કેવિન અને રાશી નાં અપહરણ બાદ રાશી ની હત્યા થઈ જતા તેની તપાસ માં ઉતર પ્રદેશ નાં અપહરણકાર પરિતોષ યાદવ નું નામ બહાર આવે છે જે ભાગી ગયો હોય છે. અમિતાભ પંડિત તેને પકડી પાડવા જમીન આકાશ એક કરવા માં લાગી જાય છે. હવે આગળ...
__________
રાશી નાં અપહરણ અને હત્યા ને આજે એક અઠવાડિયા કરતા પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં અમિતાભ અને પોલીસ ને પરિતોષ યાદવ ને પકડવામાં સફળતા નથી મળી. આખા શહેર માં મીડિયા અને લોકો માં પોલીસ ની નિષ્ક્રિયતા ઉપર ગુસ્સો અને આક્રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા અમિતાભ ને રાશી હત્યા કેસ ટોપ પ્રાયોરિટી માં લેવાની સૂચના અપાઇ ગઇ છે. આ બધુ ચાલી રહ્યું છે ત્યારે જ શહેર નાં આજીડેમ રોડ પર આવેલી પોલી ટેકનિક કોલેજ ખાતે વધુ એક ગુન્હો પોતાનો પગપેસારો કરી રહ્યો હતો.
__________
મંગળ વાર નો દિવસ છે. ૧૬ વર્ષીય ઋષિકેશ શહેર નાં આજીડેમ રોડ પર આવેલી આઈ. ટી.આઈ. ખાતે ઇલેક્ટ્રિક ફિટિંગ નો કોર્ષ કરે છે. આમ તો કોર્ષ નું એક વર્ષ પૂરું થઈ ગયું હતું એટલે હાલ માં વેકેશન ચાલી રહ્યું હતું પરંતુ ઋષિકેશ ને કેટલાક અસાઈનમેન્ટ જમાં કરાવવા નાં હોવાથી તે આઈ. ટી.આઈ ખાતે આવ્યો હતો. સવાર નાં સાડા અગિયાર નો સમય થયો હતો અને ઋષિકેશ ઇલેક્ટ્રિક વિભાગ નાં ચૌહાણ સર ની રાહ જોતો ડિપાર્ટમેન્ટ માં બેઠો હતો. વેકેશન નો સમય હોવાથી માણસો ની અવર જવર નહિ જેવી હતી.
એ જ સમયે આઈ. ટી. આઈ. નાં પાર્કિંગ ખાતે કે જ્યાં ઋષિકેશ એ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું ત્યાં કોઈ વ્યક્તિ કોઈ જોવે નહિ એ રીતે ઋષિકેશ નાં બાઈક માં પંકચર કરી રહ્યો હતો. થોડી વાર બાદ જ એ વ્યક્તિ ઋષિકેશ નાં બહાર આવવા ની રાહ જોતો પોતાની સફેદ સ્વિફ્ટ ગાડી માં બેસી રહ્યો. જાડી અને ઘાટી સફેદ દાઢી તથા માથા પર હેટ પહેરેલી હતી અને કાળા ગોગલ્સ લગાવેલા હતા. ૬ ફૂટ ની હાઇટ તથા ઊંચો એકવડિયો બાંધો હતો.
