અપેક્ષા: મને તો વિશ્વાસ છે પણ અક્ષત.. અક્ષત હવે બહારના લોકોની વાતો સાંભળી સાંભળીને નાસીપાસ થઈ ગયો છે. હું પણ શું કરું ?
ઈશાન: ઓકે, તો તું ચિંતા ન કરીશ હું અક્ષતને મળવા માટે તારા ઘરે આવીશ. બોલ હવે ખુશ માય ડિયર, હવે તો સ્માઈલ આપ...અને ઈશાને અપેક્ષાને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર જાણે ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યો....
બીજે દિવસે ઈશાન અક્ષતને મળવા માટે અક્ષતના ઘરે જાય છે અને અક્ષતને પોતાની વાત સમજાવતાં કહે છે કે, " અક્ષત, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે કદાચ તારાથી વધારે મને કોઈ નહીં ઓળખતું હોય તું મારી વર્તમાન પરિસ્થિતિ સમજી શકે છે. હું અપેક્ષાને મારી જાત કરતાં પણ વધારે ચાહું છું. હું તેની સાથે જ લગ્ન કરવાનો છું.....
અક્ષત થોડો ગુસ્સામાં જ હતો એટલે ઈશાનની વાતને વચમાં જ કાપતાં તે ગુસ્સામાં જરા મોટા અવાજે જ બોલ્યો કે, " તું અપેક્ષા સાથે જ મેરેજ કરવાનો છે તે વાત તો બરાબર છે પણ નમીતાને તે તારા ઘરમાં જ રાખી છે અને આખો દિવસ તું તેની જ સેવાચાકરીમાં રહે છે અપેક્ષાને બિલકુલ સમય જ નથી આપી શકતો અને નમીતાના તારા ઘરમાં આવ્યા પછી લોકો તારા અને નમીતા વિશે જાતજાતની વાતો કર્યા કરે છે. તેનું શું ? વળી જો આમ જ ચાલ્યા કરશે તો અપેક્ષાનું તારી સાથેનું ભવિષ્ય તો શૂન્ય જ ને ?
ઈશાન: પણ અક્ષત અત્યારની નમીતાની હાલત એટલી બધી ગંભીર છે કે, તેને મારી જરૂર છે. હું તેને એકલી છોડી શકું તેમ નથી મારા સિવાય તેનું આ દુનિયામાં કોઈ નથી. તે વાત તું જાણે છે. માનવતાને નાતે પણ મારે તેની મદદ તો કરવી જ રહી. હું મજબુર છું યાર, મને સમજવાની કોશિશ કર..
અક્ષત: પણ તું નમીતાને તે જ્યાં હોસ્પિટલમાં હતી ત્યાં જ રાખી શકે છે અથવા તો તેને કોઈ કેર ટેકરમાં મૂકી દે અથવા તેને તેના ઘરમાં કોઈ લેડી રાખીને તેની સાથે તેની રહેવાની કાયમી સગવડ કરી લે. આ રીતે ક્યાં સુધી ચાલશે ? આ રીતે તેને તારા ઘરમાં રાખવાથી તો તારી પણ ઈજ્જત જાય છે અને અમને પણ લોકો પૂછ્યા કરે છે કે શું કર્યું તમે અપેક્ષાનું ઈશાન સાથે નક્કી કર્યું હતું પછી તોડી કાઢ્યું. અમે કેટલાને જવાબ આપીએ અને શું જવાબ આપીએ ? કોઈપણ વસ્તુની કોઈ હદ હોય ઈશાન. તું અમારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કર અને તું અમારી જગ્યાએ હોય તો તું શું કરે ? એ જવાબ આપ મને ચલ...
ઈશાન: બિલકુલ ચૂપ થઈ ગયો... વાતાવરણમાં પણ થોડી ચૂપકીદી અને ગંભીરતા છવાઈ ગઈ....
