સાહેબ ગેલાની વાત સાંભળવા આતુર હતા. તે મૌન થઈ ગેલાની બોલવાની રાહે તેની સામે જોઈ બેસી રહ્યાં. સાહેબના આંગળા ટેબલ પર તાલમાં ફરી રહ્યા હતા. ગેલો કંઈક યાદ કરતો હોય તેમ ઓફિસની દિવાલે ટાંગેલા સિંહ, હરણ, દિપડાના ફોટા જોઈ રહ્યો હતો.બહારથી એક માણસ ટ્રેમાં ગ્લાસ મૂકી પાણી દેવા માટે આવ્યો. ગેલો હજી પેલા ફોટામાં જ ખોવાયેલો હતો. સાહેબે કહ્યું, "ગેલાભાઈ પાણી પીવો."ગેલાએ ગ્લાસ ઉપાડી ઊંચેથી પાણી પીધું. માલધારી હંમેશા કોઈના પણ ઘરે જાય ગ્લાસ મોઢે માંડતો નથી. સુધરેલા લોકો ઊંચેથી પાણી પીવાને શિષ્ટાચાર વિરુદ્ધ ગણતા હશે. પરંતુ માલધારી લોકો કોઈનો ગ્લાસ મોઢેથી પીને ગંદો કરતા નથી. ઘણાં માલધારી ગ્લાસ કે લોટામાંથી પાણીની ધાર એક હાથે રાખેલા ખોબામાં કરીને પીવે છે. સાહેબે પેલા માણસને ચા લાવવા કહ્યું. તે માણસ ઓફિસની બહાર જતા ઓફિસમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
હવે ગેલાએ સાહેબ સામે નજર મેળવી વાત ચાલુ કરી, " શાબ ઈ દાડે મારી વાલી એદણ્યને હામતે મારી નાખી. હાસુ કવ તો તેદી મને હામતા ઉપર બવ દાઝ સડી ગય'તી. એણે અને રાજમતીએ મારી નજર હામે મારી વાલી એદણ્યનો જીવ કાઢી નાખ્યો. તેદી મને આખી રાત્ય ઊંઘ નોતી આવતી. મને નજર હામે તરફડા નાખતી એદણ્ય જ દેખાતી'તી. મારા હાથમાં કવાડી હતી તોય હું મારી એદણ્યને નો બસાવી હક્યો,ઈનો મને અફસોસ થાતો'તો. શાબ મારા બાવડામાં ઘણું જોર હતું તોય તેદી કામમાં નો આયુ. ઈ વાત મને હૂવા નોતી દેતી. પશે મારા મનમાં હૂ ઘૂરી સડી દુવારિકાવાળો જાણે પણ અડધી રાતે કોયને કીધા વગર હાથમાં બત્તીને ખંભે કવાડી લય ઉપડી જ્યો. મારા મનમાં એવું થયું કે હજી એદણ્ય જીવતી સે અને મને હાદ પાડે સે. ઈ રણકતી હોય એવું મને લાગ્યું. હું ઊભો થય એને હામતાના મોઢેથી મુકાવા ઉપડી જ્યો."
