દસવીં - ફિલ્મ રીવ્યૂ
તો ફરીથી હાજર છે અભિષેક બચ્ચન વધુ એક ફ્લો..... ના, સેમી હીટ ફિલ્મ સાથે. કદાચ હીટ પણ કહી શકો પરંતુ આ વખતે તમે ફ્લોપ તો નહીં જ કહી શકો. જોકે ફિલ્મ સીધી અને માત્ર નેટફ્લિક્સ તથા જીઓસિનેમા - એમ બે પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવેલ છે. એટલે કે સિનેમાગૃહોમાં કેટલી ટિકિટ વેચાઈ એના આધારે જ જો સફળતા માપવાની ઇચ્છા કે ટેવ ધરાવતા હોવ તો ભૂલી જાઓ.
આ વખતે જરૂરી એટલી વાર્તા સાથે જ વાત કરીશ. કારણ કે, ફિલ્મ કંઈક એ પ્રકારની છે કે અહીં રજૂ કરી છે એટલી વાર્તા જાણી લેવાથી આપને ફિલ્મ માણવામાં કોઈ જ ફરક પડવાનો નથી.
ફિલ્મમાં કાલ્પનિક રાજ્ય "હરિત પ્રદેશ" દર્શાવેલ છે. જેના મુખ્યમંત્રીશ્રીને એક કેસમાં જેલમાં જવું પડે છે અને આવે છે તેમની જિંદગીમાં નવો વળાંક. તેઓ રાજકારણથી જોજનો દૂર રહેતી પોતાની ભોળી પત્નીને મુખ્યમંત્રી પદે ગોઠવે તો છે પણ સત્તા મળતાં જ શું થાય છે? એ ફિલ્મમાં જ જોઈ લેજો. રસપ્રદ છે.
અભિષેક જેલમાં પહોંચે ત્યારબાદ એવો ઘટનાક્રમ ઘટે છે કે આઠમું ધોરણ પાસ હીરો માટે દસમા ધોરણની પરીક્ષા પાસ કરવાની બાબત - પ્રથમ ઇચ્છા, પછી જરૂરિયાત અને છેવટે મિશન બની જાય છે. બસ, આનાથી વધુ વાર્તા નથી કહેવાનો.
ફિલ્મમાં કાલ્પનિક રાજ્ય "હરિત પ્રદેશ" ભલે દર્શાવાયું હોય પરંતુ અભિષેક બચ્ચનની બોડી લેન્ગવેજ, ભાષા વગેરેથી સ્પષ્ટપણે હરિયાણા રાજ્યની છાપ જ મનમાં રહેશે. વર્ષ ૨૦૦૭માં ધીરૂભાઈ અંબાણીના જીવન પર આધારિત "ગુરુ" ફિલ્મ પછી છે.......ક હવે આ ફિલ્મમાં અભિષેક તરફથી કંઈક વખાણવા લાયક અને યાદ રહી જાય એવો અભિનય જોવા મળ્યો. હરિયાણવી ભાષામાં ડાયલોગ માટે તેની મહેનત સફળ રહી છે. આ ફિલ્મ અભિષેકની ફિલ્મી કારકિર્દીના સંદર્ભે સેકન્ડ, થર્ડ કે ભગવાન જાણે કેટલામી, પણ ટૂંકમાં નવી આશાસ્પદ ઇનીંગ ગણી શકો. ના, ઐતિહાસિક કે સુપરડુપર હીટ ફિલ્મ નથી પણ અભિષેકે પ્રેક્ષકોને જરાય નિરાશ નથી કર્યાં આ વખતે.
ફિલ્મના પ્લસ પોઇંટસ્ તરીકે અભિષેકના અભિનય સિવાય બંને હીરોઇનો- યામી ગૌતમ અને નિમ્રત કૌરની પાત્રની માંગ મુજબનો અભિનય, સારું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને કોમેડી ગણી શકો. એક ગીત જરા સારું છે, પણ જરાક જ. બાકી ફિલ્મ પછી કોઈ ગીત યાદ રહેવાના નથી. વધુ એક તત્ત્વ છે બોનસમાં. એક ખાસ પાત્ર "ઘંટી". જે ભજવ્યું છે વામન કદના અરુણ કુશવાહાએ. જેના તમે યુ-ટ્યૂબની "છોટે મીયાં" ચેનલ પર ઘણાં વીડિયો જોયા હશે. બસ સાચું નામ ખબર નહીં હોય. જેટલા પણ ડાયલોગ એના ભાગે આવ્યા છે, બધામાં સરળતાથી હસાવી ગયો છે.