આ બાજુ દોઢ વાગવા આવી રહ્યા હતા, બે કલાક રાહ જોઈ છતાં હજુ ચૌહાણ સર આવ્યા નહતા. આખરે કંટાળી ને ઋષિકેશ એવું વિચારી ને બહાર આવ્યો કે બીજે દિવસે એ અસાઈનમેન્ટ જમાં કરાવી દેસે. બહાર પાર્કિંગ માં આવી ને જેવું તેણે બાઈક ચાલુ કર્યું ત્યાં તેનું ધ્યાન બાઈક નાં ટાયર તરફ ગયું જે પંક્ચર થઈ ગયું હતું. ગુસ્સા થી હાથ પછાડતો ઋષિકેશ મન માં ને મન માં બોલ્યો, "સાલો આજ નો દિવસ જ ખરાબ છે, સવાર સવાર માં મમ્મી અને પપ્પા જોડે માથાકૂટ થઇ, ચૌહાણ સર યે ના મળ્યા અને હવે આ બાઈક માં પંકચર ની નવી ઉપાધિ." આમ બોલી તેણે સહેજ આજુ બાજુ જોયું કદાચ કોઈ મિત્ર કે જાણીતું મળી જાય તો તેની સાથે જઈ ને મિકેનીક ને લઈ આવી શકે કારણકે ગેરેજ રીપેરીંગની દુકાન ઘણી દૂર હતી.
આજુબાજુ માં કોઈ નાં દેખાયું આથી તે પાર્કિંગ વિસ્તાર માં થી થોડો બહાર આવ્યો. ઋષિકેશ ની આ હરકત ને દૂર થી નિહાળી રહેલો માણસ જેવો ઋષિકેશ ને બહાર આવતા જોયોંકે તરત જ ગાડી ચાલુ કરી ને ઋષિકેશ ની બાજુ માં થી પસાર થયો અને ગાડી ધીમી પાડી. ઋષિકેશ એ જેવું જોયું કે ગાડી ધીમી પડી છે તરત જ તેણે અંદર બેઠેલા પેલા વ્યક્તિ ને પૂછ્યું કે, "અંકલ, પ્લીઝ તમે મારી થોડી હેલ્પ કરશો? મારા બાઈક નું ટાયર પંકચર થઈ ગયું છે અને અહી થી ગેરેજ ઘણું દૂર છે. ઇફ યુ ડોન્ટ માઈન્ડ શું મને ગેરેજ વાળા ની દુકાન સુધી લિફ્ટ આપી શકશો? ત્યાંથી પછી હું મિકેનિક ની સાથે અહી આવી જઈશ. પ્લીઝ અંકલ!"
પેલા પુરૂષે બનાવટી આનાકાની કર્યા બાદ રાજી થતાં કહ્યું કે, "ઓલરાઇટ, આવી જા. જલ્દી કર." પેલા વ્યક્તિ એ આમ કહેતા જ ઋષિકેશ આગળ નો દરવાજો ખોલી ને તેમાં બેસી ગયો, જે કદાચ ઋષિકેશ ની સહુ થી મોટી ભૂલ હતી.
__________
ઋષિકેશ વાળી ઘટના નાં ત્રીજા દિવસે પોલીસ સ્ટેશન માં અમિતાભ કોઈ દારૂ નાં કેસ માં પકડાયેલા ત્રણ યુવાનો નાં વડીલો કે જે તેમના જામીન માટે આવ્યા હતા તેમની જોડે વાત કરી રહ્યો હતો તેવામાં જ અભિમન્યુ ખુશ થતો આવ્યો. "સર, પરિતોષ પકડાઈ ગયો છે. ઉત્તર પ્રદેશ થી અમદાવાદ આવતો હતો ત્યારે જ અમદાવાદ પોલીસ નાં હાથે ચડી ગયો છે, કાલ સવાર સુધી માં આપણી કસ્ટડી માં આવી જશે." એકી શ્વાસે અભિમન્યુ બોલી ગયો.
અમિતાભ પણ એકદમ જ ખુશ થતા બોલ્યો, "વાહ અભિમન્યુ, આ તે ખૂબ સારા સમાચાર આપ્યા છે. બસ હવે કાલ નો દિવસ ઉગે એટલે પેલા પરિતોષ પાસે થી બધું જ સત્ય ઓકાવી ને જ રહીશ ભલે તેના એક એક હાડકા ને મારે તોડવા કેમ ના પડે!"
હજુ તો અમિતાભ આ બોલી રહ્યો ત્યાંજ એક પુરુષ અને સ્ત્રી રોતા રોતા પોલીસ સ્ટેશન માં દાખલ થયા અને મોટે મોટે થી ઘોંઘાટ કરવા લાગ્યા. પોલીસ સ્ટેશન માં બારે આ કોલાહલ સાંભળી ને અમિતાભ તેની ચેમ્બરમાં થી બહાર આવ્યો પાછળ અભિમન્યુ પણ આવ્યો. તેમણે જોયું કે એક ચૂમાલીસ કે પિસ્તાલીસ ની ઉંમર નો પુરુષ અને ચાલીસેક વર્ષ ની આસપાસ ની એક સ્ત્રી હેડ કોન્સ્ટેબલ પાસે બેસી ને રોતા રોતા તેમના પુત્ર નાં ગુમ થવાની ફરિયાદ કરી રહ્યા હતા.
અમિતાભ તરત જ ત્યાં ગયો અને હેડ કોન્સ્ટેબલ ચમન લાલ ને પૂછ્યું, "શું થયું છે? કોણ છે આ લોકો? અને આટલો ઘોંઘાટ કેમ કરી રહ્યા છે?"
હજુ તો હેડ કોન્સ્ટેબલ ચમન લાલ કઈ બોલે તે પહેલાં જ પેલો પુરુષ અને સ્ત્રી અમિતાભ તરફ ફર્યા અને ઘાંટા પાડી પાડી ને એક સાથે બોલવા લાગ્યા. આ જોઈ ને અમિતાભ નો મગજ ગયો અને બંને ને ચૂપ કરતા બોલ્યો, "લુક મિસ્ટર, આ પોલીસ સ્ટેશન છે તમારે જે કંઈ પણ ફરિયાદ હોય તે શાંતિ થી કહો. ચાલો અંદર આવો." આમ કહી તે બંને ને પોતાની ચેમ્બરમાં લઇ ગયો.
ત્યાં અંદર બેઠેલા લોકો ને અમિતાભે કહ્યું, "તમે બહાર સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ ને મળી લ્યો તમારા સંતાનો નાં જામીન નાં કાગળ વેરીફાઈ કરી બાકી ની પ્રોસિજર પૂરી કરી તમે તેમને તમારી સાથે લઈ જઈ શકો છો."
તેમને રવાના કરી અમિતાભે પેલા પુરુષ અને સ્ત્રી ને ખુરશી તરફ ઈશારો કરી ને બેસવા નું કહ્યું, તરત જ એક કોન્સ્ટેબલ પાણી નાં ગ્લાસ મૂકી ગયો. અમિતાભે તે બંને ને પાણી પીવા નું કહ્યું, બંને સ્ત્રી પુરુષ એક ઘૂંટ માં જ પાણી નો ગ્લાસ ગટગટાવી ગયા, તેના પર થી અમિતાભ ને તેમની તકલીફ નો અંદાજ આવી ગયો. બંને સ્વસ્થ થયેલા જણાતા અમિતાભે કહ્યું, "હવે મને નિરાતે કહો, તમે કોણ છો? તમારી સમસ્યા શું છે?"
પેલા પુરુષ એ કહ્યું, "સર, મારું નામ વિનોદ રાયજાદા છે અને આ મારા પત્ની બીના રાયજાદા છે. અમારો એક નો એક દીકરો ઋષિકેશ ત્રણ દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી ઘરે નથી આવ્યો. પ્લીઝ સર, મારા પુત્ર ને શોધી આપો"
અમિતાભ થોડો અચરજ પામતા બોલ્યો, "ત્રણ દિવસ થી ઘરે નથી આવ્યો અને તમે હવે છેક ફરિયાદ લખાવવા આવ્યા છો?"
