સ્વયંવરનો દિવસ નજીક આવી ગયો હતો. બે દિવસ બાદ સ્વયંવર યોજવવાનો હોવાથી દુર-દુર થી વિવિધ રાજાઓ અને રાજકુમારો એક દિવસ પહેલા જ આવી જવાનાં હતાં. તેથી સમગ્ર વિરમગઢમાં સ્વયંવરની હર્ષોલ્લાસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.અંતે એક પછી એક રાજવીઓ આવવાં લાગ્યાં. વિદ્યુત પણ પોતાના મિત્ર અને મલંગ દેશનાં સેનાપતિ શાશ્વત સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. સ્વયંવરની આગલી રાત્રે તે અને શાશ્વત અર્જુનનું નિમંત્રણ સ્વીકારીને તેનાં કક્ષમાં થોડાં સમય માટે ગયાં.
આ દરમિયાન ઉત્સુક વેદાંગી પદ્મિની સાથે પોતાના સ્વયંવરની પ્રતિયોગીતા વિશે જાણવા માટે વિસ્મયનાં કક્ષ તરફ જઈ રહી હતી.ત્યાં જ પદ્મિનીનું ધ્યાન સામેથી આવી રહેલાં વિદ્યુત અને શાશ્વત પર પડ્યું. તેઓને જોઈને તેનાં પગ ત્યાં જ રોકાઈ ગયાં અને તે પીલોરની પાછળ છુપાઈ ગઈ.વેદાંગી પોતાની વાત કહી રહી હતી તેથી તેનું ધ્યાન ન રહ્યું કે પદ્મિની પાછળ છુપાઈ ગઈ છે. તે ખૂણા પાસે પહોંચી.તેણે વાતચીત કરતાં-કરતાં બાજુમાં જોયું,
“પદ્મિની, અરે ક્યાં ગઈ?હમણાં તો અહીં જ હતી.”વેદાંગીએ કહ્યું અને પાછળની તરફ મોં રાખીને જ આગળ વધી.તેનું ધ્યાન આગળ ન હતું તેથી તેને સામેથી આવી રહેલ વિદ્યુત અને શાશ્વત દેખાયાં નહીં.તે વિદ્યુત સાથે ભટકાઈ.તે બંનેએ એકબીજા સામે જોયું.
“મિત્ર વિદ્યુત.”શાશ્વતે કહ્યું.
વિદ્યુતનું નામ સાંભળીને વેદાંગીએ પોતાની આંખો હટાવી લીધી.ત્યાં જ વૈદેહી તેને શોધતી-શોધતી આવી.પરંતુ વેદાંગી ન દેખાતાં તેણે બુમ પાડી,
“વેદાંગી.”
“આવી.”વેદાંગીએ કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ.
…
બીજે દિવસે સ્વયંવરની શરૂઆત થઇ. બધાં રાજકુમારોએ પોતાનું સ્થાન લીધું. ત્યાર બાદ કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ વેદાંગી આવી.વિદ્યુત તેને એકીટશે જોઈ રહ્યો.
“હું શોર્યસિંહ, તમારાં બધાનું વિરમગઢમાં સ્વાગત કરું છું. આ સ્પર્ધા શરૂ થાય એ પહેલાં હું તમારાં બધા સમક્ષ એક વાત રજુ કરવાં માંગુ છું.”શોર્યસિંહે કહ્યું.
“વિરમગઢ હંમેશા નીતિનાં માર્ગ પર જ ચાલ્યું છે સામે ગમે તેવો અનીતિનાં માર્ગ પર ચાલનાર શત્રુ કેમ ના હોય, પરંતુ વિરમગઢે હંમેશા નીતિનો જ સાથ આપ્યો છે.માટે આ સ્વયંવરમાં ભાગ લેનાર તમામ માટે એક શર્ત છે.”શોર્યસિંહ થોડી વાર અટકયાં અને ફરીથી કહ્યું,
“સ્વયંવરમાં ભાગ લેવાં ઇચ્છુક રાજાને યુદ્ધ કરવું પડે અને એવી સ્થિતિ ઉતપન્ન થાય કે એક તરફ તેમનું મિત્ર કે સગું રાજ્ય હોય કે જે અનીતિનાં માર્ગ પર હોય અને એક તરફ અન્ય રાજ્ય હોય જે નીતિનાં માર્ગ પર હોય તો ત્યારે તે હંમેશા નીતિનો સાથ જ આપશે.”
