"થોળી વાર દબાય... હજી થોળા કળે શે...પહી વાત મોડું"
"થાક્યો હવે.. લે ભારતી હવે તારો વારો" કહી મે લાકડી મારી પિતરાઈ બહેન ભારતીને આપી. ભારતીએ લાકડીના ટેકે...જેમ ઘર બનાવવા માટે ગાર-માટી ગુંદતી હોય તેમ, પગ ઉપર ધીરે ધીરે ફરવાનું ચાલુ કર્યું.
રોજ રાત્રે જમ્યા પછી જોશીભા પાસે વાર્તા સાંભળવી એ અમારો નિત્ય કર્મ. ત્યારે હું મામાના ઘરે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. ટેલિવિઝન અને લેન્ડલાઇન આખા ગામમાં માંડ બે ત્રણ ઘરે જ હતા. હજી તો ખેતરે ઘર બનાવી રહેતાં લોકોના કાચાં મકાનોમાં વીજળી પણ આવી નહોતી. મારા 'ભા'(માતાના પિતા) અને એમનાં મોટા ભાઈ જોશીભા બન્નેનાં ઘર ગામથી એક કિલોમીટર જેટલા દુર ખેતરમાં જ હતાં. ઘર કરતાં ઘર આગળનું ફળિયું ચાર-પાંચ ગણું મોટું છે. દેશી નળીયાવાળા ઘરનાં નેવે કાચની નાની બાટલીમાંથી બનેલ કેરોસીનનો દીવો બળે છે. આજુબાજુ રહેતાં થોડાક લોકોને પણ જોશી ભગતની વાતો અને ભજનનો બહુ શોખ હતો. રોજની જેમ આજે પણ સાત આઠ જણા આવી બેસી ગયા છે. જોશીભા ખાટલામાં બેઠા થાય છે. એમનાં ધર્મપત્ની નવિમા ચલમ ભરી આપે છે. જોશીભા એક ઊંડો કશ ખેંચીને પછી વાર્તા કહેવાનું શરુ કરે છે.
* * *
એક ગામ હતું. એમાં એક હરજી નામનો રબારી હતો જે ગામનાં ઢોર ચારતો. ગામનાં મોટાભાગના લોકો એમની ગાયો અને ભેંસો હરજીને ચરાવા દેતા. સવારે લઇ જાય. આખો દિવસ પાદરે ચરાવે અને સાંજે ધણીના ખીલે પાછી મુકી જાય. એનાં બદલામાં મહિને અમુક રકમ હરજી લોકો પાસેથી લેતો. ગામમાં એક નાગજીભા નામના ઠાકોર હતાં. નાગજીભાનો સ્વભાવ પણ એમનાં નામ જેવો જ આખાં ગામમાં ડંખ માર્યા કરે. પણ માથાભારે માણસ હારે કોણ ડખો કરે. "તમે કયો એમ બાપુ" કહી લોકો એમનાથી પીછો છોડાવતા.
એક દિવસ નાગજીભાએ હરજી ને ઘરે બોલાવ્યો.
"જો હરિયા..હવે થી મારી ભેંસ તારે ચારવા લઇ જવાની છે. આ મારી ડોશીથી હવે કામ થાતું નહી. અને છોકરાઓની વહુઓ કરે એમ નહી. પણ જોજે હો... ભેસ જરાય દુંબળી પડી તો તારું આઇ બન્યું"
"અરે.. ભા ચત્યાં નાં કરો. તમારી ભેંસને એવી ધરપાઇને ટેટા જેવી કરી દઈશ કે ચુટલી ભરો તોય લોહી નીકળે. હારું..હેંડો..કાલથી લઇ જઇશ" એમ કહી હરજીએ નાગજીભાની રજા લીધી.
હરજી હવે નાગજીભાની ભેંસ પણ બધી ભેંસો સાથે ચરાવા પાદરે લઇ જાય છે.
એક મહિનો વીત્યો એટલે હરજી સાંજ ટાણે ભેંસ નાગજીભા ખીલે બાંધી ચરવણની મજૂરી માગી.
"ભા મહિનો થઇ ગ્યો."
"હા તો"
"ચરવણની મજૂરી?"
"મજૂરી...શાની મજૂરી...તું તો લ્યા કેતો તો કે ભેંસને ટેટા જેવી કરી નાખીશ આ ભેંસ સામું તો જો હાડકાં દેખાવા લાગ્યા. એક મહિનામાં તો તે ભેંસને હાડપિંજર બનાવી નાખી...ને પાછો મજૂરી માંગે છે. જા મજૂરો-ફજુરો કઇ નાં મલે...શરમ નહીં આવતી માગતાં"
"પણ ભા એમાં મારો હું વાંક ..હું તો બધાં ઢોર પાદરે છુટા મેલી દઉ છું. એતો એમની મતેંજ ચરયા કરે છે"
"તારો નહી તો... શુ ભેંસ નો વાંક છે? વાત કરે છે.."
"હા"
"તો તું એમ કહેવા માંગે છે કે મારી ભેંસને ખાતાં નથી આવડતું એમ...જા જા પૈસા-બૈસા કાંઇ ના મળે"
"નાં એમ નહીં કેતો પણ...તમે કાલે મારી હારે પાદરે આવો. બધી વાત સમજાય જશે. પછી પણ તમને લાગે કે વાંક મારો છે તો મજૂરી નાં દેતા બસ...પણ કાલે પાદરે આવી તમારી ભેંસને જોવો ખાલી"
બીજા દિવસે નાગજીભા અને હરજી લીમડાના છાયે ઉભા છે. નાગજીભાની ભેંસ સિવાય બીજા બધાં ઢોર શાંતિથી નીચું મોં રાખી ચરે છે. પણ નાગજીભાની ભેંસનું ધ્યાન ચરવાની જગ્યાએ બીજી ભેંસો પર વધારે છે. જેવી કોઇ ભેંસ ચરતિ ચરતિ એની જોડે આવે કે તરત જ ફૂંફાડા મારવાનું ચાલું. બીજી ભેંસો એનાથી દુર જઇ બીજે ચરવા લાગે છે. એક બે મોઢા ઘાસના ભરે ને...પાછું આજુબાજુ જોવે. કોઈ સામેથી નાં આવે તો પાછી એ પોતે જઇ જે શાંતિથી ચરતિ હોય એને ભેટુ મારી આવે છે. નાગજીભા આ બધું શાંતિથી જોઇ રહ્યાં છે. નાગજીભાની ભેંસનો આખો દિવસ આમ જ બીજી ભેંસોની સામે ફૂંફાડા મારવામાં અને લડવામાં પૂરો થઇ જતો. બીજાની અદેખાઈ(ઈર્ષા) કરવામાં ને કરવામાં પોતે જ ભૂખી રહી જતી.
"હરજી સાંજે તારી મજૂરીના પૈસા લેતો જજે". કહી નાગજીભા પાદરેથી ઘર તરફ પાછા ફરે છે.