ડૉ. સ્ટ્રેન્જ
-રાકેશ ઠક્કર
હોલિવૂડની ફિલ્મ 'ડૉ. સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ મેડનેસ' તેના નામ પ્રમાણે જ છે. જે દર્શકો માર્વલની ફિલ્મોના પાત્રોથી પરિચિત નથી એમને વાર્તા સમજવામાં થોડી મુશ્કેલી આવે છે. જોકે, હવે માર્વલની ફિલ્મોથી કોઇ અજાણ્યું નથી. જે એમની દુનિયાથી પરિચિત નથી એ વળી નવો જ અનુભવ મેળવે છે. હોલિવૂડના જુદા જુદા સુપરહીરો પોતાની જાદૂઇ શક્તિથી પૂરેપુરું મનોરંજન કરે છે. 'ડૉ. સ્ટ્રેન્જ' નું પાત્ર તેની દરેક ખૂબીઓ સાથે હાજર છે. 'ધ એવિલ ડેડ' અને 'સ્પાઇડર મેન' સીરિઝની ફિલ્મોથી વિશ્વભરમાં જાણીતા રહેલા નિર્દેશક સૈમ રૈમીનું નિર્દેશન જકડી રાખે એવું છે. આંખનો પલકારો મારી ના શકાય એટલા રોમાંચક દ્રશ્યો હોવાથી દર્શકોએ થિયેટરોમાં અને તે પણ થ્રીડીમાં જોવાનો આગ્રહ રાખવો જોઇએ. હિન્દી ફિલ્મો ઘણી વખત થ્રીડીના નામ પર મજાક કરે છે ત્યારે 'ડૉ. સ્ટ્રેન્જ' થ્રીડીનો સાચો આનંદ આપી જાય છે. ડૉ. સ્ટ્રેન્જ એક એવું પાત્ર છે જે હંમેશા ન્યાયની સાથે ઊભું રહે છે. વાંડાના પાત્રમાં એલિઝાબેથ ઓલ્સેન પણ પોતાની ભૂમિકામાં જામે છે. તે સૌથી વધુ પ્રભાવિત કરી જાય છે અને આકર્ષક સાબિત થાય છે. વાર્તા સીધી અને સરળ હોવા છતાં એમાં અનેક ભાગ છે. એક જ સમય પર અલગ-અલગ બ્રહ્માંડમાં ચાલતી વાર્તા છે. ફિલ્મમાં એવા કોઇ લાંબા અને ખેંચવામાં આવેલા દ્રશ્યો નથી. વાર્તા એવી છે કે ડૉ. સ્ટ્રેન્જની પ્રેમિકા ક્રિસ્ટીન (રશેલ મૈકએડમ્સ) ના લગ્ન તેમના જ એક ચાહક સાથે કરે છે ત્યારે ધમાલ મચી જાય છે. એક કિશોરી શાવેજ પર ઑક્ટોપસ રાક્ષસ હુમલો કરીને અપહરણ કરવા જાય છે ત્યારે ડૉ. સ્ટ્રેન્જ અને વોંગ તેને બચાવે છે. પછી ખબર પડે છે કે એ છોકરી પાસે કોઇ શક્તિ છે. તે પોતાની શક્તિથી એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં જઇ શકે છે એટલું જ નહીં બીજાને પણ પહોંચાડી શકે છે. પણ કોઇ એની આ શક્તિ છીનવી લેવા માગે છે. એ કોણ છે એનો જવાબ આગળ જતાં જુદી જુદી વાર્તાઓ સાથે મળે છે.
ફિલ્મના દરેક વિભાગ મજબૂત છે. સ્પેશ્યલ ઇફેક્ટસથી દરેક દ્રશ્યને રંગીન બનાવવામાં આવ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું દમદાર છે કે એક્શન અને હોરરના દ્રશ્ય અસર મૂકી જાય છે. સામાન્ય રીતે માર્વલ્સની ફિલ્મોમાં અભિનયનું મહત્વ હોતું નથી. સમીક્ષકોએ ૫ માંથી ૪ સ્ટાર અભિનય સિવાયની બબતો માટે જ આપ્યા છે. છતાં કલાકારો છાપ છોડવામાં સફળ રહ્યા છે. વધતી ઉંમર સાથેનું બેનેડિક્ટ કંબરબૈચનું કામ જબરદસ્ત છે. ફિલ્મની રજૂઆતમાં આ વખતે નિર્માતાએ ઘણી ભૂલો કરી છે. એક મહિના પહેલાં જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું અને એકથી વધુ ટ્રેલર અને વિડીયો ક્લીપ ફરતા કરી દીધા હતા. અગાઉથી ફિલ્મનું ટ્રેલર જોનારા લોકો થોડા નિરાશ થાય છે. કેમકે એમણે અપેક્ષા વધારે રાખી હતી. ફિલ્મને સમજવા માટે દર્શકોએ આ વખતે વધારે પડતી બુધ્ધિ વાપરવાની જરૂર પડી છે. એમાં વિચારી ના શકાય એવી વાતો પણ છે. મૂળ વાર્તા ડૉ. સ્ટ્રેન્જની હોવી જોઇતી હતી પરંતુ વાંડા પર કેન્દ્રિત થઇ ગઇ છે. ડૉ. સ્ટ્રેન્જ કરતાં વાંડા જ વધુ પ્રશંસા મેળવી ગઇ છે. ફિલ્મની લંબાઇ વધારે રાખવામાં આવી હોત તો દર્શકો વાર્તાને વધુ સારી રીતે સમજી શક્યા હોત. એમ કહેવાય છે કે ઓછી લંબાઇને કારણે વધારે શો બતાવી શકાય એવી લાલચમાં ઘણા દ્રશ્યો પર કાતર ચલાવવામાં આવી હતી અને માત્ર બે કલાકની કરી દેવામાં આવી હતી. નિર્માતા એમના આશયમાં સફળ રહ્યા છે પણ ફિલ્મને નુકસાન થયું છે. માર્વલની આગામી ફિલ્મોને સમજવા માટે પણ એના ચાહકોએ 'ડૉ. સ્ટ્રેન્જ' ને જોવાનું જરૂરી બની જાય છે!