આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૧
ચંદનબેન હેવાલીના જીવનનું એક રહસ્ય ખોલવા જ આવ્યા હતા. સુલુબેને એમના પર કોઇ દબાણ ના કર્યું એ જોઇ એમને આ પરિવાર માટે માન થયું. તે નક્કી કરીને જ આવ્યા હતા કે દિયાન અને હેવાલી અલગ થઇ રહ્યા છે એની પાછળના કારણની અમને જાણ થઇ છે ત્યારે દિયાનના પરિવારને એ જણાવવાની ફરજ બને છે. ચંદનબેને પર્સમાંથી કાગળ કાઢીને સુલુબેનને આપ્યો પછી એમના ચહેરા પર ક્ષોભ અને પોતાની પુત્રીએ વાત છુપાવી હતી એનો અફસોસ દેખાતો હતો.
સુલુબેન કાગળ હાથમાં લઇને ઝડપથી એના પર નજર ફેરવવા લાગ્યા. એ કાગળ અસલમાં એક ડૉકટરનો રીપોર્ટ હતો. તેમને અંગ્રેજીમાં લખેલા એ કાગળથી કંઇ ખ્યાલ ના આવ્યો. એમણે એ કાગળ દિનકરભાઇને આપ્યો. દિનકરભાઇએ એક નજર નાખી અને તેમને અંદાજ આવી ગયો. એમાં હેવાલી હવે માતૃત્વ ધારણ કરી નહીં શકે એવો ઉલ્લેખ હતો. તેમણે એ કાગળ મનોહરભાઇને સોંપતા કહ્યું:'આ કંઇ મોટી વાત નથી...'
'તમે બરાબર વાંચ્યું છે ને? હેવાલી મા બનાવની ક્ષમતા ધરાવતી નથી. આ કાગળ અમને એના રૂમમાંથી મળ્યો છે. અને થોડા દિવસ પહેલાંનો જ છે. તમને આ વાત સામાન્ય લાગે છે?' મનોહરભાઇને દિનકરભાઇની વાતથી આશ્ચર્ય થઇ રહ્યું હતું.
ત્યારે સુલુબેને જ જવાબ આપ્યો:'ભાઇ, એમની વાત સાચી છે. છોકરીઓ કોઇ કારણથી મા બની શકે એવી સ્થિતિમાં ના હોય તો એ ચિંતાનો વિષય નથી. આજના આધુનિક સમયમાં અનેક એવી પધ્ધતિઓ છે જેનાથી પતિ-પત્ની સંતાન મેળવી શકે છે...આપણે હવે જૂની માનસિક્તામાંથી બહાર આવી રહ્યા છે ત્યારે આ નવી પેઢી એમાં ફસાઇ રહી છે કે શું?'
'બેન, તમારા વિચારો જાણીને મને થાય છે કે અમે અમારી પુત્રી માટે યોગ્ય ઘર પસંદ કર્યું છે. પરંતુ અમારી નાદાન દીકરીએ આવો નિર્ણય કેમ લઇ લીધો હશે? આપણી સાથે ચર્ચા કરવાની જરૂર હતી...' ચંદનબેન રડવા જેવા થઇ ગયા.
'એમાં વાંક તમારી દીકરીનો નહીં હોય. અમારા કુંવરને જ વાંધો હશે. તેને અમારા પરિવારના વારસદાર તરીકે ઘરનો જ ચિરાગ જોઇતો હશે. જો મારી સામે દિયાન આવ્યો તો હું એને આવી માનસિક્તા માટે છોડીશ નહીં. તે કહેતો હતો જ કે પપ્પા હું આ ઘરને લગ્ન પછી એવો ચિરાગ આપીશ અને એનો ઉછેર કરીશ કે તમારી બધી પેઢીઓ યાદ રાખશે...' દિનકરરભાઇ પોતાને કંઇક સમજાઇ રહ્યું હોય એમ બોલી રહ્યા હતા.
સુલુબેન પણ કંઇક યાદ કરીને બોલ્યા:'મને હેવાલી અવારનવાર કહેતી હતી કે મારી કૂખે એક રાજકુંવર અને એક રાજકુંવરી અવતરશે. જે આપણા બંનેના પરિવારોનું નામ રોશન કરશે. જ્યારે હેવાલીને તે મા બની શકે એમ નથી એવી ખબર પડી હશે ત્યારે આઘાત લાગ્યો હશે. તે આપના પરિવારને સુખ આપી શકે એમ નહીં હોય એમ વિચાર્યું હશે...એ બહુ સંવેદનશીલ સ્વભાવની છે.'
'આ બધી વાતો નકામી છે. એક કામ કરીએ. બંનેનો આપણે સંપર્ક કરીએ અને જો આ જ કારણ હોય તો અમને કોઇ વાંધો નથી અને તમે પણ ચિંતા ન કરશો એવું સમજાવીએ...' કહી કોઇના જવાબની રાહ જોયા વગર દિનકરભાઇએ દિયાનનો નંબર ડાયલ કરી દીધો.
ફોનને તેમણે સ્પીકર પર મૂક્યો હતો. બધા દિયાનનો અવાજ સાંભળવા આતુર થયા હતા. દિયાનના ફોનની ઘંટડી વાગવા લાગી. તે ઉપાડતો ન હતો. સુલુબેન મનોમન જ બોલ્યા:'એ નહીં ઉપાડે. એ જિદ્દી છે. પોતાનું ધાર્યું જ કરશે એમ લાગે છે...' ત્યાં સ્પીકર પર વાગતી ઘંટડી સાથે કોઇ ફોનની ઘંટડી પણ વાગવા લાગી.
બધાંએ પોતપોતાના ફોન પર નજર નાખી. કોઇનો ફોન વાગતો ન હતો. બધાંએ દરવાજા તરફથી આવતી ફોનની ઘંટડી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દિયાન મોબાઇલ હાથમાં લઇને ઘરમાં પ્રવેશી રહ્યો હતો. બધાંના ચહેરા પર ખુશી આવી ગઇ. દિયાન પાછો ફર્યો એ જોઇ સુલુબેન બધાં દુ:ખ ભૂલી ગયા.
દિયાને પિતાના ફોનને કાપીને કહ્યું:'હું અહીં જ છું...'
સુલુબેન અને ચંદનબેન એની પાછળ જોઇ રહ્યા. એમને હતું કે હેવાલી પણ સાથે હશે. દિયાને જ કહ્યું:'હેવાલી, પાછી આવવાની નથી. અને મહેરબાની કરીને મને કોઇ સવાલ પૂછશો નહીં...'
દિયાન વધારે કંઇ કહ્યા વગર એના બેડરૂમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.
ક્રમશ: