Vichar Beej -Winner of Raktbeej Competition in Gujarati Moral Stories by Dakshesh Inamdar books and stories PDF | વિચાર બીજ

Featured Books
  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

  • प्रेम और युद्ध - 3

    अध्याय 3: आर्या की यात्रा जारी हैआर्या की यात्रा जारी थी, और...

Categories
Share

વિચાર બીજ

દક્ષેશ ઇનામદાર

ગાંધીનગર... ગુજરાતનું પાટનગર એમાં આવેલી પ્રસિધ્ધ હોટલનાં બેન્કવેટહોલમાં દેવાંશની સફળતા અંગે પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં મલ્ટીનેશનલ પેસ્ટીસાઇડ કંપનીનાં હોદ્દેદારો અને એનાં સ્ટોકીસ્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ, સેલ્સ એક્ઝીક્યુટીવ, સેલ્સમેન અને ખાસ કંપનીનાં માર્કેટીંગ ડીરેક્ટ મી.ઓબેરોય હાજર હતાં. સમગ્ર ગુજરાતમાં એમની પ્રખ્યાત કિટનાશક પ્રોડક્ટનું સૌથી વધુ વેચાણ કરનાર દેવાંશને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપી બહુમાન કરવા સહુ હાજર હતાં. સમગ્ર પાર્ટીમાં દેવાંશને અભિનંદન આપવા સહુ આતુર હતાં. જોકે એમાં એનાં હરીફ પણ હાજર હતાં જે ચહેરાં પર ખુશીનું મહોરું પહેરેલાં હતાં અંદરને અંદર ઇર્ષા કરનારા પણ હતાં. મી.ઓબેરોયે દેવાંશને મંચ ઉપર બોલાવી એને શાબાશી આપતાં કહ્યું “દેવાંશ તારી મહેનત, લગન અને સફળતાથી કંપનીને ખૂબ ફાયદો થયો છે. તેં ગામે ગામ તાલુકા અને જિલ્લા લેવલે જે રીતે વેચાણ વ્યવસ્થા ગોઠવી દરેક ગામે સાંજની ખેડૂત સભાઓ યોજી કંપનીની પ્રોડક્ટને સમજાવી બધાને પ્રોડક્ટ ખરીદવા સંમત કર્યા, એ તારી મહેનત અને સફળતાનું મૂળ છે. હરીફ કંપનીઓની દવાઓ સામે આજે આપણી કંપનીની દવાઓનું વેચાણ શિખર પર લાવી દીધું છે.”

મી.ઓબેરોયે કહ્યું “આજે આ તારી સફળતાથી કંપની ખૂબ ખુશ છે અને અંગત રીતે મારાં તરફથી તને ખુબ ખૂબ અભિનંદન આપું છું” એમ કહીને દેવાંશને એવોર્ડ સુપ્રત કર્યો. આ પ્રસંગ અંગે ફોટો અને વિડિઓ રેકોર્ડિંગ થઈ રહ્યું હતું.

દેવાંશની ખુશીનો પાર નહોતો. એને આજે પોતાની મહેનત અને સફળતાનો પૂરો સંતોષ હતો જે એનાં ચહેરાં પર ઝળકતો હતો. એણે મી.ઓબેરોયનાં ચરણ સ્પર્શ કરી આભાર માન્યો અને કહ્યું “મારાં માટે તમે આદર્શ છો તમારી શીખ અને તાલિમે મને આજે આ એવોર્ડને યોગ્ય બનાવ્યો છે” એણે એની સફળતામાં મી. ઓબેરોયને સહભાગી બનાવી નમ્રતાનો પરીચય કરાવ્યો.

મી. ઓબેરોયે કહ્યું “દેવાંશ કંપનીનાં મેનેજીંગ ડીરેક્ટર તથા અમારી મેનેજીંગ કમીટીએ નક્કી કર્યું છે અને આજે હું એ કહેવા માટે આનંદ અનુભવું છું કે તને માર્કેટીંગ મેનેજર તરીકે બઢતી આપવાનું નક્કી કર્યું છે અને તારી મહેનત પુરુ વળતર આપવા આપણી અમેરીકન કમીટીનાં નિર્ણય પ્રમાણે તને પગાર પણ ડોલરમાં ચૂકવવામાં આવશે. જે અમેરીકાનાં પગારનાં ધારાધોરણ છે એ પ્રમાણે બીજા લાભ અને વેચાણ પર ખાસ કમીશન પણ આપવામાં આવશે. કંપની આ આપીને તારી મહેનત અને કાર્યકુશળતાની સાચી કદર કરી રહી છે. આજથી આખા રાજ્યનો સ્ટાફ અને સ્ટોકીસ્ટ- ડીસ્ટ્રીબ્યુટરર્સ તારી સૂચના પ્રમાણે કામ કરશે. આશા છે કે કંપનીનો આ નિર્ણય પર તને ખુશી થશે અને વધુને વધુ સફળતા તું પ્રાપ્ત કરીશ. અમેરીકન કાર્યાલય તરફથી તને ખૂબ ખૂબ અભિનંદન મળ્યાં છે.”

