આકાશ એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.પોતાનો નિખાલસ સ્વભાવ અને તેની કામ કરવાની નિષ્ઠાથી ઓફીસના દરેક લોકો તેનાથી ખુબજ ખુશ રહેતાં. પોતાના મસ્તીખોર સ્વભાવના કારણે તેણે પોતાના સાથીદારોના હદયમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું હતું.આકાશ જયારે ઓફીસમાં ના હોય ત્યારે આખી ઓફીસમાં રણ જેવી પરિસ્થિતિ પેદા થઈ જતી હતી.
આકાશનું વ્યકતિત્વ અને તેનો દેખાવ તેની પ્રતિભામાં વધારો કરી આપતાં હતાં.પોતાનો રાજકુમાર કેવો હોવો જોઈએ સ્ત્રીઓ જે કલ્પના સપનામાં કરતી હોય છે એ દરેક ગુણ આકાશમાં હતાં.છતાંય આકાશ દરેક સ્ત્રીઓ સાથે મયાૅદામાં રહીને તેમની સાથે વાતચીત કરતો હતો.સ્ત્રીઓ પ્રત્યે તેને કોઈ અણગમો નહોતો પણ તે દરેક સ્ત્રીઓની ઇજ્જત કરતો અને તેમનું સન્માન જાળવતો હતો.
દરીયા કિનારે શાંત વાતાવરણમાં બેસી રહેવું આકાશને ખુબજ ગમતું હતું. ઓફીસના કામથી જયારે પણ એને સમય મળતો ત્યારે તે દરીયા કિનારે આવીને બેસી રહેતો.દરીયાના મોજા આકાશના પગને ભીંજવે એવી રીતે બેસવું એ આકાશની પહેલી પસંદગી હતી. રેતી પર પોતાના પ્રિયપાત્રનું નામ લખીને એ ભુતકાળની યાદોમાં ખોવાઈ જતો હતો. કયારેક તો એ આથમતાં સુરજને જોઈને વિચારોના વમળમાં એવો ઘેરાઈ જતો હતો કે તેને સમયનું ભાન પણ રહેતું નહી.
એક સમી સાંજે આકાશ દરીયા કિનારે બેઠો હતો.ત્યારે અચાનક પાછળથી બુમ સંભળાઈ, એ......આકાશ. આકાશે પાછુ વળીને જોયું તો કોલેજકાળનો તેનો મિત્ર માનવ હતો. માનવને આટલા વરસો પછી આમ અચાનક જોઈને તે માનવને ભેટી પડ્યો.બન્નેની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં હતાં.કારણ કે કોલેજ પુરી કયાૅ બાદ આજે દસ વરસ પછી આ બન્ને મિત્રો મળ્યાં હતાં. બહું વરસો પછી મળ્યાં છીએ તો કયાંક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. આકાશે કહ્યું ચાલ, કોઈ સારી હોટલમાં જઈને સાથે જમીએ અને ત્યાં નિરાંતે વિતેલા સમયની વાતો કરીશું.
મીરા રોડ પર આવેલી હોટલમાં પ્રવેશતાની સાથેજ તેમને વિતેલો સમય યાદ આવી ગયો.બન્ને એકસાથે બોલી પડ્યા કે "શું એ દિવસો હતાં." બન્ને હસી પડ્યાં અને પછી એક ટેબલ પર ગોઠવાઈ ગયાં.વેઈટરને બોલાવીને જમવાનો ઓડર આપી દીધો.જમતાં જમતાં બન્ને મિત્રો ભુતકાળની યાદોને વાગોળતાં હતાં.એવામાં માનવે કહ્યું કે, આકાશ તને અવની યાદ છે? અવનીનું નામ સાંભળતાં જ આકાશની આંખોમાં એક ચમક આવી ગઈ અને કહ્યું કે હા. અવનીને હું કેવી રીતે ભુલી શકું, એ મારો શ્વાસ હતી અને આજે પણ એ મારામાં મારો શ્વાસ બનીને વહે છે.પણ નસીબે મને સાથ ના આપ્યો અને એણે મારી સાથે....... આટલું બોલતાંની સાથેજ આકાશની આંખમાં આંસુ આવી ગયાં.