અમિતાભ ની વાત સાંભળી વિનોદ નીચું જોઈ ગયો, આથી બીના એ કહેવું શરૂ કર્યું, "સર, મંગળવારે સવારે સાડા નવ વાગ્યે જ્યારે મારા પતિ વિનોદ અને હું સવાર ની ચા અને નાસ્તો લઈ રહ્યા હતા ત્યારે મારો પુત્ર ઋષિકેશ કે જે રાજકોટ આઈ.ટી.આઈ ખાતે ઇલેક્ટ્રિક ફિટિંગ નો કોર્સ કરે છે તે તેના રૂમ માં થી તૈયાર થઈ ને નીચે આવ્યો અને ઉતાવળ માં મારી પાસે એક હજાર રૂપિયા માગતા બોલ્યો કે તેને કોલેજ માં કઈક કામ હોવાથી જવાનું છે અને ત્યાંથી તેના મિત્રો જોડે બારે જશે અને સાંજે ઘરે આવી જશે." બીના આટલું બોલી ને અટકી અને વિનોદ સામે જોયું. વિનોદ હજુ નીચી નજર કરી ને બેઠો હતો.
બીના એ વાત ને આગળ વધારી, "સર, મારા પતિ વિનોદ ને ઋષિકેશ નો વધુ પડતો ઉડાવ સ્વભાવ પસંદ ના હતો."
હજુ બીના આગળ કઈ કહે તે પહેલાં વિનોદ મોટા અવાજે બીના સામે જોઈ ને બોલ્યો, "હા હજુ મારો જ વાંક કાઢ. હું તો જાણે તેનો દુશ્મન છું. હા સર, મને તેના ઉડાઉ સ્વભાવ થી તકલીફ હતી પણ એટલા માટે કે મને તેની ચિંતા હતી. આ જે ઉંમર નાં પડાવ માં ઋષિકેશ અત્યારે છે એ સમયે માતા પિતા એ સહુ થી વધુ સાવધ રહેવું જરૂરી છે. આ ઉમર માં છોકરાવ ને આડા રસ્તે જતાં સહેજ પણ વાર નથી લાગતી."
અમિતાભ ને વિનોદ નું આમ રાડો પાડી ને બોલવું સેજ પણ પસંદ ના આવ્યું પણ તેની વાત એકદમ સાચી હતી આથી તેણે કઈ બોલવા નું ટાળ્યું અને બીના તરફ જોઈ ને તેને વાત આગળ વધારવા કહ્યું.
બીના એ કહ્યું, "જેવા ઋષિકેશ એ એક હજાર રૂપિયા માગ્યા ત્યાંજ વિનોદ નો મગજ ગયો અને થોડી વાર માં જ બંને બાપ દીકરા વચ્ચે ઝગડો થઈ ગયો. આથી ગુસ્સે થઈ ને ઋષિકેશ ઘર ની બહાર જતા જતા બોલ્યો કે તે હવે પછી આ ઘર માં પગ નહી મૂકે."
બોલતા બોલતા બીના હાંફી રહી. થોડી વાર અટકી ને તે ફરી બોલી, "સર, આ પહેલાં પણ બંને બાપ દીકરા ની માથાકુટ નાં લીધે ઋષિકેશ બે વાર આ રીતે ઘર છોડી ને જવાની વાત કરી ને ગયો છે, પરંતુ એક બે દિવસ માં જ પાછો આવી જતો પરંતુ આ વખતે ત્રણ દિવસ વિતી જવા છતાં હજુ પાછો નથી આવ્યો." આટલું બોલી બીના ચોધાર આંસુ એ રડવા માંડતા વિનોદ તેને છાની રાખતા કહ્યું, "સર, મને શંકા છે કે ક્યાંક અમારા ઋષિકેશ જોડે કઈ ખોટું ના થયું હોય."
બંને ની વાત સાંભળી એક મિનિટ અમિતાભ કઈ નાં બોલ્યો, પછી તેણે વિનોદ ને પૂછ્યું, "મને એ જણાવો કે તમે હમણાં જ કહ્યું કે આ પહેલા પણ તે એક બે દિવસ ઘર માં થી જતો રહ્યો છે, તો તે ક્યા જતો અને રાત ક્યા રોકાતો?"
