Maro Baap imaandar chhe in Gujarati Moral Stories by Rakesh Thakkar books and stories PDF | મારો બાપ ઇમાનદાર છે

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

મારો બાપ ઇમાનદાર છે

રાકેશ ઠક્કર

રાત પડી ચૂકી હતી. હજુ ચાર કલાક જેટલું ડ્રાઇવિંગ કરવાનું હતું. છેલ્લા બે દિવસથી અશોક ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે બે રાજ્યમાંથી ટ્રકને પસાર કરી હતી. તે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. દર મહિને આ રીતે સતત ત્રણ રાત ટ્રક ચલાવીને મીઠાની ગુણો ભરેલી ટ્રક શેઠના ગોડાઉન સુધી સહી સલામત પહોંચાડવામાં સફળ થતો હતો. તેને માત્ર રાત્રે જ ડ્રાઇવિંગ કરવાની સુચના અપાઇ હતી. અને રસ્તામાં આવતી દરેક ચેકપોસ્ટ પસાર કર્યા પછી એક મોબાઇલ નંબર પર એની જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. તે શેઠના આદેશનું અક્ષરશ: પાલન કરતો હતો. ઘણા મહિના પછી તેને ખબર પડી હતી કે તેની ટ્રકમાં મીઠાની પચાસ કિલોની પેક કરેલી કેટલીક ગુણીમાં વચ્ચોવચ ચરસનું માત્ર પચાસ ગ્રામનું પડિકું મૂકી દેવામાં આવતું હતું. ઊંચી કિંમતની ચરસની હેરાફેરીની ખબર પડ્યા પછી તેનું દિલ આ કામ કરતા ખચકાટ અનુભવતું હતું. ક્યારેક ચેકપોસ્ટ પર કે અન્ય જગ્યાએ ચેકિંગમાં પકડાઇ જવાનો એક ડર દિલમાં બેસી ગયો હતો. પરંતુ પૈસો એવી ચીજ હતી જે તેને આ કામ કરતાં રોકતી ન હતી. માંડ માંડ આ નોકરી મળી હતી. ઘરમાં એક જ પુત્ર હતો. તેને ભણાવી – ગણાવીને સાહેબ બનાવવાની તમન્ના હતી. આ કામ ખોટું હતું એટલે એ માટે કોઇ ડ્રાઇવરને મળતા પગારથી ચારગણા વધુ રૂપિયા તેના ખિસ્સામાં દર મહિને આવતા હતા. શેઠ એટલા ચાલાક હતા કે પોતે કોઇના સંપર્કમાં આવતા ન હતા. દર વખતે નવા નવા માણસોની સાથે તેણે કામને અંજામ આપવાનો રહેતો હતો.

આજે દર વખતની જેમ જ મીઠાની ગુણીઓ ખાલી કરવા જઇ રહ્યો હતો ત્યારે કંડકટર તરીકે આવેલો હીરો થાકથી બેચેન હતો. સામાન્ય રીતે જે પણ છોકરો કંડકટર તરીકે આવતો એ તેની સાથે વાતો કરીને સમય પસાર કરતો હતો. હીરો વાતો કરવાને બદલે ઝોકાં ખાતો હતો. એણે તો નામ માત્રનું જ ભોજન લીધું હતું. હીરાએ બરાબર દબાવીને ખાધું હોવાથી એને ઊંઘ આવી રહી હતી. એક-બે વખત એને ડાબા હાથથી હલબલાવીને જગાડ્યો હતો. વારંવાર તેને ઝોકાં ખાતો જોઇ અશોકને પણ ઊંઘ આવવા લાગી હતી. તેણે એક ધાબા પર ચા પીવા ટ્રકને રોકી દીધી. હીરાને એ ગમ્યું ન હતું. તેની ઊંઘ બગડી હતી. ચા પીને હીરાની ઊંઘ ઊડી જશે એવી અશોકની ગણતરી હતી.

મોડી રાત્રિએ ધાબા પર એક-બે ટ્રકના ડ્રાઇવરો તેની જેમ જ ચા પીવા આવ્યા હતા. એક ડ્રાઇવર સિગારેટ પીને મનને પ્રફુલ્લિત કરી રહ્યો હતો. તેણે પોતાના સાથીને કહ્યું:'યે શેઠ લોગ અપની નીંદ બીગાડતે હૈ. હમેં રાત કો કામ કરના પડતા હૈ તો ઐસા લગતા હૈ કી કોઇ ગલત કામ કર રહે હૈ. ક્યોંકિ રાત કો કાલા ધંધા જ્યાદા હોતા હૈ. દિન કે ઉજાલે મેં યે શેઠ લોગ ઉજલે કપડોં મેં શરીફ બન કે ઘૂમતે હૈ... હમેં તો અપના પેટ પાલને કે લિયે રાત કે અંધેરેમેં ડ્રાઇવિંગ કરના પડતા હૈ...'

