ગતાંકથી ચાલુ.....
તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા જાય ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને ભાઈ ત્રણેય લોકોને જીતવા નીકળી પડ્યા હતાં અને તેઓએ પોતાનાં પરાક્રમથી ઇન્દ્રલોક, યક્ષ, રાક્ષસ, નાગ, મલેચ્છ આદિ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. એ પછી પૃથ્વી પર આવી બ્રાહ્મણો તથા ઋષિમુનિઓ પર અત્યાચાર કરવા લાગ્યા હતાં. આ જોઈને બધાં ઋષિમુનિઓ બ્રહ્મલોક ગયા અને પરમ પિતા બ્રહ્મા પાસે આ રાક્ષસોથી મુક્તિ અપાવાની વિનંતિ કરી.
ઋષિમુનિઓની વિનંતિ સાંભળીને પરમ પિતા બ્રહ્માજીએ થોડો સમય વિચારીને એ બન્ને અસુર ભાઇઓની મૃત્યુનો ઉપાય શોધી કાઢ્યો અને ભગવાન વિશ્વકર્માને આદેશ આપ્યો કે તેઓ એક એવી અનુપમ સુંદરીનું નિર્માણ કરે કે જે દેવતા, મનુષ્ય તથા અસુરોને મોહિત કરી શકે.
બ્રહ્માજીનાં આ આદેશથી ભગવાન વિશ્વકર્માએ એક ત્રીલોક સુંદરી અપ્સરાનું નિર્માણ કર્યું. સંસારનાં તમામ શ્રેષ્ઠ રત્નોનું તલ-તલ ભાર લઇને એ અપ્સરાનાં એક-એક અંગ બનાવામાં આવ્યાં હતાં એટલે બ્રહ્માજીએ તેનું નામ "તિલોત્તમા" રાખ્યું હતું.
ત્યારબાદ બ્રહ્માજીએ તેં સુંદરી તિલોત્તમાને આદેશ આપ્યો હતો કે તેં શુણ્ડ અને ઉપશુણ્ડ પાસે જઇને પોતાનાં મનોહર રૂપથી એ રીતે મોહિત કરે કે તે બન્ને ભાઇઓમાં વિખવાદ ઉભો થઈ જાય. બ્રહ્માજીનો આ આદેશ સાંભળી તિલોત્તમા બ્રહ્માજીને પ્રણામ કરી પોતાનું કામ કરવા નીકળી પડી.
બન્ને ભાઈ શુણ્ડ અને ઉપશુણ્ડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને નિશ્ચિત બનીને રાજ કરવા લાગ્યા હતાં, તેમનો સામનો કરવાવાળું તો કોઈ હતુ નહીં તેથી તેં બન્ને ભાઈ આળસુ અને વિલાસી બની ગયા હતાં.
તે સમયે બન્ને ભાઈ વિધ્યાંચલ પર્વત પર મદિરાનાં નશામાં રંગબેરંગી પુષ્પોની વચ્ચે આનંદ-પ્રમોદ કરી રહ્યાં હતાં. ત્યારે જ તિલોત્તમા અવનવા નખરાં કરતાં કરતાં પુષ્પોને તોડતા તોડતા તે બન્ને ભાઇઓની સામે આવી ગઇ.
તિલોત્તમા પર દ્રષ્ટિ પડતાં જ તેં બન્ને ભાઈ એટલાં કામાંધ બની ગયા કે વગર કઇ વિચારે તિલોત્તમાનો હાથ પકડી લીધો. શુણ્ડે તિલોત્તમાનો જમણો હાથ પકડ્યો અને ઉપશુણ્ડે ડાબો હાથ પકડી લીધો. બન્ને ભાઈ કામાતૂર બનીને ઍકબીજા સાથે લડવા લાગ્યા.
શુણ્ડે કહ્યુ "આ મારી પત્ની છે અને તારી ભાભી છે".
આ સાંભળી ઉપશુણ્ડે કહ્યુ "નાં, આ મારી પત્ની છે અને તારી પુત્રવધું સમાન છે".
આ રીતે બન્ને અસુર પોતાની વાત પર અડગ હતાં અને "તારી નહીં, પરંતું મારી છે" એમ કહીને અંદરોઅંદર લડવા લાગ્યા. ક્રોધનાં આવેગમાં બન્ને પોતાનાં સ્નેહ અને સોહાર્દને ભૂલી ગયા અને ગદા ઉઠાવીને એકબીજા પર તુટી પડ્યા અને થોડાંક જ સમય પછી બન્ને અસુર ધરાશાયી થઈ ગયા અને તેમની જીવનલીલા સમાપ્ત થઈ ગઇ.
અસુર શુણ્ડ અને ઉપશુણ્ડની કથા સંભળાવી નારદે કહ્યુ કે... ઍક સ્ત્રી જ એ બન્ને ભાઇઓનાં વિનાશનું કારણ બની હતી એટલાં માટે જ હું તમને આ વાત કરી રહ્યો છું કે તમે ભાઇઓ કંઇક એવો નિયમ બનાવી લો કે જેથી કરીને દ્રૌપદીને કારણે તમારાં ભાઇઓમાં ઝગડો થવાનો કોઈ અવસર ન આવે.
દેવશ્રી નારદની વાત સાંભળી પાંડવોએ તેમની સામે જ એ પ્રતિજ્ઞા કરી લીધી હતી કે... દ્રૌપદી વારાફરથી ઍક વર્ષ સુધી કોઈ ઍક ભાઈ સાથે જ રહેશે અને એ ભાઈ જ્યારે દ્રૌપદી સાથે એકાંતમાં હશે ત્યારે બાકીનાં ચાર ભાઈ ત્યાં જઇ શકે નહીં અને જો આ નિયમનું ઉલ્લંઘન થયું તો જે ભાઈએ આ નિયમ તોડ્યો હશે તેણે બાર વર્ષ સુધી વનવાસ ભોગવવો પડશે. આ સાંભળ્યા પછી નારદજી હસતા મુખે ત્યાંથી નીકળી ગયા.
જો કે યુધિષ્ઠિર ભાઇઓમાં મોટા હતાં તેથી પ્રથમ એક વર્ષ દ્રૌપદી સાથે રહેવાનું તેમનાં ભાગે આવ્યુ.....
વધું આવતાં અંકે.......