Iravan - 4 in Gujarati Spiritual Stories by Abhishek Dafda books and stories PDF | ઇરાવન - ભાગ ૪

Featured Books
Categories
Share

ઇરાવન - ભાગ ૪

ગતાંકથી ચાલુ.....

અર્જુન જ્યારે વનવાસ માટે નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે વેદોના મર્મજ્ઞ, આધ્યાત્મિક ચિંતક, ભાગવત ભક્ત, ત્યાગી બ્રાહ્મણ તથા વાચક, વાનપ્રસ્થ અને ભિક્ષાજીવી પણ ચાલી નીકળ્યા હતાં. જેઓ જયાં-જયાં પડાવ પડતો ત્યાં અર્જુનને ઉત્તમ કથાઓ સંભળાવતા હતાં. વનવાસ દરમ્યાન અર્જુને સેંકડો વનો, દેશો, સરોવરો, નદીઓ, તીર્થો તથા સમુદ્રોનાં દર્શન કર્યા હતાં. અંતમાં તે હરિદ્વાર પહોંચીને થોડાક દિવસો માટે ત્યાં જ રોકાઈ ગયા.

ઘૃતરાષ્ટ્ર જ્યારે પોતાનાં રાજ્યની વહેંચણી કરી ત્યારે પોતાનાં પૂર્વજ યયાતિનું રાજય ખાંડવપ્રસ્થ પાંડવોને આપ્યું અને હસ્તિનાપુર પોતાની પાસે રાખ્યું હતું. ખાંડવવનમાં અરાવલિનાં નિર્દય પહાડ, પગનાં તળિયાનું લોહી નીકળી જાય એવો કાંટાળો પથ અને વાંઝણી ભૂમિ હતી. ત્યાં એકદમ ઉજ્જડ પ્રદેશ હતો જ્યા કાળઝાળ ગરમી પડતી હતી અને મનુષ્યો માટે ત્યાં રહેવું લગભગ અસંભવ હતું.

અહીંની ભૂમિ પર પહેલેથી નાગવંશ અને અસુર જાતિના લોકો રહેતાં હતાં અને આ લોકોને પોતાનાં ક્ષેત્રમાં બીજા કોઈ આવે એ બિલકુલ માન્ય નહોતું. છતાં પણ પાંડવોએ ત્યાં પોતાનુ રાજય ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું અને અર્જુને ખાંડવવનને અગ્નિદેવની સહાયતાથી સળગાવી દીધું હતું જેથી કરીને નાગવંશએ ત્યાંથી પલાયન કરવું પડયું હતું અને ઘણાં નાગોનાં મૃત્યુ થયાં હતાં એટલાં માટે નાગવંશ અર્જુનને પોતાનો દુશ્મન માનતા હતાં અને તેની સાથે બદલો લેવા માંગતા હતાં.

વનવાસ દરમ્યાન હરિદ્વારમાં અર્જુન જ્યારે ગંગાજીમા સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે ઍ જ નાગવંશનાં રાજાની પુત્રી નાગકન્યાએ પોતાનાં વંશનો બદલો લેવાં માટે અર્જુનને પોતાની માયાથી બેહોશ કરી નદીનાં જળમાં ખેંચી લીધાં હતાં અને નાગલોકમાં પોતાનાં ભવને લઇ ગઇ હતી. પરંતું અર્જુનનું રુપ જોઈને તેનાં પર મોહિત થઈ ગઇ.

થોડાંક દિવસ પછી અર્જુન જ્યારે હોશમાં આવ્યાં ત્યારે તેને પુછ્યું કે "તમે કોણ છે અને મને આ પ્રકારે અહિયાં લઇને કેમ આવ્યાં છો?"

ત્યારે તેં નાગકન્યાએ અર્જુનને કહ્યુ કે "હે અર્જુન, હું ઍરાવત વંશનાં નાગોનાં રાજા કૌરવ્ય નાગની પુત્રી ઉલુપી છું અને મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે એટલાં માટે હું તમને અહિયાં લઇને આવી છું. હવે તમે મને સ્વીકાર કરીને મારી અભિલાષા પુરી કરો"

ઉલુપીની આ વાત સાંભળી અર્જુને કહ્યુ કે "દેવી, મેં ધર્મરાજ યુધિષ્ઠિરની આજ્ઞાથી બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તેથી જો હું તમારી ઇચ્છા પુરી કરીશ તો મને ખોટું બોલવાનું પાપ લાગશે તથા મારા ધર્મનો લોપ થઈ જશે"

આ વાત સાંભળી ઉલુપીએ કહ્યુ કે "હું જાણું છું કે તમે પાંડવ ભાઇઓએ દ્રૌપદી માટે જે મર્યાદા બનાવી હતી તેનાં જ ઉલ્લંઘનનાં ફ્ળ સ્વરૂપ તમને બાર વર્ષનાં બ્રહ્મચર્યનાં વ્રત સાથે વનવાસ મળ્યો છે પરંતું જો તમે મને સ્વીકાર ન કરશો તો હું પોતાનાં પ્રાણ ત્યાગી દઈશ. તો તમે મારા પ્રાણોની રક્ષા કરી તમારાં ધર્મનું પાલન કરો"

આ રીતે અર્જુને ઉલુપીની પ્રાણરક્ષાને પોતાનો ધર્મ સમજીને તેનો સ્વીકાર કરી લીધો. આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાનું બીજુ ઍક કારણ એ પણ હતું કે ભવિષ્યમાં થનાર યુદ્ધમાં પણ નાગવંશ ઘણાં કામમાં આવી શકે એમ હતાં.

ઉલુપીએ પોતાના પિતા તેમજ સમસ્ત નાગવંશ સાથે અર્જુનની સંધિ કરાવી. ત્યારબાદ અર્જુને ઉલુપી સાથે ગંધર્વ વિવાહ કર્યા હતાં કેમ કે તેઓ હંમેશા માટે નાગલોકમાં રહી શકતા નહોતા એટલાં માટે તેઓ થોડો સમય વ્યતીત કર્યા બાદ નાગલોકથી જવા લાગ્યા.

ઉલુપીએ પણ અર્જુનને રોક્યા નહીં પણ અર્જુનનાં જતા પહેલા એ સુચના આપી કે.. તેં અર્જુનનાં સંતાનને જન્મ આપવાની છે અને સાથે સાથે પ્રસન્ન થઈને એ વરદાન આપ્યું હતું કે... અર્જુનને ક્યારેય પણ કોઈ જળચર પ્રાણીથી કોઈ ભય નહીં રહે અને સમસ્ત જળચર પ્રાણી તેમને આધીન રહેશે. નાગકન્યા ઉલુપીથી આ વરદાન મેળવ્યા બાદ અર્જુન હરિદ્વાર પરત ફર્યા હતાં અને મણિપુર તરફ નીકળી ગયા હતાં.

આ ઘટનાનાં ફ્ળસ્વરૂપ ઉલુપીએ ઍક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ તેણે "ઇરાવન" રાખ્યું હતું. આ હતી ઇરાવનનાં જન્મની સંપુર્ણ કથા...

વધું આવતાં અંકે.....