શ્યામા એ શ્રેણિક જોડે બે દિવસનો વિચારવા માટે સમય માંગ્યો, પરંતુ એના મનમાં પણ શ્રેણિક એના વિશે શું વિચારે છે એ જાણવાની ઈચ્છા થઈ, એણે શ્રેણિકને સીધું પૂછી લીધું, " ઇફ યુ ડોન્ટ માઈન્ડ...હું તમારો મત જાણી શકું?"
"જી... મારે તો માત્ર તમારું ગામ જ જોવાનું બાકી હતું, બાકી ન્યુઝીલેન્ડની નીકળ્યો ત્યારે દહી સાકાર સાથે મનમાં ગોળધાણા કરી લીધા હતાં!"- શ્રેણિકે એના અંદાજમાં જવાબ આપ્યો.
"લે...જોયા વગર કઈ રીતે નક્કી કરી લેવાય?"- શ્યામાએ સવાલનો છૂટોદોર નાખ્યો.
"મેં તમારા વખાણ જ એટલા સાંભળેલા તો...." શ્રેણિકે જવાબ આપ્યો, ને શ્યામા શરમાઈ ગઈ.
"પણ મારો વાન શ્યામ છે તો તમને ચાલશે?"- શ્યામાએ બેઢડક પુછ્યું.
" ચામડીના રંગ કરતાં મનનો રંગ વધારે મહત્વનો છે." શ્રેણિક બોલ્યો, એની વાત પરથી શ્યામાને વિશ્વાસ બેઠો, એને નજર ઝુકાવી લીધી, ને એની ઝૂકેલી નજર પર શ્રેણિક ફરી ડૂબી ગયો, એને વધુ વાત કરવાનું મન થયું ને એણે વાત આગળ વધારી,"સવારે સામે મળ્યા એ તમે જ હતા ને?"- શ્રેણિકે શ્યામાને પૂછતાં કહ્યું.
"હા..તમે મને જોઈ હતી?"- શ્યામાએ આશ્રય સાથે પૂછ્યું.
"હા...નજર અટકી ગઈ હતી!"- બોલતાની સાથે તે હસવા માંડયો.
" મતલબ?"- શ્યામાએ પૂછ્યું.
" કશું નહિ! અમથા જ.."- શ્રેણીકે એના મનમાં ચાલી રહેલા ભાવોને બ્રેક મારી.
" પરંતુ તમે આમ સવાર સવારમાં ક્યાં ગયા હતા? અને આખા પલાળેલા કેમ હતા?"- શ્રેણિકે કુતુહલવશ પૂછ્યું.
"અરે હા એ તો એક બહેનપણી હતી...નદીએ મારવા પડેલી તો સજાવવા ગઈ હતી!"- શ્યામાએ સવારે બનેલી બીના ટુંકમાં કહ્યું.
" ઓહ તો તમને ડર ના લાગ્યો?"
"મારા કહેવાથી કોઈનો જીવ બચ્યો એ મહત્વનું છે, મારો આજનો દિવસ સફળ થઈ ગયો." શ્યામા ખુશ થતા બોલી.
"મારો પણ!"- શ્રેણિક મનોમન બોલી ગયો.
" મતલબ?"- શ્યામાએ એની સામે નજર કરતાં કહ્યું.
" કશું જ નહિ..."- કહેતાં શ્રેણિક હસ્યો અને એનું લુચ્ચું સ્મિત જાણે શ્યામાને અનાયાસે ગમી ગયું હોય એમ લાગ્યું.
" ઓકે... કેવું લાગ્યું અમારું અમરાપર?"- શ્યામાએ પૂછ્યું.
" નાઇસ! ફૂલ ઓફ બ્યૂટી! "- એણે કહ્યું પણ અહી એનો બ્યુટીનો મતલબ શ્યામા સાથે લાગી રહ્યો હતો.
વાત ચાલી જ રહી હતી ત્યાં મોર જોવા ગયેલી પલટન પાછી ફરી, વાતવાતમાં સમય ક્યાં પસાર થઈ ગયો એ ખ્યાલ જ ના રહ્યો, છતાંય બન્નેને હજી એમ હતું કે વાત અધૂરી રહી ગઈ, દૂરથી માયા અને નયન બખડતા હોય એમ લાગી રહ્યું હતું અને એમને જોતા શ્યામા બોલી," જુઓ, પેલા બન્નેએ જાણે વિશ્વયુદ્ધ ખેલવું છે!"
" આ નયન તો કદી નહિ સુધરે!"- શ્રેણિક હસતાં હસતાં બોલ્યો, એ ઉતાવળા પગે નયન જોડે ગયો અને એને માયા જોડે જીભાજોડી કરતાં અટકાવ્યો, માયા પણ શ્યામા જોડે આવીને નયનની ફરિયાદ કરવા માંડી.
" શ્યામા, સમજાવી દેજે તારા મહેમાનોને!"- માયા ગુસ્સામાં બોલી.
" પણ મે તને ના પાડી હતી ને કે દૂર રહેજે એનાથી! પણ તારા જ લખન સરખા નથી, તને જ ડિંગલી કરવા જોઈએ છે તો!"- શ્યામાએ ફટકો આપ્યો.
" હજી તો સગપણ થયું નથી ને તું એના પક્ષે થઈ ગઈ,જોઈ લીધી તારી દોસ્તી!"- માયા રિસાઈ ગઈ.
" અરે યાર, એવી વાત નથી, એ આપણા મહેમાન કહેવાય એને મહેમાન ભગવાન કહેવાય!"- શ્યામાએ સમજાવી.
"એ તો તું કહે છે એટલે બાકી આને તો અમરાપરની બહાર જ તગેડી મૂકું!"- માયાએ રોષ કાઢતા કહ્યું.
" જવા દે ને યાર!"- કહેતાં શ્યામાએ શ્રેણિક સામે જોયું અને સ્મિત આપતાં તે એની જગ્યાએથી ઉભી થઇ, ઘર તરફ જવા માટે હવે બધાએ પગલાં માંડ્યાં.
ક્રમશઃ