ફિલ્મમાં શિક્ષણના મહત્વનો એંગલ નાંખીને ફિલ્મ સામાજિક મુદ્દા પર બનેલી હોવાનું રજૂ તો કર્યું છે, પણ સારી વાત એ છે કે બિનકંટાળાજનક રીતે. જરાય તકલીફ ન થાય એ રીતે રમૂજી ઘટનાક્રમોમાં રાજકારણની ખટપટને શિક્ષણના મુદ્દા સાથે વણી લીધો છે. બસ, આ વણાટકામથી જે ભાત (પેટર્ન, યુ નો!) ઉપસી આવે છે - બસ, ઊસે પકડ લો. મતલબ, ફિલ્મની મજા એમાં જ છે. જે અનુભવશો.
અન્યથા ઘણી ભૂલો કે સ્ક્રિપ્ટમાં તર્ક અને સાતત્યનો અભાવ વગેરે વિચારવા જશો તો કંઈક ગુમાવશો. ખબર છે શું? - સહજ આનંદ. હા, માત્ર બે કલાકની ફિલ્મમાં જે સહજ મનોરંજન સારા અભિનય અને કોમેડીના સહારે મળે છે તે માણો અને અભિષેકના ગેટઅપ, હરિયાણવી ભાષા, બોડી લેન્ગેવજથી ખુશ થાઓ. ઓછું ભણેલા પણ સામાજિક અને રાજકીય તાણાંવાણાં ગૂંથવામાં અવ્વલ કોઠાસૂઝ ધરાવતા રાજકારણીના ગણતરના જે અમુક ચમકારા દર્શાવ્યા છે તે મજેદાર છે. તેનો આનંદ માણો.
એક સમયે અભિષેક પત્નીથી દૂર થઈને જેલની ખૂબસૂરત જેલર તરફ ઢળતો કે જેલર તેની તરફ ઢળતી જણાશે. પણ ના, આ લવસ્ટોરી નથી. કેમ? એ ફિલ્મમાં જોઈ લેજો.
ઘણાં સવાલો પણ થશે મનમાં. જેમ કે, મુખ્યમંત્રી આટલી સરળતાથી જેલમાં પહોંચી ગયા?, આઠમું પાસ છે છતાં અક્ષરજ્ઞાન જ નથી?, જામીન પર બહાર આવવામાં આટલો બધો સમય?, પત્નીના હાથમાં સત્તા આવતાં જ આટલો ઝડપી મૂડ ચેન્જ?, જેલરને બીજું કોઈ કામ જ નથી હોતું? એ સિવાયમાં ફિલ્મમાં ચૂંટણી નજીક આવવી, ચૂંટણી થવી, ચૂંટણીનું પરિણામ જાહેર થવું - આ બધું બુલેટ ટ્રેનની ઝડપે દર્શાવાયું છે. અભિષેકની પત્નીના રોલમાં નિમ્રત હસાવે તો છે પણ તેના પાત્ર સાથે સ્ક્રિપ્ટમાં ઘણી ઊણપો રહેલી છે. છતાં સાથેસાથે એવું પણ લાગશે કે હા, બે કલાકમાં ફિલ્મ સમેટી લેવી હોય તો ઘણું ટૂંકાવવું પડે કે એડીટ કરવું પડે. જોકે એ જ તો ડિરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને એડિટરની પરીક્ષા હોય છે. જેમાં ઓછાં માર્ક આપવા પડે એમ છે. છતાં મનોરંજક, કોમેડી, બિનકંટાળાજનક ફિલ્મ અને વિશેષ તો ભાર વિના શિક્ષણ જેવો સામાજિક મુદ્દો પરોવી લેવા બદલ વધુ માર્ક આપવા પડે એમ છે.
વધુ એક પ્લસ પોઇન્ટરૂપી અગત્યની વાત કહું! આ ફિલ્મ તમે સહપરિવાર જોઈ શકશો. દરેક ઉંમરનાને ગમશે. બાળકોને પણ હીરોની પરીક્ષાની તૈયારી કરતાં કોમેડી સીન ગમશે.
***