Padmarjun - 27 in Gujarati Fiction Stories by Pooja Bhindi books and stories PDF | પદમાર્જુન - (ભાગ-૨૭)

Featured Books
Categories
Share

પદમાર્જુન - (ભાગ-૨૭)

પદમાર્જુન : 2 [ પદમા (પદ્મિની)નો ભુતકાળ ]

સારંગગઢ

ખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી.

“શાશ્વત, આજે તો હું તને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી.

“એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું.

“ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું.

પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ તલવારબાજીમાં કંઈ ઓછી નહતી. તેથી શાશ્વતે કરેલાં પ્રહારને પોતાની તલવાર વડે રોકી દીધો. બંને વચ્ચે થોડો સમય તલવારબાજી ચાલી. શાશ્વતે ફરીથી પોતાની તલવાર વડે પદમા પર પ્રહાર કર્યો.પદમાએ બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનાં હાથમાંથી તલવાર છૂટી ગઈ અને તે નીચે પડી ગઈ.શાશ્વતે પોતાના હાથમાં પકડેલી તલવાર પદમાનાં ગળા પાસે રાખી.

“હજુ ઘણું શીખવાનું બાકી છે તારે.”શાશ્વતે કહ્યું અને પદમાનાં ગળા પાસેથી તલવાર હટાવી પોતાનો હાથ ધર્યો.પદમાએ શાશ્વતનો હાથ પકડ્યો અને ઉભી થઇ.

“ચાલ, આ વખતે પણ તું હારી ગઈ.હવે તો માની લે કે હું તારાં કરતાં સારો યોદ્ધા છું.”શાશ્વતે પદમાની આંખોમાં જોઇને પૂછ્યું કહ્યું.

પદમાએ પોતાના મોં પરનું શ્વેત વસ્ત્ર હટાવ્યું .

શાશ્વતે હજુ પણ પદમાનો હાથ પકડી રાખ્યો હતો.તે પદમાનાં સુંદર ચહેરાને જોઈ રહ્યો.આંખો એટલી નશીલી કે જે જુએ એ એમાં ડૂબી જાય. તેનો ચહેરો તો જાણે માહેરુ.પદમાને જોઈને લાગે કે ભગવાને તેને નવરાશમાં ઘડી હશે, જેદી’ નવરો દીનાનાથ.”

“અત્યારે ભલે તું એક સારો યોદ્ધા છે પણ એક દિવસ હું તારાં કરતાં પણ સારી યોદ્ધા થઇને બતાવીશ.”પદમાએ પોતાની મધુર વાણીમાં કહ્યું.

“સારી યોદ્ધા પછી બનજે, પહેલાં મારી સહાયતા કર.”પદમાની નાની બહેન રેવતીએ ત્યાં આવીને કહ્યું.

પદમાએ ફટાફટ પોતાનો હાથ શાશ્વતની પકડમાંથી છોડાવ્યો અને કહ્યું,“હા ચાલ.”


પદમા અને શાશ્વત બાણપણનાં મિત્રો હતાં. તે બંનેને એકબીજા સાથે બહુ બનતું.પદમાનાં પરિવારમાં તેનાં માતા-પિતા,તેનાથી બે વર્ષ મોટો ભાઇ ગોવિંદ અને તેનાથી એક વર્ષ નાની બહેન રેવતી હતાં.જ્યારે શાશ્વત પોતાના માતા-પિતાનું એક માત્ર સંતાન હતો.પદમા અને શાશ્વત બંનેના પરિવારો બાજું-બાજુમાં જ રહેતાં હતાં. તેથી બંને પરિવાર વચ્ચે ગાઢ સંબંધ હતો.

પદમાનાં પિતા સોમ સારંગગઢનાં રાજપરિવારના વૈદ્ય હતાં જ્યારે શાશ્વતનાં પિતા કલ્પ સારંગગઢની સેનાનાં સેનાપતિ હતાં.શાશ્વત પણ સેનામાં મહત્વના પદ પર હતો અને પદમા પોતાના પિતાની જેમ જ વૈદ્યશાસ્ત્રમાં નિપુણતા હતી.બંનેના પિતાને લગભગ સાથે જ રહેવાનું થતું તેથી તે બંને પણ ખુબ સારા મિત્રો બની ગયા હતા.

