આગળનાં ભાગમાં આપણે જોયું:
પદ્મિની નૃત્ય કરી રહી હતી. વૃક્ષ પાછળ છુપાયેલ અર્જુન પદ્મિનીની વિરુદ્ધ દિશામાં મોં રાખીને ઉભો હતો.ત્યાં જ તેનું ધ્યાન સામેથી આવી રહેલાં સૈનિકો પર પડ્યું.વિરમગઢનાં સૈનિકોની એક ટુકડી તેમની તરફ આવી રહી હતી.
“અરે નહીં,જો સૈનિકોએ પદ્મિનીને જોઇ લીધી તો?”અર્જુને વિચાર્યું અને દોડીને પદ્મિનીપાસે ગયો.પદ્મિની કઇ વિચારે કે બોલે એ પહેલાં તો અર્જુન તેનો હાથ પકડીને ઝાડ પાછળ લઇ ગયો અને પોતે તેની આડો ઉભો રહી ગયો.સૈનિકોની ટુકડી પસાર થઇ ગઇ એ બાદ બંનેએ એકબીજા સામેં જોયું.પદ્મિનીનાં ચહેરા પર નકાબ નહતો તેથી અર્જુને પોતાની પાસે રહેલ વસ્ત્ર તેનાં ચહેરા પર બાંધી દીધું અને પદ્મિનીથી સહેજ દુર ખસ્યો.
“પદ્મિની, મારો આશય ખરાબ ન હતો.હું અહીં એટલાં માટે આવ્યો હતો કે કોઈ તને જોઈ ન જાય.”અર્જુન પદ્મિની ક્રોધિત ન થાય એ માટે અત્યાર સુધી જે કંઈ પણ બન્યું એ કહેવા લાગ્યો.પદ્મિનીએ તેને વચ્ચેથી જ રોક્યો અને કહ્યું,
“રાજકુમાર, મને તમારાં પર વિશ્વાસ છે.”
“આ શબ્દો બોલ્યા બાદ પદ્મિનીને પણ પોતાનાં પર નવાઇ લાગી અને અર્જુન પણ શાંત અને ખુશ થઈ ગયો.
હવે આગળ:
થોડાં દિવસો બાદ મલંગ રાજયથી એક દુત આવ્યો હતો. તેનાં ગયાં બાદ અર્જુન પદ્મિનીનાં કક્ષમાં ગયો.
“પદ્મિની,તારાં માટે એક ખુશીનાં સમાચાર છે.”
“શું?”
“વેદાંગીને સારાં દિવસો છે.”
“અરે વાહ, આ તો બહું જ સારા સમાચાર છે.”પદ્મિનીએ ખુશ થઇને કહ્યું.
“હા, અને તારાં માટે હજું પણ એક સારા સમાચાર છે.”
“શું?”
“તું અને વેદાંગી બહુ જલ્દી મળશો.”
“તાત્પર્ય?”
“વેદાંગી હવે ટુંક સમયમાં જ પોતાનાં સંતાનને જન્મ આપશે.માટે એ ઈચ્છે છે કે એ સમય દરમિયાન તું એની સાથે રહે.”
અર્જુનની વાત સાંભળીને પદ્મિની ગભરાઇ ગઈ.
“રાજકુમાર,હું ત્યાં કેવી રીતે જઇ શકું?”
“તાત્પર્ય?”
“ક્ષમા કરજો રાજકુમાર પરંતુ હું વેદાંગી પાસે નહીં જઇ શકું.”
“પરંતુ કેમ?”
“હું કેવી રીતે સાચું કારણ જણાવું તમને?”પદ્મિનીએ મનમાં જ કહ્યું.
“ઠીક છે.હું ત્યાં જઈશ.પણ હું ત્યાં નકાબની સાથે-સાથે ઘૂંઘટ પણ ઓઢેલું રાખીશ અને તમે મને એ વિશે કઇ પણ પ્રશ્નો નહીં પૂછો.”
“મને સ્વીકાર્ય છે.”અર્જુને કહ્યું અને બીજે દિવસે પદ્મિની સૈનિકોની એક ટુકડી સાથે ઉત્સાહ અને ભયની મિશ્ર ભાવનાં સાથે મલંગ જવા માટે નીકળી.
…
થોડાં સમય બાદ તે મલંગ પહોંચી.વેદાંગી તેને જોતાં જ ભેટી પડી. ઘણાં સમય બાદ મળ્યાં હોવાથી બંને સહેલીઓએ મન ભરીને વાતો કરી.
