નેહડેથી આજે બધા ગોવાળિયા જુનાણે (જૂનાગઢ)આવ્યા છે. જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળાના દિવસે પગ મૂકવાની જગ્યા ન હોય. માણસો કીડીયારાની જેમ ઉભરાઈ નીકળ્યું હોય છે. નેહડેથી પણ આજે બધા લોડિંગ વાન પીકપ ભરી ભરીને જુનાગઢ મેળો માણવા અને દર્શન કરવા આવ્યા છે. રાધી તેના આપા નનાભાઈ અને કનો તેના મામા ગેલા સાથે બંને મેળો માણવા આવ્યા છે. દર વર્ષે ગોવાળિયા તેના પરંપરાગત ભાતીગળ કપડાં પહેરીને ભક્તિ ભોજન અને ભજનના આ મેળામાં ઊમટી પડે છે. સતત ત્રણ ચાર દિવસ ચાલતાં મેળામાં ત્રણ-ચાર દિવસ સુધી દિવસ-રાત તળેટીમાં આવેલ અનેક આશ્રમોમાં ભજનની રમઝટ બોલતી હોય છે. સેવાભાવી સંસ્થાઓ, વિવિધ આશ્રમો, સાધુ સમાજ અને સેવાભાવી શ્રદ્ધાળુ શ્રીમંત માણસો દ્વારા સતત ત્રણ દિવસ સુધી અન્નક્ષેત્ર ચાલે છે. નેહડાવાસી ગોવાળિયા ભીડમાં અલગ તરી આવે છે. તે બધા ભીડને ચીરતા અને રસ્તાની બંને બાજુ લાગેલા અવનવી ચીજવસ્તુઓના સ્ટોલો જોતાં આગળ વધી રહ્યા છે. કનાએ મરૂણ પેન્ટની ઉપર સફેદ શર્ટ પહેર્યો છે. ગળે લાલ કલરની લીલા પીળા ભરત ભરેલી લૂંગી નાખી છે. તેણે કાળા ભમ્મર વાંકડિયા વાળમાં જાજુ તેલ નાખી વાળને ચોંટાડીને ઓળેલા છે. બધા ગોવાળિયામાં ગેલો સફેદ ચોરણો અને સફેદ પહેરણની માથે ભરેલી બંડી, માથે રાતો ફટકો બાંધેલો અને પગમાં વજનદાર માલધારી જોડાને લીધે લચકતી ચાલે ચાલતો અલગ તરી આવે છે.
રાધીએ લાલ કલરની ચોલી અને લાલ ચણીયો પહેરેલો છે. ચોલી લાંબી હોવાને કારણે રાધીનું પેટ ઢંકાયેલું છે.માલધારી સ્ત્રીની ચોલીની ડિઝાઇન પ્રમાણે અડધો વાહાનો ભાગ ખુલ્લો દેખાઈ રહ્યો છે. જે પવનથી ક્યારેક આઘીપાછી થતી ચુંદડીને લીધે દેખાઈ રહ્યો છે. શરીર સાથે ચુસ્ત રીતે ફીટ થતી ચોલીમાં રાધી ખૂબ સુંદર લાગી રહી છે. તેના પર ઓઢેલી ઝીણી ભાત વાળી લીલા કલરની ચુંદડીમાં રાધી ભરચોમાસે ખીલી ઉઠતા હરિયાળા ગીર જેવી સોહામણી લાગી રહી છે. કાયમ જંગલમાં રહેલી રાધીને આ ભીડ જોઈ થોડી અકળામણ અને થોડી અચરજ થઈ રહી છે. રાધી દરિયાના મોજા જેમ ઉછાળા મારતા માનવ મહેરામણ ઉપર તો ઘડીક રસ્તાની બંને બાજુ હાટડા માંડીને અવનવી વસ્તુ વેચતા ફેરિયા તરફ જોતી જોતી આગળ વધી રહી હતી. કનો પણ ઘડિક આજુબાજુ તો ઘડીક ચોરીછૂપીથી સોહામણી લાગી રહેલી રાધી પર નજર કરતો પાછળ પાછળ ચાલી રહ્યો હતો.
