શું આપણે આટલાં વિશાળ બ્રહ્માંડમાં એકલાં જ છીએ?!
આ સવાલ ઘણાં વર્ષોથી આપણાં માટે એક રહસ્ય બની રહ્યો છે અને આ સવાલનો જવાબ આપણે હજું પણ શોધી શક્યા નથી!
એવી કેટલીય વ્યક્તિઓ સામે આવી છે જેઓએ "યુએફઓ" જોયું હોય અથવા કોઈ વ્યક્તિને એલિયન્સ ધ્વારા કિડનેપ કરી તેના ઉપર કોઈ પ્રયોગ કરવામાં આવ્યો હોય પરંતુ આ બધા જ દાવાઓ
વૈજ્ઞાનિકો અને સંશોધકો ધ્વારા ખારિજ કરવામાં આવ્યા છે!
આપણું બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષો પહેલાં બિગ બેંગ ધ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું અને ત્યારબાદ ગેલેક્સીસ, તારાઓ અને ગ્રહો બનવાની શરૂઆત થઈ. બિગ બેંગ બાદ ૨૦ કરોડ વર્ષો બાદ સૌપ્રથમ ગેલેક્સી અસ્તિત્વમાં આવી તેવું હાલમાં જ થયેલાં અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું! આ પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બિગ બેંગ બાદ ૧ અબજ વર્ષો બાદ સૌપ્રથમ ગેલેક્સી અસ્તિત્વમાં આવી હતી!
આપણી મિલ્કિ વે ગેલેક્સી બિગ બેંગ બાદ ૧ અબજ વર્ષો બાદ અસ્તિત્વમાં આવી હતી! આપણી મિલ્કિ વે ગેલેક્સીમાં ૨૦૦ થી ૪૦૦ અબજ તારાઓ છે! આ તારાઓની આસપાસ ૫૦૦ અબજ ગ્રહો છે હવે ૦.૧% ગ્રહો પણ જો હેબિટેબલ ઝોનમાં હોય તો ૫૦ કરોડ ગ્રહો ઉપર જીવન હોવાની સંભાવના છે!
(પિતૃ તારાથી કોઈ ગ્રહ એક ચોક્કસ ઓર્બિટમાં હોય જેનું વાતાવરણ વધુ ગરમ પણ ન હોય અને વધુ ઠંડુ પણ ન હોય અને તેની સપાટી ઉપર પાણી હોય અને જ્યાં જીવન અસ્તિત્વમાં આવી શકે તેને હેબિટેબલ ઝોન કહે છે. )
આપણું સૌરમંળડ બિગ બેંગ બાદ ૪.૫ અબજ વર્ષો બાદ અસ્તિત્વમાં આવ્યું! અને માનવો આ પૃથ્વી ઉપર માત્ર ૨ લાખ વર્ષો પહેલાં જ અસ્તિત્વમાં આવ્યા!
હવે આ ૪.૫ અબજ વર્ષો અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં આપણી મિલ્કિ વે ગેલેક્સી અને અન્ય ગેલેક્સીસમાં કેટલીય એડવાન્સ એલિયન સંસ્કૃતિઓ અસ્તિત્વમાં આવી હશે અને નાશ પણ પામી હશે! તેથી એવું કહી શકાય કે આપણા સંપર્કમાં હજું સુધી કોઈ પણ એડવાન્સ એલિયન સંસ્કૃતિ આવી નથી! જો કોઈ એલિયન સંસ્કૃતિ હશે તો તેઓ આપણાથી ઘણા દૂર હશે અને તેઓ આપણાંથી એડવાન્સ તો હશે પરંતુ એટલા પણ એડવાન્સ નહીં હોય કે તે ટ્રાવેલ કરી આપણાં સુધી પહોંચી શકે! હવે અન્ય કોઈ ગ્રહ ઉપર આપણે જેવી એલિયન્સની કલ્પના કરીએ છીએ તેવા જ જીવો હોય એવું ન પણ બને તે ગ્રહ ઉપર સૂક્ષ્મ જીવો પણ હોઈ શકે છે જેને પણ એલિયન્સ ગણવામાં આવે છે!
આપણે કોઈ એડવાન્સ એલિયન સંસ્કૃતિઓને જોઈ શક્યા નથી પરંતુ તે સંસ્કૃતિઓ કેવી હોઈ શકે છે તેને આપણે કાર્દાશેવ સ્કેલ ધ્વારા જાણી શકીએ છીએ!
