આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૮
શિનામિએ બીજું ઠેકાણું શોધવાની વાત કર્યા પછી દિયાન વિચારમાં પડી ગયો હતો. શિનામિ સાથે તે જન્મોજનમનો સંબંધ નિભાવવા તૈયાર થઇ ગયો હતો એ તેની મજબૂરી હતી કે કર્તવ્ય હતું એ વિશે વધારે ચોક્કસ ન હતો. પણ પ્રેતાત્માના એક ડરને કારણે અત્યારે તો એ શિનામિની કોઇ વાતને ઉથાપિ શકે એમ ન હતો. એ કહે એ કરવામાં જ તેની ભલાઇ હતી.
'દિયાન, શું વિચારવા લાગ્યો? તને એમ લાગે છે કે હું તને અમારી જેમ જંગલમાં કે માનવરહિત કોઇ જગ્યાએ લઇ જઇશ અને ત્યાં તારે પણ ભૂતની જેમ રહેવું પડશે?' શિનામિ એને ઢંઢોળતા બોલી.
'હં...ના-ના, બીજી જગ્યા વિશે હું કોઇ કલ્પના કરી શકું એમ નથી. આપણે સાથે રહેવાનું છે. તું કહેશે ત્યાં હું રહેવા તૈયાર છું. હું કોઇપણ સ્થિતિમાં તારો સાથ છોડવાનો નથી.' દિયાન સ્વસ્થ થતાં બોલ્યો.
'તને ક્યાં રહેવું વધારે ગમશે?' શિનામિ એને વિકલ્પ પૂછવા લાગી.
'તને જે જગ્યા અનુકૂળ હોય ત્યાં હું રહેવા માગું છું...' દિયાન એની તરફ પ્રેમભરી નજર નાખતા બોલ્યો.
'દિયાન, મને તારી આ વાત જ બહુ ગમે છે. તેં હેવાલીને પણ સાચો પ્રેમ કર્યો હતો અને મને પણ એવો જ શુધ્ધ સોના જેવો પ્રેમ કરી રહ્યો છે. તું મારા પ્રેમ બંધનમાં બંધાઇ ગયો છે. જ્યાં હું ત્યાં તું. એટલું ચાહે છે મને?' શિનામિ તેની વાતથી અભિભૂત થઇ ગઇ હતી.
'શિનામિ, તેં મને આપણા ગયા જન્મના પ્રેમની વાત કરી એ પછી તને સમર્પિત થઇ ગયો છું. હરહાલમાં તારો સાથ મારે નિભાવવો છે. એ મારું એક પ્રેમી પુરુષ તરીકેનું કર્તવ્ય પણ છે. આજ સુધી ઇતિહાસમાં અનેક પ્રેમીઓના નામ એમના પરસ્પરના પ્રેમને કારણે અમર થઇ ગયા છે. હું ચાહું છું કે એક પ્રેત અને માનવ વચ્ચેનો આ પ્રેમ પણ યાદગાર બની રહે. ભવિષ્યમાં જ્યારે પ્રેમીઓ માટેનો ઇતિહાસ લખાય ત્યારે લોકોને ખ્યાલ આવે કે પ્રેમ એ કેટલી પવિત્ર વસ્તુ છે. એક પુરુષ પોતાની પૂર્વ પ્રેમિકાને પ્રેત સ્વરૂપમાં પણ સ્વીકારી શકે એવો આ પહેલો કિસ્સો હશે. મારે અગાઉના પ્રેમીઓ જે સાચા પ્રેમના ઉદાહરણો મૂકી ગયા છે એને અનુસરવું છે...' દિયાન ગંભીરતાથી બોલી રહ્યો હતો.
'ઓહ! કાશ! હું માનવ રૂપમાં હોત તો તને ભેટીને મારી ખુશી વ્યકત કરી શકી હોત. પ્રેમ વિશેના તારા વિચારો કેટલા સારા છે! મને આનંદ છે કે આપણું પુન:મિલન થયું અને એક નવું જીવન શરૂ કરી રહ્યા છે.' શિનામિ પ્રેમનો થનગનાટ અનુભવતાં બોલી રહી હતી.
'તું કહેશે તો જંગલમાં શું પાતાળમાં પણ તારી સાથે રહેવા તૈયાર છું...' દિયાને જુસ્સાથી કહ્યું.
'દિયાન હું તારા આ પ્રેમ પર વારી ગઇ છું. મને કલ્પના તો શું સાચું કહું તો એટલો ભરોસો ન હતો કે આવી રીતે પણ સ્વીકારી લેશે. તું કેટલી હદે ચાહી રહ્યો છે! આપણે કોઇ જંગલમાં કે સમુદ્રમાં જવાની જરૂર નથી. આપણે તારા ઘરમાં જ રહેવાનું છે...' શિનામિ ખુશ થતાં બોલી.