આજે નાગા સાધુઓની વિશાળ રવાડી નીકળવાની હતી. વર્ષ દરમિયાન ખૂબ જ ઓછા નજરે પડતાં આ નાગાસાધુઓ આખું વર્ષ ગિરનારની ગુફાઓમાં અથવા અલગ અલગ આશ્રમમાં રહીને સાધના કરતાં હોય છે. આ સાધુઓની સાધના ખૂબ આકરી અને હઠીલી હોય છે. તેઓ દેવોના દેવ મહાદેવની ભક્તિ કરે છે. ગમે તેવા ધોમધખતા ઉનાળામાં પણ આ સાધુ ધૂણો ધખાવી તેની નિકટ બેસીને સમાધિ લગાવી ભગવાન શિવની આરાધના કરતા હોય છે. આ બધા સાધુ સંતો અને દેશના અલગ-અલગ ભાગમાંથી પણ અનેક સાધુ-સંતો શિવરાત્રિના આ મેળામાં ઊમટી પડે છે. આ સાધુઓની રવાડી સરઘસ સ્વરૂપે રસ્તા પર આજના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે નીકળી પડે છે. સાધુઓના આ સરઘસમાં અનેક સાધુ નગ્ન શરીર પર ભસ્મ લગાડી માથે મોટી શીવજી જેવી જટા બાંધી નીકળે છે. તો કોઈ કોઈ સાધુઓએ ફક્ત લંગોટ બાંધી હોય, અને હાથમાં ત્રિશૂળ કે તલવાર પણ ધારણ કરેલી હોય. શરીરે કસાયેલા આ સાધુઓ રવાડીમાં અંગ કસરતના દાવ, પટ્ટાબાજી, લેઝિમ, દોરડા વડે વાહન ખેંચવું, દાંતથી વાહન ખેંચવું જેવા દાવ કરતા જતા હતા. આવી રીતે તેઓ તળેટીમાં ફરતા-ફરતા મૃગીકુંડ પહોંચે છે. ત્યાં પૂજા વિધિ કરી સાધુ સમાજના મુખ્ય ગણાતા સાધુ પહેલા સ્નાન કરે, પછી નાગા સાધુઓનો દરિયો જાણે મૃગીકુંડમાં સમાતો હોય તેમ હર હર મહાદેવના નારા ગુંજાવતો ઢોલ નગારા, ત્રાસાના નાદ સાથે કૂંડમાં ઉતરે છે. મોટી જટાવાળા સાધુ માથાબોળ સ્નાન કરી સામે નીકળતાં જાય છે.
એક એવી લોકવાયકા છે કે આ શિવરાત્રીના મેળામાં ખુદ ભોળાનાથ પણ આવે છે. જે સાધુના સ્વરૂપે હોય છે. આટલા બધા સાધુનાં સમૂહમાં કોઈ ભગવાનને ઓળખી શકતું નથી. પરંતુ જાણતા-અજાણતા તેના દર્શનનો લાભ લેવા લોકો ઉમટી પડે છે. એવું કહેવાય છે કે મૃગીકુંડમાં સ્નાન કરીને બહાર નીકળતા આ સાધુમાંથી એક સાધુ ઓછા બહાર નીકળે છે. જે ખુદ ભોળાનાથ જ હોય છે. જે સ્નાન કરતી વખતે જ આ કુંડમાં સમાઈ જાય છે. આવા ભવ સુધારનારા આ ભવનાથના મેળામાં લોકો અખાડાના સાધુ ની એક ઝલક જોઈને ધન્ય થઇ રહ્યા છે. લોકોનો જુવાળ આગળ વધી રહ્યો છે. આ ભીડમાં કોઈ ઉભા રહેવા માંગે તો પણ લોકોના ધક્કાથી આગળ ચલાઇ જાય છે.