સારંગગઢનો રાજમહેલ

સારંગગઢનાં રાજા યુવરાજ સિંહ ઘણાં સમયથી બીમાર રહેતાં હતાં. તેઓની બીમારી બહું ગંભીર નહતી પરંતુ તેઓ થોડોક શ્રમ કરીને જ થાકી જતાં. તેથી તેઓએ વિચાર્યું કે હવે સારંગગઢની રાજગાદીને એક નવાં રાજાની જરૂર છે. તેથી તેમણે પોતાનાં અનુભવી સેનાપતિને ચર્ચ કરવાં બોલાવ્યાં હતાં.રાજાની તબિયત પણ તપાસવાની હતી તેથી પદમાનાં પિતા સોમ પણ સાથે આવ્યાં હતાં.

બંનેના આવી ગયાં બાદ રાજાએ કહ્યું,“એકાંત.”

આ સાંભળી ત્યાં ઉપસ્થિત બધા જ સૈનીકો અને સેવકો ચાલ્યાં ગયાં.બધાનાં ગયાં બાદ સોમે રાજાની તબિયત તપાસી.

“રાજન,તમે બીજી બધી રીતે સંપૂર્ણપણે સ્વસ્થ જો પણ જ્યારથી છેલ્લા યુદ્ધમાં તમને હૃદયની બાજુમાં તિર લાગ્યું છે ત્યારથી તમને નાના- નાના કાર્યોમાં લાગતાં થાકનો રોગ હજુ દુર થયો નથી.”સોમે ચિંતિત સ્વરે કહ્યું.

“જાણું છું. એટલે જ તને અને સેનાપતિ કલ્પને અહીં બોલાવ્યાં છે.”યુવરાજસિંહે નિસાસો નાંખતા કહ્યું.

“તાત્પર્ય?”કલ્પે પૂછ્યું.

“હવે મારી તબિયતનો કઇ જ ભરોસો નથી.માટે હું ઈચ્છું છું કે હવે સારંગગઢની રાજગાદીને એનાં વારસદારને સોંપવાનો સમય આવી ગયો છે.”

“પરંતુ રાજન તમારા હોવાં છતાં પણ આપણે કેવી રીતે અન્ય કોઈને રાજા ઘોષિત કરી શકીએ?”કલ્પે પૂછ્યું.

“કલ્પ, તું તો આપણી સેનાનો સેનાપતિ છો અને તું એ ભલીભાતિ જાણે છે કે એક શક્તિશાળી રાજ્યનો પ્રભાવ અને સિંહાસન ત્યાં સુધી જ સુરક્ષિત રહે છે જ્યાં સુધી તે રાજ્યનાં સિંહાસન પર એક શક્તિશાળી રાજાનો ઓથ હોય.હું નથી ઇચ્છતો કે મારી બગડેલી તબિયતનાં લીધે મારા રાજ્ય ઉપર કોઇ પણ જાતનું સંકટ આવે.”

“મહારાજ,તો તમારો શું નિર્ણય છે?”કલ્પે પૂછ્યું.

“વિસ્મયનું શિક્ષણ હજુ પૂરું નથી થયું માટે હું ઈચ્છું છું કે મારાં જ્યેષ્ઠ પુત્ર સારંગને સારંગગઢની ગાદી સોપાવમાં આવે.માટે કલ્પ તું શીઘ્ર સારંગનાં રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવ અને સમગ્ર સારંગગઢ અને આપણાં પાડોશી અને મિત્ર રાજ્યોને નિમંત્રણ મોકલાવ."

“જેવી આપની આજ્ઞા મહારાજ.”કલ્પે કહ્યું.તે અને સોમ બહાર નીકળ્યાં.

કલ્પનાં ચહેરા પર ચિંતાની રેખા જોઈને સોમે કહ્યું,

“ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રૂપ,ગુણ, ગાન.
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.”

“મિત્ર કલ્પ,ચિંતાથી આ બધા જ નુકશાન થાય છે તો પછી તું શા માટે ચિંતા કરી રહ્યો છે?”

“સોમ,હું મહારાજનાં નિર્ણયનાં લીધે ચિંતિત છું.તેઓએ કહી તો દીધું કે તેઓ રાજકુમાર સારંગને પોતાની રાજગાદી સોંપવા માંગે છે પરંતુ રાજકુમાર સારંગનો સ્વભાવ થોડો વિચિત્ર છે.”

“તાત્પર્ય?”