શોર્યસિંહની વાત સાંભળીને બધા રાજાઓ ચોંકી ગયાં.
“આ તે કેવી શરત?”એક રાજાએ પૂછ્યું.
“રાજન, તમે જ જણાવો. શું નીતિનાં માર્ગ પર ચાલવાનો પ્રણ અયોગ્ય છે?”દુષ્યંતે પૂછ્યું.
તે રાજા કઇ પણ બોલ્યાં વગર પાછો બેસી ગયો.
શોર્યસિંહની શરત માન્ય રાખી સ્વયંવરનો પ્રારંભ થયો. પરિણામ બધાએ ધાર્યું હતું એ જ આવ્યું.સ્વયંવરમાં વિદ્યુતનો વિજય થયો અને વેદાંગીએ વિદ્યુતને વરમાળા પહેરાવી.
આ સમગ્ર વિધિ દરમિયાન પદ્મિની સ્વાસ્થ્યનું બહાનું બતાવી પોતાનાં કક્ષમાં જ રહી.એક દાસી તેનાં કક્ષમાં આવી અને કહ્યું, “પદ્મિની, સ્વયંવરમાં મલંગ રાજ્યનાં રાજા વિદ્યુતનો વિજય થયો છે.”
તેની વાત સાંભળીને પદ્મિનીએ હળવો નિસાસો નાખ્યો.
…
વેદાંગીનાં વિદ્યુત સાથે ધામધૂમથી વિવાહ થયાં અને તે વિદ્યુત સાથે મલંગ દેશ ચાલી ગઈ.તેનાં વિવાહને હવે એક વર્ષ જેટલો સમય વીતી ગયો હતો.વેદાંગીનાં વિવાહ બાદ પદ્મિની થોડી-ઘણી ચિંતિત રહેવાં લાગી હતી.તેણે અર્જુન સાથે ઔષધિઓ લેવાં જવાનું પણ ઓછું કરી દીધું હતું.તે ભોજન પણ ઘણીવાર પોતાનાં કક્ષમાં જ કરી લેતી.આ વાતથી ચિંતિત અર્જુન પદ્મિનીને મળવાં તેનાં કક્ષ તરફ ગયો.તેણે પદ્મિનીનાં કક્ષની બહાર ઉભેલી દાસીને કહ્યું,
“પદ્મિનીને કહો કે હું તેને મળવા માંગુ છું.”
“જી રાજકુમાર.”
થોડાં સમય બાદ એક દાસી ભોજનની થાળી લઈને બહાર આવી અને કહ્યું,
“રાજકુમાર,તમે અંદર જઈ શકો છો.”
અર્જુને ભોજનની થાળીનું નિરીક્ષણ કર્યું. તેમાં દાળ-ભાત એમ જ પડ્યાં હતાં.તે કક્ષની અંદર ગયો.તેને પણ ખબર હતી કે પદ્મિની થોડાં દિવસોથી ઉદાસ રહે છે. તેથી તે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
તેણે પુછ્યું, “પદ્મિની, તે ભોજન નથી કર્યું?”
“નહીં રાજકુમાર,મેં તો ભોજન કરી લીધું છે.”
“તો તારી ભોજનની થાળીમાં દાળ-ભાત કેમ એમ જ પડ્યાં છે?”
“મેં રોટલી ખાઇ લીધી છે.”
“અચ્છા, તો તને દાળ-ભાત નથી પસંદ.”