'મારા પોતાના ઘરમાં? પણ કેવી રીતે?' દિયાનને કલ્પના ન હતી એ જગ્યાએ રહેવાની વાત કરી એટલે નવાઇ પામી ગયો. તેને મનમાં સવાલ થયો કે આ શક્ય બનશે?
***
'સુલુ, તું અટકી કેમ ગઇ? તું બંને સાથે આ બાબતે કોઇ વાત કરી ચૂકી છે? નક્કી તું કંઇક જાણે છે...' દિનકરભાઇ એ જાણવા અધીરા થઇ રહ્યા હતા કે કઇ રીતે તેમનો પુત્ર અને પુત્રવધૂ પાછા એક થઇ શકે એમ છે.
'હું....હું એક સ્ત્રી છું. હું હેવાલી સાથે હજુ બહુ રહી શકી નથી પણ એના દિલની વાત સમજી શકતી હતી. જે પુરુષ સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય અને ભવોભવના સાથનું વચન આપ્યું હોય એની જોડેનો સંબંધ કાચો દોરો ન હોય કે એને પળવારમાં તોડી શકાય. મારું માનવું છે કે નક્કી બંને કોઇ મુસીબતમાં ફસાયા હશે. મેં હેવાલીને ફેરવી ફેરવીને અનેક વખત પૂછ્યું પણ તે સાથે રહેવાનું ટાળતી જ રહી. 'મા, અમે કોઇ સંજોગોમાં સાથે રહી શકીએ એમ નથી' એમ બોલતી હતી ત્યારે મને લાગ્યું કે એણે દિલથી નહીં દિમાગથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આમ કરવું કોઇ સ્ત્રી માટે સરળ નથી. અને ત્યારે કે જ્યારે બંને વચ્ચે કોઇ સમસ્યા ન હોય. આ સમયમાં દામ્પત્યજીવન મધુરું હોય છે. એકબીજામાં દુર્ગુણ હોય તો પણ દેખાતા નથી. અને આ તો એમના લગ્ન જીવનની બસ શરૂઆત હતી. હજુ મનભેદ કે મતભેદને કોઇ અવકાશ ન હતો. આપણા વચ્ચે પાછળથી અનેક વખત સમસ્યાઓ ઊભી થઇ હતી. છતાં ક્યારેય અલગ થવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી...પ્રેમનું એક અતૂટ બંધન હોય છે જે પતિ-પત્નીને એકબીજાથી અલગ થતાં રોકે છે. બંને વચ્ચે એવો અતૂટ પ્રેમ મેં જોયો છે.' સુલુબેન પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા.
દિનકરભાઇ કંઇક વિચારીને બોલ્યા:'તો પછી શું એમની કોઇ મજબૂરી હશે? તું કહે છે પણ આજના જમાનાના બાળકોની વાત જ કંઇક અલગ છે. લગ્ન સંબંધને હવે એ લોકો કદાચ ગંભીરતાથી લેતા નથી. વિદેશી વાયરાની અસરમાં વધારે પડતી આધુનિકતા એમના જીવનમાં પ્રવેશી ગઇ છે. જે રીતે આપણા જમાનામાં એકબીજાના ચહેરા જોયા વગર જ 'ચટ મંગની પટ બ્યાહ' થતા હતા છતાં જીવનભર સાથે રહેતા હતા એમ આજે બાહ્ય આકર્ષણથી યુવાન-યુવતી તરત લગ્ન કરી લે છે. પણ એટલી જ ઝડપથી અલગ થાય છે...'
'તમારી બધી વાત માની લઇએ પણ એ આપણા સંતાનો પર બહુ લાગુ પાડી શકાય નહીં. આપણે એમનો જે સંસ્કાર આપીને ઉછેર કર્યો છે એમાં આ શક્યતા ઊભી થતી નથી...' સુલુબેનની વાત્નો સૂર એ હતો કે તે માનવા તૈયાર ન હતા કે દિયાન અને હેવાલી અલગ થઇ શકે છે.
દિનકરભાઇ દિલથી સુલુબેન જેવું જ ઇચ્છતા હતા. તે બોલ્યા:'સુલુ, એવું જ થવું જોઇએ. આપણા સંસ્કાર એમના ખંડિત થતા લગ્નજીવનને બચાવી લે. હવે સમય પર જ બધું છોડી દેવું જોઇએ...'
ઘરના દરવાજાનો બેલ વાગ્યો એટલે સુલુબેન ઊભા થયા.
દરવાજો ખોલીને તે આશ્ચર્યથી બોલી ઊઠ્યા:'તમે...?' અને પછી ખુશીથી દિનકરભાઇને મોટેથી બૂમ પાડીને કહ્યું:'જુઓને....કોણ આવ્યું છે!'
ક્રમશ: