Jersey in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | જર્સી

Featured Books
Categories
Share

જર્સી

જર્સી

-રાકેશ ઠક્કર

શાહિદ કપૂરના અભિનયનો એ કમાલ જ કહેવાય કે થોડા દર્શકોએ રીમેક ફિલ્મ 'જર્સી' ને પસંદ જરૂર કરી છે. જેમણે આ નામની જ મૂળ તેલુગુ ફિલ્મ જોઇ છે એમના માટે એક દ્રશ્ય પણ નવું નથી. બોલિવૂડમાં ક્રિકેટ પરની ફિલ્મોને ખાસ સફળતા મળી રહી નથી તેનું તાજું ઉદાહરણ રણવીર સિંહની '૮૩' હતું. છતાં એમાંથી 'જર્સી' ના નિર્દેશક ગૌતમ તિન્નનૂરીએ બોધપાઠ લીધો નથી. જે ભૂલો '૮૩' માં થઇ હતી એને દોહરાવી છે. ક્રિકેટ કોમેન્ટ્રી અંગ્રેજીમાં રાખી છે અને ફિલ્મ વધુ પડતી લાંબી બનાવી છે. એટલું જ નહીં હિન્દી દર્શકોને ધ્યાનમાં લીધા વગર રીમેક બનાવી દીધી છે. શાહિદના સંવાદોમાં પંજાબીનો વધુ પડતો ઉપયોગ થયો છે.

શાહિદે 'જર્સી' માં પોતાની અભિનય ક્ષમતાનો પૂરો પરિચય આપ્યો છે. મૂળ તેલુગૂ ફિલ્મના અભિનેતા નાનીના અભિનયને ટક્કર આપે એવું કામ કરી દરેક દ્રશ્યને જીવંત બનાવ્યું છે. તે પોતાની ભૂમિકામાં સમાઇ ગયો છે. 'કબીર સિંહ' પછી શાહિદને કારણે 'જર્સી' જોવા દર્શકો ઉત્સુક હતા. એમને તેણે નિરાશ કર્યા નથી. શાહિદે પોતાના પુત્ર સામે, પત્ની સામે, કોચ સામે કે પછી મિત્રો સામે જે ઇમોશનલ દ્રશ્યો કર્યા છે એનો જવાબ નથી. રેલ્વે સ્ટેશન પર તે ચિલ્લાય છે એ દ્રશ્ય લાજવાબ છે. બધા જ સમીક્ષકોએ એક વાત સ્વીકારી છે કે શાહિદમાં જબરદસ્ત અભિનય પ્રતિભા છે. પણ રીમેકમાં કામ કરવાના ચક્કરમાં તેનું નામ ખરાબ થઇ રહ્યું છે. ઘણા દ્રશ્યોમાં તેની આંખો બોલતી લાગે છે. 'જર્સી' ને પારિવારિક ફિલ્મનો દરજ્જો આપી શકાય એમ છે.

ફિલ્મની વાર્તા અર્જુન(શાહિદ) નામના એક ક્રિકેટરની છે. તેની ક્રિકેટ ટીમમાં પસંદગી ન થતાં કારકિર્દી છોડી દે છે. તે સરકારી નોકરી કરીને પત્ની વિદ્યા (મૃણાલ) અને પુત્ર કિટ્ટુ (રોનિત) ની જવાબદારી સંભાળે છે. પણ તેના પર જૂઠો કેસ થતાં નોકરી ગુમાવે છે. ઘરની જવાબદારી પત્ની સંભાળે છે અને તેમના સંબંધ વચ્ચે અંતર આવે છે. તે પુત્રની નજરમાં સારા પિતા બનવાની કોશિષ કરે છે. જ્યારે પુત્ર જન્મદિવસ પર જર્સીની માંગ કરે છે ત્યારે મોટો વળાંક આવે છે. તે ફરી ક્રિકેટર બનવા જાય છે. તેનું ક્રિકેટર બનવાનું સપનું સાકાર થાય છે કે નહીં? અને પુત્રને જર્સી અપાવી શકે છે કે નહીં એ જાણવા ફિલ્મ જોવી પડશે. શાહિદે કહ્યું હતું કે ક્લાઇમેક્સ જાણ્યા પછી ફિલ્મ તરત જ સાઇન કરી હતી. ફિલ્મનું જમા પાસું શાહિદ અને ક્લાઇમેક્સ જ છે. એ સિવાય ઘણી બધી ખામીઓને કારણે દર્શકો ફિલ્મ જોવાનો ઉત્સાહ બતાવી શક્યા નથી. એમની પાસે દક્ષિણની હિન્દીમાં ડબ થયેલી બે ભવ્ય ફિલ્મોનો વિકલ્પ હાજર હતો ત્યારે દક્ષિણની કોપી-પેસ્ટ જેવી 'જર્સી' ની અવગણના કરે એ સ્વાભાવિક હતું. પહેલા ભાગમાં માત્ર એટલી જ વાત છે કે દીકરો જર્સી ઇચ્છે છે અને પિતા તેને ખરીદવા રૂ.૫૦૦ મેળવવા સંઘર્ષ કરે છે.

