al ashkara - a tourist place of oman in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | અલ અશ્કારા - ઓમાનનું પ્રવાસ સ્થળ

Featured Books
Categories
Share

અલ અશ્કારા - ઓમાનનું પ્રવાસ સ્થળ

હાલ હું મસ્કત છું. તે ઓમાન દેશની રાજધાની છે. અહીં મે 2022માં અત્યારે રમઝાન મહિનો પૂરો થઈ આપણી દિવાળી જેવો સહુથી મહત્વનો તહેવાર ઈદ ચાલે છે. ગયા વિકલી હોલીડે 1.5.22 શુક્રવારથી આવતી કાલ 6 મે અને 7.5.22 સુધી સંપૂર્ણ રજાઓ છે. આપણા દિવાળી થી લાભપાંચમ જેવું વેકેશન.

મુખ્ય ઈદ ને દિવસે સવારે 6.30 ની મુખ્ય નમાઝ બાદ સહુ ઓમાની સ્ત્રી પુરુષો એકદમ ઈસ્ત્રી ટાઇટ નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ કારો માં નીકળી પડેલાં. સ્ત્રીઓ અહીં મોં ખુલ્લું રાખે છે પણ આખા શરીરને ઢાંકતો કાળો ગાઉન પહેરે છે જેને અબાયા કહે છે. તે અબાયા પણ ઈદ નિમિત્તે આછો કેસરી, ગુલાબી, નીલો કે તેવા કલરનો પહેરી અલંકારો સાથે તેમને નીકળેલી જોઈ. પુરુષો પણ એમના ટ્રેડિશનલ સફેદ ઝબ્બામાં કમરે આજે લાલ, લીલું કે સોનેરી વસ્ત્ર વીંટી, અંદર ચમકતી કટાર (માત્ર કવર) ખોસી, સોનેરી ડિઝાઇન વાળી ટોપી પહેરી નીકળેલા. અજાણ્યાને પણ ઝૂકીને ઈદ મુબારક કહે. ભારતની જેમ જ સેવૈયા સાથે એલચી અને તેજાના નાખેલો સ્ટ્રોંગ કહાવા, (કડવી કોફી જેવું પીણું ) અને ખજૂર બધે આપે. ઉપરાંત ઓમાની મીઠાઈઓ પણ ખરી.

થોડાં વર્ષોથી ત્યાંની જેમ અહીં પણ ઈદ વખતે બહાર સારે સ્થળે ફરવા નીકળી જવાનો વણકહ્યો રિવાજ થઈ ગયો છે. તે ઉપરાંત અહીં ઘણી મોટી વસ્તી કેરાલીઓની છે તેઓને તો એક અઠવાડિયું રજા મળી એટલે બહાર નીકળે જ!

અમે પણ એ રજાઓનો લાભ લઈ બે દિવસ અલ અસ્કારા નામનાં જાણીતાં ફરવાનાં સ્થળે અને ત્યાંથી નજીકની જગ્યાઓએ જવા નીકળી પડ્યાં અને એક યાદગાર પ્રવાસ થઈ ગયો.

મારા મસ્કત નજીકના અન્ય પ્રવાસોના લેખો ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર છે તે વાંચી જવા વિનંતી.

તો અસ્કારા જવા અમે 3.5.22 ના બપોરે 11.20 વાગ્યે નીકળ્યાં. 340 કિમી જેવું અંતર હતું. ગૂગલ મેપ ને આધારે જ.

મસ્કતની બહાર નીકળતાં જ એમિરાત હાઇવે પર્વતો ઉપર થઈને જાય છે તે પકડ્યો. રસ્તે અમુક અંતર જતાં મે મહિનાની બપોર પડી એટલે દૂર પાણી હોય તેવો ભાસ થાય તે મૃગજળનો અનુભવ કર્યો. રસ્તાઓ પર પણ જાણે પાણી પથરાયું હોય તેમ કારનાં પ્રતિબિંબ દેખાવા લાગ્યાં. બેય બાજુ થોડી વારમાં કાળમીંઢ પર્વતો કોતરીને કરેલા રસ્તાઓમાંથી થઈને તો થોડી વારે બે તરફ ખાખી રંગની રેતીનાં અફાટ રણ વચ્ચેથી નીકળતાં રહ્યાં.

