્યું. આઇ.ટી.આઇ. માં થી બહાર નીકળી હતી તેવી જ એક સફેદ સ્વિફ્ટ ગાડી સિગ્નલ પાસે ઊભી હતી અને તેમાં ઋષિકેશ આગળ ડ્રાઈવર સીટ ની બાજુ માં બેઠેલો દેખાયો. પરંતુ ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિ નો ચેહરો દેખાતો ના હતો. એટલે અમિતાભે બીજા એંગલ નાં ફૂટેજ લગાવવા કહ્યું. આ વખતે કિસ્મત તે બંને નો સાથ આપી રહી હતી. ડ્રાઈવર સીટ પર બેઠેલો વ્યક્તિ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો.
અમિતાભ ખુશ થતા બોલ્યો, "અભિમન્યુ આખરે આપણી મેહનત કંઇક રંગ લાવી ખરી." આમ કહી અમિતાભે અભિમન્યુ ને તે વ્યક્તિ ની ફોટો પ્રિન્ટ કાઢવા નું કહ્યું. થોડી જ વાર માં તે વ્યક્તિ ની બે અલગ અલગ ફોટો પ્રિન્ટ અમિતાભ નાં હાથ માં હતી.
અમિતાભે જોયું કે સફેદ રંગ ની જાડી અને ઘાટી દાઢી અને ફૂલ સાઇઝ નાં કાળા ગોગલ્સ તથા માથા પર મોટી બ્રાઉન કલર ની હેટ પહેરેલ એક વ્યક્તિ બંને ફોટો માં દેખાઈ રહ્યો હતો જેની સાથે ઋષિકેશ આગળ ની સીટ પર એકદમ જ નિરાતે બેઠો હતો. તેનો અર્થ એ થાય કે ઋષિકેશ તેની મરજી થી ક્યાંક જઈ રહ્યો હતો.
અમિતાભે અભિમન્યુ ને કહ્યું કે, "આવતી કાલે સવારે જ ઋષિકેશ ની આઇ.ટી.આઇ. પર એક કોન્સ્ટેબલ ને લઈ ને જજે અને ત્યાં આ વ્યક્તિ વિશે તપાસ કરજે. બની શકે કે ત્યાંનો કોઈ સ્ટાફ હોય અને બાઈક માં પંચર પડતા તેની મદદ ઋષિકેશ એ લીધી હોય અને તેની જોડે ક્યાંક ગયો હોય. હું પણ કાલે બીના અને વિનોદ ને ઘરે જઈ ને આ વ્યક્તિ નો ફોટો બતાવી જોવ, બની શકે કે તેમના કોઈ ઓળખીતા કે સંબંધી માં થી કોઈ આ વ્યક્તિ હોય. અને કાં પછી..." આટલું બોલી અમિતાભ અટક્યો.
અભિમન્યુ સમજી ગયો કે અમિતાભ આગળ શું કહેવા માગતો હતો કે કાં પછી તે વ્યક્તિ કિડનેપર જ હોય.
__________
આ બાજુ શહેર નાં કોઈ એક ખૂણે એક મકાન માં એક બંધ રૂમ માં બે ખુરશીઓ પર બે કિશોર અવસ્થા નાં છોકરાઓ ને બાંધી ને રાખવા માં આવ્યા હતા. બંને નાં મો પર પટ્ટી બાંધી ને રાખી હતી જેથી તેઓ કઈ રાડારાડ ના કરી શકે, જોકે તેમ થવાના ચાન્સ બહુ ઓછાં હતા કારણકે બંને નાં હાથ માં સિરિંજ દ્વારા કઈક દવા કે ડ્રગ તેના શરીર માં નખાયા નાં ઘણા નાના નાના ડોટ દેખાઈ રહ્યા હતા, અને બંને કિશોરો નશા ની હાલત માં જણાતા હતા અને તેમનું શરીર પણ તેમનો સાથ આપી રહ્યું ના હતું. એક એકલવડો બાંધો ધરાવતો ઊંચો વ્યક્તિ ત્યાં બાજુ માં જ બેઠો હતો અને કઈક વાંચી રહ્યો હતો, આ તેજ વ્યક્તિ હતો કે જેની ગાડી માં ઋષિકેશ બેઠો હતો.