એટલામાં પેલો માણસ ઓફિસમાં ચાના કપ લઇને આવ્યો, એક સાહેબને આપ્યો અને એક ગેલાને આપ્યો. સાહેબ ધીમે ધીમે ચૂસકી ભરતા ચા પીવા લાગ્યા. ગેલો કપમાંથી ચા રકાબીમાં ઠાલવી ગરમ ચાને ફૂંક મારી પીવા લાગ્યો. સુધરેલા લોકોને ચા પીવાની આ રીત પણ ગામડીયા જેવી લાગે. પણ માલધારી તો આમજ ચા પીવે. તેના માટે આ સામાન્ય વાત કહેવાય. સાહેબે પેલા વ્યક્તિને ઘડીક કોઈને ઓફિસમાં ન આવવા દેવા ઓર્ડર કર્યો. તે વ્યક્તિએ સાહેબના ઓર્ડરનું પાલન કરવા માથું ઝુકાવી હા પાડી , કપ રકાબી લઈ બહાર નીકળ્યો. ઓફિસમાં ઘડીક વાતાવરણ શાંત રહ્યું. સાહેબના આંગળા ટેબલ પર ટેવવશ તાલ લઇ રહ્યા હતા. ગેલાની નજર ફરી પાછી દિવાલના ફોટે ફોટે ફરવા લાગી. ગેલાએ સાહેબ સામે જોઈ ફરી વાતનો સાંધો કર્યો, "શાબ હું ઊંઘમાં હતો કે વિસારમાં ઈ મનેય ખબર નથ. પણ ઈ રાતે હું ઘરેથી નીહરી ગ્યો. મારા પગને આંખ્યુ આવી ગય. રોજની મારી હાલવાની કેડીયે હાલવા માંડ્યા. હાથમાં બત્તી હતી તોય સાલુ કરવાનું નો હાંભર્યું. હું અંધારે હાલ્યો ગ્યો. ન્યા પોગીને બત્તી કરી જોયું તો મારી આંખ્યુ ફાટી ગય.એદણ્યને અડધી હાવજ્યુંએ સૂથી નાખી'તી. હામતને રાજમતી થોડાક આઘેરેક બેઠા"તા. મારી બત્તીનાં અંજવાળે એની બેયની આંખ્યું તબકાણી. હું ઓળખી જયો કે બેય હજી આયા જ બેઠા સે. પણ જેવો એદણ્યનાં મડદા ઉપર બત્તીનો પરકાશ ફેંક્યો તો ત્યાં એક આદમી ઈના મડદા ઉપર બાટલીમાંથી કાક ઢોળતો'તો. ઘડીક મને કાંય હમજાણું નય. મને ઈમ લાગ્યું કે ફૂરેસ્ટરના માણા હહે. પણ પશે થોડેક આઘેરકથી મારી કોર્ય પાણાના રદાડા આયા. એકાદો રદાડો મને ખંભે લાગ્યોને બે તણ મે સુકવાડી દીધા. પશે મને હમજાણું કે આ તો દગો થાતો લાગે સે.એદણ્યનાં મડદામાં ઝેર ભેળવીને હામત ને રાજમતી ખાય એટલે ઈ મરી જાય. પશે ઈના નખ, દાંતને હામતના ગુપ્ત ભાગ કાઢીને લાખો રૂપિયામાં વેસી દેવાના હતા. બીજા દેસમાં આવી વસ્તુના બવ ઝાઝા રૂપિયા આલે.આ જોય મારા મગજમાં હામતની કોર જે દાજ હતી ઈ ઓહરી ગઈ. મેં ઈને હાવ બસોળીયા જેવો હતો ઈ ટાણે નદીએ પાણીના પુરમાં પડી બસાવ્યો હતો ઇ મને હાંભરી ગ્યું.તેદી મોટો સામત મને બસોળીયા જેવો જ લાગવા માંડ્યો હતો. હામે ઈ સાર પાસ નરાધમો હોય એવું લાગ્યું. મારી કોર પાણાના ઘા ઉપર ઘા આવવા માંડ્યા. હું થોરના ઢુવા આડે હંતાય ગ્યો ને જેણી કોરથી પાણા આવતા'તા એની કોર નિશાન તાકીને હામાં પાણા ફફડાવવા માંડ્યો.એક પાણો જાયને બોકાહો બોલે.બીજો પાણોને બીજો બોકાહો. બે શારને તો મેં પાણે પાણે ઘાયલ કરી લાખ્યાં.એક હરામખોલ હજી એદણ્યનાં મડદા ઉપર ઝેર ઢોળતો'તો.મને જે રિહ સડી તે હું ધોડયો. એણે મારી ઉપર હામો હુમલો કર્યો. મેં ઈને માથે એક ડાંગ ઠોકડી દીધી.ઈનું માથું ફાટી જ્યું ને સત્તોપાટ પડ્યો હેઠો. એના ડોળા બોળા સડી જ્યા.મને ભે લાગી. મારો હાળો મરી જ્યો હહે એવું લાગે! હું પડખે થોરના ઢૂંવા વાહે બત્તી કરી જોવા ગ્યો.મને ભાળી ન્યાથી બધાં નરાધમો ભાગ્યાં. મેં બત્તીના અંજવાળે બધાના મોઢા ભાળી લીધા. બધાં થય પાસ જણા હતાં. મેં હાંક્લો કર્યો ને શારેય વાહે ધોડ્યો પશે ગદાડા(પથ્થરના ઘા) કર્યા.પાસો વળી જોયું તો હામતને રાજમતી એદણ્યને ફાડતા'તા."
