આજે સવારનો સુરજ સોના વરણો ઊગ્યો. માલઢોરનું દોવાનું કામ પતાવી ગેલો હીરણ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કરી આવ્યો હતો. તે હાથમાં તાંબાનો કળશ લઈ જળ ચડાવી સુરજનારાયણને અંજલિ આપી રહ્યો હતો. નદીએથી સ્નાન કરી અડધો ભીનો,માથામાંથી પાણી નીતરતો આવ્યો હતો. તે ખુલ્લા શરીરે ખાલી ફાળિયું પહેરેલ હતો. નાનપણથી દૂધનો ખોરાક અને મહેનતના કામને લીધે ગેલાનું શરીર ખડતલ હતું. માથાના વાળમાંથી નીકળતા પાણીના બિંદુ ખંભે થઈ વાહામાં અને છાતી પર ઉતરી રહ્યા હતા. ગેલો આંખો બંધ કરી સુરજનારાયણનાં નામનું રટણ કરતો હતો. આંખો બંધ કરી સુરજનારાયણના જાપ કરતા ગેલાનું મોઢું તેજ કરી રહ્યું હતું. માલઢોર ચરાવવા જાય ત્યારે ગોવાળ આખા દિવસનાં રોટલા ભાતમાં સાથે બાંધી જતા હોય છે. એટલે રાજી અત્યારમાં રસોડે ચૂલો સળગાવી રોટલા ટીપવાં બેસી ગઈ હતી. રસોડાનાં જાળીયામાંથી રાજી ગેલાને નીરખી રહી હતી.રાજીને ગેલો આજે વધું સોહામણો લાગી રહ્યો છે.ગઈ રાતના ઉજાગરા અને થાકને લીધે રાજીની આંખો થોડી સુઝેલી હતી. રામુઆપા નેહડાની બહાર ચણનાં સ્થાનકે પક્ષીઓ માટે જુવાર વેરી રહ્યા હતા. રામુઆપાના આ રોજિંદા ક્રમને લીધે પક્ષીઓનો ડર દૂર થઈ ગયો હતો. રામુઆપા હજી ચણ નાખી રહ્યા હતા તો પણ, મોર ઢેલ, કબુતર, હોલા, ઘર ચકલીઓ ચણવા ઉતરી આવ્યા હતા. આજે એક હરીયલનું ટોળું પણ ચણવા ઉતરી આવ્યું હતું. હરિયલએ કબૂતરની પ્રજાતિનું જ પક્ષી છે. જે દૂરથી જોતા કબુતર જ લાગે. પરંતુ નીરખીને જોતા તે ઓળખાય જાય છે. તેનો રંગ ચમકતો લીલો હોય છે. જે હંમેશાં ટોળામાં રહે છે. ટોળામાં રહીને પણ તે જોડીમાં રહે છે. તેના માળા ઝાડ ઉપર બનાવેલા હોય છે. રામુઆપા હાજર હોવા છતાં એક મોરે તેનાં પીંછા ફેલાવી કળા કરી હતી. તેને દાણા ચણવામાં રસ ન હતો. તે દાણા ચણવામાં વ્યસ્ત બે-ચાર ઢેલોને રીઝવવા ફરતે ફરતે નાચી રહ્યો હતો.કબૂતરો પણ દાણા ચણવામાં મગ્ન હતાં. તેમાં પણ બે ત્રણ નર ઘૂઘા કબુતર પોતાનાં ગળા ફુલાવી ઘુ.. ઘુ... કરતાં માદા કબૂતરની ફરતાં ફરી રહ્યાં હતાં. ઓસરીના નેવે બાંધેલ પક્ષી પરબડીમાં એક લેલા પરિવાર પાણી પી રહ્યો હતો. સાત આઠનું વન લલેડાનું ઝુંડ ટે... ટે.. ટે.. નો કર્કશ અવાજ કરી સવારનું વાતાવરણ ભરી રહ્યું હતું. જીણીમાં દેશી વલોણાનાં નેતરા ખેંચી છાસ વલોવી રહ્યા હતાં. વલોણાંનો ઘમ... ઘમર..ઘમ...અવાજ સવારના સંગીતમાં ઉમેરો કરી રહ્યો હતો. નેહડાની બાજુમાં વડલા નીચે અડાબીડ વડવાઈઓની વચ્ચે નાનકડી ખોડીયાર માતાની દેરી આવેલી છે. બધા નેહડાવાસી રોજ સવારે આઈ ખોડીયારના દર્શન કરી કામે ચડે. દર્શન કરવાં આવતાં બધાં નેહડાવાસી વડલાની ડાળે બાંધેલ ઘંટ વગાડતાં જાય. થોડી થોડી વારે થતો ઘંટનો રણકાર પણ સવારના સંગીતમાં વધારો કરી રહ્યો હતો.