કાર્દાશેવ સ્કેલ, જે નિકોલાઈ કાર્દાશેવ નામના રશિયન એસ્ટ્રોફિઝિસિસ્ટે ૧૯૬૪માં આપી. આ એક કાલ્પનિક સ્કેલ છે. જે બ્રહ્માંડમાં આવેલ વિવિધ સંસ્કૃતિઓને તેઓ ઉપયોગ કરવા માટે સક્ષમ હોય એટલી ઊર્જાના આધારે તેના ટેકનોલોજીકલ વિકાસને માપવાની પધ્ધતિ છે! આ સ્કેલમાં ત્રણ પ્રકારની સંસ્કૃતિઓને દર્શાવવામાં આવી હતી!
ત્યારબાદ કેટલાક ફિઝિસિસ્ટ અને ફ્યુચરિસ્ટ ધ્વારા ત્યારબાદની સંસ્કૃતિઓ કેવી હોઈ શકે છે તેના ઉપરથી આ સ્કેલને આગળ વધારવામાં આવી અને કુલ સાત પ્રકારની સંસ્કૃતિઓને તેમાં દર્શાવવામાં આવી.
પ્રકાર - ૧
આ પ્રકારમાં આવતી સંસ્કૃતિ જેને ગ્રહોની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્કૃતિ પોતાના ગ્રહ ઉપર દરેક કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી ઊર્જા ઉત્પન્ન કરી શકે છે અને તે ઊર્જાને સ્ટોર કરી શકે છે! આ પ્રકારની સંસ્કૃતિ કુદરતી આફતો જેવી કે સુનામી, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કન્ટ્રોલ કરી શકે છે!
પ્રકાર - ૨
આ પ્રકારમાં આવતી સંસ્કૃતિ જેને તારાઓની સંસ્કૃતિ કહેવામાં આવે છે. તે તેના ગ્રહના પિતૃ તારાની કુલ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે.
ફ્રિમેન ડાયસન નામના એસ્ટ્રોફિઝિસિસ્ટે ડાયસન સ્ફિયરનો કોન્સેપ્ટ આપ્યો હતો જે તારાની આસપાસ બનાવવામાં આવતું એક વિશાળ સ્ટ્રક્ચર છે જેના ધ્વારા કોઈ પણ તારાની ઊર્જાને સ્ટોર કરી ઉપયોગ કરી શકાય છે!
હવે આ સંસ્કૃતિ ડાયસન સ્ફિયર ધ્વારા તેમના પિતૃ તારાની ઊર્જા પોતાના ગ્રહ ઉપર સ્ટોર કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે!
( મારવેલ ફ્રેન્ચાઇઝીની બ્લોકબસ્ટર ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનીટી વોરમાં થોર હેમરને ફરીથી બનાવવા માટે એક ન્યુટ્રોન તારાની ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ન્યુટ્રોન તારાની આસપાસ એક સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું હતું જેને ડાયસન સ્ફિયર કહે છે!)
આ પ્રકારની સંસ્કૃતિ પોતાના સૌરમંળડના કોઈ પણ ગ્રહને રહેવા લાયક(Habitable) બનાવી શકે છે. આ પ્રકારની સંસ્કૃતિ સમાન બનવા માટે માનવ સભ્યતાને ૧૦૦૦ જેટલા વર્ષો લાગી શકે છે.
પ્રકાર - ૩
આ પ્રકારમાં આવતી સંસ્કૃતિ જેને આકાશગંગાની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્કૃતિ ટેકનોલોજીમાં એટલી આગળ હોય છે કે તે આખી ગેલેક્સીમાં રહેલા તારાઓ, બ્લેક હોલ્સ જેવી દરેક વસ્તુઓમાંથી ઊર્જા મેળવી શકે છે અને આ ઊર્જાનો ઉપયોગ કરી શકે છે! આ પ્રકારની સંસ્કૃતિ સ્પીડ ઓફ લાઈટ અથવા તો તેનાથી પણ વધુ ઝડપથી પ્રવાસ કરી શકવાની ક્ષમતા ધરાવે છે! આ પ્રકારની સંસ્કૃતિ માટે ગેલેક્સીસ જાણે એક પ્લેગ્રાઉન્ડ સમાન છે!
આ પ્રકારની સંસ્કૃતિ જો હશે તો આપણે તેમની ગેલેક્સીને જોઈ નહી શકીએ કારણ કે તે તેમની ગેલેક્સીમાંથી પ્રકાશને બહાર નહી નીકળવા દે તે દરેક તારાની ઉર્જાનો ઉપયોગ કરી ચૂક્યા હશે!
આ પ્રકારની સંસ્કૃતિ સમાન બનવા માટે માનવ સંસ્કૃતિને લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા વર્ષો લાગી શકે છે!
"ધ ગ્રેટ વોઈડ" જે ગેલેક્સીસનો એક મોટો સમૂહ છે જેમાં ૨૦૦૦ ગેલેક્સીસ આવેલી હોવાનું અનુમાન છે પરંતુ ત્યાં ૬૦ જ ગેલેક્સીસસ જોવા મળી છે!
તો સવાલ એ છે કે બીજી ગેલેક્સીસ કયાં છે?
શું એવું બની શકે કે ત્યાં ગેલેકટીક સંસ્કૃતિ ડેવલોપ થઈ રહી હોય?
હાલ તો કંઈ પણ કહેવું મુશ્કેલ છે!
પ્રકાર - ૪
આ પ્રકારની સંસ્કૃતિને સાર્વત્રિક સંસ્કૃતિ કહેવામાં આવે છે! આ પ્રકારની સંસ્કૃતિ ત્રીજા પ્રકારની સંસ્કૃતિ કરતાં એડવાન્સ છે!
તેઓ આખા બ્રહ્માંડમાં પ્રવાસ કરી શકે છે. તેઓ બ્રહ્માંડમાં રહેલી દરેક ગેલેક્સીસમાંથી ઊર્જા મેળવી શકે છે. અને તેનો ઉપયોગ કરી શકે છે!
તેઓ ગ્રહો તથા તારાઓનો નાશ પણ કરી શકે છે! તેઓ અમરત્વ પ્રાપ્ત કરી શકે છે!
પ્રકાર - ૫
આ પ્રકારની સંસ્કૃતિને મલ્ટિવર્સ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે! આ પ્રકારની સંસ્કૃતિ અન્ય બ્રહ્માંડમાં એટલે કે સમાંતર બ્રહ્માંડમાં જવા માટે સક્ષમ હોય છે! તે અન્ય બ્રહ્માંડ માંથી પણ ઊર્જા મેળવી શકે છે! તે ચોથા પ્રકારની સંસ્કૃતિ કરતાં પણ એડવાન્સ છે!
ઉપરની ચારેય સંસ્કૃતિ માંથી આ એક જ એવી સંસ્કૃતિ છે જે અન્ય બ્રહ્માંડમાં જઈ શકે છે અને ત્યાંથી પણ ઊર્જા મેળવી શકે છે!
પ્રકાર - ૬
આ પ્રકારની સંસ્કૃતિ સમય અને બ્રહ્માંડની બહાર અસ્તિત્વ ધરાવે છે! તે સમય અને બ્રહ્માંડ ઉપર કન્ટ્રોલ કરી શકે છે. તેઓ નવા બ્રહ્માંડ અને મલ્ટિવર્સ બનાવવા માટે પણ સક્ષમ હોય છે. તેઓ આ બ્રહ્માંડનો નાશ કરવા માટે પણ સક્ષમ હોય છે! તેઓ દરેક પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરી શકે છે!
પ્રકાર - ૭
આ પ્રકારની સંસ્કૃતિ બ્રહ્માંડ, મલ્ટીવર્સ, પરિમાણો, વિરોધાભાસો દરેકથી ઉપર છે! તે દરેક સંસ્કૃતિઓ કરતાં એડવાન્સ અને શક્તિશાળી છે! આ પ્રકારની સંસ્કૃતિ બ્રહ્માંડ, મલ્ટીવર્સ, પરિમાણો દરેક વસ્તુઓનો નાશ કરી શકે છે અને તેને બનાવી પણ શકે છે!
કાર્દાશેવ સ્કેલમાં આપણે(માનવ સંસ્કૃતિ) અત્યારે ૦.૭૨ પર છીએ! એટલે કે આપણી સંસ્કૃતિનો પ્રકાર ૦ અને ૧ની વચ્ચે છે! જો આપણે સર્વાઈવ કરી શકીએ તો આવનાર ૧૦૦ થી ૨૦૦ વર્ષોમાં આપણે પ્રથમ પ્રકારની સંસ્કૃતિ સમાન બનવા માટે સક્ષમ હોઈશું!
આપણે ક્યારેય આ સંસ્કૃતિઓ સમાન નહીં બની શકીએ એવું પણ નથી આપણે ક્યારેકને ક્યારેક તો આ સંસ્કૃતિઓ સમાન બની શકીશું!