અશોકને એ અજાણ્યા ડ્રાઇવરની વાત પોતાના દિલની હોય એમ લાગ્યું. તેને પોતાનો પરિવાર યાદ આવી ગયો. એમને ક્યાં ખબર છે કે એમના પેટ માટે તે રાતને માથે લઇને જે રૂપિયા મેળવે છે એ ખોટા કામના હોય છે. પોતે આ ખોટું કામ કરીને પાપ જ કરી રહ્યો છે. ખોટા કામનું પરિણામ હંમેશા ખરાબ જ આવતું હોય છે એમ પિતાજી કહેતા હતા. એમને પણ ક્યાં ખબર હતી કે ખોટા કામના વધારે દામ મળતા હોય છે. એ તો આખી જિંદગી એક પ્રામાણિક શિક્ષક તરીકે જીવી ગયા હતા. એમણે બાળકોને સારા સંસ્કાર અને ગુણ શીખવવામાં કોઇ કસર રાખી ન હતી. પોતે એવો જ હતો ને? પણ આ સમય માણસને જેવા રહેવું હોય એવા ક્યાં રહેવા દે છે? સંજોગો પણ ન કરવાનું કરાવે છે. પોતે સ્નાતક થયા પછી નોકરી માટે કેટલીય કંપનીઓમાં ધક્કા ખાધા. બધી જ જગ્યાએ મજૂર અને ડ્રાઇવરની વેકેન્સી વધારે રહેતી હતી. આખરે ભારે વાહનનું લાયસન્સ મેળવીને ટ્રક ડ્રાઇવરની નોકરી મેળવવાની નોબત આવી હતી. આ નોકરી પણ જેમતેમ મળી હતી. એનું સાચું કારણ ખોટું કામ હતું. પોતે પિતાના સંસ્કારને ભૂલીને કાળી રાતમાં કાળું કામ કરવા મજબૂર બન્યો હતો. પરિવાર માટે ડ્રાઇવર તરીકે એક ઇમાનદારીની નોકરી હતી. એ જ જાણતો હતો કે તે ડ્રાઇવર છે પણ રાત્રે ચોરી માટે ફરતા એક ચોર જેવો જ છે. તે મીઠાની ગુણીઓમાં ચરસની હેરાફેરીનું કામ કરે છે. ચોરીછૂપી ગુજરાતમાં ચરસ ઘૂસાડવાના નેટવર્કનું એક નાનું પ્યાદું છે. તેને એક ક્ષણ માટે પોતાની જિંદગી પર ધિક્કાર આવી ગયો. પછી આજે મળેલી રૂપિયાની થોકડીએ તેના બધા સારા વિચારોને ઉડાવી દીધા. આજની કાળી ડિબાંગ રાત એના દિલમાં અજવાળું કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવાના નિર્ધાર સાથે તેણે એ દીવામાં તેલ પૂરવાને બદલે એને બુઝાવીને આગળ વધવાનો નિર્ણય લઇ લીધો. તેણે નક્કી કર્યું કે પોતે અભાવોમાં જિંદગી ભલે પૂરી કરી દેશે પણ પુત્રને ખૂબ ભણાવશે. પોતે વધારે ભણ્યો હોત તો આવું કામ કરવાની જરૂર રહી ના હોત.

ચા પીધા પછી તેને તાજગીનો અનુભવ થયો હતો. કંડકટર હીરો હજુ એટલી તાજગી અનુભવતો ન હતો. તેને જાગતો રાખવા અશોકે ટ્રક ઉપાડતાં પહેલાં નાનકડા એલસીડી સ્ક્રીન પર ફિલ્મ મૂકી. ફિલ્મ 'દીવાર' ચાલુ થઇ અને હીરો જાણે રંગમાં આવીને બોલ્યો:'ભાઇ, આ તો અમિતાભની ફિલમ છે. મજા આવશે...'

