Bhed Bharam - 3 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 3

The Author
Featured Books
Categories
Share

ભેદ ભરમ - ભાગ 3

ભેદભરમ

ભાગ-3

નામાંકિત બિલ્ડર


પ્રેયસની વાત સાંભળ્યા બાદ હવે સુધા મહેતા સામે હરમને જોયું હતું.

હરમન એવું વિચારી રહ્યો હતો કે એની ઉંમર એના પતિ ધીરજભાઇ કરતા લગભગ અડધી છે. એ ત્રીસ વર્ષથી વધારે ઉંમરની હોય તેવું લાગતું ન હતું. એ દેખાવે ખૂબ સુંદર અને આકર્ષક હતી. છતાં એણે એનાથી ડબલ ઉંમરના પુરૂષ સાથે લગ્ન એવી તો કેવી મજબૂરી રહી હશે કે કર્યા એ સવાલ હરમનના મનમાં વારંવાર આવી રહ્યો હતો.

"ધીરજભાઇ, જો આપને વાંધો ના હોય તો થોડા પ્રશ્નો હું સુધાબેનને પૂછવા માંગુ છું." હરમને ધીરજભાઇને પૂછ્યું હતું.

હરમનની વાત સાંભળી ધીરજભાઇના મોઢા પર થોડા અણગમાનો ભાવ આવી ગયો હતો. એ વાતની નોંધ હરમન અને જમાલ બંન્નેએ લીધી હતી.

થોડું વિચાર્યા બાદ એમણે માથું હલાવી હરમનને સંમતિ આપી હતી.

"સુધાબેન, આપે સોસાયટીમાં કોઇ અજાણ્યા માણસને જોયો છે? અથવા એવી કોઇ ઘટના થઇ છે કે જે જોઇ તમને નવાઇ લાગી હોય. તેમજ તમારે કોઇની સાથે ઝઘડો કે વિખવાદ થયો હોય. કોઇપણ વાત નકામી સમજીને છોડી ના દેતા. ઘણીવાર નકામી વાત પણ ખૂબ કામની સાબિત થતી હોય છે." હરમને સુધાબેન સામે જોઇ કહ્યું હતું.

સુધાબેન હરમનનો પ્રશ્ન સાંભળી મનમાં વિચારવા લાગ્યા હતાં અને ઊભા થઇ એમણે રૂમમાં ચાલવાનું શરૂ કર્યું હતું.

"સુધાને કોઇ વાત યાદ કરવી હોય અથવા વિચારવી હોય તો એને ચાલતા ચાલતા જ એ વાત યાદ આવે છે. આ એની નાનપણની ટેવ છે. " ધીરજભાઇએ ધીમેથી હરમન સામે જોઇ કહ્યું હતું.

સુધાબેને ચાલવાનું બંધ કર્યું અને સોફા પર પાછા બેસી ગયા હતાં.

"સૌથી પહેલા મને જે વાત યાદ આવે છે એ તમને કહી દઉં. અમારી સોસાયટીને અડીને જ આવેલા બાજુના બંગલામાં સુરેશ પ્રજાપતિ નામનો બોપલનો એક મોટો બિલ્ડર રહે છે. એ બિલ્ડર અમારી આખી સોસાયટી ખરીદવા માટે કેટલીય વાર આમને પૈસાની મોટી ઓફરો આપી ચૂક્યો છે. પરંતુ અમે બધાં એટલેકે આ સોસાયટીના દરેક સભ્ય આ સોસાયટી અને જમીન છોડી જવા તૈયાર નથી. એણે અમારી સોસાયટી તોડીને ફ્લેટની મોટી સ્કીમ મુકવી છે. આ જગ્યા ઉપર ફ્લેટની સ્કીમ મુકવી એ એનું સ્વપ્ન છે કે પછી પૈસાની લાલચ એ ખબર નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એની નજર અમારી સોસાયટી ઉપર છે અને એની પત્ની જ્યોતિ મેલીવિદ્યા કરવામાં ખૂબ નિષ્ણાંત છે. એવી મને ખબર છે. માટે વાસણ મુકવાનું કાવતરું એ સુરેશ અને એની પત્ની જ્યોતિ અમારી આ જમીન પચાઇ પાડવા માટે તાંત્રિકવિધિ કરીને મુકી જાય છે. મને તો પહેલા જ દિવસથી આ વાતની ખબર હતી. પરંતુ મારા પતિને આટલી આંખ સામે પડેલી સામાન્ય બાબત ખબર નથી પડતી એની મને નવાઇ લાગે છે." સુધાબેને હરમન સામે જોઇ કહ્યું હતું.