“ના એવું નથી, દાળભાત તો મને અતિ પ્રિય છે.”
“તો પછી તે કેમ નથી ખાધા?”
અર્જુનનો પ્રશ્ન સાંભળીને પદ્મિનીએ પોતાનાં કક્ષમાં રહેલી દાસીઓ સામે જોયું અને પછી માત્ર અર્જુન સાંભળી શકે એટલાં ધીમા અવાજે કહ્યું,
“મને દાળ-ભાત ખાતા નથી આવડતાં.” (એ સમયમાં ભોજન ખાવા માટે કોઈ ચમચીનો ઉપયોગ ન કરતાં.)
તેની વાત સાંભળીને અર્જુન હસ્યો.
“અરે, એમાં હસવાની શું વાત છે?”
અર્જુને હસવાનું બંધ કર્યું અને ફરીથી પૂછ્યું,
“તો તું અત્યાર સુધી કેવી રીતે ખાતી?”
“મારા માતા.”પદ્મિનીએ ઉદાસ થઇને અધુરો જવાબ આપ્યો.
અર્જુન કંઇક કહેવા ગયો, પરંતુ દાસીઓની હાજરીને કારણે ચુપ રહ્યો.ત્યાર બાદ કંઇક યાદ આવતાં કહ્યું,
“પદ્મિની,આપણે વૈદ્યજીએ મંગાવેલ થોડી ઔષધિઓ લેવાં માટે વન તરફ જવાનું છે પરંતુ આજે વધુ સમય શેષ ન રહ્યો હોવાથી આપણે કાલે જઈશું.”
…
પદ્મિની અને અર્જુન બીજે દિવસે સૂર્યોદય થતાં જ વન તરફ નીકળી ગયાં.
પદ્મિની ચાલતાં-ચાલતાં વિચારી રહી હતી, “એ ઘટના બાદ હું કોઈની સમક્ષ સંપૂર્ણ પણે ખુલી શકી નથી એકમાત્ર રાજકુમાર અર્જુન સિવાય.હજું તો અમે મળ્યાં એને વધુ સમય પણ નથી થયો છતાં પણ તેઓ જ્યારે પણ હું વ્યથિત હોવ ત્યારે મારાં મનનો ભાર હળવો કરી દે છે.”
“પદ્મિની,આપણે અહીંથી ઔષધિઓ ભેગી કરી લઈશું?”અર્જુને પૂછ્યું.
અર્જુનનો સવાલ સાંભળીને પદ્મિની પોતાનાં વિચારોમાંથી બહાર આવી અને ઔષધીઓ ભેગી કરવાં લાગી.
“પદ્મિની,એવી કંઇ વાત છે જેનાં લીધે તું અંદરથી જ ઘૂંટાયા કરે છે. જે તું કોઈને કહી પણ નથી શકતી અને તેનું દુઃખ ભૂલી પણ નથી શકતી?”અર્જુને વિચાર્યું.
બધી ઔષધિઓ ભેગી થઇ ગયાં બાદ અર્જુન અને પદ્મિની વિશ્રામ કરવાં માટે એક ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠાં. પદ્મિનીએ પોતાની સાથે લાવેલ ભોજન કાઢ્યું. તેણે જોયું તો તેમાં દાળભાત પણ હતાં.એ જોઈને તેણે અર્જુનને કહ્યું,
“રાજકુમાર,તમે મારો ઉપહાસ કરવાં માટે આ ભોજન બંધાવ્યું છે ને ?”
“નહીં પદ્મિની એવું કંઈ પણ નથી.”
એટલું કહી અર્જુને પોતાની પાસે રહેલ શ્વેત વસ્ત્ર કાઢ્યું અને પદ્મિનીને આપતાં કહ્યું,
“પદ્મિની, આ વસ્ત્ર મારી આંખો પર બાંધી દે.”
“પરંતુ કેમ?”
“જણાવું છું પણ તું પહેલાં બાંધી તો દે.”
...