NARI-SHAKTI - 21 in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી શક્તિ - પ્રકરણ-21,(વીરમતી વિશ્પલા)

Featured Books
Categories
Share

નારી શક્તિ - પ્રકરણ-21,(વીરમતી વિશ્પલા)

નારી શક્તિ, પ્રકરણ- 21(વીર વનિતા વિશ્પલા)

[હેલ્લો વાચક મિત્રો નમસ્કાર!!! નારી શક્તિ પ્રકરણ-૨૦ માં આપણે વશુક્ર પત્ની એટલે કે ઈન્દ્રની પુત્રવધુ એના વિશેની કથા જાણી. હવે આજે હું આપની સમક્ષ ઋગ્વેદની પ્રસિદ્ધ વીરમતી વિશ્પલાની આ કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું આપ સર્વેને જરૂરથી પસંદ આવશે , એવી અપેક્ષા છે. વીરાંગના વીરમતી વિશ્પલા,જે રાણી લક્ષ્મીબાઈ પહેલા એક યુદ્ધ કલામાં નિપૂણ અને વીરમતી નારી હતી જેની કથા ઋગ્વેદમાં આલેખાયેલી છે. આપ સર્વે નો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર ,માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર ,ધન્યવાદ !!! ]
પ્રસ્તાવના:-
ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ આ અદભૂત રોમાંચ કારી કથા નારીનું સામર્થ્ય દર્શાવે છે . ( ઋગ્વેદ:1.116.15 ) શલ્યચિકિત્સા માં વિશારદ અશ્વિનીકુમારો ( દેવોના વૈદ્ય) વૈદક વિદ્યામાં પારંગત અને નિષ્ણાત છે તે પણ અહીં મૂળભૂત રીતે દર્શાવવામાં આવ્યું છે. વિશ્પલા નું ચરિત્ર ખરેખર સમગ્ર નારીજગત માટે પ્રેરણાદાયી છે.
ખેલ રાજા ની પત્ની વિશ્પલા એક વીરાંગના સ્ત્રી હતી. શત્રુ પક્ષમાં વીરતાપૂર્વક યુદ્ધ કરતા કરતા તેનો પોતાનો એક પગ કપાઈ ગયો હતો. ખેલ રાજાના પુરોહિત મહર્ષિ અગસ્ત્ય એ અનેક સ્તુતિઓ દ્વારા અશ્વિની કુમાર નું આહવાન કર્યું હતું. અશ્વિનીકુમારો એ પ્રસન્ન થઈને પોતાની શલ્ય ચિકિત્સા દ્વારા વિશ્પલાના પગ ની જગ્યાએ કૃત્રિમ પગ આરોપણ કરીને યુદ્ધ માટે સમર્થ બનાવી હતી. ઋગ્વેદમાં વિશ્પલાના આ અતુલ પરાક્રમ અને અશ્વિની દેવોની કૃપાનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ કથા વિગતવાર નીચે પ્રમાણે છે.
ખેલ નામનો એક મહાપરાક્રમી રાજા હતો. તેની વિશ્પલા નામની વીરાંગના પત્ની હતી. તે જેવી મહાવિદૂષી, જ્ઞાની હતી તેવી જ યુદ્ધ કલામાં પણ કુશળ હતી. ખેલ રાજા પણ શૂરવીર અને પરાક્રમી હતા. તે વિશ્પલા સાથે સુખમય જીવન વિતાવતા હતા. એક વખત ખેલ રાજાના રાજ્ય પર શત્રુઓ એ આક્રમણ કર્યું. ઘમાસાણ યુદ્ધ થયું. સેનાનાયક ખેલરાજ રણસંગ્રામમાં પ્રવેશ્યા. સાથે વીરાંગના વિશ્પલા પણ યુદ્ધમાં જોડાઈ. પૃથ્વી પર અવતરેલી ચામુંડેશ્વરી ના રૂપમાં તેણે શત્રુઓનો સંહાર કર્યો. તેનું શૌર્ય અને પરાક્રમ જોઈ ને શત્રુઓ પણ ચકિત થઈ ગયા. વિજય પ્રાપ્ત કરવાની ઇચ્છાથી શત્રુ સૈનિકો આક્રમક રીતે લડતા હતા. શત્રુ સૈનિકો અસંખ્ય હતા અને વિશ્પલા એકલી હતી. છતાં પણ તે નીડરતાથી લડતી હતી. લેશ માત્ર મનમાં ડર ન હતો અને બમણા ઉત્સાહથી તે લડતી હતી. આવા ભયંકર યુદ્ધમાં શત્રુ સૈનિકો એ તેનો એક પગ કાપી નાખ્યો. છતાં તેને પીડા જણાતી નહોતી. ઘવાયેલા પગથી પણ વીરાંગના વિશપલા હતોત્સાહ થઈ ન હતી. ચૈતન્ય મૂર્તિ સમી આ વીરાંગના હતી. બીજા દિવસે પણ તેને યુદ્ધ કરવું છે એવી ઈચ્છા થી તેણે પગ પુનઃ પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પ્રમાણે ની ઈચ્છા થી તેણીએ અશ્વિનીકુમારો નું ધ્યાન ધર્યું. વિશ્પલાની પ્રાર્થના સાંભળીને અશ્વિનીકુમારો આવ્યા. અને લોખંડ નો પગ લગાડીને તેને પૂર્વવત તંદુરસ્ત બનાવી દીધી. આથી વિશ્પલા પહેલાની જેમ ચાલવા લાગી અને યુદ્ધ કરવા માટે સમર્થ બની ગઈ. બીજા દિવસે આ મહા શક્તિ નું પ્રતિક નારી ઉત્સાહથી રણમેદાનમાં ઉતરી. રણમેદાનમાં શત્રુ સૈનિકો વિશ્પલા ને જોઈને ચકિત થઈ ગયા અને ડરવા લાગ્યા. તેણી ના દર્શન માત્રથી શત્રુસૈનિકો ચિંતિત થઈ ગયા અને ધૈર્ય ગુમાવ્યું. જેવું વિશ્પલા હથિયાર ઉપાડે તેવાજ શત્રુ સૈનિકો હતોત્સાહ થવા લાગ્યા.
વિશ્પલા કેળા ના ઝાડ ને ઉખેડે તેમ તેણે શત્રુ સૈનિકો નો સંહાર કર્યો. હજારો સૈનિકો નો વિશ્પલા એ સંહાર કર્યો. આ રીતે વિશ્પલાના શૌર્યને કારણે તે યુદ્ધમાં ખેલ રાજ નો વિજય થયો. વીર વનિતા વિશ્પલા પતિની સાથે યુદ્ધમાં પ્રવેશી અને શૌર્યથી યુદ્ધ લડી. તેના આ અદમ્ય સાહસ થી તે વેદવાऽમય માં ખૂબ જ પ્રશંસા પામી. વિશ્પલાનું શૌર્ય અને અશ્વિની કુમારો નું ચિકિત્સા કૌશલ્ય વેદ વાऽમય માં અમર છે.
વિશ્પલા નારી ગૌરવ અને ગરિમા નુ પ્રેરણાસ્ત્રોત છે. ઈતિહાસમાં રાણી કૈકયી,રાણી લક્ષ્મીબાઈ અને રાણી મસ્તાની વીરાંગના તરીકે પ્રસિદ્ધ છે.
[ Presented and © by Dr.Damayanti H.Bhatt ]