અપેક્ષાના દિલનાં ધબકારા વધી ગયા. તેની દશા સૂડી વચ્ચે સોપારી જેવી હતી. અક્ષત અને ઈશાન બંને પોતપોતાની રીતે સાચા હતા તે બંનેમાંથી કોઈનો પક્ષ લઈ શકે તેમ નહોતી. આવો પણ દિવસ આવશે કે હાથમાં આયેલો કોળિયો છીનવાઈ જશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. ઈશ્વર પણ મારી કેવી આકરી પરીક્ષા લઈ રહ્યો છે તેમ તે વિચારી રહી હતી વળી બીજું તે તેમ પણ વિચારી રહી હતી કે, ઈશાનને હું ખૂબ ચાહું છું હું તેને છોડી શકું તેમ નથી કદાચ હું તેને છોડી દઈશ તો મારું પોતાનું અસ્તિત્વ ગુમાવી દઈશ પરંતુ ભૂતકાળમાં એક વખત પોતાનાથી ભૂલ થઈ ગઈ છે અને તેનું ખૂબ ખરાબ પરિણામ તે ભોગવી ચૂકી છે માટે હવે પોતાની જાતે પોતાનો ધાર્યો નિર્ણય તે લઈ શકે તેમ પણ નથી અને પોતાનો ભાઈ અક્ષત જે કરે છે તે તેના પોતાના ભલા માટે જ કરે છે પણ છતાં, ઈશાન માટેનો તેનો પ્રેમ... યે દિલ હૈ કી માનતા નહીં... અને તેણે એક ઉંડો નિ:સાસો નાંખ્યો એટલામાં અંદર પોતાના બેડરૂમમાં પોતાના નાના ટેણિયાને સુવડાવી રહેલી અર્ચના આ બધીજ વાતો સાંભળી રહી હતી તે અચાનક બહાર ડ્રોઈંગ રૂમમાં આવી અને અક્ષતને અટકાવતાં તે બોલી કે, "અક્ષુ, તું આ બધીજ વાતો કરે છે તે સાચી પણ આ બધી વાતો કરતાં પહેલાં એકવાર તું અપેક્ષાને તો પૂછ કે તે શું કરવા માંગે છે. સમાજની પરવા કરવાની રહેવા દે, સમાજ તો આમેય બોલશે અને આમેય બોલશે, બંને બાજુ બોલશે. આપણી વાત છે આપણે જે કરવું હોય તે કરવાનું, આપણને જે ગમે તે જ આપણે કરવાનું. કોઈ શું કહેશે તે વિચારે, બીજા કોઈને ગમે તે રીતે આપણે જીવન જીવવાનું. હું તેવા જીવનનો કોઈ મતલબ નથી સમજતી. અને પછી તે અપેક્ષાની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને અપેક્ષાને બિંદાસ પૂછવા લાગી કે, " બોલ માય ડિયર અપુ, તું શું કરવા માંગે છે ? ઈશાન સાથે...
અને અપેક્ષા અર્ચનાને ભેટી પડી અને છુટ્ટા મોંએ રડી પડી.
અર્ચનાએ અક્ષતની સામે જોયું અને બે મિનિટ તેને ચૂપ રહેવા ઈશારો કર્યો....
એક સ્ત્રીની વેદના એક સ્ત્રી કરતાં વધારે બીજું કોણ સમજી શકે ?
(ભાભી મળજો તો અર્ચના જેવી....)
અને બધાજ એકદમ ચૂપ થઈ ગયા... વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ... અર્ચના અપેક્ષાને સાંત્વના આપતી રહી અને પોતાની બોડી લેન્ગવેજથી એમ સમજાવતી રહી કે, તું લેશ માત્ર ફીકર ન કરીશ તને જે ગમશે તે જ થશે....
હવે આગળ શું થશે ? અપેક્ષા અને ઈશાનનું બ્રેકઅપ થઈ જશે કે નહીં થાય ? અક્ષત ઈશાનને સમજી શકશે ? ઈશાન નમીતાને હોસ્પિટલમાં પાછી મૂકી આવશે કે તેના ઘરે તેને રહેવા માટે મોકલી દેશે કે શું કરશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/4/22