"એનો એક મિત્ર છે ચંચલ દવે, લગભગ એ તેની સાથે જ હોય. તેનો બાળપણ નો મિત્ર છે એટલે અમને પણ બોવ ચિંતા જેવું ના રહેતું. પણ આ વખતે અમે ચંચલ ને ગઈ કાલે ફોન કર્યો તો તેણે જણાવ્યું કે ઋષિકેશ તો તેને ત્યાં ગયો જ નથી અને બે દિવસ થી તેને અને ઋષિકેશ ને વાત પણ નથી થઈ. આથી અમને ચિંતા થઈ અને અમે તેની કોલેજના સ્ટાફ અને તેના બધા મિત્રો ને પૂછપરછ કરી તો બધા નું કહેવું હતું કે તેઓએ ઋષિકેશ જોડે છેલ્લા બે દિવસ માં ના તો વાત કરી છે કે ના તો મળવા નું થયું છે, એટલે પછી અમે પોલીસ માં ફરિયાદ લખાવવા નું નક્કી કર્યું." વિનોદ એકી શ્વાસે બોલી ગયો.
અમિતાભે પૂછ્યું, " તમે હમણાં જણાવ્યું કે ઋષિકેશ મંગળવારે આઈ.ટી.આઈ જવાનું કહી ને નીકળ્યો હતો તો શું તે આઈ.ટી.આઈ. ગયો હતો?"
વિનોદ એ કહ્યું, "હા સર, આઈ ટી આઈ નાં પ્યુન એ કહ્યું કે તે દિવસે ઋષિકેશ તેમના ઇલેક્ટ્રિક વિભાગ નાં વડા ચૌહાણ સર ને મળવા ગયો હતો અને ખાસી બે કલાક રાહ પણ જોઈ હતી પરંતુ ચૌહાણ સર કોઈ મિટિંગ માં બહાર ગયા હોવાથી તેઓ હાજર નહોતા અને ત્યાર બાદ લગભગ દોઢેક વાગ્યે ઋષિકેશ ત્યાંથી નીકળ્યો હતો."
અમિતાભ બધી વાત ને નિરાતે સાંભળી રહ્યા બાદ થોડું વિચારતા બોલ્યો, "તમારી વાતો સાંભળ્યા બાદ મને પણ એવું લાગે છે કે સંભવ છે કે ઋષિકેશ કદાચ તેની મરજી થી ક્યાંય નાં ગયો હોય પણ તેની સાથે કોઈ ઘટના બની હોવી જોઈએ બટ તમે કોઈ ચિંતા નાં કરો. આપણે અત્યાર થી જ તેને શોધવા માટે કામ માં લાગી જઈએ છીએ. મારું તમને પ્રોમિસ છે કે પોલીસ ગમે તેમ કરી ને ઋષિકેશ ને શોધી કાઢશે. તમે એક કામ કરો બહાર હેડ કોન્સ્ટેબલ ચમનલાલ પાસે જઈ એક ફરિયાદ લખાવી દયો અને જે કઈ પણ માહિતી તેઓ માગે તેમને આપી દયો. અને ઋષિકેશ નો ફોટો પણ આપી દેજો."
અમિતાભ ની વાત સાંભળી ને થોડી હિંમત આવી હોય એ રીતે વિનોદ અને બીના એકબીજા ને સંભાળતા બહાર જઈ રહ્યા અને અમિતાભ તેમને જતાં જોઈ રહ્યો અને તેના મન માં એક ભયંકર વિચાર રમી રહ્યો કે આ બધા અપહરણ ને અંદર ને અંદર કઈ કનેક્શન તો નહિ હોય ને?
__________
શું અમિતાભ ની શંકા સાચી હશે?
શું આ બધા અપહરણ ને કોઈ જોડાણ હશે?
પરિતોષ પાસે થી રાશી હત્યા કેસ ની કોઈ માહિતી અમિતાભ ને મળશે?
અને આ બધા વચ્ચે કેવિન અપહરણ કેસ નું શું થશે?
જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.