પ્રિય સખી ડાયરી,
આજ ફરી હું મારી ખુશી અને સંતોષને વ્યક્ત કરવા તારી પાસે પહોંચી જ ગઈ છું. જ્યાં સુધી તને બધું ન વર્ણવું ત્યાં સુધી મન જંપીને ન જ રહે.
મેં તો ફક્ત પિક્ચરમાં કે વાર્તામાં બાળપણમાં પરિવાર વિષે વાંચ્યું અને જોયું હતું, પણ જેમ જેમ હું મોટી થતી ગઈ એમ હું અનુભવવા લાગી કે પરિવારની હૂંફ અને સાથ એ જીવનની સૌથી મોટી મિલકત છે. એ દરેક લોકોના ભાગ્યમાં નથી હોતી.
મારા પરિવારમાં સારા નરસા બધા જ પ્રસંગો અને તહેવારો અમે સાથે મળીને જ ઉજવતા આવ્યા છીએ. સુખ હોય કે દુઃખ આખો પરિવાર ભેગો થઈને એને હલ કરે અને બધા જ ભેગા થઈ જાય છે.
મારી બેનનું સગપણ એ મારા પરિવારમાં સૌથી પહેલો શુભ પ્રસંગ હતો. ત્યારે મારા કાકા બધી તૈયારી એમ કરતા હતા કે, જાણે એમની સગી દીકરીનો પ્રસંગ હોય! જીણી જીણી દરેક બાબતોનું લિસ્ટ બનાવી આખા પરિવારને દેખાડીને અમલમાં મૂકતા કે જેથી પ્રસંગનો આનંદ બધા માણી શકે. આમ નિસ્વાર્થ સાથ એમનો પરિવાર માટે હંમેશા રહેતો હતો. આમ જેમ મારી બેનનો પ્રસંગ ઉકેલ્યો એમ એક પછી એક મારા સહીત અમારા દરેક ભાઈ-બહેનના પ્રસંગ એમણે એમ જ હરખથી ઉકેલ્યા હતા.
જેમ કાકાનો ઉત્સાહ અનેરો એમ મારા ફૈબા અને મામાનો હરખ પણ એટલો જ રહેતો.. બધા સાથે મળીને પ્રસંગનો આનંદ લેતા હતા. આટલા પ્રસંગો ગયા પણ મને ક્યારેય યાદ નથી આવતું કે પ્રસંગમાં કોઈને ખોટું લાગ્યું કે કોઈનું મોઢું બગડ્યું! બસ આનંદ અને સંસ્કારનું સિંચન જોઈને અનુકરણમાં લેતા અમે શીખ્યા હતા.
પરિવારમાં જ મદદરૂપ થવું એ સારું જ છે પણ મારા પપ્પાતો સમાજસેવા પણ એટલી જ કરે છે. નાતમાં પણ કોઈને કઈ પણ તકલીફ હોય એ એમનાથી થતી મદદ અવશ્ય કરશે અથવા તો, એમને યોગ્ય માર્ગદર્શન આપતા રહે છે.
મારા પરિવારમાં ક્યારેય કોઈ ને કોઈની જોડે અબોલા થતા જ નહીં, અરે ઉચ્ચા અવાજે ક્યારેય માથાકૂટ થવી કે હાથાપાઈ જેવી બાબતો હજીસુધી મારા પરિવારમા થઈ નથી. હું મારી હોસ્ટેલમાં ક્યારેક બધા પરિવારના ટોપિક પર પોતાની વાત કરે ત્યારે હું વાત કરું તો બધા ખરેખર એમ જ કહેતા કે, 'તું બહુ ભાગ્યશાળી છે... અમને તારી ઈર્ષા થાય! આજના સમયમાં સગાભાઇ બહેનને નથી બનતું ને તારો આખો પરિવાર કેટલો પ્રેમથી બંધાયેલો છે!' હું આવું સાંભળતી ત્યારે મનમાં ખુબ હરખાતી હતી.