આવું બધું નવાઈ ભરેલું જોતા જોતા રાધી બીજા ગોવાળિયાથી પાછળ રહી ગઈ. આ બધું જોતા જોતા ચાલી રહેલી રાધીને હજી પણ એ વાતની ખબર નથી કે તે તેના આપા અને બીજા ગોળીયાથી છૂટી પડી ગઈ. ઘણીવારે તેણે આજુબાજુ જોયું તો તેની સાથેના બધા ગોવાળીયા વિખૂટા પડી ગયા હતા. રાધીએ વિચાર્યું હવે શું કરીશ? પરંતુ જેવું તેણે પાછળ ફરીને જોયું તો કનો તો તેની પાછળ પાછળ જ ચાલ્યો આવતો હતો. રાધીને નિરાંત થઈ. ચારે બાજુ ઢોલ નગારા ત્રાસાના નાદ અને હર હર મહાદેવના નારા વચ્ચે એકબીજા સાથે વાત કરવી તો શક્ય ન હતી. પરંતુ તે થોડી ધીમી ચાલી એટલે પાછળ પાછળ આવતો કનો તેની સાથે થઈ ગયો. રાધીએ ઇશારાથી કનાને "બધા ક્યાં ગયા?" એમ પૂછ્યું. કનાએ ખુલ્લી હથેળીનાં આંગળા ગોળ મરડી, "મને કશી ખબર નથી!" તેવો જવાબ આપ્યો. રાધીએ નેણ નચાવતા, "તો ક્યાં ધ્યાન છે તારું?" એવો ઇશારાથી જ ઠપકો આપ્યો. કનાએ બન્ને આંખ મીંચી માફી માગી લીધી. રાધીને કનાનો આ ભોળીયો અને સમર્પિત સ્વભાવ બહુ ગમે છે. રાધી ગમે ત્યારે ખીજાય ત્યારે કનો રાધી સામે કાયમ શરણાગતિ સ્વીકારી લે છે. ભીડમાં ફરી ખોવાઈ ન જવાય તે ડરે રાધીએ કનો નજીક આવતાં તેના હાથનું કાંડું પકડી લીધું. તે કનાની સાથે ચાલવા લાગી. આમ અચાનક રાધીએ હાથ પકડતા કનો શરમાઈ ગયો.કનાએ કોઈ આજુબાજુ તેને જોતું નથી ને? તે જોઈ લીધું. પરંતુ ભીડને તો બીજું કંઈ ક્યાં જોવાનો સમય હતો? ભીડ તો દરિયાના મોજા જેમ આગળ વધી રહી હતી. રાધી પણ પોતાની મસ્તીમાં આગળ આગળ ચાલી રહી હતી.જાણે રાધી ઢસડતી જતી હોય તેમ કનો પાછળ પાછળ ખેંચાયે આવતો હતો. રાધી ત્રાંસી નજરે કનાનું મોઢું જોઈ લેતી હતી. કનાના મોઢા પરના ભય અને રોમાન્સના મિશ્ર ભાવ જોઈને રાધીને મનમાં ને મનમાં હસવું આવતું હતું.
ભીડમાં આગળ વધી રહેલા ગોવાળિયા સાધુની જમાતના અંગ કસરતના દાવ જોવામાં મગ્ન હતા. ત્યાં અચાનક ગેલાનું ધ્યાન ગયું.કે રાધી અને કનો ક્યાંક વિખૂટા પડી ગયા છે. તેણે બધા ગોવાળીયાને આ વાત જણાવી. નનાભાઈને પણ ચિંતા થવા લાગી, હવે આ ભીડમાં આ બંનેને કેમ ગોતવા? તે બંને પાછળ રહી ગયા હશે કે આગળ થઈ ગયા હશે એ પણ ખબર નહોતી! બધા ગોવાળિયાએ માનવ મહેરામણના કીડીયારા પર નજર ફેરવી, પણ આમાં તો કેમ જડે? અને આ ધસમસતી આવી રહેલી ભીડને ચીરીને પાછા જવું પણ શક્ય નહોતું. છેવટે બધાને એવું નક્કી કર્યું કે આપણે કોઈ છૂટા પડી જાય તો જ્યાં પીકપ ગાડી મૂકેલી છે ત્યાં મળવાનું નક્કી કર્યું જ છે. એટલે તે બંનેની વાટ આપણે ત્યાં જોઈશું.
ક્રમશઃ
(જુનાણાનો મેળો માણતા કના અને રાધીને માણવા વાંચતા રહો"નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621