Nehdo - 40 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 40

Featured Books
Categories
Share

નેહડો ( The heart of Gir ) - 40

આવી રીતે સારા મોળા સુખ દુઃખના દિવસો ગીરમાં પસાર થવા લાગ્યા. પાંચ છ ચોમાસા અનરાધાર વરસી ગયા. એટલા જ ઉનાળાએ તાપ વરસાવ્યો. ને એટલા ને એટલા શિયાળે શીળી ઠંડી આવીને ગઈ. હિરણ નદીના કાંઠા ઘણા આગળ સુધી ધોવાયા, ને કાંઠે ઉભેલા ઝાડવા તેમાં તણાયા. કેટલાય ઝાડ પર ઉધી(ઉધઈ) ચડી ગઈ. અને વર્ષોથી ઉભેલા થડિયાને પોલા કરી પોતાના રાફડામાં સમાવી લીધા. કૈંક સાવજો અને સિંહણો ઘરડા થઇ ગયા. ને કેટલાય ગઢપણને શરણે થઈ મૃત્યુને ભેટ્યાં.કોઈ કોઈ સાવજ શિકારીના કાળા હાથે હણાયા. કેટલાંય સાવજો પોતાનો વિસ્તાર સાચવી રાખવામાં ઝગડી મર્યા. તો કેટલાય પોતાનો વિસ્તાર છોડી બહાર નીકળી ગયા. નાના પાઠડા હતા તેના ગળે કેશવાળી પીળામાંથી કાળાશ પડતા રંગની થવા લાગી. ગીરના જંગલને ગજાવતો પાઠડાનો માવ...માવ.. અવાજ, હવે ગગન ગજાવતો હિ...આવ.. હિ...આવ.... ની ત્રાડમાં ફેરવાઈ ચૂક્યો હતો. કેટલાય પહુડા અને સાંભરનાં બચડાઓ હાવજના પેટના ખાડા પૂરવામાં કામ આવી ગયા હતા. તેનાથી બમણા નવા જન્મી ચૂક્યા હતા.જેની લિંડિયુંનાં ખાતરે ગીરનાં ઝાડવાંને ખાવાનું આપ્યું. કેટલાંય દિપડા મરણને શરણ થયાં તો કેટલાક આદમખોર થઈ પાંજરે પુરાયા. હિરણ નદીમાં વસવાટ કરતી મગરોનો વાન ઘેરો થયો અને તેના ડેબે ઊગેલાં ભાલાની સંખ્યામાં વધારો થઈ ગયો હતો. રોઝ તો રોજ રોજ વધે રાખતા. લુચ્ચા શિયાળવા તેની લુચ્ચાઈને લીધે મોટાભાગના હયાત જ હતાં.


લક્કડખોદે એની લોખંડી ચાંચ વડે ગીરના કેટલાય સુકાયેલા ઝાડવાઓ પોલા કરી નાખ્યા. કાકડાસારે તેની લાંબી ચાંચ અને તિણા નાદે હજારો વખત ગીરના જંગલને ગજવી મૂક્યું. મોરલાઓએ તેની ઢેલોને રીઝવવા પાંચ-છ વખત પીંછાનો ભાર ધારણ કરીને પાછા ખેરવી પણ નાખ્યા. દૂધરાજની લાંબી પૂંછડીયુઁ વિતેલા વર્ષોમાં કેટલી આવીને ગઈ. એક તો ગીધરાજ ઓછા હતા, ને હતા તેમાં પણ ઓછા થયા. બતકા, બગલાનો તો કોણ હિસાબ રાખે!પરંતુ તેની આબાદી ઘણી બધી વધતી ગઇ. ટીટોડીયુએ ઢોરા પર જે ઈંડા મેલ્યાં હતા તેમાંથી નીકળેલા બચ્ચાએ પણ કેટલીયે ટીટોડીઓ ગીરને આપી. ઘાસમાંથી તરણું તરણું ચીરીને માળો સીવતી સુગરીઓનું આટલા વર્ષોનું સિવેલું ભેગું કર્યું હોય તો ગીરના આખા જંગલ ફરતે વીંટળાય જાત. એક પગે ઊભેલો બગલો જો આટલો સમય રામ ભજ્યો હોત તો ખુદ ભગવાન એને તેડવા આવ્યા હોત. હજારો વિદેશી મહેમાન નવરંગા અને કુંજ વરસોવરસ આવ્યા અને તેના બચ્ચા ઊજેરી મોટા કરી પાછા તેના દેશમાં ઉડી ગયા. તેતર, ભટાવરા, ભોચકલા ભો ને ચણી ચણી પેદા થયા અને કેટલાય ચકરાબાજના કોળિયા પણ થઈ ગયા.