ગેલો તૈયાર થઈ માલમાં જવાની તૈયારી કરતો હતો. ત્યાં દરવાજે જીપ આવીને ઊભી રહી. ગેલાને સાંસણ નાકે ઓફિસેથી તેડું આવ્યું હતું. રામુઆપા અને કનાને માલમાં જવાનું કહી ગેલાએ રાજીને કહ્યું, " તું સંત્યા કરતી નય.હું આઘડિયે શાબની ભેળો થય પાસો આવી જાશ."ગેલો ગાડીમાં બેસી ગયો. ગાડી જંગલના ઉબડ ખાબડ અને ધૂળિયા મારગ પર ચાલવા લાગી. પાછળ ધૂળનાં ગોટેગોટા ઉડી રહ્યા હતા. જીપમાં ડ્રાઇવર અને ગેલો બે જ બેઠા હતા. તે બંને વચ્ચે ખાસ વાત થઇ રહી ન હતી. ડ્રાઇવર રસ્તા સામે જોઈ ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે ગેલો બારી બહાર બાજુમાંથી વિરુદ્ધ દિશામાં દોડી રહેલ વૃક્ષોની હારને નિહાળી રહ્યો હતો. પાખા પડી ગયેલા ઝાડ જોઈ ગેલાનો જીવ બળતો હતો. આજથી પંદર વીસ વર્ષ પહેલાંનું ગીચ ગીરનું જંગલ આજે ખાલી કહેવા પૂરતું જ જંગલ રહ્યું હતું. ઘણા દિવસોથી અંદર અંદર ડરી રહેલો ગેલો આજે નિશ્ચિંત થઈ બેઠો હતો. આજે શું જવાબ દેવો તે તેણે મનમાં નક્કી કરી રાખ્યું હતું." આજ બધું હાસે હાસું કય દેવું હે.આપડે જે કર્યું ઈ હાવજયુને બસાવા કર્યું સે."
તે પોતાના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જીપને અચાનક બ્રેક લાગી. ચાલી રહેલ જીપને અચાનક બ્રેક લાગતાં ગેલો પણ સીટ પરથી થોડો ગબડ્યો. જીપ ઊભી રહી ગઈ. જીપની પાછળ દોડતો આવતો ધૂળનો ગોટો જીપની આગળ થઈ ગયો. આ ધૂળની ડમરીમાં ગેલાને કઈ દેખાયું નહીં ને જીપ અચાનક કેમ ઉભી રાખી દીધી એ સમજાયું પણ નહીં. ધીમે ધીમે ધૂળનો ગોટો નીચે બેસી ગયો ત્યારે ગેલાએ રસ્તો રોકીને બેઠેલાં સાવજ અને સિંહણ જોયા. નીરખીને જોયું તો સામત અને રાજમતી જ હતા. સામત અવળું ફરીને બેઠો હતો. રાજમતી સામે ફરીને બેઠી હતી. જીપની ઘરઘરાટીની સામતે જરા પણ નોંધ ના લીધી. એ તો એની મસ્તીમાં જ બેઠો હતો. રાજમતી કરડી નજરે જીપ સામે તાકી રહી હતી. ડ્રાઈવરે નિસાસો નાંખી કહ્યું, " હવે આ ક્યારે ઉઠસે ઈ નક્કી નય."