અશોકને ખુશી થઇ કે હવે એ જાગશે અને પોતે ઝડપથી ટ્રક ચલાવીને નિશ્ચિંત રીતે સૂરજ ઊગે તે પહેલાં શેઠના ગોડાઉન પર પહોંચી જશે. અશોકે ગુજરાતની પહેલી અને એના રસ્તામાં આવતી છેલ્લી ચેકપોસ્ટ સરળતાથી પસાર કરી દીધી. શેઠના માણસને ફોન કરી દીધો એટલે તે હવે નિશ્ચિંત થઇ ગયો. ટ્રકમાં જાણીતી કંપનીના મીઠાની ગુણીમાં એવા જ સફેદ રંગનું ચરસનું અત્યંત પારદર્શક પ્લાસ્ટિકનું પડિકું હોય શકે એવી કોઇને કલ્પના આવતી ન હતી. તેને શેઠનો આ વિચાર ગજબનો લાગ્યો હતો. ખોટા કામ માટે ઘણા માણસનું મગજ વધારે ચાલવા લાગે છે. તે ડ્રાઇવિંગ કરવા સાથે ફિલ્મના દ્રશ્યો પર નજર નાખી લેતો હતો. પણ કાને બધું જ સાંભળતો હતો. ફિલ્મમાં અમિતાભ નાનો હોય છે ત્યારે એના હાથ પર 'મેરા બાપ ચોર હૈ' લખવામાં આવે છે એ દ્રશ્ય તેના દિલને હચમચાવી ગયું. તેને એમાં પોતાનો પુત્ર દેખાયો. એ પણ જાણે 'મેરા બાપ ચોર હૈ' જેવી ગુનાહિત લાગણી અનુભવી રહ્યો છે. અશોકને થયું કે એક દિવસ તો આ ગોરખધંધો પકડાવાનો જ છે. પોતે ગુનેગાર સાબિત થવાનો છે. પોતે જેલના સળિયા પાછળ ધકેલાશે ત્યારે લોકો એને ચોરના પુત્ર તરીકે જ ઓળખાવશે. આ વિચારે એના મનમાં ઘમ્મર વલોણું ચાલુ કરી દીધું હતું. હીરો મસ્તીથી ફિલ્મના સંવાદ અને ગાયનો પર તાળીઓ પાડીને આનંદ મેળવી રહ્યો હતો ત્યારે તેનું દિલ વલોવાઇ રહ્યું હતું. તેની નજર સામેના રસ્તા પર જ હતી. રાતના અંધારાને વીંધતી ટ્રક ધસમસતી મંઝિલ તરફ પહોંચી રહી હતી. ટ્રકના પ્રકાશનો શેરડો થોડા મીટર સુધી અજવાળું આપી રહ્યો હતો. પણ તેના દિલના અંધારામાં એક ઇમાનદારીનો શેરડો એને દૂરનું સારું ભવિષ્ય જોવા પ્રેરી રહ્યો હતો. તેનો રસ ફિલ્મમાંથી ઊઠી ગયો હતો. તેણે પોતાના ડ્રાઇવર તરીકેના જીવનનો ક્લાઇમેક્સ નક્કી કરી લીધો હતો.

અશોકના મનમાં જે નક્કી થયું એના ભાગરૂપે તેણે ગોડાઉન જતાં પહેલાં હીરાને વચ્ચે જ થોડા રૂપિયા આપીને રીક્ષામાં ઘરે જવા ઉતારી દીધો. અશોક થોડા ડર સાથે ટ્રકને ગોડાઉનને બદલે બીજી જગ્યાએ લઇ જવા વાળી રહ્યો હતો. રાત હજુ પૂરી થઇ ન હતી પણ તેના દિલમાં ઉગનારા સૂરજનું અજવાળું ફેલાઇ રહ્યું હતું. તેણે શહેરના પોલીસ મથકથી થોડે દૂર ટ્રક પાર્ક કરીને ફરીથી મનને તૈયાર કર્યું. તેણે ખરાબ પરિણામ આવવાનો ભય અનુભવ્યો પણ હવે પોતાના મનથી મક્કમ હતો. આટલા સમયમાં કોઇ દિવસ રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે આવો કોઇ વિચાર તેને આવ્યો ન હતો. આજે 'દીવાર' ફિલ્મના એક દ્રશ્યએ તેની જિંદગીને બદલવાનું શરૂ કરી દીધું હતું.