લીલુંને હરિયાળું ગીર પાંચ-છ વખત તેની લીલવણી ચુંદડી ઓઢી તૈયાર થઈ ગયું ને પાંચ છ વખત આ હરિયાળી ચુંદડી પીળા રંગે રંગાણી.કેસુડો પણ વર્ષો વર્ષ કોઈ સાધુ મહારાજની જેમ કેસરિયા રંગે રંગાણો અને સોહામણો થયો. સાગના ફાફડિયા પાંદડા દર ચોમાસે હાજરી પુરાવી ફરી પાછા ઉનાળે ખરી પડ્યા. આ ખરેલા પાંદડાએ કેટલીય વખત દબાતે પગલે આવતા સાવજોની છડી પોકારી તેને સતાં કરી કૈંક પહૂડાનાં જીવન બચાવી પોતાનું મોત સુધાર્યું. આ ખરેલાં પાંદડા છેવટે ભોમાં ભળી ખાતર થઈ ફરી ખાખરાની ડાળે કૂણી ટહર્યું રૂપે આવી પૂગ્યા. એ વખતે બાવળની નવી ફૂટેલી ડાળે કુણા કુણા કાંટા ફૂટી નીકળ્યા હતા એ આજે આટલા વર્ષોમાં જહતના ખીલા જેવા થઈ ગયા છે. જંગલના ચોપડે ચડેલા કેટલાય ઝાડવાઓ હજી પણ ગીરના જંગલમાં ગેરહાજર છે.જે લીલું લીલું કહવાળું ઘાસ ગાયુ, ભેહૂનાં આવને દૂધથી ફાટફાટા કરતું, તેની જગ્યા હવે કુવાડીયો (એવું બિન ઉપયોગી ઘાસ કે જેનો ગીરનાં જંગલમાં ખૂબ જ ફેલાવો થયો છે અને તેને માલઢોર કે જંગલી તૃણાહારી પ્રાણીઓ પણ ખાતા નથી.) લેવા લાગી ગયો છે. ગીરમાં કુવાડીયો કોણ લાવ્યું? એ કાયમ પ્રશ્ન જ રહ્યો છે.


છેલ્લા પાંચ વર્ષમાં આવેલા પરિવર્તનનો પવન ગીરમાં પણ લાગી ગયો છે. નેહડાનું હાડમારી અને ખૂબ મહેનત વાળુ જીવન હવે બધા માલધારીઓને પરવડતું નથી. વિકાસના આ પવનની પાંખે કેટલાય ટ્રક ભરીને ઉછાળા ગીરમાંથી ઉડી નીકળ્યા અને શહેરની વાટ પકડી લીધી છે. આવા સુના પડેલા નેહડાની દીવાલોમાં ઉધઈ લાગી ગઈ છે. નવા નવા કેટલાય રિસોર્ટ, ફાર્મહાઉસ અને હોટલુંના કોટા ગીરમાં ફૂટી નીકળ્યા છે. સાંજના જંગલમાંથી ચરીને આવતી ગાયો ભેસોની લાંબી લાઈનના પગ વાટે ઉડતી ગોધૂલીના ગોટા પણ નાના થઈ ગયા છે. જે માલઢોરની સંખ્યા ઘટી ગઈ હોવાની ચાડી ખાય છે. ગીર ફોરેસ્ટમાં છેલ્લા પાંચ-છ વર્ષમાં કેટલાય સાહેબો આવ્યા અને ગયા. વચ્ચે વચ્ચે નાના મોટા શિકારના સમાચારો પણ આવ્યા. સાહેબોના અનેક પ્રયત્નો છતાં શિકારી ટોળકીનું નેટવર્ક શોધવામાં નિષ્ફળ જ રહ્યાં. મોટા રોગચાળામાં અને પૂરમાં સાવજોની વધેલી સંખ્યાને થોડો ઓટ પણ આવ્યો.ગીરમાં કેટલાય નવા નવા સરકારી નિયમો પણ આવી ગયા.જેમાં ગીરનો માલધારી અટવાતો જાય છે. ગીરમાં દિવસ-રાત ફરતી પવન ચક્કીઓને પણ કાટ લાગવા લાગ્યો છે. તેના બેરિંગમાં ઘસારો લાગવાથી કિચૂડ કિચૂડ અવાજ પવનચક્કીની વધતી ઉંમરનો પુરાવો આપી રહ્યા છે. ધીમે ધીમે પવનચક્કીની જગ્યા સોલર પેનલથી ચાલતી ઇલેક્ટ્રિક મોટરો લઇ રહી છે.


હિરણીયા નેસમાં રહેતા રામુઆપા અને જીણીમાની ચામડીમાં વીતેલા પાંચ છ વર્ષોએ કડચલીનાં ધોરીયામાં વધારો કર્યો છે. ટટ્ટાર ચાલતા રામુઆપાને વિતેલા વર્ષોની થપાટે કમરેથી થોડા વાંકા વાળી દીધા છે.જ્યારે વીતેલા વર્ષો જીણીમાના ગોઠણે દુખાવો થઈ બેસી ગયા છે. પરંતુ મહેનતકશ માલધારી માવતરે હજી મહેનત મૂકી નથી. બંને આખો દાડો પોતાનાથી થતી મહેનત કર્યા કરે છે. અને વધેલા સમયમાં પ્રભુભજન કર્યા કરે છે.