મારે મોસાળ પક્ષનું સુખ પણ એટલું જ સારું છે. મારા મામા ને મમ્મી વચ્ચે પણ ક્યારેય કોઈ માથાકૂટ નહીં થઈ. એક કહે એ વાત બીજાએ માની જ લીધી હોય જેથી ક્યારેય કોઈ બોલવાનો પ્રશ્ન જ ન રહે. વળી મારા નાની તો મારા મમ્મી બહુ નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા, આથી મારા મામીએ મારા મમ્મીને ખુબ પ્રેમથી આજીવન રાખ્યા છે.
અહીં આપણે તો ભાઈ બહેનની જોડીઓની વાત કરી પણ મારા મમ્મીને તો એમના દેરાણી,જેઠાણી, કે નણંદ અરે! સાસુમા સાથે પણ ક્યારેય બોલવાનું થયું નથી. મારા મમ્મી ૬૪વર્ષના થયા પણ હજુ સુધી એમને ક્યારેય તું તું મેં મેં નહીં થયું! અચરજ લાગે ને! પણ આ સત્ય વાત જ છે. અરે આ બધી જ લેડીઝને એટલું બને કે કોઈ મુશ્કેલી હોય તો એકબીજાને પૂછે, સાથે સેલમાં ફરવા જાય, શોપિંગ કરે, મીની પીકનીક કરે, બસ ઝઘડો ન આવે. મેં અનુભવ્યું છે કે જે ઘરની સ્ત્રીઓને અંદરોઅંદર બનતું હોય ને, એ પરિવાર ખુબ મજબૂત રહે છે. સ્ત્રીઓને અદેખાય થવી અને ઈર્ષા થવી તથા મારી પાસે છે એ જ શ્રેષ્ઠ છે એવી દેખાદેખીમાં પરિવારમાં દરાર આવે અને ઘરમાં કલેશ ઉદ્દભવે, પણ જો એમને જ બધાને એકબીજા સાથે ફાવે તો એ ઘરમાં કંકાસ થતો નથી.
અમારા ઘરમાં રહેલ દરેક વડીલોનું અનુકરણ કુદરતી અમારા ભાઈબહેનમાં આવ્યું છે. પરિવારના માહોલનું આચરણ કુદરતી બાળકોમાં આવી જ જાય એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ મારો પરિવાર છે.
પરિવાર વગર કોઈ વ્યક્તિ રહે એ સંભવ જ નહીં પણ શ્રેષ્ઠ પરિવારનો હિસ્સો બનવું એ ખુબ અઘરી બાબત છે. કારણકે, દરેક વ્યક્તિના સ્વભાવ અને વિચારસરણી અલગ જ હોય છે. છતાં મારા દાદાએ પોતાની આવડતથી આ પરિવારમાં એવા સંસ્કારનું સિંચન કર્યું કે, પરિવાર ફક્ત ભણ્યો જ એટલું જ નહીં પણ સારા સંસ્કારનું આચરણ કરીને એકમેકને મદદરૂપ થઈ રહ્યો છે. આ મારે માટે ગર્વની વાત છે.
મારી આ ડાયરી વાંચીને કોઈ પ્રેરિત થાય અને એના પરિવારમાં જો કોઈ એવી કડવાશ એકમેકના સબંધમાં હોય એ દૂર થશે તો મારી આ ડાયરીના લેખનું લખવું યોગ્ય રહેશે એવી હું આશા રાખું છું. પરિવારમાં ક્યારેક નફરતની ગાંઠ બંધાય જાય તો એને સમયસર દૂર કરી લેવી જોઈએ, નહીતો ફક્ત વડીલોને જ નહીં પણ બાળકોને પણ પરિવારનું સંપૂર્ણ સુખ મળી શકતું નથી.
આજ મારા પરિવારની વાત આ ડાયરીમાં લખી હું ખુબ ખુશ છું. ડાયરી આજ તું પણ મારી લાગણી છલકતી જોઈને આનંદ પામતી હશે ને!