તે ઉત્સાહ અને વિશ્વાસ સાથે પોલીસ મથકમાં દાખલ થયો. તેણે ઇન્સ્પેકટર રબારીનું એક ઇમાનદાર અધિકારી તરીકે નામ સાંભળ્યું હતું. તેને ખબર હતી કે અત્યારે તે પોલીસ મથકમાં હાજર નહીં હોય પણ એ આવે ત્યાં સુધી રાહ જોશે. પોલીસ મથકમાં અંદર પ્રવેશવા જતો હતો ત્યારે હવાલદારે તેને કારણ પૂછ્યું. અશોકે ઇન્સ્પેકટર રબારીને મળવા આવ્યો હોવાનું કહ્યું ત્યારે એણે ફરી કારણ પૂછ્યું. અશોકે એમને જ મળીને કહેવાનો આગ્રહ રાખ્યો એટલે વાદવિવાદ થવા લાગ્યો. એમનો અવાજ સાંભળીને ઇન્સ્પેકટર રબારી બહાર દોડી આવ્યા અને અશોકને મળવા અંદર બોલાવ્યો. અશોકને થયું કે કુદરત તેની સાથે છે. ઇન્સ્પેકટર રબારીની રાત્રિ ફરજ જાણે એના માટે જ ગોઠવવામાં આવી હશે. અશોકે એમની પાસેથી પોતાની સુરક્ષાની ખાતરી મેળવીને મીઠાની આડમાં ચરસની થતી હેરાફેરીનો પર્દાફાશ કરી દીધો. ઇન્સ્પેકટર રબારીએ અશોકને મદદ કરવાની બધી જ ખાતરી આપી અને નિશ્ચિંત રહેવા જણાવ્યું. એમણે સામે ચાલીને ચરસની હેરાફેરીનું નેટવર્ક બતાવવા માટે અશોકનો આભાર માન્યો અને તેનું નામ ક્યાંય આવશે નહીં એવી ફરી ખાતરી આપી. તેમણે અશોકને ઇનામ અપાવશે એમ પણ કહ્યું. ઇન્સ્પેકટર રબારીએ કંઇક નક્કી કરીને એની સાથે બે પોલીસવાળાને સુરક્ષા માટે ઘરે મોકલ્યા. એ બંનેને બે દિવસ સુધી અશોકના ઘર બહાર સાદા ડ્રેસમાં રહેવાની સૂચના આપી હતી.

અશોક જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે સવાર પડી ગઇ હતી. તેને લાગ્યું કે આજે જીવનની આ નવી સવાર છે. અનેક કાળી રાતો પછી જ્યારે નવી સવાર આવે છે ત્યારે એનો અજીબ રોમાંચ હોય છે એ તેણે દિલમાં અનુભવ્યો. તેણે પત્નીને બધી વાત કરી દીધી. પત્નીએ રાજીપો વ્યક્ત કર્યો. અશોકને હવે ભવિષ્ય શું? એવો પ્રશ્ન થયો પણ એને કુદરત પર છોડીને સૂઇ ગયો.

બપોરે તેને પત્નીએ જગાડ્યો. ઇન્સ્પેકટર રબારી આવ્યા હતા. અશોકને નવાઇ લાગી. તે ઝટપટ ઊઠીને બહાર આવ્યો. ઇન્સ્પેકટર રબારીએ અંદર આવીને એના વખાણ કરીને કહ્યું:'અશોક, તારી ઇમાનદારીથી પોલીસ વિભાગ ખુશ થયો છે. અમે સૂરજના પહેલા કિરણ સાથે શહેરમાં દરોડા પાડીને ચરસનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. તને રોકડ ઇનામ તો મળશે પણ હું તને મારા માટે પોલીસ વિભાગમાં ખબરી તરીકે રોકવા માગું છું. અમને તારા જેવા માણસોની જરૂર છે. તને એક નાનો કોઇ ધંધો શરૂ કરાવી આપીશ. એ સાથે તારે ખબરી તરીકે કામ કરવાનું. તને એ માટે પોલીસ વિભાગ તરફથી દર મહિને ખાસ રકમ આપવામાં આવશે. તું આટલા સમયથી આ કામ કરતો હતો પણ એક રાતમાં તારામાં પરિવર્તન આવ્યું અને એક મોટું ષડયંત્ર અમે પકડી શક્યા છે...'

ઇન્સ્પેકટર રબારી બોલતા હતા ત્યારે અશોકનો પુત્ર એમને પોલીસ વેશમાં જોઇ જ રહ્યો હતો. ઇન્સ્પેકટર રબારીએ એને નજીક બોલાવીને પોતાના ખોળામાં બેસાડી કહ્યું:'બેટા, તારા પિતા બહુ ઇમાનદાર છે. તું પણ મોટો થઇને સારો અને ઇમાનદાર માણસ બનજે...'

ઇન્સ્પેકટર રબારીના શબ્દો સાંભળીને અશોકની છાતી એક પિતા તરીકે ગજગજ ફૂલી ગઇ. એની આંખમાંથી ખુશીના આંસુ ટપકવા લાગ્યા. તે મનોમન બોલ્યો:'મારો દીકરો હવે ગૌરવથી કોઇને પણ કહી શકશે કે મારો બાપ ઇમાનદાર છે.'

***