ચનો ડાકુ
બહુ સમય પહેલાની વાત છે . વીરદળ નામનું એક ગામ હતું . જાણે સ્વયં લક્ષ્મી-નારાયણ બંન્નેના આશિષ પામેલું હોય એવું સુખ-સમૃદ્ધિથી છલકાતું ગામ . ગામની સીમ પાસે મમતાથી ભરેલી મા જેવી એક પવિત્ર નદી વહે . એ પવિત્ર નદી કિનારે એક સંતશ્રીનો આશ્રમ . સંતશ્રી ભગવાનની ભક્તિ-પુજા કરે સવાર સાંજ ગ્રામજનો તેમની પાસે આવે સારી સારી વાતો સાંભળે આમ આશ્રમ ખૂબ સારી રીતે ચાલતો હતો .
એમાં એક વાર ઉનાળાના ભળભળતા તાપમાં એક વટેમાર્ગુ આશ્રમમાં આવ્યો પણ કળયુગની કાળાશ ધારણ કરી હોય એવા એના વાળ અને ઘેઘૂર દાઢી . ક્રોધને પોતાનો શણગાર સમજતી હોય એવી લાલઘૂમ આંખો . શરીરમાં કેટલી જગ્યાએ તલવાર ,ભાલા કે બીજા હથિયારોના હસ્તાક્ષર હશે એ તો ગણી ન શકાય અને સમય સંજોગો સાથે લડી લડીને ખડતલ થઈ ગયેલું શરીર . આશ્રમમાં એનાથી તદ્દન વિરુદ્ધ શાંત , સ્થિર , સૌમ્ય સંતશ્રી બેઠા હતા . આવેલા વટેમાર્ગુએ પાણી માંગ્યું . સંતશ્રીએ માટલી તરફ ઈશારો કર્યો . એ માણસે પાણી પી અને નિ:સાસો નાખ્યો કે કેવી કાળઝાળ ગરમી છે પાણી પીધાનો સંતોષ નથી થતો . સંતશ્રીએ ધીમેકથી કહ્યું હજું એક ઘુટડો પી જો..પેલા માણસે વધુ એક ઘુટડો પાણી પીધું પણ આશ્ચર્યમયી રીતે એણે અલૌકિક સંતોષ થ્યો . એણે જાણ્યું કે આ કોઈ સામાન્ય સંત નથી કોઈ સીદ્ધ સંત છે .
એ માણસ પાણી પીધા પછી સંતશ્રીને પ્રણામ કરી અને જવા લાગ્યો . સંતશ્રીએ કહ્યુ થોડી વાર બેશ , કંઈક વાત કર . ક્યાંથી આવ્યો છે ? કોણ છે ? ક્યાં જાય છે ? થોડી વાત મારી સાંભળ . પેલા માણસે થોડા કડક અવાજમાં કહ્યું "તમે કોઈ સીદ્ધ સંત લાગો છો પણ મહાત્મા સાંભળી લો મારે તમારી જ્ઞાનની વાતો કે ઉપદેશ સાથે કશું લેવાદેવા નથી" સંતશ્રીએ કહ્યું તો "તારુ નામ કહે . કંઈક માનવધર્મ વીશે સાંભળી જા" હવે પેલો માણસ વધુ ક્રોધે ભરાયો અને બોલ્યો " નામ શું પડ્યું હશે એ તો ખબર નહીં . લોકો ચનો કહે છે . હું તો ડાકુ છું , મારે કોઈ ધર્મ સાથે કશો નિસબત નથી , લોકોને લુંટી લઉં છું , કોઈ પણ પશુ-પક્ષીનો શિકાર કરી લઉં છું , મેં કેટલા લોકોને માર્યા છે એ પણ મને યાદ નથી . સંતશ્રીએ કહ્યું " તો આ આશ્રમ માંથી તને જે ઠીક લાગે એ લુંટી લે" ચનાએ કહ્યું "જો મહાત્મા તમે જે પાણી પાયું એનાથી મારી હોજરી ઠરી છે , હું તમને હેરાન કરવા નથી માંગતો . મને વધુ ના છંછેડો" સંતશ્રી એ કહ્યું "એમ તારી હોજરી ઠરી? તો બદલામાં શું આપીશ?" ચનાએ કહ્યું " અત્યારે મારી પાસે આપવા માટે કશું નથી" સંતશ્રીએ શાંતિથી કહ્યું "બસ ખાલી મારી એક વાત માન" ચનો બરાડ્યો "મહાત્મા તમે મને મારા આ કુકર્મો બંધ કરવાનું કહેશો , પણ મારાથી એ નહીં થાય" સંતશ્રીએ કહ્યું "ના હું તને તારા કર્મો બંધ કરવા નથી કેતો , બસ તું જ્યારે કોઈનું કંઈ ખરાબ કરે , કોઈ પશુ-પક્ષીને મારે ત્યારે તારે મનમાં એટલું બોલવું કે ભગવાન આ વ્યક્તિનું આના બાલબચ્ચાનુ ભલુ કરજો , કે આ પશુને આ પક્ષીને હવે પછી આવુ દુઃખ દરદ ન મળે એવી કૃપા કરજો" ચનાએ કીધું "ભલે..આટલું બોલી દઈશ"
થોડા દિવસ વીતી ગયા . અચાનક એક બપોરે ચનો રડતો રડતો આશ્રમે આવ્યો . આજે પહેલી વાર એની આંખમાં પશ્ચાતાપ હતો . એ સંતશ્રીના પગે માથું મુકી ધ્રુસકે ધ્રુસકે રડતો હતો . સંતશ્રીએ એવી જ સૌમ્યતાથી પુછ્યું જેવી પેલા દિવસે દેખાડી હતી "શું થયું બેટા ચના..?" ચનો રડતા રડતા બોલ્યો "બાપુ તમને તો બધી ખબર છે... તમારાથી કંઈ અજાણ હોઈજ ન શકે . હવે જ્યારે હું કોઈને લુંટુ છું કે કોઈ પ્રાણીનો શીકાર કરુ છું અને ભગવાન પાસે એનું ભલું કરવાની પ્રાર્થના કરું છું ત્યારે મને એના બાલબચ્ચા દેખાય છે , એ પ્રાણીનું દુઃખ અનુભવાય છે હવે મને સામાના દુખનો વિચાર આવે છે હું કોઈને દુખ નથી દઈ શકતો કોઈ પ્રાણીને મારી નથી શકતો એટલું જ નહીં મેં પહેલા જે જે પાપો કર્યા છે એ મને ઉંઘવા નથી દેતા . હું પશ્ચાતાપની આગ સહન નથી કરી શકતો " સંતશ્રી બોલ્યા "બેટા ચના...એ આગને બળવા દે , એ આગ તારા પાપોને બાળી નાંખશે , સામા સાથે વર્તન કરતાં પહેલાં એના દુખનો વિચાર આવવો એજ માનવધર્મ છે , હું તને તે દિવસે સાંભળવાનુ કહેતો હતો ને" ચનો સંતશ્રીના ચરણોમાં સમર્પિત થઈ ગયો . બાકીનું આખું જીવન એણે કરેલા પાપોના પશ્ચાતાપ અને સેવામાં કાઢી નાંખ્યું આમ એક સંતશ્રીના વચનબળે એનું આખું જીવન બદલી નાંખ્યું......