સુધાનો જવાબ સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો.

હવે હરમને ધીરજભાઇ સામે જોયું હતું.

"હા, તમે શું પૂછવા માંગો છો એ હું સમજી ગયો. સુધાની વાત સાંભળી મને પોતાને પણ સુરેશ પ્રજાપતિ અને એની પત્ની જ્યોતિ ઉપર શંકા ગઇ હતી પરંતુ બોપલ અને એની આસપાસના વિસ્તારમાં એની બહુ મોટી નામના છે. આ એરીયામાં એણે ઘણાં રેસીડેન્સીયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં એ નાના કોન્ટ્રાક્ટરમાંથી મોટો બિલ્ડર બની ગયો. અત્યારે એ જે બંગલામાં રહે છે એ બંગલાની જમીન પણ મેં જ એને અપાવી હતી અને મારી સાથે એને સારા સંબંધો પણ છે. એણે મને કેટલીયે વાર નહિ પરંતુ બે-ત્રણ વાર આ સોસાયટી બજાર કિંમત કરતા સારા ભાવે ખરીદવાની એની ઇચ્છા છે એવી વાત એણે મને કહી હતી. પરંતુ અમારી સોસાયટીના દરેક સભ્યએ એની ઓફરને નકારી દીધી હતી. પરંતુ આ જમીન બાબત એવી છે કે કોણ ક્યારે બદલાઇ જાય એ ખબર ના પડે. માટે સુધાની વાત સાવ નજીવી ગણીને છોડી દેવી ના જોઇએ." ધીરજભાઇએ સુરેશ પ્રજાપતિ વિશેનો ખુલાસો કરતા કહ્યું હતું.

"આપ પોતે જ પોલીસ ઇન્સ્પેક્ટર રહી ચૂક્યા છો. એટલે આ વાત આપ ખૂબ સારી રીતે સમજી શકો છો કે બે અલગ-અલગ ઘટનાના તાર પણ એકબીજા સાથે જોડાયેલા હોઇ શકે. સાચું કહું તો હું જેટલું સમજી શક્યો છું એ ઉપરથી મને એવું લાગે છે કે સોસાયટીના ઝાંપા પાસે કટાઇ ગયેલા વાસણો મુકાવવા અને સુરેશ પ્રજાપતિ જેવા બિલ્ડરનું આપની જગ્યા ખરીદવાની વાત પહેલી દૃષ્ટિએ વિચારતા તો ખૂબ સામાન્ય ઘટના લાગે પરંતુ આ ઘટનાઓને એક જાસૂસી દૃષ્ટિએ જોઇએ તો ભેદભરમ વાળી ઘટના લાગે છે. પરંતુ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે કોઇને કોઇ ભેદભરમ આ સોસાયટી સાથે જોડાયેલું છે જેનો ઉકેલ આપણને આ સોસાયટીમાં રહેતા બધાં સભ્યોને મળ્યા પછી મળી શકે અને આ કેસ હું ઉકેલી શકું." હરમને ધીરજભાઇ સામે જોઇ કહ્યું હતું.

હરમનની વાત પૂરી થઇ એટલામાં બહારથી બૂમાબૂમ સંભળાવા લાગી હતી. બૂમો સાંભળી બધાં વરંડામાં આવ્યા હતાં. કોઇ ત્રીસ વર્ષની આસપાસની ઉંમરનો લાગતો છોકરો ધીરજભાઇને સંબોધીને ગુસ્સો કરી રહ્યો હતો.