મૃણાલ ઠાકુરે અગાઉ નાની ભૂમિકાઓમાં સારું પ્રદર્શન કર્યા પછી તેને મહત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી રહી છે. મૃણાલે એક નોકરી કરતી પત્ની અને માની ભૂમિકાને જીવી બતાવી છે. ભલે શાહિદ સાથે તેની કેમેસ્ટ્રી એટલી જામતી નથી પણ વાર્તા પ્રમાણે તે પોતાને પાત્રમાં સાબિત કરે છે. મૃણાલે પોતાની ભૂમિકા પર ધ્યાન આપવા વર્ષમાં એક જ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો છે એની અસર અભિનયમાં દેખાય છે. મૃણાલ ઠાકુર શાહિદને થપ્પડ મારવાના દ્રશ્યમાં ખચકાતી હતી અને બરાબર કરી શકતી ન હતી. ત્યારે શાહિદે એને સલાહ આપી હતી કે તને જે વ્યક્તિ બિલકુલ ગમતી ના હોય એનો વિચાર કરીને થપ્પડ મારજે. એ પછી તે દ્રશ્યને સારી રીતે કરી શકી હતી. રોનિત કામરાએ પુત્રની ભૂમિકા એટલી સહજ રીતે ભજવી છે કે તે એનો પુત્ર જ લાગે છે. શાહિદના પિતા તરીકે પંકજ કપૂર ઓછા દ્રશ્યોમાં પણ છાપ છોડી જાય છે. તે થોડું હાસ્ય પૂરું પાડવાનું કામ પણ કરે છે. સિનેમેટોગ્રાફર અનિલ મહેતાએ ક્રિકેટના મેદાન પરના દ્રશ્યોને બહુ સરસ રીતે ફિલ્માવ્યા છે. ફિલ્મમાં સચેત-પરંપરાનું સંગીત ઠીક કહી શકાય એવું છે. 'ઓ મૈયા મૈનુ યાદ આવે' અને 'મેહરમ' ગીતો સારા બન્યા છે. જો કેટલીક ખામીઓને નિવારી હોત તો વધુ દર્શકોએ 'જર્સી' ને પસંદ કરી હોત. ફિલ્મની લંબાઇ પોણા ત્રણ કલાકમાંથી અડધો કલાક ઓછી કરવાથી વાર્તાને અસર થઇ ના હોત. કેમકે મૂળ ફિલ્મની લંબાઇ બે કલાક જ છે. એટલી ધીમી ગતિએ શરૂઆત થાય છે કે દર્શકોને કંટાળો આવવા લાગે છે. કેટલાક દ્રશ્યોને નાના કરવાની અથવા કાઢી નાખવાની જરૂર હતી. બીજા ભાગમાં ક્રિકેટના દ્રશ્યો વધુ પડતા છે. શાહિદ અને મૃણાલ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધની વાત વિશ્વસનીય લાગતી નથી. એક અભિપ્રાય એવો છે કે જે ફિલ્મ તેલુગુમાં ઉપલબ્ધ હતી એને નવેસરથી બનાવવાનું કોઇ ઔચિત્ય જ ન હતું. એમાં કંઇક તો ફેરફાર કરવો જોઇતો હતો. નિર્દેશકનો આશય માત્ર પૈસા કમાવાનો જ હતો એવું સાબિત થાય છે. ફિલ્મને એક રીમેક તરીકે નહીં પણ અલગ ફિલ્મ તરીકે જોવાથી જ આનંદ આવી શકે એમ છે. ફિલ્મને સ્પોર્ટસ ડ્રામા તરીકે જોવા જનારા નિરાશ થશે. કેમકે એમાં ઇમોશનલ ડ્રામા વધારે છે. માત્ર શાહિદ કપૂરના અભિનય માટે જ નહીં પારિવારિક મૂલ્યો માટે પણ એક વખત જોવા જેવી જરૂર છે.