દેવાંશ ગદગદ થઇ ગયો એણે હાથ જોડીને મી.ઓબેરોયનો આભાર માન્યો અને કહ્યું “સર હું મારાંથી બનતી બધીજ મહેનત કરીશ અને હજી વધુ સફળતા મળે એવી નીતીઓ નક્કી કરીશ અને સમગ્ર સ્ટાફ અને વેચાણ વ્યવસ્થામાં રહેલાં સર્વનો સહકાર મેળવી આગળ કામ કરીશ.”

હોટલનો બેંકવેટ હોલ તાળીઓનાં ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. બધાં દેવાંશની સફળતાને વધાવી રહ્યાં. સામે બેઠેલી દેવાંશની પત્નિ દેવીકાની આંખો આનંદથી ભીંજાઇ ગઇ એ ઉભી થઇને તાળીઓથી દેવાંશની સફળતા વધાવી રહી હતી આજે જાણે સફળતાનો સૂરજ ઉઠ્યો હતો. દેવાંશની સતત ટુર અને રઝળપાટને કારણે એ એને સમય નહોતો આપી શકતો એની ફરિયાદ પણ આજે વિસરાઇ ગઇ હતી.

દેવાંશની નજર દેવીકા પર પડી અને દેવીકાની આંખમાં હર્ષાશ્રુ જોયાં બંન્નેની નજર એક થઇ… દેવીકાએ ફ્લાઇંગ કીસ કરી થંભ બતાવીને એની સફળતા પર ખુશી વ્યક્ત કરી.

મી. ઓબરોયે એમનાં અધિકારીને સૂચના આપી અને દેવાંશની સફળતા અંગે મંગાવેલી કેક લાવવા કહ્યું અને દેવાંશની પત્નિ દેવીકાને પણ મંચ પર બોલાવી. તાળીઓનાં ગડગડાટ વચ્ચે દેવાંશે સફળતાની કેક કાપી એની સાથે અનેક કોન્ફેટી ફોરી ઉઠી. દેવાંશની ખુશીનો પાર નહોતો. દેવાંશે કેક મી.ઓબેરોયને ખવરાવી. મી.ઓબેરોયે દેવાંશનાં મોઢાંમાં મૂકી કહ્યું “હજી એક સરપ્રાઇઝ બાકી છે.” દેવાંશ એમની સામે આનંદથી જોઇ રહ્યો. દેવીકાએ પણ કેક દેવાંશને અને દેવાંશે દેવીકાને ખવરાવી ખુશી વ્યક્ત કરી.

મી.ઓબેરોયે કહ્યું “આપણી કંપનીનાં ચેરમેન મી. જ્હોનનો દેવાંશ માટે સંદેશ છે જે હું વાંચી સંભળાવુ છું”. એમ કહી એમનાં મોબાઇલમાંથી મેસેજ વાંચ્યો.

Dear Devansh.

Common people always search for the easy. But genius turns the worst in to the best.

You are the actual gem of our enterprise, congratulations to you and your team.

ફરીથી તાળીઓથી બેંકવેટહોલ ગૂંજી ઉઠ્યો. મી.ઓબેરોયે કહ્યું. “અમારાં બધાં વતી દેવાંશ અને એની ટીમને ફરીથી અભિનંદન…” દેવાંશે આભાર માનીને કહ્યું “મારી સફળતા પાછળ મારી અને મારી ટીમની સંયુક્ત મહેનત છે. હું મારાં સર્વ સાથીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સંગઠીત થઇને સહકારથી આનાથી વધુ લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશું.”

મી. ઓબેરોયે બધાને કલેપ કરીને વધાવીને કહ્યું “બધાં સ્ટોકીસ્ટ અને ડીસ્ટ્રીબ્યુટર્સનો પણ કંપની ખૂબ આભાર માને છે અને અભિનંદન આપે છે. અને બધાનાં કમીશનમાં 5% નો વધારો કરે છે. અને બીજી ગ્રાહકોનાં હીતમાં પણ સ્કીમ ટૂંકમાં જાહેર કરશે. સાથે સાથે બીજી પ્રોડક્ટની રેન્જ પણ ટૂંક સમયમાં રજૂ કરશે.”

દેવાંશનું અભિવાદન કરવા બધાં સ્ટોકીસ્ટ, ડીસ્ટીબ્યુરો અને સેલ્સનાં સાથીદારો મંચ પર આવી ગયાં. દેવાંશ આજે સફળતા અને અભિનંદનથી અભિભૂત થઇ ગયો હતો.

ત્યારબાદ બધાને ડીનર માટે ઇન્વાઇટ કર્યા. કંપનીએ સુંદર આયોજન કરેલું. બધાં ડીનરનાં સ્વાદ સાથે દેવાંશની સફળતાની ચર્ચા કરી રહેલાં.

************

હોટલમાંથી બધાની વિદાય લઇને દેવાંશ અને દેવીકા પોતાની કારમાં બેસી ઘર તરફ પાછા વળી રહેલાં. દેવીકાએ કહ્યું “મારી તારાં માટેની બધી ફરિયાદો આજે સફળતામાં પરીવર્તીત થઇ ગઇ છે દેવાંશ તારી સફળતા જોઇને આજે મને તારાં માટેનું અભિમાન છે મારો ગુરુર બની ગયો છે તારી મહેનત આજે રંગ લાવી છે”. દેવાંશે કહ્યું “મારી મહેનત સાથે સાથે તારો સાથ એટલોજ અગત્યનો છે પણ આજે મને સાચેજ ખૂબ આનંદ થયો છે કે મહેનતે મને સાચો એવોર્ડ અને વળતર આપ્યું છે. લવ યુ દેવીકા.”

***********

સફળતા અને પ્રસિધ્ધિ મેળવ્યાં બાદ ઘણાં સમય પછી દેવાંશને જાણે ઉપલબ્ધીનો આનંદ હતો એણે દેવીકાને કીધું “દેવી ઘરે જતાં પહેલાં મહાદેવજીનાં મંદિર જઈએ. મહાદેવજીનાં આશીર્વાદ લઈએ. “ દેવીકાએ કહ્યું “દેવ આ ખૂબ સરસ વિચાર છે ભલે મોડું થયું છે પણ મંદિર જઈએ પછી ઘરે જઈશું.”

બન્ને સિદ્ધિ મંદિર પહોંચ્યા. ત્યાં કોઈ રાત્રી પૂજા ચાલી રહી હતી. દેવાંશે જોયું શાસ્ત્રી પુષ્કરનાથ પૂજા કરી રહયાં છે. દેવાંશ અને દેવીકાએ એમનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં.

પૂજા પુરી કરી શાસ્ત્રીજીએ દેવાંશને પ્રશ્ન કર્યો કે “આટલી રાત્રે દર્શને આવ્યો? જોકે ઈશ્વરનો દરબાર દિવસરાત ચાલુ હોય છે અને સદાય આશીર્વાદ મળે છે.”

દેવાંશ અને દેવીકાએ આજે મળેલ ઉપલબ્ધી એવોર્ડ મળ્યાંની વાત કરી અને મહાદેવનાં દર્શને આવી આશીર્વાદ લેવાં આવ્યાં છીએ. તમારાં પણ આશીર્વાદ આપો.

પુષ્કરનાથ થોડાં વિચારમાં પડી ગયાં એમણે હસતાં હસતાં કીધું “દેવાંશ મારા સદાય આશીર્વાદ છે. તું પહેલેથી મહેનતી અને મહત્વકાંક્ષી રહ્યો છું તું સફળતાનો હકદાર છે.

શાસ્ત્રીજી પુષ્કરનાથ ખૂબ જ્ઞાની અને ધર્મપરાયણ હતાં તેઓ સરકારી માહિતી વિભાગનાં વડા તરીકેથી થોડાં સમય પહેલાજ નિવૃત થયાં હતાં. એમણે દેવાંશની સામે જોઇને કહ્યું “દેવ તારાં વિશે મેં ઘણું સાંભળ્યું છે તને આજે પ્રમોશન અને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તારી કંપનીએ તારી મહેનતની કદર કરી છે એનાં માટે તને અભિનંદન અને આશીર્વાદ આપું છું”. દેવાંશે કહ્યું “શાસ્ત્રીજી આપનાં અને વડીલોનાં આશીર્વાદ છે.”

શાસ્ત્રીજીએ કહ્યું “દેવ તને એક વાત કહું કદાચ તને ખટકશે પણ મને લાગે છે એક વડીલ અને શુભેચ્છક તરીકે તને કહેવું જોઇએ. મેં માહિતીખાતામાં વર્ષો સેવા આપી છે અને પેસ્ટીસાઇડ કંપનીઓની પ્રોડક્ટની આડઅસરો અને એનાંથી જમીન અને ધાન તથા મનુષ્યને કેટલું નુકશાન થઇ રહ્યું છે ? પરદેશી અને સ્થાનિક ફોર્મ્યુલેશન કરતી કંપનીઓ જે રીતે બજારમાં ઝેરી દવાઓ મૂકી રહ્યાં છે એનાંથી ઇકોલોજી, વાતાવરણ અને માણસોને કેટલું નુક્સાન પહોંચે છે?. અનાજ, ફળફળાદી , શાકભાજી જે રોજેરોજ ઘરોમાં વપરાય છે જે દવાઓથી પકવેલી હોય છે જેનાથી આરોગ્યને ખૂબ નુકશાન પહોંચે છે. નફો કરનારી કંપનીઓ એનો કેટલો ખ્યાલ કરે છે ? વાતાવરણ અને ઇકોલોજીને નુકસાન ના પહોંચે એવી બનાવટો ના બનાવી શકે ? હમણાં થોડાં વર્ષ પહેલાં યુનીયન કાર્બાઇડ કંપનીનું મધ્યપ્રદેશનાં ભોપાલ ગેસ દુર્ઘટના ભૂલી ગયો ? એ ડીઝાસ્ટરનાં દ્રશ્યો હજી મારી આંખ સામે છે. દરેક કંપનીને ધંધો અને પ્રગતિ કરવાનો હક્ક અધિકાર છે એમાં ના નહીં પણ જીવન, આબોહવા તથા મનુષ્યોને થતાં નુકશાન માટે એ લોકો એટલાંજ જવાબદાર છે. જેનાં માટે જાગ્રૃતિ જરૂરી છે અને એનાં વિરૂધ્ધ ચળવળ કરવા માટે મેં વિચાર કર્યો છે અને હું એ અંગે કટીબધ્ધ છું.’

“દેવાંશ તારાં નામમાંજ બધો અર્થ છે દેવ-અંશ દેવનો અંશ એ દેવાંશ.. તારી સફળતા ખૂબ વધે અને એનાં સર્વશ્રેષ્ઠ શીખરે તું પહોચે એ મારી શુભકામનાં છે પણ આ ઝેરી દવાઓનું દૂષણ આપણી પૃથ્વીને, પંચતત્વને નુક્શાન પહોંચાડી રહ્યું છે. કંપનીઓ એમનાં નફા અંગે ગમે તે મોટી મોટી વાતો અને જાહેરાત કરે પણ માનવ અને ઇકોલોજીને થતાં નુકશાન અંગે એમનું અકળ મૌનજ છે. હું તારી કેરીયર ને નુકશાન થાય એવું નથી ઇચ્છતો પણ આનાં માટે તું એક જાગ્રૃત નાગરિક તરીકે શું કરી શકે એ શાંતિથી તટસ્થ રીતે વિચારજે એજ મારી આપેક્ષા છે. મારાં આશીર્વાદ છે.” એમ કહી શાસ્ત્રીજી મંદિરમાં ચાલ્યાં ગયાં અને દેવાંશ ઊંડા વિચારોમાં પડી ગયો.

*************

દેવાંશનાં મનમાં શાસ્ત્રીજીનાં શબ્દો જ ઘુમરાઈ રહયાં એની નીંદર ઉડી ગઈ હતી. એણે એજ રાત્રીએ એક નિર્ણય કર્યો. આજની રાત્રી નિર્ણાયક અને પરિવર્તનની રાત્રી હતી. એનાં મનમસ્તિકમાં વિચાર બીજ રોપાઈ ગયું હતું અને એનો અમલ કરવાનો નિર્ણય લીધો.