એક તબક્કે રણમાં કારની બહારનું ટેમ્પ્રેચર 49 સે. બતાવતું હતું! કારમાં તો 25 થી 30 સે. મેઇન્ટેઈન હતું.

ઓચિંતો સુરર.. કરતો વિશાળ કર્કશ વાંસળી જેવો અવાજ કરતો પવન ફૂંકાયો અને રસ્તા પર રેતીની બોછારો ઝિંકાવા લાગી. સામેથી આવતી કારોએ પણ લાઈટ કરી. થોડી ક્ષણ કાઈં દેખાય નહીં એવું થઈ ગયું. વિંડશિલ્ડના આગલા કાચ પર પણ રેતી તડ તડ કરતી અથડાવા લાગી. કાચ ધૂંધળો થઈ ગયો. લગભગ invisible. બાજુમાં જોયું તો અમદાવાદની કોઈ મિલનાં ભૂંગળાં કે વિશાળ નળાકાર જેવા આકારનો લગભગ ચાર પાંચ માળનાં મકાન જેટલો ઊંચો ચક્રવાત ગોળ ફરતો જોયો. રેતીનું એ ચક્કર ચક્કર ફરતું ભૂંગળું વચ્ચેની હવા ગરમ થઈ એકદમ ઉપર જાય તેથી ક્ષણિક શુન્યાવકાશ સર્જાય તેથી થતો હતો.

અહીં એક્સપ્રેસ હાઇવે વચ્ચે ઊભવું શક્ય નહોતું. એ બધાં તોફાન વચ્ચેથી પણ અમે અને આગળની કારોએ 100 કિમી કલાકની ઝડપે પસાર થયે રાખ્યું.

આપણી અટલ ટનલ જેવી એક પર્વત ખોદી બનેલી ટનલ આવી. અલ શર્કિયા ટનલ. અંદર પૂરતી લાઈટો, પહોળા રસ્તાઓ. લગભગ એક કિમી લાંબી.

બહાર નીકળતાં અલ શર્કિયા શહેર આવ્યું જે આપણા વડોદરાની જેમ શૈક્ષણિક શહેર છે અને શર્કિયા યુનિવર્સિટી ખુબ જાણીતી છે. ત્યાં ખાખી રંગનાં સરકારી મકાનો જોયાં.

કોઈ પણ સરકારી, પોલીસ સ્ટેશન કે પોસ્ટ ઓફિસનું મકાન પણ અહીં બધે જ ખુબ મોટું હોય અને ઉપર ઓમાની રાષ્ટ્રધ્વજ લગાવેલો હોય.

આજુબાજુ પહાડો પર ચરતા કાળા જંગલી ગધેડાઓ તથા ઘેટાં જેવા લાંબા વાળ ધરાવતાં બકરાં જોયાં. એ કોઈની માલિકીનાં ન હતાં.

વચ્ચે એવા રેતીના ઢુવાઓ આવ્યા જેમનો રંગ આછા ખાખી થી સફેદ જેવો હતો. કહેવાયું કે આ ડ્યુન્સ સવારનો તડકો પડતાં સફેદ લાગે છે ને ચળકે છે તેથી આ રેતીના પર્વતોને સુગર ડયુન્સ કહેવાય છે.

એક સાથે ઊંચા રેતીના ખાખી પહાડો અને પ્રચંડ sand dunes વાળાં રણ વચ્ચેથી પસાર થયા કર્યું ત્યાં તો પર્વતો પાછળથી ઓચિંતો અફાટ, ભૂરો અને લીલી ક્ષિતિજ વાળો દરિયો સામે જાણે સ્વાગત કરવા આવ્યો. અલ અશ્કારા આવી પહોંચ્યું.