અવનીથી છુટા પડ્યે દસ વરસ વીતી ગયાં હતાં. છતાંય હું એની યાદોમાં આજે પણ જીવું છું. હું એને એટલોજ પ્રેમ કરું છું, જેટલો એ સમયે કરતો હતો.અવની ની શું મજબુરી રહી હશે કે એ મારાથી દુર થઈ ગઈ.એણે શા માટે મને છોડીને બીજાની સાથે લગ્ન કરી લીધા મને એજ સમજાતું નથી. એ અત્યારે કયાં છે? કેવી હાલતમાં છે? એ શું કરે છે એ હું કશુંજ જાણતો નથી.જાણું છું તો બસ એટલુંજ કે હું અવનીને આજે પણ પ્રેમ કરું છું.
માનવે આકાશને કહ્યું કે હું અવની વિશે બધું જાણું છું.એ કયાં છે, શું કરે છે અને એ કેવા હાલ પર છે.આ બધું સાંભળીને આકાશના ચહેરા પર ઉત્સુકતા જણાઈ આવી.તેણે માનવને પુછ્યું કે જલ્દી બોલને એ કયાં છે અને શું કરે છે? માનવે કહ્યું કે અવની મારી પાસે છે મારીજ હોસ્પીટલમાં. આ શબ્દો સાંભળતાંજ આકાશને ધ્રાસકો પડયો. પોતાની જાતને સંભાળી લેતાં બોલ્યો કે કેમ હોસ્પીટલમાં એને શું થયું છે? માનવે કહયું કે પહેલાં જમી લે, પછી આપણે નિરાંતે બધી વાત કરીશું.આકાશને જમવામાં હવે મન લાગતું નહોતું.છતાંય માનવનો તેણે સાથ આપવાનો વ્યથૅ પ્રયાસ કયોૅ.જમી લીધા પછી બન્ને મિત્રો હોટલમાંથી નિકળી દરીયા કિનારે જવા રવાના થયાં.
દરીયા કીનારે બન્ને મિત્રો બેઠા. આકાશે પોતાના નિત્યક્રમ પ્રમાણે રેતી પર અવનીનું નામ લખ્યું. દરીયાએ પણ પોતાની આદત મુજબ એકજ છાલક મારીને એ નામને ભુસી નાખ્યું. માનવ આ બધુ જોઈ રહ્યો હતો.પછી બોલ્યો કે રેતી પર લખેલું નામ દરીયાના મોજા ભુસી નાખે છે એમાં દરીયાનો કોઇ વાંક નથી. વાંક તો આપણો છે દોસ્ત, કે આપણે નામ ખોટી જગ્યાએ લખીએ છીએ. માનવની આવી વાત સાંભળતાની સાથેજ આકાશે પુછ્યું કે ખોટી જગ્યાએ એટલે તું કહેવા શું માંગે છે? આકાશના ખભા પર માનવે પોતાનો હાથ મુક્યો અને કહ્યું કે તારી અવનીને બ્લડ કેન્સર છે અને હવે તેની પાસે વધારે સમય નથી.અને હા, અવનીએ હજી સુધી લગ્ન નથી કયાૅ.તારાથી દુર જવાનું કારણ એની બીમારી હતી, બેવફાઈ નહી.પોતાને થયેલી બીમારી વિશે અવની કોઈને કશું જણાવવા માગતી નહોતી.તેથી તે કોઇને પણ કહ્યાં વગર કોલેજ છોડીને ચાલી ગઇ હતી.અને હા, અવનીના લગ્નની વાત પણ એક અફવા હતી જે ખુદ અવની એજ ફેલાવવા માટે કહ્યું હતું. આટલું સાંભળતાની સાથેજ આકાશ રડી પડ્યો.અને પોતાની જાતને,પ્રભુંને અને નસીબને દોષ આપવા માંડ્યો. આકાશે માનવને બે હાથ જોડીને કહ્યું કે મને તું અવની ની પાસે લઈ જા. મારે અવનીને મળવું છે. માનવે આકાશને પોતાની બાથમાં લઈ લીધો.આજે આકાશ ધોધમાર વરસાદની જેમ વરસી રહ્યો હતો. માનવે તેને સંભાળી લીધો.ત્યારબાદ બંને જણ હોસ્પીટલમાં જવા માટે રવાના થયાં. દરીયો પણ આજે આકાશને જોઈને દુઃખી થયો, કારણ કે પોતાની મસ્તીથી કોઈની લાગણીઓને કેટલું દુઃખ પહોચે છે એ વાત તેને હવે સમજાઈ ગઈ હતી.