__________
બીજે દિવસે સવારે સાડા અગિયાર થયા હતા, અમિતાભ વિનોદ અને બીના ને પેલા વ્યક્તિ નો ફોટો બતાવવા માટે કોલ કર્યો પરંતુ તે બંને શહેર થી બહાર કોઈ કામ થી ગયા હતા સાંજે આવી જવાના હતા આથી અમિતાભે તેમને બીજે દિવસે સવારે સમય કાઢી પોલીસ સ્ટેશન એ આવી અને તે વ્યક્તિ ની ઓળખ માટે આવવા કહ્યું હતું. અમિતાભે ધાર્યું હોત તો ફોટો વોટસએપ કરી ને પણ ઓળખ કરાવી શક્યો હતો પણ અમિતાભ આ બધી બાબત માં બહુ જ સ્માર્ટ હતો. તે હંમેશા ઓળખ વિધિ કરાવતી વખતે સામે વાળા નાં ચેહરા નાં હાવભાવ માં બહુ જ વિશ્વાસ ધરાવતો હતો. તેનું માનવું હતું કે વ્યક્તિ જીભે થી ખોટું બોલી શકે પરંતુ જીભ ની સાથે ચેહરો ઘણી વાર સાથ ના પણ આપે અને તેથી ઘણીવાર જે સત્ય જીભ છુપાવતી હોય તે ચેહરો બતાવી પણ આપે.
આ બાજુ હજુ અભિમન્યુ આવ્યો નાં હતો આથી અમિતાભ બીજા કોઈ કેસ ની ડીટેઈલ તપાસી રહ્યો. થોડી વાર થઈ અને ત્યાં જ એક કોન્સ્ટેબલ એ આવી ને કહ્યું, "સર, હમણાં કંટ્રોલ રૂમ માં થી ફોન હતો. કોઈ અજાણી વ્યક્તિ એ કંટ્રોલ રૂમ માં ફોન કરી ને સંતોષ યાદવ કાલાવડ ગામ માં ક્યાંક છુપાયો હોવાની માહિતી આપી છે."
અમિતાભ તેના ટેબલ પર ખુશી થી હાથ પછાડતા બોલ્યો, "યેસ, આખરે એ નાલાયક હાથ માં આવી જ ગયો." આમ કહી અમિતાભે તે કોંસ્ટેબલ ને ટીમ ને તૈયાર રહેવા નું સૂચન આપ્યું. અભિમન્યુ કામ માં ગયો હોવાથી તેને ડિસ્ટર્બ કરવો અમિતાભ ને યોગ્ય નાં લાગ્યું આથી તેણે સબ ઇન્સ્પેકટર પુષ્કર રાઠવા ને બોલાવ્યો અને તેને સૂચના આપી કે, " પુષ્કર, ખબર મળ્યા છે કે રાશી અપહરણ અને હત્યા કેસ નો મુખ્ય સૂત્રધાર સંતોષ યાદવ કાલાવડ ગામ ખાતે ક્યાંક છુપાયો છે. આપણે બે ટીમ લઈ ને ત્યાં જવા માટે રવાના થઈશું. એક ટીમ ને તું લીડ કરીશ અને બીજી ટીમ ને હું લીડ કરીશ. ત્યાં સુધી માં હું કાલાવડ ખાતે નાં પી.આઇ. હરીશ પંચોલી કે જે મારા ખાસ મિત્ર છે તેમને એક બેકઅપ ટીમ તૈયાર રાખવા માટે કહી દવ છું. આ સંતોષ યાદવ ગુન્હા ની દુનિયામાં એક જૂનો જોગી છે. બની શકે કે તેની અને તેના સાગરીતો પાસે હથિયાર પણ હોય, આપણે કોઈ ચાન્સ લેવા નથી માંગતા. તું તારી ટીમ તૈયાર કર. આપણે પંદર મિનિટ માં જ નીકળીએ છીએ."