બપોરના 2.40 થએલી. 3 કલાક 10 મિનિટમાં અમે 340 કિમી કાપેલા. એ પણ ચડતા અને ઉતરતા ઢાળો વાળા રસ્તે તેમજ પેલાં રેતીનાં તોફાન સાથે! સરેરાશ 110 ની સ્પીડ થઈ. મોટે ભાગે 120 થી 125 ની સ્પીડે હતા.

અલ અશકારામાં atana stay રિસોર્ટ માટે અગાઉથી કહી રાખેલું એટલે બે સ્યુટ મળ્યા બાકી આખી હોટેલ ફૂલ. બીજી કેટલીક હોટેલોએ તો ફોન જ નહોતા ઉપાડ્યા. નેટ પણ બધી ફૂલ બતાવે. ઈદ હોઈ ઓમાનીઓ ફરવા નીકળી પડેલા.

ગર્વથી કહીશ કે તે હોટેલ નો પ્લાન અને લેન્ડસ્કેપિંગ મારા આર્કિટેક્ટ પુત્રએ કરેલું. કદાચ એટલે જ ફોનથી બૂક કરી શક્યા. આજે અગાઉથી બુકિંગ સિવાય ક્યાંય પણ જગ્યા મળવી અશક્ય હતી.

ખુબ સુંદર, એક સરખા symmetrical rooms વાળાં બિલ્ડિંગ, લગભગ આપણા ચોરવાડ ના પેલેસ જેવાં. વચ્ચે સ્વિમિંગ પુલ અને આસપાસ ગ્રીનરી. ફૂલોમાં ચંપો કે કરેણ ચાર પાંચ ફૂટ નજીકથી પસાર થાઓ તો પણ સુંદર સુગંધ આપતાં હતાં.

આજુબાજુ બીજી હોટેલો અને રીસોર્ટ્સ પણ હતા. કેટલીક વિલાઓમાં હારબંધ રૂમ ચણી તેને સીઝનમાં નાઈટ સ્ટે માટે ભાડે આપતા shelets જોયા.

કેટલાક લોકોએ તો પ્લાસ્ટિક કે કેનવાસ માં ટેન્ટ લાવી કોઈ સપાટ જમીન ગોતી ત્યાં કાર પાર્ક કરી ટેન્ટમાં રાત કાઢવા કેમ્પિંગ કરેલું.

થોડો આરામ અને ખાવા પીવાનું પતાવી એકાદ કલાક હોટેલમાં સ્વિમિંગ કર્યું.

અહીં જાહેરમાં કપડાં બદલી શકાય નહીં અને ઉપરનું શરીર પુરુષથી પણ ઉઘાડું રખાય નહીં. સ્વિમિંગની શોર્ટ્સ પણ ગોઠણથી નીચે સુધી હોવી જોઈએ.

સાંજના સાડાચાર વાગતાં બીચ જવા નીકળ્યાં.

અહીં સામે નજર પડે ત્યાં સુધી અફાટ દરિયો જ છે. આ એક ફિશીંગ વિલેજ છે જ્યાં હોટેલો કરી ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવી ગ્રામવાસીઓ કમાઈ લે છે.

દરિયા કાંઠે રેતી એકદમ લિસ્સી અને સફેદ છે. સતત લાંબો કિનારો અને ઉતરતો ઢાળ. દરિયા કાંઠાના અને થોડે દૂર ના રંગ પરથી જ ખ્યાલ આવે કે દરિયામાં ખંડીય છાજલી બહુ થોડે સુધી હતી. ત્યાંથી આગળ વધો એટલે તમારી કમર કે ગળા સુધીનું પાણી મૂકી તરત જ 500, હજાર કે કોણ જાણે કેટલા ફૂટ ઊંડું થઈ જાય! લોકો કાંઠા પાસે જ દોડતા, ફૂટબોલ રમતા કે મોજાંઓ પર કુદતા હતા. ખુબ મોટાં છીપ, કોડી અને શંખ પણ મળ્યાં.

સાંજે સવા છ વાગે તો સૂર્યાસ્ત!

પાછા આવી રિસોર્ટમાં.

જમવા બે કિમી દૂર ગામમાં ગયા કેમ કે રીસોર્ટમાં જમવાનું બુફે, એક વ્યક્તિના 5 ઓમાની રીયાલ એટલે 950 કે 1000 રૂ. જેવા હતા. ગામમાં એક રેસ્ટોરન્ટમાં ગયા તો બધાં જ ટેબલો ફૂલ. અહીં સાથે લેડીઝ હોય તો રેસ્ટોરાંમાં ફેમિલી રૂમમાં જવા કહે છે એ પણ બધા ફૂલ. એક ટેબલ ખાલી થતાં બેઠાં. આજુબાજુ ઈદ ના બક્ષિશ આપી હોય તે વાપરવા આવેલા ટાબરિયાંઓથી રેસ્ટોરાં ભરેલું હતું. એક ફેમિલી એનકલોઝર માં યુવાન છોકરાઓ હો હા કરતા ખાતા હતા તેમને મેનેજરે જલ્દી પતાવવા કહ્યું અને અમને ફેમિલી રૂમમાં ખસેડ્યાં. એમ કહીને કે બહાર આ લોકો શોર બકોર કરી મૂકશે.

ફેમિલી રૂમમાં ઉલટું ટેબલ વગર નીચે ગાદીઓ પર બેસવાનું હતું. અહીંની સંસ્કૃતિ મુજબ સાથે ખાઈએ તો આમ તો એક મોટી થાળીમાંથી સહુ ખાય. એની બદલે અમને ડિશો, લેટ્યુસ, મોસંબી જેવડું લીંબુ, કાકડી ગાજર, ટમેટાંનું સેલાડ, વચ્ચે રોટી (અહીંની મેંદાની પણ ટેસ્ટી) નો બાઉલ અને બિરયાની ભરેલો કટોરો આપ્યો પણ બેસવાનું તો પલાંઠી મારીને. વેઇટર પડદો બંધ કરી ગયો. જે રિસોર્ટમાં પાંચ વ્યક્તિનું 25 રીયાલ એટલે 5000 રૂ. જેવા બધાના થાત તે અહીં 5 રીયાલ એટલે 1000 જેવામાં પત્યું.

રાતના દરિયાનો ઘૂઘવતો અવાજ, અંધારામાં આવી જગ્યાએ જ જોવા મળે એવા તારા. રિસોર્ટનાં એકદમ ઊંડાં અને પોચાં ગાદલામાં ઊંઘ ખેંચી.

સવારે અહીં તો 5.28 ના સૂર્યોદય અને પૂર્વ બાજુ દરિયો. દરિયામાંથી ઊગતો સૂર્ય જોવાની તક ચુકાય? એલાર્મ મૂકી 5.20 ના દરિયે ગયો. સૂર્ય ઉગતી વખતે દરિયાની કિનારી પર ધુમ્મસ હતું પણ સહેજ જ ઉપર આવતાં દરિયામાંથી સૂર્યોદય જોયો અને ઓટ વખતની કુદરતી રંગોળીઓ દરિયાઈ માટીમાં જોઈ. એ વખતે તો શંખ અને છીપોની સાઈઝ પણ મોટી હતી.

પરત આવી બ્રંચ ઝાપટ્યું, ફરી સ્વિમિંગ કર્યું અને 11.30 વાગે ચેક આઉટ કરી નીકળ્યાં પિંક લેઈક ભણી. લગભગ એ સમયે જ ઘણાં ઈદ મનાવી નીકળેલાં ઓમાની અને કેરાલી ફેમિલીઓ પણ નીકળ્યાં.