ફરી ગેલાનું ધ્યાન દીવાલ પર ટાંગેલા સિંહ, સિંહણના ફોટા પર સ્થિર થયું. સાહેબે ગેલાને કહ્યું, "પાણી મંગાવું ગેલાભાઈ?"ગેલાએ ના પાડી. " શાબ, હામતેને રાજમતીએ ઝેર વાળું માંસ ખાધું કે ખાવા જાતા'તા ઈ તો રામ જાણે. પણ મેં ધોડીને હાકલો કર્યો એટલે બેય બે ડગલા પાસા હટી જ્યા. મેં બેય હામે બત્તીનો સેવડો માર્યો.ને કવાડી ઉગામી હાક્લો કર્યો. હામત તો મારાં હાકલે પાસો વળી જ્યો પણ રાજમતીએ ઘડીક વળ ખાધાં. પણ આજ જો એનેથી બીયને પાસો વળું તો ઈ માસ ખાધા વિના નો રે.ઝેર રેડેલું માસ ખાય એટલે બેયનો પરાણ વયો જાય ઈય પાક્કું હતું. મેં હીમત કરી રાજમતી હામે ડાંગ લઈ ધોડયો.આજ મારો મિજાજ રાજમતી વરતી જય. એટલે ઈ ય હામત વાહે હાલતી થય જય.હું હાંકલા કરતો ને રદાડાના ઘા કરતો એની વાહે વાહે ગ્યો. અંધારામાં કોણ જાણે કેટલો આગળ નિહરી જ્યો.પશે તો હામતને રાજમતી ધોડવા માંડ્યાને હું ય ઈની વાહે પાણાનાં ઘા કરતો ને હાકલા કરતો ધોડયે જ્યો.ઈના મનમાં ભે ગરિ જય કે આજ આ અમને નક્કી મારી નાખશે.બેય ઝડપથી ભાગવા માંડ્યા.હું એની ઉપર બત્તીનો પરકાશ ફેક્તોક એની વાહે ધોડયો.હવે અમારી વસ્સે ઘણું વેળુ પડી જ્યું.મને લાગ્યું કે ઈ હવે પાસા નય વળે.એટલે એક બે પાણાના રદાડા કરી હું પાસો વળી જ્યો.હવે મારા મનમાં ફડકો પેહી જ્યો,કે મારથી એક માણા મરી જ્યો.હું હાલી હાલી પાસો એદણ્યનાં શિકારની જગ્યાએ આયો તો નીયા કણે ઓલ્યો માણા નમળે. કોણ જાણે કોણ ઉઠાવી જ્યું હહે? એક શ્યાળીયું એદણ્યનું મડદું ચૂથતું'તુ. મેં ઈને ય રોદો મારી આઘું ભગાડ્યું.પણ ઈણે તો ઘણું ખાય લીધું હોય એવું લાગતું'તુ. મેં અડખે પડખે બધે બત્તી કરી જોયું પણ મારી ડાંગનો ફટકો ખાધેલો માણહ ય નમળે ને ઓલ્યા ભાગેડું હરામખોલો ય નો જડ્યાં."
સાહેબ તો કોઈ સસ્પેન્સ ફિલ્મ જોઈ રહ્યા હોય તેમ એકીટશે ગેલાની સામે જોઇ તેને સાંભળી રહ્યા હતા.
" શાબ, તે દીથી મારા મનમાં ફડકો ગરી જયો કે મારે હાથે માણા મરી જ્યો. આજ નહિ તો કાલ મને પોલીસ પકડી જાહે.પણ શાબ હાસુ કવ? મેં તો સામતને રાજમતીને બસાવવા હારું ઈને બિવરાવવા જ્યો'તો.પણ એણે મોટો સરો કાઢી મારી હામે દોટ કાઢી જો થોડીક વાર લાગે તો મારા પેટમાં સરો ખોહી દેત. મેં ઈના હાથ ઉપર ડાંગ મારી પણ ઈ હેઠે નમી જ્યો એટલે ઈના માથે વાગી,ને માથું ફાટી જ્યું."
સાહેબે ચિંતા ભર્યા સ્વરે કહ્યું, "એ માણસ ખરેખર મૃત્યુ પામ્યો હતો?"