પદ્મિની આખો દિવસ વેદાંગીની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખતી.તે બને ત્યાં સુધી વિદ્યુત અને શાશ્વત સામે આવવાનું ટાળતી.
પુરા માસે વેદાંગીએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.તેની ખુશીમાં સમગ્ર મલંગ રાજ્યને ફૂલોથી સજાવવામાં આવ્યું.વિરમગઢથી સમગ્ર રાજપરિવાર અને સારંગગઢથી રાજા સારંગ વેદાંગી અને વિદ્યુતનાં નવજાત શિશુને આશીર્વાદ આપવાં પહોંચી ગયાં.
પદ્મિનીને પોતાનાં કક્ષમાં જ રહેવું હતું પરંતુ વૈદેહી ધરાહરથી તેને લઈ આવી.પદ્મિનીનાં ચહેરો ભયનાં કારણે એકદમ ફિકો પડી ગયો હતો પરંતુ તેને ઓઢેલા ઘૂંઘટને કારણે દેખાતો નહતો.આશીર્વાદની વિધિ પુરી થયાં બાદ બધાં નવાં સદસ્યને રમાડવા લાગ્યાં. રાત્રી માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂર્યાસ્ત થઇ ગયો હતો, પદ્મિની પોતાનાં કક્ષનાં બારસાખ પાસે ઉભી હતી. બારસાખની નીચે ઉભેલ સારંગનો મિત્ર ભાનું પદ્મિનીને જોઈ રહ્યો હતો. પદ્મિની આ વાતથી અજાણ હતી.અચાનક પવનની એક લહેર આવી અને પદ્મિનીનું ઘુંઘટ હટી ગયું.તેનું ઘૂંઘટ હટી ગયું હતું પરંતુ તેનાં ચહેરા પરનું નકાબ હજુ એમ જ હતું.માટે નીચે ઊભેલાં ભાનુને માત્ર પદ્મિનીની આંખો જ દેખાણી.એ આંખો જોઈને ભાનું ચોંકી ગયો.ત્યાં જ પદ્મિનીનું ધ્યાન તેને ઘુરી રહેલ ભાનું પર પડ્યું.ભાનું તેની સામે જોઇને લુચ્ચું હસ્યો.ભાનુને જોઈને પદ્મિની ડરી ગઈ.તે ઊંધા પગલે જ પાછળ હટી.તેથી તેનો હાથ બારસાખની બાજુમાં પડેલ દિવાને અડયો અને તે નીચે પડીને ઓલવાઈ ગયો.
“નહીં…નહીં…એ મને ન ઓળખી શકે.”પદ્મિની ગભરાઇને બોલી.
તે પોતાના કક્ષની બહાર દોડી.તે એટલી બધી ગભરાઇ ગઈ હતી કે તે વચ્ચે-વચ્ચે રાખેલ ફૂલદાનીઓ સાથે અથડાઈ જતી હતી.આર્યા તેનાં કક્ષ તરફ જ આવી રહી હતી. તે પદ્મિનીને આવી હાલતમાં જોઈને ગભરાઇ ગઈ.તેને પદ્મિનીને પોતાનાં ગળે વળગાડી લીધી અને પૂછ્યું,
“પદ્મિની, શું થયું?”
“એ મને ઓળખી ન શકે.”પદ્મિનીએ ધ્રુજતા સ્વરે કહ્યું.
“કોણ?અને ઓળખી ન શકે એટલે?”
“હું…હું પાછી જઇ રહી છું.હું હવે એક ક્ષણ માટે પણ અહીં નહીં રહું.”પદ્મિનીએ કહ્યું અને રાજમહેલની બહાર દોડીને નીકળી ગઈ.
“પદ્મિની…પદ્મિની…”આર્યા ચિલ્લાઈ પરંતુ પદ્મિની ત્યાંથી ચાલી ગઈ.તે દોડીને અર્જુનનાં કક્ષમાં ગઈ.ત્યાં ચારેય ભાઈઓ બેઠાં હતાં.
“અર્જુન, પદ્મિની…”આર્યાએ હાંફતા-હાંફતા કહ્યું.
“ભાભી,શું થયું પદ્મિનીને.”અર્જુને ગભરાઇને પૂછ્યું.