પુષ્કર ને સૂચના આપી ને અમિતાભે તરત જ અભિમન્યુ ને ફોન લગાવ્યો. સામે છેડે અભિમન્યુ એ ફોન ઉપાડ્યો અને કહ્યું, "જય હિન્દ સર."
અમિતાભે તેને સંતોષ નાં કાલાવડ માં હોવાની અને તે તથા પુષ્કર બે ટીમ લઈ ત્યાં નીકળવા રવાના થતાં હોવાનું કહ્યું. અભિમન્યુ એ કહ્યું, "સર, મારે બસ કામ પૂરું થવામાં જ છે, હું પણ આપની સાથે આવું છું."
પરંતુ અમિતાભે તેને કહ્યું કે, "ના અભિમન્યુ, તું તારું કામ નિરાતે પૂરું કર. અમે બસ હમણાં જ નીકળીએ છીએ. સાંજ સુધી માં તો અમે સંતોષ ને લઈ ને પાછા આવી જઈશું. ચાલ બાય અભિમન્યુ."
અભિમન્યુ વિલા મોઢે બોલ્યો, "બાય સર. આપનું ધ્યાન રાખજો. જય હિન્દ સર." આટલું કહી અભિમન્યુ નો ચેહરો સાવ જ ઉતરી ગયો હતો. તે અમિતાભ ને આ રીતે એકલો જવા દેવા માંગતો ના હતો. તેને પોતાની જાત પર ખીજ ચડી રહી હતી કે શા માટે તે આ સમયે પોલીસ સ્ટેશન માં હાજર ના હતો.
__________
સાંજે અભિમન્યુ પોલીસ સ્ટેશન માં અમિતાભ અને બીજા લોકો ની આવવા ની રાહ જોઈ જ રહ્યો હતો ત્યાં જ પુષ્કર દાખલ થયો. તેના ચેહરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અભિમન્યુ અધીરાઈ થી ઉભો થતાં બોલ્યો, "પુષ્કર, આવી ગયા તમે લોકો? થેંક ગોડ. હું ક્યારનો તમારી અને અમિતાભ સર ની ચિંતા કરી રહ્યો હતો કે હજુ સુધી આવ્યા કેમ નહિ હોય. સંતોષ પકડાય ગયો? અને અમિતાભ સર ક્યાં એ નથી આવ્યા તારી સાથે?"
અભિમન્યુ નાં આટલા બધા સવાલો એક સાથે સાંભળી રહ્યા બાદ પુષ્કર થોડા નરમ અવાજે બોલ્યો, "હા અભિમન્યુ, સંતોષ યાદવ પકડાય ગયો અને તેના બે સાગરીતો સામસામા ગોળીબાર માં મૃત્યુ પામ્યા. પરંતુ..." આટલું બોલતા પુષ્કર નો અવાજ સાવ જ બેસી ગયો અને તે નીચું જોઈ ગયો.
પુષ્કર ની વાત સાંભળી અભિમન્યુ ને કઈક અજુગતું બન્યા ના જાણે સંકેત મળી રહ્યા હોય તેમ તે અધીરો થતો બોલ્યો, "પણ શું પુષ્કર? અને અમિતાભ સર ક્યાં છે? તેમને કઈ થયું તો નથી?" મન ની શંકા ને શબ્દો રૂપે વ્યક્ત કરતો અભિમન્યુ બોલ્યો.
પુષ્કર એ હૈયા પર ભાર વ્યક્ત કરતા સ્વરે કહ્યું, "સામસામા ગોળીબાર માં આપણા અમિતાભ સર ને એક હાથ માં અને એક પેટ નાં ભાગે એમ બે ગોળીઓ વાગી ગઈ." હજુ તો પુષ્કર આ વાક્ય પૂરું કરે ત્યાં જ અભિમન્યુ નાના બાળક ની જેમ ચોધાર આંસુ એ રડવા માંડ્યો.
_________
શું અમિતાભ નાં આ ઘાવ તેના માટે જીવલેણ સાબિત થશે?
સંતોષ નાં પકડાયા બાદ શું સાચો કીડનેપર હાથ માં આવી જશે?
કેવિન અને ઋષિકેશ નો કીડનેપર શું એક જ હશે?
જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.