“એ મહારાજ યુવરાજસિંહની જેમ બળવાન તો છે પરંતુ તે તેઓની જેમ દયાળુ નથી.તે અત્યંત ક્રૂર છે. મેં જ્યાં સુધી તેનું નિરીક્ષણ કર્યું છે ત્યાં સુધી તે પોતાની મહત્વકાંક્ષા પુર્ણ કરવાં માટે કઇ પણ કરી શકે છે.”

“કલ્પ, આ તો સાચે જ ચિંતાનો વિષય છે. રાજકુમાર વિસ્મય હજુ સત્તા સંભાળવા માટે થોડાં નાના હોવાથી આપણે તેના નામનો સુજાવ પણ ન કરી શકીએ.”

એ ચિંતામાં જ બંને ઘરે પહોંચ્યા.ત્યાં પદમા (પદ્મિની),રેવતી,ગોવિંદ અને શાશ્વત પહેલીથી જ હાજર હતા.

“પિતાજી, મહારાજનું સ્વાસ્થ્ય કેવું છે હવે?”ગોવિંદે પૂછ્યું.

“પુત્ર, તેમનાં સ્વાસ્થ્યમાં કંઇ સુધારો થયો નથી.તેથી મહારાજ ઈચ્છે છે કે મિત્ર કલ્પ રાજકુમાર સારંગનાં રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ કરી દે.”

“શાશ્વત, મારે સૈન્યનાં કાર્યો હોવાનાં કારણે એ જવાબદારી હું તને સોંપું છું.”કલ્પે કહ્યું.

“જી પિતાજી, તમે નિશ્ચિંત રહો.હું તૈયારીઓમાં કઇ પણ શેષ નહીં રહેવાં દવ.”

“શાશ્વત, હું પણ તારી સહાયતા કરીશ.”પદમા (પદ્મિની)એ કહ્યું.

....


રાજમહેલમાં બે સૈનિકો વાતચીત કરી રહ્યા હતાં.

“સાંભળ્યું છે કે મહારાજે રાજકુમાર સારંગ પર આપણાં ભાવિ રાજા તરીકેની પસંદગી ઉતારી છે.”

“હા, મને તો લાગે છે કે રાજકુમાર સારંગ બહુ જ ભાગ્યશાળી છે.કારણકે તેમને કોઇ પણ પરીક્ષા વગર જ રાજાનું પદ પ્રાપ્ત થઇ જશે.”

સૈનિકે જેવું તેનું વાક્ય પુરું કર્યું કે તરત જ એક તલવાર તેની તરફ આવી અને તેના પગથી થોડે દુર ખુંપી ગઈ.તેથી તે સૈનિક ગભરાઇ ગયો.તેણે ડરીને સામેની તરફ જોયું.તેની સામે રાજકુમાર સારંગ ઊભો હતો.

કસાયેલું શરીર, સશક્ત ભુજાઓ અને ચહેરા પર એક પ્રકારની કડપ જોઈને સૈનિક વધુ ભયભીત ગયો.

“ક્ષમા કરો રાજકુમાર, મારાં કહેવાનો એ અર્થ નહતો.”

“તલવાર ઉઠાવ.”સારંગે પોતાનાં પ્રભાવશાળી અવાજે કહ્યું.

તેનાં કહેવાથી સૈનિકે તલવાર ઉઠાવી અને સારંગ આગળ ધરી.

“મારા પર તારી પૂર્ણ ક્ષમતાથી હુમલો કર.”

“પરંતુ રાજકુમાર તમે તો નિશસ્ત્ર છો.”

સારંગે કડકાઇથી તેની સામે જોયું તેથી સૈનિકે ગભરાઇને સારંગ પર પ્રહાર કર્યો. સારંગ તેનાં દ્વારા કરવામાં આવેલ બધા જ પ્રહારથી બચી ગયો.તેથી સૈનિકે પોતાની પુરી તાકાત લગાવી તેના પર એક છેલ્લો પ્રહાર કર્યો. તે પ્રહારથી બચવા સારંગે તલવારને પોતાનાં હાથ વડે પકડી લીધી. તેનાં કારણે તેનાં હાથમાંથી લોહી વહેંવા લાગ્યું. તેણે સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને તેને ધક્કો માર્યો. તેથી સૈનિક સામેની દિવાલ સાથે જોશથી અથડાઈને નીચે પડી ગયો.

“આશા રાખું છું કે તારી ગેરસમજ હવે દુર થઇ ગઇ હશે અને તારાં મનમાં ઉદ્દભવેલા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે.”સારંગે અહંકારથી કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.