“ભ્રાતા અર્જુન, પદ્મિની બહુ ગભરાયેલી હતી.મેં પૂછ્યું તો માત્ર એટલું બોલી, 'એ મને ઓળખી ન શકે'અને અહીંથી ચાલી ગઈ.”
“શું?ચાલી ગઈ?આટલી રાત્રે એ એકલી ગઈ?”અર્જુન પણ ત્યાંથી જવા લાગ્યો અને એક વાર પાછળ ફરીને જોયું.
“અર્જુન, તું વેદાંગીની અને તેનાં પુત્રની ચિંતા ન કર.અમે છીએ અહીં.તું શીઘ્ર પદ્મિનીને શોધી વિરમગઢ પહોંચ.”દુષ્યંતે કહ્યું.
તેની વાત સાંભળી અર્જુન પણ રાજમહેલેથી નીકળી ગયો. તેણે દ્વારપાળ પાસેથી પદ્મિની કઇ દિશામાં ગઇ એ જાણ્યું અને એક ઘોડો લઈ એ દિશામાં નીકળી ગયો.
આ તરફ પદ્મિની સતત ભાગી રહી હતી. સતત ભાગવાને કારણે તેનાં મુખ પર પ્રસ્વેદ બિંદુઓ બાજી ગયાં હતાં. તેનો અંબોડો છૂટી ગયો હતો. છતાં પણ તે લથડીયા ખાતી ખાતી ભાગી રહી હતી.
પાછળ આવી રહેલ અર્જુને તેને જોઈ.
“પદ્મિની…”અર્જુન ચિલ્લાયો પરંતુ પદ્મિની કઇ પણ સાંભળવાની પરિસ્થિતિમાં ન હતી.અર્જુન પોતાનાં ઘોડા સાથે તેની નજીક આવ્યો.
તે ફરીથી ચિલ્લાયો,
“પદ્મિની…”
પરંતુ પદ્મિની તો રડતાં-રડતાં ભાગ્યે જ જાતિ હતી.તેથી અર્જુન ઘોડા પરથી ઉતર્યો અને પદ્મિનીનો હાથ પકડીને તેને ઉભી રાખી.
“પદ્મિની, શું થયું?”
“રાજકુમાર મને જવા દો.”
“અરે પણ શું થયું એ તો જણાવ?તું શા માટે આમ ભાગી રહી છો?”
“અર્જુન, એ મને ઓળખી ગયો.એ એને કહી દેશે.તમે…તમે મને જવા દો.”
“પદ્મિની”અર્જુને પદ્મિનીને હચમચાવી. તેણે પદ્મિનીને નીચે બેસાડી.પોતાના વસ્ત્ર વડે પદ્મિનીના મોં પરનાં પ્રસ્વેદ બિંદુઓ લૂછયાં અને તેનાં ચહેરા પર આવી ગયેલ વાળ દુર કર્યા.
“પદ્મિની,શાંત થઈ જા.”
“રાજકુમાર,મેં મહા મુશ્કેલીથી મારાં ભુતકાળને પાછળ છોડ્યો છે.હું મારા મન પર ઘણો સંયમ રાખીને ફરીથી જીવતા શીખી છું.હવે હું ફરીથી મારો ભુતકાળ દોહરાવવા નથી માંગતી.”પદ્મિનીએ કહ્યું અને રડવા લાગી.
અર્જુને તેને શાંત થવાં દીધી અને પૂછ્યું,
“પદ્મિની, તું કોનાથી અને શા માટે આટલી બધી ગભરાશ?કોણ છે એ વ્યક્તિ જેનાં કારણે તારી આવી હાલત થઇ છે?"
“સારંગ.”પદ્મિનેએ કહ્યું.
...
નમસ્તે વાચકમિત્રો, પહેલાં હું આ નવલકથા બે-ત્રણ ભાગમાં પુરી કરવાની હતી પરંતુ હવે હું વિચારું છું કે આ નવલકથા થોડી લંબાવીને પદમાર્જુનનાં પાત્રોને થોડો વધારે ન્યાય આપું જેથી વાર્તા વધુ રસપ્રદ બને અને તમને બધાને વાંચવામાં વધારે મઝા આવે.તો આ અંગે તમારી પાસે કોઈ સુજાવ હોય તો જરૂર પ્રતિભાવમાં જણાવજો જેથી હું મારી નવલકથાને વધુ સારી રીતે લખી શકું.આ વાર્તાનો આગળનો ભાગ શનિવારે પ્રકાશિત થશે.