રનવે ૩૪
-રાકેશ ઠક્કર
અજય દેવગનની નિર્દેશક તરીકે લાંબા સમય પછી આવેલી 'રનવે ૩૪' માં અજય અને અમિતાભનો અભિનય કાબિલેતારીફ છે. IMDB પર ૧૦ માંથી ૮.૮ જેવું સારું રેટિંગ મળ્યું અને બધા જ સમીક્ષકોએ પાંચમાંથી એક પૂરો સ્ટાર અજયને નિર્દેશન માટે આપ્યો હોવાથી એમ કહી શકાય કે વર્ષો પહેલાં ફિલ્મ 'શિવાય' નું નિર્દેશન કરીને જે પ્રતિષ્ઠા ગુમાવી હતી એ 'રનવે ૩૪' થી પાછી મેળવી છે. કોઇપણ સમજી શકશે કે એક અભિનેતા માટે જે બીજી ફિલ્મોમાં પણ કામ કરતો હોય છે એના માટે નિર્માણ અને નિર્દેશન સાથે મુખ્ય ભૂમિકામાં અભિનય કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે. 'રનવે ૩૪' માં અજયનું નિર્દેશન અપેક્ષાથી ઘણું સારું છે. તેણે ફિલ્મને બે ભાગમાં વહેંચી દીધી છે. પહેલા ભાગમાં ફ્લાઇટની ઉડાન અને ખતરનાક ઉતરાણ બતાવ્યું છે. એની ઘટનાઓ વધુ રસપ્રદ બની છે. હવામાં એક્શન જબરદસ્ત છે. દર્શકને સીટ પરથી હાલવા દેતો નથી. બીજો ભાગ કોર્ટરૂમ ડ્રામામાં થોડો ખેંચાયેલો લાગે છે પણ એમાં કોઇ પ્રસંગ વધારાનો કે વાર્તા સાથે સંકળાયેલો ના હોય એવું નથી. છતાં ફિલ્મની આ એક નબળાઇ છે. તેને ટૂંકો કરવાની જરૂર હતી. અને ફિલ્મ જ્યાં સુધી હવામાં ચાલે છે ત્યાં સુધી વધારે મજા આવે છે. પછી એક આંચકા સાથે ફિલ્મ પણ બેસી જતી લાગી છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં નિર્દેશકે દરેક પ્રશ્નનો જવાબ આપવાની કોશિષ કરી છે. ટોમ હૈંક્સની ફિલ્મ 'સલી' કેટલાકને યાદ આવી જશે. 'રનવે ૩૪' દક્ષિણ ભારતની ૨૦૧૫ ની જેટ એરવેઝની એક ફ્લાઇટની સત્યઘટના પર આધારિત છે એ ધ્યાનમાં રાખવું પડશે.
વાર્તા એવી છે કે કેપ્ટન વિક્રાંત ખન્ના(અજય) એક શ્રેષ્ઠ કહી શકાય એવો પાયલટ છે. એક વખત ફરજના ભાગરૂપે તેને દોહાથી કોચીની ફ્લાઇટ ઉડાવવાની હોય છે. તેની સાથે સહાયક તરીકે તાન્યા એલ્બા (રકુલપ્રીત) હોય છે. ફ્લાઇટ બરાબર ઉડી રહી હોય છે. ફ્લાઇટ જ્યારે કોચીથી ૪૫ મિનિટ દૂર હોય છે ત્યારે ખરાબ મોસમ સહિતની સમસ્યાઓની તેમને જાણકારી આપવામાં આવે છે. છતાં વિક્રમ જોખમ લઇને ફ્લાઇટના લેન્ડિંગનો પ્રયત્ન કરે છે. વિમાનના ૧૫૦ મુસાફરો પર મોત ઝળુંબે છે. વિક્રાંત પરવાનગી વગર ફ્લાઇટનું લેન્ડિંગ કેવી રીતે કરે છે? કેવી પરિસ્થિતિનો સામનો કરે છે? અને કિંમત ચૂકવે છે એની વાત છે. દ્રશ્યોને જીવંત બનાવવા VFX નો સારો ઉપયોગ કર્યો છે. તેથી પડદા પર બધું ખરેખર થઇ રહ્યું છે એવો અનુભવ થાય છે. અજય પોતાના સંવાદોથી જેટલો પ્રભાવ પાડે છે એટલો જ આંખોથી પણ મૂકી ગયો છે. આ વખતે તેણે બંધ આંખોથી પણ અભિનય કર્યો છે. અજય પોતાના વ્યક્તિત્વનો અંદાજ પહેલા જ દ્રશ્યથી આપી દે છે. આ પ્રકારની ભૂમિકાઓ માટે તે પહેલાંથી જ ઉપયુક્ત ગણાયો છે. એ સ્વીકારવું પડશે કે અજય ચહેરા પર દુ:ખ બતાવવામાં બીજા અભિનેતાઓથી હંમેશા વધારે પ્રભાવ પાડતો રહ્યો છે. અજય અને અમિતાભ વચ્ચેની ડાયલોગબાજી મજેદાર છે. રકુલપ્રીત સિંહ પાયલટની ભૂમિકાને જીવી જાય છે. તે હવે ગ્લેમર સિવાયની ભૂમિકાઓ માટે યોગ્ય ગણાવા લાગી છે. એક સંવાદમાં અમિતાભ જ્યારે એના પર ગુસ્સે થાય છે ત્યારે એનો ડર દર્શક અનુભવી શકે એવો અભિનય છે. અમિતાભ બચ્ચનનો ફિલ્મમાં પ્રવેશ મોડો થાય છે પણ છેલ્લે સુધી એમના પાત્રની હાજરી અનુભવી શકાય છે. જોકે, અમિતાભ હવે પહેલાં જેટલા પ્રભાવિત કરી શકતા નથી. તે પોતાના અવાજ પર જરૂરિયાતથી વધુ જોર આપી રહ્યા હોય એવું લાગે છે. અને અમિતાભ હિન્દીમાં બોલ્યા પછી વારંવાર એનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે એ કંટાળો લાવે છે. બોમન ઇરાનીએ કમાલનું કામ કર્યું છે. છતાં બોમનનો પૂરો ઉપયોગ થયો નથી. ફિલ્મના ગીતોએ નિરાશ કર્યા છે. બે-ત્રણ ગીતો છે એમાંનું કોઇ ઉલ્લેખનીય નથી. અજયે નિર્માણ, નિર્દેશન અને અભિનય સાથે 'જલાયા તો નહીં ના' માં અવાજ પણ આપ્યો છે. અરિજિત સિંઘના સ્વરમાં 'મિત્ર રે' ઠીક છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે બોલિવૂડવાળા કંઇ નવું કરતા નથી એમણે આ ફિલ્મ ખાસ જોવી જોઇએ અને રનવેનો રોમાંચક આનંદ ઉઠાવવો જોઇએ!