ગેલાએ કહ્યું, " ઈને ક્યાં કાય ઉપાધી સે? ઈને ઓશી ખબર હે કે આજ મારે ઈની હારું થય ને જુબાની દેવા જાવું પડ્યું સે?" રાજમતીએ પણ હવે જીપની નોંધ લેવાની બંધ કરી દીધી. તે સામતને સુંઘી રહી હતી. ઘડીક તેની બાજુમાં બેસી ગઈ. ઘડીકમાં સામતનાં મોઢાં તરફ ઢીંઢું ફેરવી બેસી ગઈ. સામત રાજમતીના પ્રેમનો કોઈ જવાબ આપી રહ્યો ન હતો. રાજમતી સામતના માથા પર ચાટવા લાગી. સામતને આ ગમતું હોય તેવું લાગ્યું. ગેલો આ દ્રશ્ય જોઈ ફરી વિચારોમાં ખોવાઈ ગયો. તેને ગઈરાતની વાત યાદ આવી ગઈ. તેનું મોઢું મરક્યું. ગેલાએ હસીને ડ્રાઇવરને કહ્યું, "આમની રાહે રહેશું તો આ બેય જણા આપડો બોપર આયા સડાવસે. ગાડીનો હોન વગાડો એટલે એની મેળે રવાના થઈ જાહે."
ગાડીના ડ્રાઇવરે કહ્યું, "ફોરેસ્ટની ગાડીમાં હોન વગાડવાની મનાઈ હોય સે."
ગેલો જીપનો દરવાજો ઉઘાડી હેઠો ઊતર્યો. કાયમી ગીરમાં ગાડી ચલાવતો હોવા છતાં ડ્રાઈવરના મનમાં સાવજનો ફડકો હતો. ડ્રાઈવરે તેનાં તરફનો જીપનો દરવાજો ના ઉઘાડ્યો અને ગેલાને પણ નીચે ઉતરવાની ના પાડી. તેમ છતાં ગેલો નીચે ઊતર્યો. હજી સામત તો તેની મસ્તીમાં જ બેઠો હતો. પરંતુ રાજમતીએ ઊભા થઈ પોતાના પૂંછડાને વળ દઈ પૂછડું ઊંચું નીચું કર્યું. આવી રીતે તેણે પોતાનાથી દુર રહેવા ચેતવણી આપી. ગેલા એ તેની સામે જોઈ જોરથી બૂમ પાડી,
"જો મરી ગઈ હે તે! આઘી ખશ."
સામત જાણે ગેલાનો અવાજ ઓળખી ગયો હોય! તેમ ઉભો થઇ બાજુમાં ઝાડીમાં જતો રહ્યો. રાજમતી ઘડીક રસ્તામાં જ ઉભી રહી, પછી તે પણ સામતની પાછળ પાછળ ઝાડીમાં જતી રહી.
હવે ગેલો ગાડીમાં બેસી ગયો. ડ્રાઇવર ગેલાની સામે નવાઈ ભરી નજરે જોઈ રહ્યો હતો. તેણે ક્યારેય ફોરેસ્ટર સાહેબો કે ટ્રેકર્સને પણ આટલી હિંમત કરતા જોયા ન હતા. ગાડીને સાસણ ઓફિસે પહોંચતા ઘણી વાર લાગી. ઓફિસે સવારથી DFO સાહેબ ગેલાની રાહે જ બેઠા હતા. ગેલો ઓફિસની બહાર ઊભો રહ્યો. સાહેબે તેને અંદર બોલાવી લીધો. સામે ખુરશીમાં બેસાર્યો." ગેલાભાઈ પહોંચવામાં ઘણું મોડું થયું."
" હા શાબ, આપડા ગીરનાં મારગ તો તમને ક્યાં ખબર નહીં? આ મારગે ફુરેસ્ટર શાબો ને અમી માલધારી જ હાલી હકીયે.ને અધુરામાં પૂરું મારગમાં હામત ને રાજમતી મળી જ્યાં'તા. ઈ રસ્તો રોકીને બેઠાં'તા. ઘડીક ઇને ખોટી કરી રાખ્યાં."
DFO સાહેબ હસવા લાગ્યાં,"ગેલાભાઈ આ સામત કેમ તમારા રસ્તા રોક્યા કરે છે? તમારે બેય ને કાંઈ જુનો ઝઘડો તો નથી ને?"
"શાબ, ઝઘડો નય અમારી જૂની ભાયબંધી સે. ને આ માલધારી ભાયબંધ હારુ થઈ ગમે ઈ કરે. ઈ ભાયબંધ હારુ થઈ હૂ કર્યું ઈ બધુ તમની આજ કેવા જ આયો સુ."
ક્રમશ:
(સામતની કહાની ગેલાની જુબાને વાંચતા રહો." નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621