ગતાંકથી ચાલુ....
'હું ખુશ છું, મેં તને કોઈ ફરિયાદ કરી? હું તારી યાદોમાં ખુશ છું, તારી સાથે વિતાવેલી દરેક ક્ષણથી ખુશ છું. આજે તું ભલે મારી પાસે નથી, છતાંય તારું આપેલું ઘણું બધું મારી પાસે છે, જે મારા બાકી રહેલા જીવન જીવવા માટે પૂરતું છે. વહેતી લાગણીઓની આડે ઘણી વખત આપણે દિલ પર પથ્થર મૂકીને આડબંધ બાંધી દેવો પડે છે, કારણ કે વહેતી લાગણીઓ કેટલીક વખતે વિનાશનું કારણ બને છે અને આપણા પવિત્ર પ્રેમના લીધે તારા સુખી સંસારમાં હવે કોઈ નવો ઝંઝાવાત આવે એ મારાથી સહન નહી થાય. હું એટલેજ કહું છું કે આજે મને ધરાઈને જોઈ લે, કારણ કે હું ફરી ક્યારેય પાછો નહીં વળુ વનિતા.
વિજયની વાત સાંભળીને વનિતા ચોધાર આંસુએ રડી પડી. વરસોથી દિલમાં સંઘરી રાખેલો ભાર હવે વનિતાની આંખોમાંથી આંસુ બનીને બહાર નીકળી રહ્યો હતો. વનિતાનું મન હળવું થાય એટલે વિજયે તેને રડવા દીધી. તેના રુદનનો અવાજ વિજયના દિલ પર વજ્રાઘાત કરી રહ્યો હતો, છતાંય એ ચૂપચાપ સહન કરી ગયો. થોડીક ક્ષણો બાદ વિજયે વનિતા તરફ પાણીનો ગ્લાસ ધર્યો અને કહ્યું, 'બસ કર હવે, લે થોડું પાણી પી લે. વનિતા માંડ પાણીના બે ઘૂંટડા પી શકી.
'ચાલ, તું હવે ફ્રેશ થઈ જા. મારે નીકળવાનો સમય થઈ ગયો છે. વનિતા વોશરૂમ તરફ જઈ રહી હતી, અચાનક તે પાછી વળી અને સીધી આવીને તે વિજયને ભેટી પડી. થોડી ક્ષણો માટે સમય જાણે થંભી ગયો હોય તેમ લાગ્યું. વિજયે પણ વનિતાને પોતાની બાહોમાં ભરી લીધી તો બીજી તરફ વનિતાની પકડ પણ વધુને વધુ મજબૂત થતી ગઈ. વનિતાના આંસુથી વિજયનું હૈયું ભીંજાવા લાગ્યું.
'મને જવા દે વનિતા, મોડું થાય છે.
'તે તો કહ્યું હતું કે મને ધરાઇને જોઇ લે, તો બસ જોઇ લેવા દે.'
વનિતા વિજયને પોતાની બાહોમાંથી છોડવા માંગતી નહોતી, ત્યારે ટેબલ પર પડી રહેલા મોબાઈલમાં રીંગ વાગી. રીંગનો અવાજ સાંભળતાજ બંને જણાં છુટા પડ્યા. વિજયે કોલ રિસીવ કર્યો ત્યાં સામે છેડેથી અવાજ આવ્યો કે, 'સર, ગાડી આવી ગઈ છે.આપને કેટલો સમય લાગશે?' 'બસ પંદર મિનિટ.' વિજયે કોલ કટ કરી મોબાઇલ ખિસ્સામાં મૂકી દીધો.
વનિતા, તું હવે ફ્રેશ થઈ જા, ત્યાં સુધી હું હોટલનું બીલ આપી પાછો આવું છું. વનિતા ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ અને વિજય હોટલનું બીલ આપવા માટે રૂમની બહાર નીકળી ગયો.
હોટલનું બીલ આપીને વિજયે રૂમમાં પ્રવેશ કર્યો. વનિતા ફ્રેશ થઈને સોફા પર બેઠી હતી. તેના હાથમાં ગિફ્ટ હતી. વિજયે પૂછ્યું કે, 'આ શું છે વનિતા?' 'એક નાનકડી ભેટ છે, જે હું તારા માટે લાવી છું.'
વિજયે તે ભેટ પ્રેમથી સ્વીકારી લીધી. વનિતાએ કહ્યું કે, 'જો તો ખરો, શું છે?' વિજય ફટાફટ ગિફ્ટ ખોલવા લાગ્યો, જોયું તો પીળા રંગની ઓઢણી હતી. પીળો રંગ જોઈને વિજયની આંખોમાં ચમક આવી ગઈ.
'હું જાણું છું કે તને પીળો રંગ કેમ ગમે છે, કારણ કે પીળો રંગ પ્રેમનો છે.'
'હા વનિતા, પીળોરંગ આપણા પ્રેમનો છે.'
'તું મને કંઈ નહીં આપે વિજય?'
'બોલ, તારે શું જોઇએ છે?'
'મને ફરી એકવાર ભેટી લેવા દે.'
વનિતા આટલું બોલી ત્યાંજ વિજયે એને પોતાની બાહુપાશમાં જકડી લીધી. આંખો બંધ કરીને આ સમગ્ર ઘટનાને વિજયે પોતાના માનસપટ પર અંકિત કરી લીધી. એકબીજાની બાહોમાંથી છુટ્યા પછી પણ બંને એકબીજાને જોઈ રહ્યા હતા. વિજયે વનિતાના ચહેરાને પોતાની હથેળીમાં લીધો અને તેના કપાળ પર એક ચુંબન કરી લીધું. વનિતા માટે એ ચુંબન નહીં, પણ લાગણીઓના હસ્તાક્ષર હતા. જે વનિતાના હૃદય પર વિજયે કરી દીધા હતા.
વનિતાની આંખમાંથી આંસુ ટપકવાની તૈયારીમાંજ હતું ત્યાંજ વિજયે આંગળીથી એ આંસુને લુછી નાખ્યું.
'આજે આપણે વચન લઈએ કે, હવે ક્યારેય આપણી આંખોમાંથી એકબીજાને યાદ કરીને આંસુ નહીં નીકળે, આપ વચન મને.'
વિજયના હાથમાં વનિતાએ પોતાનો હાથ મૂકીને કહ્યું, "વચન છે.'
બંને જણા હસતા મુખે રૂમની બહાર નીકળ્યા. હોટલના મુખ્ય ગેટ પાસે વિજયની ગાડી ઊભી રહી હતી.
વિજયે વનિતાને કહ્યું, 'તું હવે ઘરે જા. અને હા, પહોંચીને મને મેસેજ કરી દેજે.' બંનેમાંથી કોઈને છૂટા પડવાનું જરાય મન નહોતું, પણ સમય અને સંજોગોને આધીન રહી છુટા પડ્યા વગર ચાલે એમ પણ નહોતું. વિજય વનિતાની સાથે તેની એકટીવા સુધી ગયો. વનિતાએ એકટીવા ચાલુ કર્યું ત્યાંજ વિજયના હૃદયના ધબકારા વધી ગયા, છતાંય ચહેરા પર એક ગજબનું હાસ્ય એણે જાળવી રાખ્યું.
વનિતાએ કહ્યું, 'આવજે,વિજય.'
વિજય કહ્યું, 'કયારેય નહી.'
વનિતા હોટલમાંથી નીકળી ગઈ અને વિજય તેને ભીની આંખે જતા જોઈ રહ્યો.