ગેલાને રાજીની જુવાનીમાં વીતેલા પાંચ છ વર્ષોએ પીઢતા ભરી દીધી છે. તેના જીવનમાં કનાના સ્વરૂપે આવેલા સંતાનસુખે બંનેના શરીરમાં વધારે રુદન પૂર્યું છે. ગેલાની કાળી ચમકીલી મૂછમાં ક્યાંક સફેદ કોટા તો વાળમાં સફેદીના છાટણા છંટાઈ ગયા છે. રાજીની કોઈ કોઈ સફેદ લટો વિતેલા વર્ષોની ચાડી ખાઇ રહી છે. ગીરના જંગલની હવા ભેંસોનું મલાઈવાળું દૂધ અને કુદરતી ઠોકરો ખાઈ ખાઈને ગેલાનું શરીર વધારે ઘાટીલું થઈ નીખરી ઉઠ્યું છે. વીતેલા વર્ષોએ જેમાં ઝાઝો ફેરફાર નહોતો કર્યો તે જગ્યામાં ગોવાળિયા રોજ બપોરા કરવા બેસે તે વડલો,ભેંસો જ્યાં રાબડે પડે તેનાં કાંઠે ઊભેલા હરમા અને રાયણના ઝાડ નીચે કુદરતે આપેલાં બે મોટાં કાળમીંઢ પથ્થર અને આજુબાજુ પથરાયેલી ટેકરીઓ હજી તેના મૂળ આકાર ધારણ કરી બેઠા છે.


બપોરનો સમય છે કનો અને રાધી પાણીમાં પડેલી ભેંસોનું ધ્યાન રાખી રાયણના ઝાડનાં છાયદે પથ્થર પર બેઠા છે. છેલ્લા પાંચ-છ વર્ષોથી ગીરની શુદ્ધ હવા અને ભેંસોનું મલાઈવાળું દૂધ ખાઈને કનાના ગાલે ગોળાઈ પકડી લીધી છે.તેમાં તેનાં મોહાળનું હેત ભળ્યું.પાંચ ફૂટ આડેવાડે ઊંચાઈ પોગવા આવી ગઈ છે. કોણી સુધી પાતળાં હાથ, કોણીથી ખભા તરફ જતાં ગીરની કોઈ ટેકરી જેવાં દેખાય રહ્યાં છે.જેની ચાડી તેનાં શર્ટની ફીટોફીટ થતી બાહ ખાઈ રહી છે. ક્નાની પેટથી આગળ નીકળતી પહોળી છાતી કોઈ વીર પુરુષનાં જેવી શોભાયમાન થઈ રહી છે. તેના અવાજમાં મર્દાનગીની ઘેરાશ જામી રહી છે. તેનો ઘઉંવરણો વાન,વાંકડિયા વાળ અને ભાવવાહી આંખો તેના આકર્ષણમાં વધારો કરી રહ્યા છે. યુવાનીના ઉંબરે ઉભેલા કનાનાં મોઢે મૂછનો દોરો દેખાઈ ગયો છે. પહેલાની નાનકડી લાકડીની જગ્યા હવે કુંડલીવાળી મોટી ડાંગે લઈ લીધી છે. જેનાથી તે આત્મવિશ્વાસથી છલકાતો લાગી રહ્યો છે. કનાના વ્યક્તિત્વમાં ભણતર પણ નિખાર લાવી રહ્યું છે. માલધારીના પરંપરાગત પોશાક પહેરણ અને ચોરણાની જગ્યાએ કનો પેન્ટ શર્ટ પહેરતો થઈ ગયો છે. કનાની વાણીમાં તેના ભણતરનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. વિતેલા વર્ષોમાં કનો ક્યારેક જ પ્રસંગોપાત પોતાના વતન આજાવડ ગયો હતો. તેણે પણ પોતાના મામા-મામીને જ પોતાના માતા-પિતા માની લીધા છે. ધીમે ધીમે ગીર કનાની રગોમાં વહેવા લાગ્યું છે.


ક્રમશઃ...


(ગીર અને કના, રાધીની બાળ સહજ દોસ્તી, નેહડાનું જીવન આપણે ૩૮ હપ્તા સૂધી માણ્યું.આ હપ્તાથી કનો અને રાઘી મોટાં થઈ રહ્યાં છે. આ હપ્તામાં વીતેલાં છ વર્ષમાં મેં ગીરને પણ શબ્દો વડે ઉંમરમાં મોટું થઈ રહેલું બતાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા રાખું આપના વાચક મનમાં પણ આ ઈમેજ બનાવવામાં હું સફળ થયો હોઈશ. મારાં આ પ્રયત્નને સારા કે ન ગમેલા એવાં પણ wts up પ્રતિભાવથી મુલવશો તો મારી મહેનત સફળ થયેલી ગણીશ. આ વીતેલાં પાંચ છ વર્ષ પછી રાધી કેવી દેખાય છે.તે જાણવા વાંચતા રહો "નેહડો (The heart of Gir)"


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no. 9428810621