શીર્ષક: “થાક”
“અમથા તો બધાય ચાલે જ છે, થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે”.
આપણે લોકોએ આ વાક્ય ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. મને યાદ છે, સુપ્રસિદ્ધ હાસ્યકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે આ વાક્યનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. “થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે” પણ થાક્યા પછી ચાલવું? કેટલું ચાલવું? તે કોણ નક્કી કરશે? આવો કોઈ માપદંડ ખરો? જવાબ છે ના, આવો કોઈ જ માપદંડ નથી. પણ આપણે જયારે પરિસ્થિતિથી કંટાળીને, નાસીપાસ થઈ જઈએ, છતાં પણ પરિસ્થિતિ સામે હાર ન માનીએ, આપણો પ્રયત્ન ચાલુ રાખીએ, ત્યારે જ ઈશ્વર સહાય કરે છે.
-----*****-----
ઉદાહરણ તરીકે, મારો જ સ્વઅનુભવ હું અહીયા મુકવા માંગું છું. એક ફરીયાદીએ કોર્ટમાં ખોટી ફરિયાદ દાખલ કરી, જેના કારણે મારે પ્રતિવાદી તરીકે કોર્ટમાં જવાનું થયું. હવે જેવો કેસ ટેબલ પર આવ્યો અને પ્રતિવાદી (એટલે કે મારી) ઊલટતપાસ માટે કોર્ટે ફરિયાદીના વકીલને સુચન કર્યું, ત્યારે ફરિયાદીના વકીલે સતત ૭ મહિના સુધી મારી ઊલટતપાસ ન લીધી. દર તારીખે યેનકેન પ્રકારે તે મારી ઊલટતપાસ લેવાનું ટાળે અને કોર્ટ પાસે સમય માંગે.
ફરિયાદીનો વકીલ રાહ જોઈ રહ્યો હતો, કે જો હું એક પણ તારીખે ગેરહાજર રહું તો તેને મોકો મળી જાય અને તે દલીલ કરે કે જુઓ આજે પ્રતિવાદી હાજર નથી અને મારે તેની ઊલટતપાસના પ્રશ્નો કરવાના છે. પણ...હું ક્યારેય કોર્ટમાં ગેરહાજર ન રહ્યો અને ફરિયાદીના વકીલને આવો મોકો ન આપ્યો.
-----*****-----
આખરે ૭ મહિનાના લાંબા સમય બાદ જજ સાહેબે ફરિયાદીના વકીલને કડક સુચના આપી કે આવતી તારીખે જો તમે પ્રતિવાદીની ઊલટતપાસ નહી લો તો તમારો ઊલટતપાસ લેવાનો હક્ક બંધ કરવામાં આવશે. નાછુટકે ફરિયાદીના વકીલે મારી ઊલટતપાસ લેવી પડી. એ ઊલટતપાસમાં જે સત્ય હતું તે જ બહાર આવ્યું, અને ફરિયાદીના વકીલની ખોટી આશાઓ પર પાણી ફરી વળ્યું.
મારી ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ ફરીથી કેસમાં તારીખો પડવા લાગી, એજ સમયગાળામાં વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતમાં પોતાનો પગપેસારો કર્યો અને જોતજોતામાં તો લોકડાઉન લાગુ પડયું. કોરોનાની પ્રથમ લહેરથી કોર્ટની કાર્યવાહી લગભગ ૮ મહિના જેટલી સ્થગિત થઈ.
જો કે હું હિમ્મત ન્હોતો હાર્યો. મને વિશ્વાસ હતો કે જો હું નાસીપાસ થઈ જઈશ તો ખોટા ને ખોટું કરવાનો મોકો મળી જશે. આખરે કોરોનાની પહેલી લહેરના ૮ મહિના બાદ, ફરીથી કોર્ટો ધમધમતી થઈ અને હું પ્રતિવાદી તરીકે કેસમાં સક્રિય થયો. આશરે ૩ મહિના કોર્ટ ચાલુ રહી અને ફરિયાદીનો વકીલ સતત ગેરહાજર રહ્યો અને કેસમાં તારીખો પડવા લાગી. વળી કોરોનાની બીજી લહેરે માથું ઊંચકતા ફરીથી કોર્ટો આશરે ૨ મહિના જેટલી ઠપ્પ રહી.
હવે હું થોડો કંટાળ્યો, થાક્યો, મનમાં એક જ વાત સતત ફર્યા કરતી હતી. હવે શું થશે? હવે શું કરવું? ફરી કોર્ટ ખુલશે અને ફરિયાદીનો વકીલ ફરી પાછુ નવું બહાનું આગળ ધરીને તારીખો માંગશે, તો આખરે ક્યાં સુધી આ પરિસ્થિતિ વેઠવી? હું હાર્યો ન્હોતો, કંટાળ્યો હતો. મને મારા જીવનનો અનમોલ સમય વેડફાતો દેખાઈ રહ્યો હતો.
-----*****------
કોરોનાની બીજી લ્હેર પુરી થતા, ફરીથી કોર્ટો ખુલી, તારીખ પડી, આ વખતે સમય થોડો અલગ હતો. જજ સાહેબ પણ સમજી ગયા હતા કે ફરિયાદીનો વકીલ ખોટી વાતોમાં કોર્ટનો સમય બગાડી રહ્યો છે અને કેસ લંબાવી રહ્યો છે.
જજ સાહેબ પુરાવાઓ, લેખિત દસ્તાવેજો, અને ઊલટતપાસના આધારે હવે ચુકાદો આપવા માંગતા હતા, ફરિયાદોનો વકીલ આ તારીખે પણ ગેરહાજર રહ્યો. વળી તારીખ પડી. હું એ તારીખે પણ સમયસર હાજર રહ્યો, ફરિયાદીનો વકીલ ગેરહાજર રહ્યો.
ફરી તારીખ પડી, હું હાજર રહ્યો, ફરિયાદીનો વકીલ ગેરહાજર રહ્યો. પણ, આ વખતે જજ સાહેબે કોર્ટ રૂમમાં કહી દીધું કે હવે આવતી તારીખે જો ફરિયાદીનો વકીલ ગેરહાજર રહેશે તો તેને દલીલ કરવાની નથી એવું માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આવતી તારીખે ફરિયાદીનો વકીલ હાજર રહ્યો,દલીલો કરી. જવાબમાં મારા વકીલે પણ દલીલો કરી. છેવટે કોર્ટે ચુકાદો આપ્યો. ફરિયાદીનો દાવો ફગાવી દેવામાં આવ્યો, મારા પર લાગેલા આરોપો ખોટા સાબિત થયા.
-----*****-----
આ સમયગાળા દરિમ્યાન મારા પિતાનું હાર્ટ એટેકને લીધે મૃત્યુ થયું, મેં કેટલાય લોકોની ધાકધમકી સાંભળી, સામાજીક રીતે બદનામી જોઈ. પણ અડગ મનથી લડવાનું ન મુક્યું, ખોટી ફરિયાદને તાબે ન જ થયો.
એટલે જ માનું છું કે “થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે”.
-સા.બી.ઓઝા
૧૪૦૪૨૦૨૨૧૬૦૫૫૫
-----*****-----
આપ આપના પ્રતિભાવો મને ઈમેઈલ કે વોટ્સએપ પણ કરી શકો છો.
ઈમેઈલ:
ozasagar@gmail.comમોબાઈલ: ૯૪૨૯૫૬૨૯૮૨