પરિતાએ પોતાની આ જ જિંદગી સ્વીકારી લીધી હતી. સમર્થની પરિસ્થિતિ એવી જ હતી, કામનું દબાણ ને એનાં લીધે સદા ગુસ્સામાં જ રહેતો સ્વભાવ. દીપ કયા ધોરણમાં ભણે છે...? શું ભણે છે...? કેવું ભણે છે...? એ બાબતે એનું કશું જ ધ્યાન રહેતું નહિ. એ સવારનો જતો રહેતો તે છેક મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો.
પરિતા ઓનલાઈન જે કામ કરી રહી હતી , એનાં કારણે એ પાર્થનાં પરિચયમાં આવી. પાર્થ થોડો બોલકો હતો, એટલે એ કામ સિવાય પણ પરિતા સાથે થોડીઘણી આડી - અવળી પણ વાત કરી લેતો હતો. કામ સિવાયની આવી થોડી વાતોને કારણે પરિતાને સારું લાગતું હતું. પોતે એક પત્ની, માતા, વહુ હોવા ઉપરાંત પણ એ સ્ત્રી તરીકે કંઈક બીજું છે એવી લાગણી અનુભવાતી હતી. પાર્થ ક્યારેક એણે પહેરેલા કપડાની પ્રશંસા કરતો તો ક્યારેક કપાળે એણે લગાવેેલા એનાં ચાંદલાની પ્રશંસા કરતો, ક્યારેક એનાં હોઠોં પર લગાવેવી લિપસ્ટિકની પ્રશંસા કરતો તો ક્યારેક એનાં ખુલ્લા કે બંધ રાખેલા વાળની પ્રશંસા કરતો, ક્યારેક એની સુંદરતાની તો ક્યારેક એણે બોલેલી ભાષાની પ્રશંસા કરી લેતો.
પોતાનાં માટે આવું બધું સાંભળવું પરિતાને ખૂબ જ સારું લાગતું હતું. આટલા વર્ષોમાં ન તો સમર્થે ક્યારેય પણ એની પ્રશંસાનાં બે બોલ બોલ્યા હતાં કે ન એનાં સાસુ - સસરાએ..., એટલે એને પોતાની આ રીતની પ્રશંસા સાંભળવાથી એનું મન ગુલાબનાં ફૂલની જેમ ખીલી જતું હતું ને એ ખીલેલા ફૂલની મહેક એનાં ગાલ સુધી પહોંચી એના ગાલને રાતાં કરી દેતી હતી.
સાસરે આવ્યા પછી તો પોતાનાં માટે પ્રશંસાનાં બે શબ્દો પણ એનાં કાને પડ્યા નહોતાં ને અચાનક જ પોતાનાં માટે આટલી બધી પ્રશંસા સાંભળવા માટે મળી જાય તો સ્વાભાવિક જ છે કે એનાં મનનો બગીચો ખીલી જ જાય!
એકબીજાથી પરિચિત થયેલો પરિતા અને પાર્થનો સંબંધ મૈત્રીમાં ફેરવાયો. પછી તો કામ સિવાય પણ બીજી બધી અનેક વાતો બંન્ને વચ્ચે થવા લાગી હતી. એની સાથે વાત કરવાથી પરિતાનું મન હળવું ફૂલ જેવું થઈ જતું હતું. એક બાજુ સમર્થ હતો જેની પાસે પોતાની વાત સાંભળવા માટે ન તો ઝાઝો સમય હતો કે ન હતું મોકળું અને પ્રફુલ્લિત મન. સમર્થ અને પરિતા વચ્ચે આ રીતનું મૈત્રીસમાન વર્તન તો નહિવત જ હતું. સમર્થ એક પતિ તરીકે જ પરિતા જોડે વર્તતો હતો ને વાત પણ એ જ પ્રમાણે કરતો હતો.
એક પત્ની તરીકે પરિતાએ બધાં જ એનાં નાનાં - મોટા દરેકે - દરેક કામો કરવા પડતા હતાં, એણે આપેલા સૂચનોનું પાલન કરવું પડતું હતું ને એની જ વાત માની પણ લેવી પડતી હતી. પરિતા ન તો પોતાનું અલગ કોઈ મંતવ્ય એની સામે રજૂ કરી શક્તી હતી કે ન પોતાનાં મનની વાત એને ક્યારેય કહી શક્તી હતી કે ન તો એનાં સલાહ - સૂચનોને ઘરમાં કોઈ માન્યતા મળતી હતી. પત્નીએ ઘરકામ કરવાનું, બાળકોને ઉછેરવાનું, સાસુ - સસરાને સંભાળવાના, પતિને સાચવવાનો, વગેરે જેવા કામો જ કરવાનાં હોય એવી વિચારસરણી સમર્થ પોતે અને એનાં માતા - પિતા ધરાવતાં હતાં. પત્નીએ પતિની જ વાત દરેક વખતે માની લેવાની એ વાતનો આગ્રહ પણ તેઓ રાખતા હતાં, ને એટલે જ પોતાની જાતને આજ સુધી એ લોકો સાથે પરિતા એડજસ્ટ કરી શકી નહોતી.
દીપ સિવાય ઘરનાં બાકીનાં બધાં જ લોકો માટે એનું મન મરી પરવાર્યું હતું. સમર્થ તરફથી મળવી જોઈતી કૂણી લાગણીને પણ ક્યારનોય કાટ લાગી ગયો હતો. એવામાં પાર્થનાં મોઢેથી પોતાનાં માટે સાંભળવા મળતા આ પ્રશંસાભર્યા શબ્દો એને રણ પ્રદેશમાં ઉગેલા ફૂલો જેવા લાગતાં હતાં. પરિતાનું મન પાર્થ તરફ ખેંચાઈ રહ્યું હતું.
આ રીતે પાર્થ તરફ વળેલા પોતાનાં વળેલા મનને કારણે પરિતા અને સમર્થ વચ્ચેનું જે અંતર છે એ વધી જશે કે શું....? એ જાણવા માટે આનાં પછીનાં ભાગની રાહ.
(ક્રમશ:)