નજીકમાં જ અસ્કારા પોર્ટ ગયાં જ્યાં શિપ્સ ને ભરવાનાં ડીઝલનો મોટો પેટ્રોલ પંપ પણ હતો. શીપ્સ ને દરિયામાં લઈ જતા પહેલાં પૈડાં વાળી મોટી ટ્રોલી પર રાખી લઈ જવી પડે અને અમુક ઊંડું અંતર આવે એટલે જ એ ટ્રોલી ખેંચી લઈ શિપ દરિયાને હવાલે કરાય તે ટ્રોલી પર શિપ જોઈ.

ફરી એ જ પર્વતો, સફેદ સ્યુગર ડ્યુન્સ, રસ્તે હવે રખડતાં અને પાંચ સાત નાં ઝુંડમાં ફરતાં નધણીયાતાં ઊંટો મળ્યાં. તેઓ રેતીમાં ઊગેલું કાંટાળું ઘાસ ખાતાં હતાં.

પિંક લેક જગ્યા એવી છે જ્યાં સમુદ્રનું પાણી બંધીયાર જગ્યામાં ભરાઈ રહેવાને કારણે ત્યાં algie એટલે શેવાળ થાય છે અને તે સોલ્ટ તથા અન્ય કેમિકલ્સ ને કારણે ગુલાબી હોય છે તેથી પાણીનું આખું સરોવર ગુલાબી લાગે છે. ગૂગલે બતાવેલી મૂળ જગ્યાએ જો કે મનુષ્ય અવરજવર વધી જતાં શેવાળ ઉગતી બંધ થઈ હશે એટલે ભૂરું જ પાણી હતું. નજીકમાં બે પૂરી પિંક ખાડી હતી. તેની આસપાસ સફેદ સોલ્ટના ક્રિસ્ટલ્સ બનેલા.

ત્યાંથી નીકળી ઊપડ્યાં સુર શહેર તરફ.

આશરે 3 વાગે સુર આવ્યું. સુંદર કોર્નીશ એટલે દરિયાએ બનાવેલો અર્ધગોળ ખાંચો જોયો. કિનારે બેસવા આકર્ષક બાંકડાઓ પણ હતા.

આગળ આવ્યો વરલી સી ફેસમાં છે તેવા આકારનો પણ ઝૂલતો, મજબૂત તારો થી બાંધેલો હેંગિંગ બ્રિજ. તે કારમાં જ બેસી ડ્રાઇવ કરતાં વટાવ્યો. કારને તેની ઉપરથી લઈ જઈ શકાય છે, ભારે વાહન નહીં. ત્યાંથી ગયાં લાઈટ હાઉસ. તે એક સુંદર આકારની ક્રીમ કલરની ઇમારત છે. બારીઓ પણ લીલી અને મુસ્લિમ સ્થાપત્ય મુજબ ઉપર અણી કાઢેલી. ઉપર જવા પગથિયાં અને કિલ્લા જેવી પાળી. આપણા જૂના ડેલા જેવાં દ્વાર.

અહીંથી બપોરનો દરિયો રૂપાના સિક્કાઓ ઝગારા મારતા હોય તેવો લાગતો હતો.

ત્યાંથી ગયા સુર મેરિટાઈમ મ્યુઝીયમ જ્યાં આગળથી ઊંચી અને મોટી ચાંચ વાળી 'ધો' નામની બોટનાં મોડેલ છે.

બીજા 600 મીટર દુર છે ધો બનાવતી ફેક્ટરી કમ મ્યુઝીયમ. એ પ્રાઇવેટ હોઈ વ્યક્તિદીઠ 1 રીયાલ ટિકિટ છે. જે રીતે માપ લઈ આખી ફ્રેમ, વળાંકો, ચોક્કસ જાતનાં લાકડાં જે પાણીમાં પલળી લોંદો ન થઈ જાય તેમ જ વજનમાં હળવાં હોય તે કપાતાં અને ફીટ થતાં જોયાં.

શહેરના રસ્તાઓ ચોક્કસ રીતે વાવેલી ખજુરીઓથી શોભતા હતા. ઘણાં મકાનોને ડેલી જેવાં અને ખુબ ઊંચાં બારણાં હતાં.