બીજા દિવસે સવારે જ દેવાંશે કંપનીમાં અઠવાડીયાની રજા મૂકી અને કંપનીના પ્રોડક્ટ એની એલ.ડી ફિફટી વેલ્યુ એનાંથી થતાં નુકશાન, જીવોનાં મરણ શારીરીક તક્લીફો ઇકોલોજીને થતું ભયંકર નુકશાન, ભોપાલ ગેસ દુર્ધટના વગેરેનો અભ્યાસ કર્યા ખૂબ મનન કર્યું એનો આત્મા એનેજ પ્રશ્ન કરવા લાગ્યો કે હું આવું ઝેર કેમ વેચું છું ? પણ એની પાસે કોઇ જવાબ નહોતો.

દેવાંશનો આત્મા સાચું સત્ય જાણીને ક્કળી ઉઠ્યો. એવું નહોતું કે એને પેસ્ટીસાઇડથી થતી આડઅસરો અને થતાં નુકશાનનું જ્ઞાન નહોતું પણ એ સજાગ નહોતો. શાસ્ત્રીજીએ એનાં મનમાં વિચારબીજ  રોપ્યું અને અને જાગ્રત થઇ ઉઠ્યો. એણે મનમાં નક્કી કર્યું કે હવેથી એ આ ઝેરને વેચવાનું કામ કદી નહીં કરે.

શાસ્ત્રીજીનાં વિચારબીજે એનાં મનમાં મનોમંથનનું તોફાન જગાવેલું. શાસ્ત્રીજીએ દેવાંશ નામનો અર્થ સમજાવ્યો એની પણ અસર થઈ. આખરે એણે આખરી નિર્ણય લઇ કંપનીમાં રાજીનામું મૂકી દીધું હતું.  બધાને એ અંગે આધાત અને આર્શ્ચય થયું. આટલી સફળતાની કદર અને ડોલરની કમાણીને એણે એક નિર્ણયથી ફગાવી દીધી.

દેવાંશનાં મનમાં નવા વિચાર બીજે સ્ફુરણ કરેલું એણે પર્યાવરણને ફાયદો થાય એવાં પગલાં લેવાં નિર્ણય કર્યો આધુનીક પણ કુદરતી ખેતી, વનસ્પતિમાંથીજ રોગપ્રતિકારક અને કીટનિવારણની ફોમ્યુલા શોધી નાંખી અને સમગ્ર રાજ્યમાં કુદરતી ખેતી, પાક સંરક્ષણ અને ખાતરોની શ્રેણી ઉભી કરી. ખતરનાક ઝેરી પેસ્ટીસાઇડ્સ દવાઓનો વિરોધ શરૂ કર્યો અને પોતાની સાથે જેટલાં લઇ શકાય એ બધાનો સહકાર મેળવી ઝેરી દવાઓ સામે એક આંદોલન ચલાવ્યું.

દેવાંશે સમગ્ર રાજ્યમાં એનાંજ સ્ટોકીસ્ટ-ડીસ્ટ્રીબ્યુટર અને ખેડૂતોને કુદરતી ખેતી અને કુદરતી પાક સંરક્ષણ પ્રયોગો અને દવાઓનાં નિદર્શન આપ્યાં ઝેરી દવાઓનાં મુકાબલે કેવું સરસ, નિયંત્રણ અને પાકમાં વધુ આવક થાય એનાં પરિણામ લાવી બતાવ્યાં. દેવાંશને આજે સંતોષ હતો કે કૃષિ સ્નાતક હોવા તરીકે આજે એની સાચી સફળતા પુરુવાર થઇ હતી અને ખેડૂતોને ઝેરી ખીણમાં ધકેલવામાંથી બચાવી ધરતીની સાચી સેવા કરી હતી. દેવાંશ અને દેવીકાએ સાથે મળી કુદરતી ખેતી કરવાનું શરૂ કર્યું.

થોડાં સમય પછી શાસ્ત્રીજીએ દેવાંશની મુલાકાત લઇને કહ્યું “દેવાંશ તું આજે સાચેજ દેવનો અંશ બની રહ્યો. તને મારાં નહીં પણ સમગ્ર કુદરત અને પંચતત્વનાં આશીર્વાદ છે.” દેવાંશનાં ચહેરાં પર સંતોષ અને સફળતાનું સાચું તેજ ઝળકી રહ્યું. એણે કહ્યું “શાસ્ત્રીજી એ રાત્રે તમે મારાં મનમાં એક વિચારબીજ રોપ્યું. એ સાચા વિચારબીજે મારાં વિચાર અને જીવન બદલી નાખ્યું. હું આપનો અને કુદરતનો ઋણી છું. “ શાસ્ત્રીજીનાં મુખ પર પણ આનંદનું તેજ છવાયું.

-: સમાપ્ત :-

દક્ષેશ ઇનામદાર