આજે પુનમની રાત આકાશને અમાસની રાત કરતાં પણ વધારે કાળી લાગતી હતી. પોતે વિચારોના વમળમાં એવો ઘેરાઈ ગયો હતો કે હવે એમાથી બહાર આવવું એ એના માટે અશકય હતું.
હોસ્પીટલમાં અચાનક ડૉ.માનવને પ્રવેશતાં જોઈને સમગ્ર સ્ટાપ સજાગ બની ગયો. માનવે હાથનો ઈશારો કરીને સૌને આરામ કરવા કહ્યું. આઈ.સી.યું.ની રૂમ નંબર ૩ આગળ માનવ અચાનક થોભી ગયો.અને બોલ્યો કે, અવની આ રૂમમાં છે. આકાશ આજે પોતાની જાતને અસહાય અને અશક્ત અનુભવી રહ્યો હતો. રૂમનો દરવાજો ખોલવાની પણ એનામાં હવે હિંમત રહી નહોતી.પરિસ્થિતિને સમજી ગયેલા માનવે દરવાજો ખોલ્યો અને બન્ને જણ રૂમમાં પ્રવેશ્યાં.
અવની મોતની પથારી પર આંખો બંધ કરીને મુરજાયેલી રાતરાણીની જેમ પડી રહી હતી. આકાશ અવનીની પાસે જઈને તેના કપાળ પર હાથ મુક્યો. પરીચીત સ્પશૅનો અનુભવ થતાંની સાથેજ અવનીએ પોતાની આંખોને ખોલી.આકાશને પોતાની સામે ઉભેલો જોઈ અવનીએ ડૉ.માનવની સામે જોયુ ને થોડું હસી. પછી આંખોનો એક લાંબો પલકારો મારીને તેમનો આભાર માન્યો. અવની આકાશને બે હાથ જોડીને માફી માંગવા લાગી તરતજ આકાશે તેના હાથને પોતાના હાથમાં લઈ લીધા. અવનીએ આકાશને કહ્યું કે મારે તારા ખોળામાં થોડીવાર સુઇ જવું છે.તું મને તારામાં થોડું સ્થાન આપી દે.
આકાશ અવની ની પાસે બેઠો અને હળવેથી અવનીનું માથુ પોતાના ખોળામાં મુકી દીધું.અને ધીમે ધીમે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. આકાશની આંખમાંથી આંસુ ટપકીને અવનીના ગાલ પર પડ્યાં.ત્યારે અવનીએ આકાશનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને આંખના ઈશારાથી રડવાની ના પાડી.આકાશ મંદ હાસ્ય કરીને એની મુરજાયેલી રાતરાણીને જોઈ રહ્યો હતો. ડૉ.માનવ આકાશ અને અવનીને વરસો પછી આ રીતે બેઠેલા જોઈને પોતે આનંદની લાગણી અનુભવી રહ્યો હતો. આંખમાં આવી ગયેલા આંસુને આંગળીના ટેરવાથી દુર કયાૅ. આકાશ અને અવની ની પાસે જઈને તેમણે આકાશના ખભા ઉપર હાથ મુક્યો. ત્યાં તો આકાશ અવની પર ઢળી પડ્યો.જયારે અવની તો આકાશમાં પહેલેથી જ સમાયેલી હતી.
ડૉ. માનવને આજે પોતાની હોસ્પીટલ ક્ષિતિજ સમાન લાગી જયાં આકાશ અને અવની એક થઈ ગયાં હતાં.
લેખક:- પિંકલ પરમાર "સખી"