મસ્કત, સલાયા, સુર અને નીઝવા અહીં ઓમાનનાં મોટાં શહેરો કહી શકાય.

અહીંથી ઉપડી ગયા બીમા સિંક હોલ તરફ.

રસ્તે વળી પહાડીઓ, steep ઢાળ સાથે ચડતા ઉતરતા રસ્તાઓ અને ગામોની અંદરથી પસાર થયા. બકરી કે ઊંટ ચીતરેલું બોર્ડ આવે એટલે એ પ્રાણી આવે તો ધીમા પડવાનું. પહોળા અને એકદમ smooth રસ્તાઓ સાથે પહાડોની બાજુમાં એકાદ ફૂટ ઉંડી રસ્તાની બાજુમાં સિમેન્ટની સતત સાથે દેખાતી નીક હતી તે પહાડ પરથી વરસાદ પડે તો રસ્તા બંધ ન થાય એ માટે પાણી વહાવવા હતી. અહીં જો કે વરસાદ ભાગ્યે જ પડે છે.

સાંજે આશરે 4.30 વાગ્યે પહોંચ્યા બિમા સિંક હોલ. Bima sink hole. એ જગ્યાએ કુદરતી રીતે ઊંડો ખાડો, આશરે 150 ફૂટ લાંબો અને 100 ફૂટ પહોળો છે. ઊંડો પણ સરખો એવો. ત્યાં દરિયાનું પાણી કે કુદરતી ઝરણું છે જ્યાં તમે 50 જેવાં પગથિયાં ઉતરી નહાઈ કે તરી શકો છો. પણ એ માટે ત્યાં ઊભી કપડાં બદલો તો ભારે દંડ થાય. જાહેરમાં નગ્ન થવાનો ગુનો બને. એટલે એન્ટ્રી પાસે જ પુરુષ અને સ્ત્રીઓ માટે ચેંજીંગ રૂમ્સ છે ત્યાં જઈ પેન્ટ બદલી સ્વિમિંગ શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી જવાનું. તમારાં કપડાંની થેલી તમારી સાથે જ રાખીને. ટીશર્ટ તરતી વખતે ફરજિયાત. ઉપલું શરીર પણ ખુલ્લું ન ચાલે.

આજુબાજુ બગીચો, બેસવા બાંકડા અને લાકડાના શેડ કે છત્રીઓ પણ છે. કાફેટેરિયા પણ છે.

સામાન્ય દિવસે એક સમયે 25 કે 30 માણસો નહાતા હોય ત્યાં આજે સીડી ઉપર 150 થી 200 લોકો અને એટલા જ નીચે પાણીમાં. ઉભવાની પણ જગ્યા માંડ હતી. ત્યાં ખાસ્સે ઉપર લગભગ 30 , 40 અને હજી ઉપર પથ્થરમાં જ કોતરાયેલી છાજલીઓ છે જ્યાંથી હિંમતબાજ યુવાનો ધુબકા મારે છે. મને તરતાં આવડતું હોઈ બહુ ભીડથી દૂર તરી શક્યો.

ત્યાં જ નાસ્તો કરી ઊપડ્યાં તે વહેલું આવે મસ્કત. એમીરાત વિસ્તાર આવતાં જ પર્વતોની જગ્યાએ તળેટીમાં જાણે પ્લેનમાંથી જોતા હોઈએ એવું મસ્કત શહેર દેખાય. એકદમ ટચૂકડાં ખીચોખીચ મકાનો અને ટમટમતી લાઈટો જાણે આકાશ જમીનમાંથી ફૂટી નીકળ્યું હોય!

આમ અલ અશ્કારા, પિંક લેક, સુર, બીમા સિંક હોલ ની અમારી પોણાબે દિવસીય ટુર કાયમી સુંદર સંભારણાઓ સાથે પૂરી થઈ.

***

https://photos.app.goo.gl/BgATUwnTkyhSxhtJ7