" શાબ, ઈની આંખ્યું ફાટી રય'તી.ઘડીક હાથ પગના તરફડીયા માર્યા પસે સાંત થય જ્યો તો. મને તો મરી જ્યો હોય એવું લાગતું,તું. પશે એનું હૂ થયું ઈ તો દુવારિકાવાળો જાણે. કોય જંગલી જનાવર લય જ્યું કે એના હરામખોલ જોડીદારો લઈ જ્યા.તેદી આ બધું મને સપનું જોયું હોય ને સપનામાંથી જાગ્યો હોવ એવું લાગવા માંડ્યું. આયા ઠેઠ આટલી રાતે હૂકામ આયો એય મને ખબર નો'તી રય. રાત ઘણી નિહરી ગઈ'તી. હવે મને સંત્યા થય કે નેહડે બધા મારી સંત્યા કરતા હહે. હું ઉતાવળે નેહડા ભેગો થયો. આવીને જોયું તો બધા મારી વાટે જ હતા. મેં માણા મારી નાખ્યો ઈ બીકનો માર્યો આજ લગી આ વાત કોયને કરી નથી. આ વાત હું જાણું, બીજો દુવારિકાવાળો અને તિજા તમી જાણો શાબ."ગેલાના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ આવી. પછી ક્યારનો એકધારુ બોલતો હોવાથી કોરા પડેલા ગળાને સરખું કરવા ગેલાએ ખોંખારો ખાધો.
"શાબ, હવે તમે મને પોલીસને હોપી દયો કે જેલમાં નાખો જે કરો ઈ મને મંજુર સે. મારા હાથે જે થય જ્યું ઈ મે હામતાને અને રાજમતીને બસાવવા હારું થય કર્યું સે."
ઓફિસમાં ઘડીક શાંતિ છવાઈ ગઈ. સાહેબ કંઈક વિચારી રહ્યા હતા. તેના ટેબલ પર આંગળાનો તાલ ચાલુ હતો."પણ ગેલાભાઈ ક્યાંય કોઈ માણસની લાશ મળવાના કે કોઈના ખૂન થયાના સમાચાર એ અરસામાં નહોતા આવ્યા!તો તમારી ઉપર ફરિયાદ શેના આધારે કરવી? તમે એ માણસોના મોઢા બરાબર જોયા હતા? એ કઈ બાજુના હોય તેવું લાગતું હતુ?"
ગેલાએ છત તરફ ઉપર જોઈ કંઈક યાદ કરવાની કોશિશ કરી. પછી કહ્યું, "હા શાબ બત્તીના અંજવાળે મોઢા તો જોઈ લીધા'તા. ઈ આનિકોરીનાં નોતા લાગતાં. બારના મલકનાં હહે. મેં વાહે હડી કાઢી તિયારે બધાં ભાગતા ભાગતા મારડાલા.. મારડાલા...ઈમ હિન્દીમાં બોલતા'તા.
સાહેબના મનમાં બધી ગોઠવણ થવા લાગી,તે વિચારવા લાગ્યા. પછી તેણે ગેલાને કહ્યું, "તમે એ લોકોને જુઓ તો ઓળખી જાવ ખરા?"
ગેલાએ કહ્યું, "હા શાબ, ભાળું તો ઓળખી લવ. ને એમાંથી એકાદાને તો મેં માલ સારતા સારતા આયા જંગલમાં રખડતો જોયો હોય એવું લાગે સે. મેં ઈ વખતે એને ટપાર્યો 'તો.તેદી ઈ મને એમ કેતો'તો,
" મેં તો દવા ગોતને સરકારની પરમિશન લેકે આવ્યા હું."
સાહેબે ગેલાને કહ્યું, "સારુ ગેલાભાઈ અત્યારે તમને અમારી ગાડી પાછા નેહડે મૂકી જાય છે. ફરી જરૂર પડે અને બોલાવીએ તો આવજો પાછા."
ગેલાએ હાથ જોડી સાહેબની વિદાય લીધી. ડ્રાઈવરે ગાડી વાળી, ચાલું કરી તૈયાર રાખી હતી.
ક્રમશઃ.....
(સામત અને રાજમતીને મારવાનું કાવતરું કરનાર પકડાશે જાણવા માટે વાંચતા રહો નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621