Nehdo - 42 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 42

Featured Books
Categories
Share

નેહડો ( The heart of Gir ) - 42

ગીરની માટીમાં રમીને મોટી થયેલી અને ગીરની હિરણ નદીના સિંહે એઠાં કરેલાં સાવજડાનાં હેંજળ, અમૃત જેવા નીર પીધેલી રાધી ગીરનો જ અંશ હતી. રાધીએ કોઈને નહિ કહેલી અને પોતાને પણ સમજણી થયા પછી ખબર પડેલી કહાની આજે કનાને કહી રહી હતી. " કના મેં મારા જીવતરની હંધિય વાત તને કહી દીધી સે. કુન જાણે પણ હજી લગી એક વાત નહીં કરી." કનાના મોઢા પર પ્રશ્નાર્થરૂપી રેખાઓ ઉપસી આવી! "અલી હજી લગી આવડા વરહથી હંગાથ રેવી સી તોય તારી વાતું બાકી રય ગય સે? કે પસી પેટમાં હંઘરીન બેઠીસ!અમને અમારી હંધિય વાતું ઓકાવી દિધ્યું,ને પોતે અડધું દબાવી રાખ્યું. અમી કાઠીયાવાડી ભોળાને તમી ગીરવાળા પેક ભારે!"રાધીએ નેણ નચાવતા અણિયાળી આંખોથી કનાને તાકતા કહ્યું, "તમે મરદ ગમે એટલા બળુકા હો, બાયુ પાહે ટૂંકા જ પડો. તમારથી અમાર બાયુના પેર નો માપી હકાય.હમજ્યા?અમારી અમૂક વાતું અમારી ભેરી બળે."કનો કોઈ ભેદી નોવેલ ઉકેલ તો હોય તેમ રાધીની સામે જોઈ એનો તાગ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યો. રાધી પણ ઘડીક ગંભીર થઈને નીચે જોઈને જાણે કેટલીય ગહન વાત હોય તેવો અભિનય કરી કનાને મુંજવવા લાગી. પછી કનાની સામે તેનો ચિંતિત ચહેરો જોઈ ખડખડાટ હસી પડી.પછી બોલી, "હાંભળો ભોળા કાઠીયાવાડી, આપડે ભગવાનને કાયમ ભજવી પણ કોઈ દાડો સગી આંખે ભાળ્યા નહીં ને? પણ હાસુ કવ તો મેં તો જોય લીધા સે.મારા આપા મારી હારું ભગવાન જ સે." કનાને રાધીની આ પહેલી જેવી વાત હજી સમજાય રહી નહોતી. તે રાધીને તાકી રહ્યો હતો. રાધીએ વાત આગળ વધારી, "મારા આપાના લગન પેલાં બીજે થયા'તા. ઈમના પેલાં ઘરનાંને બાળક નાનું થાવાનું હતું,પસે કોણ જાણે હું થયું તે ઈ બસારા હુવાવડમાં પાસા થયાં. ઈ વખતની આડે વાડે મારી મા ગર્યમાં જ બીજે હાહરે હતી. ન્યા મારાં આપાને ય માલઢોર જાજા હતાં."કનાએ તરત અધીરો થઇ પ્રશ્ન કર્યો, "તો નનાભાઈ તારા આપા નહીં?" રાધીએ કનાને આંખોથી જ ઠપકો આપતા ઘડીક ધીરો રહેવા કહ્યું, " મારાં આપા ગર્યનાં છેવાડાના નેહડે રેતા'તા. એક દાડો ગરયમાં માલ ચારવા ગ્યાં હહે. ન્યા પાડરુંને દિપડે જાલી પાડ્યું. પાડરુંનો રગવાનો અવાજ હાંભળી મારા આપા ડાંગ લઈ એને દીપડાને મોઢેથી મૂકાવા ધોડ્યાં. દીપડું બહુ નકામું જનાવર કહેવાય. ઈનો ભરોહો કેદી નો કરાય. ઈ ગમે તિયારે ગમે ઈ કરે. મારા આપા પડખે ગ્યા એટલે દીપડો પાડરું મેલીને મારા આપા ઉપર પડ્યો. ઈ મારા આપાના લઢીએ બાજી જયો. દીપડાના દાંત મારા આપાની સુવાસની નળીમાં અને લોહીની મેંન ધોરી નસમાં ખૂતી જ્યાં. મારા આપાને દીપડો ઘડીક બથોબથ બાજ્યા ઈમ ગોવાળિયા વાતુ કરે હે.પશે મારાં આપાએ ઈની કડે કાયમી ટીંગાતી સાકુ કાઢી દીપડાની આખ્યમાં ખોસી દીધી. એટલે દીપડો મારા આપાને મેલીને ભાગી જ્યો. પણ ઈ વખતે આટલા બધા વાહનો નોતા. બધા ગોવાળિયા મારા આપાને ઉપાડીને મેન રસ્તે લાયા. નીયા એક વાહન ઊભું રખાવીને દવાખાને પુગાડ્યા. એટલા વખતમાં તો મારા આપાનું કેટલું એ બધુ લોય હાલ્યું જ્યું'તું. સુવાસ લેવાની નળી ફાટી જઇતી એટલે પુરો સુવાસ ય નોતા લય હક્તા.તે દી દવાખાનેથી નેહડે મારા આપાની લાશ આવી."ઘડીક રાધી કશું બોલી ન શકી તે શાંત થઇ કના સામે જોઈ રહી. તેની આંખોની એકદમ પાતળી નસો રાતી થવા લાગી. આંખોના ક્યારામાં આંસુ ભરાવા લાગ્યા. ભરાયેલા આંસુ નીચે ખરતા કનો જોઈ ન જાય એટલા માટે રાધી નીચું જોઈ ગઈ. કનો સમજી ગયો તે રાધીની નજીક ખસ્યો. પોતાના ખંભે રાખેલો કાબરા કલરનો ગમસો રાધીને આંસુ લૂછવા આપ્યો. રાધીએ નીચે જ નજર રાખી આંસુ લૂછી નાખ્યા. કનાનો ગમસો તેણે પોતાના ખોળામાં મૂકી ઉચે નજર કરી તો કનો તેની એકદમ નજીક આવી ગયો હતો.
કનો રાધીને કેમ સાંત્વના આપવી એવું મનમાં વિચારતો હતો. ઘડીક તેણે એવું વિચાર્યું કે રાધીને ખભેથી પકડી પોતાની છાતીસરસી ચાંપીને આશ્વાસન આપુ? પરંતુ એમ તેની હિંમત ન ચાલી. આ બધા વિચારોમાંથી બહાર આવી કનાએ રાધી તરફ જોયું તો રાધી થોડી દુર ખસી ગઈ હતી. કનાએ રાધીની નજરમાં નજર મેળવી તો રાધીનું મોઢું એકદમ ઉદાસ થઈ ગયું હતું. રાધીએ કના સામે ઉદાસી ભર્યું સ્મિત કર્યું. કનાએ કહ્યું, "રાધી તે મને અતાર હુંધી આ વાત જ નો કરી! મને ઈમ હતું કે ભગવાને મારી માને જ કીમ લઈ લીધી હહે? પણ તારી ઉપર આવડું દુઃખ પડેલું ઈ તો તે કળાવા જ નો દીધું!?"
રાધીએ ગળું ખંખેરી થોડી સ્વસ્થ થઇ પાપણે ચોટેલા અશ્રુબિંદુ કનાના ગમસે લૂછીને વાતનો સાંધો કર્યો, "હું તન ઈ જ કેવા જાવ સુ કે મારું દુઃખ મારા ભગવાને મને દેખાવા જ ક્યાં દીધું સે? મારા આપા ભગવાનના ધામમાં ગ્યા ઈ વેળાએ હજી હું આ ધરતી ઉપર આવી ય નોતી. મેં તો મારાં આપાનું મોંઢું ય નહિ જોયું.હું મારી માના પેટમાં હતી. મારો જનમ મારા મોહાળે થ્યો. ન્યાં એકાદ વરહની થય હશ. પશે બધા વડીલોએ ભેગા થય મારા આપાને મારી માનું ઘરઘયણું કરાવી આલ્યું. તેદીની ઘડી અને આજનો દાડો, મેં મારા આપાની ખોટય કેદી નથી ભાળી. મારી માને ય મારા આપા બવ રાખે. મેં કેદયે મારી માનું ઓશ્યાળું મોઢું નહીં ભાળ્યું. આ બધી વાતું તો હું ઘણી બધી મોટીને હમજણી થય પશે મને મારા મોહાળીયાએ કીધી. મેં મારા આપાને પૂછ્યું તો કે 'ના રે ના! તું તો મારી જ છોરી સો. તું ગર્ય દેવીએ મને આલેલી છો. તને જે દાડો એવું લાગે કે તું મારી છોરી નહિ તે દાડો મન કે જે.બસ!' પશે મેં મારા આપાને કેદીયે આ બાબતનું પૂસ્યું નહીં. મારી મા કેતી'થી કે તારા આપાને તું એટલી વાલી થઈ પડી કે પશે એને બીજા છોરાની જરૂર જ નો પડી. ઈનું હંધુ હેત એણે મારી ઉપર ઢોળી લાખ્યું. મન કોઈ દાડો એવું નહિ લાગ્યું કે આ મારા હગા આપા નહીં. મને આખો દાડો હારે ને હારે રાખે. હું હાવ નાની હતી ઈ ટાણે આપા આખો દાડો માલમાં રીયે. મારી વગર ઈને હાંજ માંડ થાય. માલ સારવારમાં ઈનું મન નો લાગે. આખો દાડો હું ઈને હાભર્યા કરું. પસ ઈ મન માલમાં હારે લઈ જાવા મંડયા. તે હજી લગી મને હારે ને હારે રાખે. હું જરાક હાજી માંદી થાવ એટલે ઈય અડધા અડધા થય જાય. હું જેટલા દાડા ઘરે રવ એટલા દાડા અમુઆતાને માલમાં મુકલે. મારા આપા આખો દાડો મારા ખાટલા પાહે બેઠા રિયે. મારી ઉપર ઈને એટલું હેત. મારા આપા ઘણીવાર એવું કે, મન આ જગતમાં વાલામાં વાલા બે, એક રાધી અને બીજું ગર્ય. બોલ્ય સે ને મારાં ભગવાન?"
રાધીની વાત સાંભળીને કનાને તેના આપા એની માને મારતા અને દુઃખ દેતા તે વખત સાંભરી આવ્યો. કનો બહારથી રમીને આવે ત્યારે એની માની આંખો રડી-રડીને સૂઝેલી હોય એટલે કનો પૂછે તો તેની મા કનાની માથે હાથ ફેરવતી કહેતી, "દીકરા મન કાંય નહીં થયું. ઈ તો ડુંગળી મોળીતી ને એટલે આંખમાં આંહુડા આવી જયા'તા."આમ કહી તે પોતાના આંસુ છુપાવી દેતી. પરંતુ કનો જ્યારે સમજણો થયો ત્યારે તેને સમજાયું કે એ આંસુ ડુંગળીના નહીં પરંતુ દુઃખના હતા. એ વખત સાંભરતા કનાની આંખમાં પણ ભીનાશ તપકાવા લાગી. કનાએ નનાભાઈને રાધીના પિતા તરીકે જોયેલાં અને તેના પ્રત્યે માન પણ હતું. પરંતુ આજે રાધીની વાત સાંભળ્યા પછી કનાના નનાભાઈ પ્રત્યેના આ માનમાં અનેક ગણો વધારો થઈ ગયો. ક્નાની આંખની ભીનાશ એક ખૂણામાં ભેગી થવા લાગી. આ ભીનાશ બહાર ટપકી ના પડે અને રાધી જોઈ ન જાય તે રીતે કનાએ વારાફરતી બંને આંખના ખૂણા લૂછી નાખ્યા.


ક્રમશઃ..


(ગીરના સંબંધોના તાણાવાણાને વણવા વાંચતા રહો." નેહડો (The heart of Gir)"


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no. 9428810621