તુંજ પ્રાથૅના,તુંજ ઈબાદત ને તુંજ બંદગી મારી.
તુંજ શ્વાસ ને તુંજ વિશ્વાસ અને તુંજ જીંદગી મારી.
પ્રેમ એ સુખ દુઃખની ઝાંખી કરાવતી એક અદ્ભુદ અનુભુતી છે. આપણે સૌ અત્યાર સુધી સાંભળતાં આવ્યાં છીએ કે પ્રેમ ત્યાગ માગે છે. એ વાત સાચી.પણ એ ત્યાગ કેવો હોવો જોઈએ? મારા મત મુજબ એ ત્યાગ એવો હોવો જોઈએ કે જેમાં સામેવાળી વ્યકત્તિના જીવનમાં ખુશીઓ આવતી હોય, એની વેદનાઓ,એની તખલીફો દુર થતી હોય તો એ તમારો સાચો ત્યાગ છે.
પ્રેમમાં કયારેય કોઈ બંધન કે કોઈ નિયમો ના હોવા હોઈએ. હું કહું એમ તું કરે,તું કહે એમ હું કરું. પ્રેમ એ કોઈ વહેવાર કે વેપાર નથી.પ્રેમ એ તો લાગણીનો એક અવિરત ધોધ છે.જેમાં બન્ને પાત્રોએ સ્નેહનાં સબંધોથી ભીંજાઈ જવાનું હોય.અને એ સબંધોની લાગણીઓમાં કદાચ ભીંજાવા ના પણ મળે છતાંય કોઈ વાતનો રંજ ના હોવો જોઈએ. પરંતું આપણને એ વાતનો આનંદ હોવો જોઈએ કે તે વ્યકત્તિ મારા ત્યાગ થકી ખુશ છે. પછી ભલેને આપણી પાસે હોય કે આપણાંથી દુર હોય.
જે પ્રેમમાં જરૂરીયાત કરતાં વધારે બંધનો કે લાગણીઓ હોય ત્યાં એ પ્રેમ ગુંગળામણ અનુભવે છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વ્યકતિને કયારેય એવું પુછ્યું છે કે " તું શું ઇચ્છે છે?", " તારી ખુશી શા માં છે?" ના. આપણને એ વ્યકત્તિ માટે કયારેય આવો અનુભવ કે આવી કોઈ જાતની અનુભુતી થતી નથી. એનું એક જ કારણ કે આપણને તે વ્યકત્તિ પર અને તેના પ્રેમ પર માત્ર ને માત્ર આપણો જ અધિકાર હોય તેવું ઇચ્છતાં હોઈએ છીએ, અને આપણી આ ઈચ્છાને સંતોષવા જતાં પ્રેમ કયાં ખોવાઈ જાય છે એનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. જે લોકો પોતાના નિખાલસ પ્રેમને ભુલી જઈને પોતાના હકો અને ફરજો સુધી પહોચી જાય છે એવા લોકોનું પછી થાય છે શું? થાય છે તો બસ એક અફસોસ. પછી એ અફસોસને યાદ કરીને દુઃખી થવા સીવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો.
" જે પ્રેમમાં લાગણીઓ કરતાં માગણીઓને વધારે મહત્વ આપવામાં આવે છે, એ પ્રેમ જરૂરીયાત સંતોષવા પુરતો સીમીત બની જાય છે."
હવે તમે જ કહો કે પ્રેમમાં સીમાઓ હોવી જોઈએ? પ્રેમમાં બંધનો હોવા જોઈએ?
"જે વ્યકતિ તમારી લાગણીઓને સમજવામાં નિષ્ફળ ગયો હોય છે,એ વ્યકત્તિ એની માંગણીઓ સંતોષવામાં સફળ થઈ ગઈ હોય છે." જયારે આપણને આ વાતનું ભાન થાય છે ત્યારે આપણે ભુતકાળની ભૂલોને યાદ કરીને આંસું વહાવ્યાં વિના બીજો કોઈ આરો નથી રહેતો. આવું આપણી સાથે જયારે બને છે ત્યારે આપણે આપણાં નસીબને,આપણાં પ્રેમને દોષ આપીએ છીએ. દોસ્ત....એક વાત હંમેશા યાદ રાખજો કે "પ્રેમ કયારેય બેવફા નથી હોતો, પરંતુ આપણે પસંદ કરેલું વ્યકત્તિ બેવફા હોય છે." તેના કારણે આપણે દુઃખી થઈએ છીએ. પ્રેમ એ તો પ્રભુંનુ બીજુ સ્વરૂપ છે. પ્રેમની પૂજા કરવાની હોય,પ્રેમનો અનુભવ કરવાનો હોય.જેવી રીતે આપણે પ્રભુંની હયાતનો અનુભવ કરીએ છીએ બસ એમજ. " જો તમને સાચો પ્રેમ મળ્યો હોય તો તેની કદર કરજો, બાકી પ્રભુંની હયાતીનો અનુભવ ઘણીવાર મંદિરના પૂજારીને પણ નથી થતો."
દર વખતે સામેવાળી વ્યકત્તિની માંગણીઓને અને એની શરતોને આધીન થઈને કયારેય કોઈને પ્રેમ ના કરવો. એને પ્રેમ કહેવાય જ નહી. જયારે પ્રેમમાં શરતો મુકવામાં આવે છે ( એ શરતોનો હું અહી ઉલ્લેખ કરવા માંગતો નથી.) ત્યારે આપણે સમજી જવાનું કે સામેવાળી વ્યકત્તિને તમારા પર વિશ્વાસ નથી.જે પ્રેમમાં શરતો હોય,બંધનો હોય એ પ્રેમ પ્રેમ નથી પણ એ ખોટો વહેમ છે. જે આપણી લાગણીઓ સાથે રમત રમીને આપણાં જીવનને બરબાદ કરી નાખે છે. ના આપણે પ્રેમને લાયક રહીએ છીએ કે ના આપણે આપણાં મિત્રોને કે પરિવારને.
પ્રેમ ત્યાગ માગે છે.પ્રેમ સમપણૅ માગે છે. પ્રેમ બલિદાન માગે છે.પરંતું "પ્રેમમાં એટલો બધો ત્યાગ ના આપવો કે સામેવાળું પાત્ર તમારા હદયને એની હથેળી પર ધબકતું જોવા માગે." આ ત્યાગ નથી. આ સમપણૅ નથી. આ બલિદાન નથી. આ તો છે પ્રેમના નામ પર માત્ર શોષણ.
છતાંય આ દુનિયામાં આજે એવા કેટલાય છે જે આવા શોષણને પ્રેમ સમજીને દુઃખી જીવન જીવે છે.હવે તમે મને કહો કે શું આ સાચો ત્યાગ છે?
લેખન:- પિંકલ પરમાર "સખી"