ધીરજભાઇ એની પાસે ગયા અને એની સાથે વાત કરવા લાગ્યા હતાં. પાંચ મિનિટ પછી ધીરજભાઇની વાત સાંભળી એ છોકરો શાંત થયો અને સોસાયટીની બહાર નીકળી ગયો હતો. ધીરજભાઇ પાછા આવ્યા અને હરમનની સામે જોઇ બોલવા લાગ્યા હતાં.

"આ છોકરાનું નામ મયંક છે. વર્ષો પહેલા એના પિતા પાસેથી આ જમીન મેં ખરીદી હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ માનસિક રીતે ડિપ્રેશનમાં જતો રહ્યો છે. સાચું કહું તો અડધો ગાંડા જેવો થઇ ગયો છે. એટલે એના મનમાં એવું ઘર કરી ગયું છે કે મેં આ જમીન એના પિતા પાસેથી સસ્તા ભાવે પડાવી લીધી છે અને એટલે ઘણીવાર એનું મગજ ઠેકાણે ના હોય ત્યારે અહીં આવી મારા નામે બૂમાબૂમ અને ગાળો બોલે છે. એના પિતાએ એની ખૂબ દવા કરાવી પરંતુ કોઇ ફાયદો થયો નથી અને માણસાઇની દૃષ્ટિએ હું પણ કોઇ પગલાં લેતો નથી. પરંતુ મહિને એક-બે વાર આવી એ બૂમાબૂમ કરે ત્યારે હું એને જઇ માત્ર એટલું કહી દઉં કે 'બાકીના પૈસા હું પછી આપી દઇશ' બસ આટલું સાંભળીને એ પછી જતો રહે. પ્રેયસે એક-બે વાર એના પર હાથ પણ ઉપાડ્યો હતો. પરંતુ હવે મેં એવું કરવાની એને સખત મનાઇ કરી છે, કારણકે કુદરતે જેને માર્યું હોય એને આપણાથી ના મરાય. એના પિતા ભુવન સાથે પણ મારે ઘણાં સારા સંબંધ છે. એ એના દીકરાની આ હરકતો માટે ઘણીવાર આવીને માફી પણ માંગી જાય છે. ભુવનનો આ ત્રીજો અને સૌથી નાનો દીકરો છે. ભુવનનો આખો પરિવાર હવે મયંકની હરકતો ઉપર બહુ લક્ષ્ય આપતો નથી. એ લોકોએ પણ કુદરતના પ્રકોપને એમના ગયા જન્મનું પાપ ગણીને મન સાથે સમાધાન કરી લીધું છે. પરંતુ મારી પત્ની અને પ્રેયસનું એવું માનવું છે કે બિલ્ડર સુરેશ પ્રજાપતિ અને એની પત્નીએ જ મયંક ઉપર તાંત્રિકવિધિ કરી અને એને ગાંડો કરી નાંખ્યો છે અને એના આખા કુટુંબને નિયંત્રણમાં લઇ લીધું છે, કારણકે સુરેશ પ્રજાપતિની મોટી મોટી સ્કીમો ભુવન પાસેથી જગ્યા ખરીદી એણે બોપલમાં બાંધી છે. પરંતુ તર્કની દૃષ્ટિએ જોઇએ તો ભુવને પોતાની જમીનોના સારા રૂપિયા લઇ સુરેશને વેચી છે. તમારી સામે જ આ બનાવ બન્યો માટે આટલી બધી ચોખવટ તમને કરી રહ્યો છું. ચાલો તો હું તમારો પરિચય આ સોસાયટીમાં રહેતા બીજા સભ્યો સાથે કરાવી દઉં. જેથી તમે ઝડપથી આ કેસને ઉકેલી શકો." ધીરજભાઇએ હરમન સામે જોઇ કહ્યું હતું.

હરમને ધીરજભાઇની વાત આખી સાંભળી લીધી પરંતુ એ વાત એને ગળે ઉતરી નહિ. ધીરજભાઇની વાતમાં એને કોઇ અજાણ્યો ભેદ છુપાયેલો છે એવું લાગ્યું હતું.

પરંતુ અત્યારે હરમને ધીરજભાઇને કોઇ સવાલ કર્યો નહિ અને એ અને જમાલ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા હતાં.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐગુરુ)