થોડો વિચાર કર્યા બાદ પ્રોફેસર સુનિતા એ હરમન સામે જોયું હતું.
“જુઓ હરમનજી, વર્ષોથી આ સોસાયટીમાં કોઈને કોઈ અકલ્પનીય ઘટના તો બનતી જ રહે છે. વર્ષો પહેલા આ ક્લબ હાઉસ જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાં ધીરજકાકાનાં ઘરમાં કામ કરતો એક નોકર રહેતો હતો. એ નોકર એક દિવસ અચાનક કામ અને ઘર છોડીને જતો રહ્યો. આ વાત આઠ વર્ષ જુની છે. એનું નામ માવજી હતું અને એ રાજસ્થાની હતો. એ જે દિવસે ઘર છોડીને ગયો એના મહિના પહેલા એણે મને એવું કહ્યું હતું કે આ જગ્યામાં એને ભૂતો દેખાય છે અને એના કારણે એ ડરીને ભાગી ગયો હતો. બીજી એક ઘટના એવી છે કે જ્યારથી આ વાસણો સોસાયટીના નાકે મુકાવાનાં શરૂ થયા તે વખતે ધીરજકાકાએ ઓળખીતા એક પંડિતજીને અહીં બોલાવ્યા હતા. એ પંડિતજીએ એવું કહ્યું હતું કે આ સોસાયટીની જમીન દોષિત છે અને આ જમીન ઉપર વર્ષોથી ભૂત અને પ્રેતનો વાસ છે. આ સિવાય જો હું કહું તો સોસાયટીના દરેક સભ્યની જિંદગીમાં કોઈને કોઈ ભેદભરમ રહેલા છે. દરેકનો ભૂતકાળ કોઈ ને કોઈ રીતે ખરડાયેલો હોવાના કારણે એ લોકોના દુશ્મનો પણ વધારે છે. અને મારી દ્રષ્ટિએ આ વાસણો મૂકી જનાર વ્યક્તિ કદાચ કોઈનો દુશ્મન હોય અથવા તો આ કાર્ય કોઈ ભટકતી આત્માનું હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે.” પ્રોફેસર સુનિતા એ પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.
સુનિતાએ નોકર માવજીની અને ભૂત-પ્રેતની કહેલી વાત ધીરજભાઈને ના ગમી હોય એવું હરમનને એમના હાવભાવથી નોંધ્યું હતું.
“સુનિતાજી તમે તો ઈકોનોમીકના પ્રોફેસર છો તો પણ ભૂત-પ્રેતની વાતમાં વિશ્વાસ રાખો છો? તમારી આ વાત સાંભળી મને નવાઈ લાગે છે.” હરમને પ્રોફેસર સુનિતાન સામે જોઈ આશ્ચર્યથી કહ્યું હતું.
“હરમનજી, ભૂત, પ્રેત અને ભટકતી આત્મા એ મારા માટે રિસર્ચનો વિષય રહ્યો છે. મારા રિસર્ચ દરમ્યાન મેં એવું નોંધ્યું છે, કે આપણી પૃથ્વી પર ૩૦ ટકા લોકો ભૂત, પ્રેત અને ભટકતી આત્માના કારણે હેરાન થતા હોય છે. હવે જો આપણે આ સત્યને નહિ સ્વીકારીએ અને ભૂત, પ્રેતને જો અંધશ્રદ્ધા માનતા રહીશું તો આપણે કોઈની આ પ્રકારની પીડા કે તકલીફનો સાચો ઈલાજ નહિ કરી શકીએ. અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં પણ એવા બહુ બધા રિસર્ચ થયા છે અને એના પરથી સાબિત થયું છે કે આ ધરતી ઉપર આવી નકારાત્મક શક્તિઓ છે. ભલે આજે ઘણા બધા લોકો આ વાત જાહેરમાં સ્વીકારતા નથી. પરંતુ અંદરથી તો સ્વીકારતાં જ હોય છે અને આવતા દસ વર્ષ પછી દરેક વ્યક્તિ આ વાત જાહેરમાં પણ સ્વીકારતી થઇ જશે.” પ્રોફેસર સુનિતાએ આત્મવિશ્વાસ સાથે હરમને કહ્યું હતું.
હરમન પ્રોફેસર સુનિતાની વાત સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયો હતો. મોડન લાઈફ સ્ટાઇલ ધરાવતી આ યુવતી ભૂત-પ્રેતની વાત સાથે સંમત હશે અને પોતાની એ વાતને સાબિત કરવા એ ઠોસ કારણો પણ રજૂ કરશે એવી કલ્પના એને જોઈને હરમને થઇ ન હતી.
“સુનિતાજી, તો તમે ભૂત-પ્રેતને કે ભટકતી આત્માને પકડવાનો કે દૂર કરવાનો રસ્તો પણ તમારા સંશોધનથી મેળવ્યો છે?” હરમને સુનિતા સામે જોઈ પૂછ્યું હતું.
હરમનની વાત સાંભળી સુનિતાના મોં પર ગુસ્સાની રેખાઓ ઉપસી આવી હતી. પરંતુ એણે એના મનને શાંત કરતાં હસીને જવાબ આપતા કહ્યું હતું.
“જુઓ હરમનજી, ભૂત-પ્રેતને કઈ રીતે પકડવા અથવા તો એમને કઈ રીતે દૂર કરવા, એના પર મેં હજી સંશોધન કર્યું નથી. પણ સાચું કહું તો એ પ્રકારનું સંશોધન કરતા મને ડર લાગે છે. છતાં જીવનમાં ક્યારેક આવી તક મળશે તો એ તકનો હું ચોક્કસ ઉપયોગ કરીશ.” પ્રોફેસર સુનિતાએ હસીને જવાબ આપ્યો હતો.
હજી હરમન સુનિતાને કોઈ સવાલ પૂછે એ પહેલા થોડા સમય પહેલા પડેલી બૂમો ફરીવાર બધાનાં કાને પડી હતી. મયંક પાછો ધીરજભાઈના ઘર સામે આવીને બુમાબુમ કરી રહ્યો હતો અને એમને ગાળો બોલી રહ્યો હતો.
“આ મયંકનું મારે કંઇક કરવું પડશે. દિન-પ્રતિદિન એનો ત્રાસ વધી રહ્યો છે. એની માનસિક અવસ્થાના કારણે હું ગમ ખાઈ જવું છું. પરંતુ આજે એ એક દિવસમાં બીજીવાર આવી બૂમો પાડતો સોસાયટીમાં દાખલ થઇ રહ્યો છે. આનાથી કોઇપણ રીતે છુટકારો મેળવવો પડશે.” આટલું બોલી ધીરજભાઈ ઊભા થઇ અને ઘરની બહાર ગયા હતા.
હરમનની નજર સોફાથી થોડે દૂર ડ્રોઈંગરૂમના ખૂણામાં મુકેલા પલંગની ઉપર પડેલા સિતાર અને હાર્મોનિયમ ઉપર પડી હતી. એ જ્યારથી ઘરમાં દાખલ થયો ત્યારથી એની નજર પ્રોફેસર સુનિતા પર હોવાના કારણે એણે ઘરમાં આજુબાજુ નજર ફેરવી ન હતી.
“તમે પણ ડૉક્ટર બ્રિજેશની જેમ સિતાર વગાડો છો?” હરમને સુનિતા સામે જોઈ પૂછ્યું હતું.
“હું હાર્મોનિયમ સારું વગાડી શકું છું. પરંતુ સિતાર વગાડતાં મને આવડતું નથી. મેં ડૉક્ટર બ્રિજેશને એક-બેવાર કહ્યું પણ હતું કે મને એ સિતાર વગાડતાં શીખવાડે. પરંતુ એમની જોડે સમયનો ખૂબ અભાવ હોવાના કારણે એ મને સિતાર શીખવાડી શક્યા નથી. પણ સિતાર શીખવાની મને ખુબજ ઈચ્છા છે.” પ્રોફેસર સુનિતા એ હરમનનાં સવાલનો જવાબ આપતા કહ્યું હતું.
ધીરજભાઈ બહાર જઈને મયંકને શાંત પાડીને આવી સોફામાં બેઠા હતા.
“ધીરજકાકા, મયંકની બુમાબુમ તમે ક્યાં સુધી સહન કરશો? તમે હવે એના વિરુદ્ધ ફરિયાદ કરી દો. જેથી કરી આવી ઘટના ફરીવાર તમારી જોડે ના થાય.” પ્રોફેસર સુનિતા એ ધીરજકાકા સામે જોઈ કહ્યું હતું.
“બેટા સુનિતા, હું દર વખતે નક્કી કરું છું પણ દર વખતે એના પિતાની આંખની શરમે ચુપ થઇ જઉં છું.” ધીરજભાઈએ નિસાસો નાખતાં કહ્યું હતું.
‘સુનિતાજી તમારા પિતાનું મૃત્યુ કેવી રીતે થયું એ હું જાણી શકું?” રૂમમાં બેઠેલી દરેક વ્યક્તિ અચંભિત થઇ કારણકે વાસણોનાં રહસ્ય સાથે આ સવાલને કોઈ લેવાદેવા ન હતી.
સુનિતા બે મિનીટ માટે ખામોશ રહી અને વિચાર્યું કે હરમન પોતાનો સવાલ પાછો લઈ લે. પરંતુ હરમન સુનિતા સામે જોઈ જ રહ્યો હતો. એનો મતલબ કે એ સવાલનો જવાબ સુનિતા આપે એવી અપેક્ષા રાખી રહ્યો હતો.
“મારા પિતાનું મુત્યુ એક કાર અકસ્માતમાં થયું હતું. મારા પિતા પૈસા વ્યાજે આપવાનું કામ કરતાં હતા અને મારું માનવું છે કે એમાંથી જ કોઈએ એમનો અકસ્માત કરાવ્યો છે, જેમની જોડે એ પૈસા માંગતા હતા અને મને જે લોકો પર શંકા હતી એ બધા વિરદ્ધ મેં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે પરંતુ મારા પિતાના મુત્યુના આટલાં વર્ષો પછી પણ એ કેસનો કોઈ નિવેડો આવ્યો નથી. ધીરજકાકાએ પણ મને આ બાબતે શરૂઆતમાં ઘણી મદદ કરી. પરંતુ હવે એ પણ એવું માનતા થઇ ગયા છે કે આ એક રોડ અકસ્માત જ હતો.” આટલું બોલતાં-બોલતાં સુનિતાની આંખમાં આંસુ આવી ગયા હતા.
“હરમનજી, સુનિતાના પિતા મારા ખાસ મિત્ર હતા અને વ્યાજનો ધંધો કરવાનાં કારણે સ્વભાવના આકરા પણ હતા. વ્યાજના ધંધામાં જો આકરો સ્વભાવ ના હોય તો એ ધંધો કરવો શક્ય જ ના બને. એમના આ ધંધાના કારણે એમણે પોતાનાં ઘણા દુશ્મનો બનાવ્યા હતા અને ઘણા બધા પાસેથી એ પૈસા માંગતા હતા. એમણે એમની એક કરોડ જેટલી રકમ બિલ્ડર સુરેશ પ્રજાપતિને પણ વ્યાજે આપી હતી અને સુનિતાને પણ એના પર સૌથી વધારે શંકા હતી કે સુરેશે જ એનાં પિતાનો અકસ્માત કરાવ્યો છે. પંરતુ સુરેશ પ્રજાપતિ જેવો મોટો બિલ્ડર એક કરોડ રૂપિયા માટે એમનો અકસ્માત કરાવે નહિ. એવું મારું માનવું છે. સુરેશના કહેવા પ્રમાણે એ આ એક કરોડની રકમ સુનિતાના પિતાને એના મૃત્યુના બે દિવસ પહેલા આપી ચુક્યો હતો. આ રૂપિયાની લેવડ-દેવડ રોકડ રકમમાં હોવાના કારણે એનો કોઈ પુરાવો નથી.” ધીરજભાઈ એ પોતાના તરફથી આ બાબતની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું.
ધીરજભાઈ મારે જે સવાલો બધાને પૂછવાના હતા એ મેં પૂછી લીધું. હવે હું મારી રીતે તપાસ કરી ટુંક સમયમાં આખા આ કેસનું રહસ્ય ઉકેલી આપીશ.” આટલું બોલી હરમન ઉભો થયો હતો.
હરમન સુનિતાનો આભાર માન્યો અને ત્રણેય જણા એના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
ક્રમશ: .....
(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)