Aa Janamni pele paar - 27 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૨૭

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૨૭

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૭

શિનામિએ આવીને દિયાનને સૌથી પહેલાં પૂછ્યું:'હેવાલી પાસે ગયો હતો?'

'હા, તું કહી ગઇ હતી એટલે જવું જ પડે ને? પણ મને એ ના સમજાયું કે પહેલાં તું એમ યાદ અપાવીને ગાયબ થઇ ગઇ કે હેવાલી સાથે નાતો તૂટી ગયો છે. પછી થોડી જ વારમાં પાછી આવીને કહી ગઇ હતી કે હેવાલીને મળવા જજે. મારે કંઇક જાણવું છે...તું અચૂક હેવાલીની મુલાકાત કરજે...'

શિનામિએ કોઇ જવાબ આપ્યો નહીં.

તે હસતી રહી.

દિયાન સવારથી એ વિચારમાં હતો કે શિનામિએ મને કેમ હેવાલી પાસે મોકલ્યો હશે? શું એ મેવાન સાથેની તેની વાતો જાણવા માગે છે? શિનામિ કંઇ કહી ગઇ ન હતી એટલે હેવાલીની સાથે શું વાત કરવી એની ગડમથલમાં એના રૂમ પર પહોંચ્યો હતો.

'તારી હેવાલી સાથેની મુલાકાત કેવી રહી? એ શું કહેતી હતી? મેવાન સાથેની કોઇ વાતો જણાવી કે નહીં?' શિનામિએ ઉત્સાહથી પૂછ્યું.

'તારા એક પણ પ્રશ્નનો જવાબ હું આપી શકું એમ નથી...'

'કેમ? હેવાલીએ કંઇપણ કહેવાની ના પાડી છે?'

'ના એવો પ્રશ્ન જ નથી. કેમકે હેવાલીએ દરવાજો ના ખોલ્યો. મેં કેટલીયવાર સુધી દરવાજો ખખડાવ્યો. એણે ખોલ્યો જ નહીં. કંટાળીને હું પાછો આવી ગયો હતો...'

'વાહ! સારી વાત છે. મારે એ જ જોવું હતું...'

'મતલબ?'

'મતલબ કે હેવાલી ખરેખર તારી સાથેનો સંબંધ તોડી ચૂકી છે ને? હવે તારી સાથે કોઇ નાતો નથી રાખવા માગતી ને? એના દિલમાં હજુ તારા પ્રત્યે કોઇ લાગણી નથી ને? એણે કોઇ પ્રતિસાદ ના આપ્યો એ પરથી લાગે છે કે એણે મેવાનને પોતાનો પતિ માની લીધો છે. એ પરીક્ષામાં પાસ થઇ ગઇ...'

'ઓહ! તું તો ખરી પરીક્ષક નીકળી! મને હેવાલી પર પૂરો વિશ્વાસ છે કે એ વચનની પાકી છે. તમને બંનેને અમે વચન આપ્યું એ પાળવા માટે જ છે. તને એના પર શંકા ગઇ હશે પણ મને વિશ્વાસ હતો કે એ દરવાજો ખોલશે નહીં. ખેર! એ બતાવ કે આખો દિવસ ક્યાં રહી અને શું કર્યું?'

'હું માનવ નથી એ ભૂલી ગયો? દિવસે અમે કંઇ કરી શકતા નથી. રાત્રિએ જ અમારું અસ્તિત્વ રહે છે. અમે ક્યાં જઇએ છીએ એ કોઇને કહી શકતા નથી. અમારી કેટલીક મર્યાદાઓ છે. તું જણાવ કે આખો દિવસ તેં શું કર્યું? મને યાદ તો કરતો હતો ને?'

'હવે તું જ તો છે મારા જીવનમાં. તને નહીં તો કોને યાદ કરું? મેં મોબાઇલ પણ થોડા દિવસો માટે બંધ રાખ્યો છે. અડધો દિવસ તો ઊંઘમાં પૂરો થઇ ગયો. આમ આપણે કેટલા દિવસ મળતાં રહીશું? હું માનવ છું. મારે બહાર જવું પડશે...'

'બસ! આજની રાત પછી આપણે કોઇ બીજું ઠેકાણું શોધીશું. જ્યાં કોઇ ખલેલ પહોંચાડી શકશે નહીં.'

દિયાનને સમજાયું નહીં કે શિનામિનું આયોજન શું છે? તે હેવાલીથી અલગ થયો છે. પરિવારથી પણ અલગ થઇ જશે કે શું? શિનામિનું માનીને તેણે કોઇ ભૂલ કરી નથી ને? તે ખરાબ રીતે ફસાઇ તો નહીં જાય ને? ભૂત-પ્રેતનો વિશ્વાસ કરી ના શકાય.

***

દિયાન અને હેવાલી ગયા પછી દિનકરભાઇ અને સુલુબેનને ઘર સૂનું સૂનું લાગતું હતું. બંનેએ સપનામાં પણ આવું વિચાર્યું ન હતું. જે ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજવાના સપના જોવાતા હતા ત્યાં અત્યારે સ્મશાનવત શાંતિ હતી.

દિનકરભાઇને ઓફિસે જવાનું મન જ થતું ન હતું. તે હિંચકે બેસીને વિચાર જ કર્યા કરતા હતા. હિંચકા પર ઝૂલવાનો આનંદ માણી શકતા ન હતા. કેટલા ઉમંગથી દિયાનના લગ્ન કર્યા હતા. પુત્રવધૂ હેવાલી પણ કેટલી સારી અને સંસ્કારી હતી? એક જ રાતમાં એવું તે શું થઇ ગયું કે એમણે અલગ થવાનો વિચાર કરવો પડ્યો. અમને પૂર્વજન્મના કોઇ પાપ નડી રહ્યા છે કે શું? ભગવાન કરે કે બંનેના મન પાછા મળી જાય અને સાથે રહેવા તૈયાર થઇ જાય.

દિનકરભાઇને બંધ હિંચકા પર વિચારોમાં ઝૂલતા જોઇ સુલુબેન કહે:'શું વાત છે? આમ ગૂમસૂમ કેમ બેઠા છો? દિયાન અને હેવાલીના વિચારો જ કરો છો ને?'

'બીજું મન પાસે કારણ પણ શું છે? એમને એક-બે મહિના માટે અલગ રહીને સંબંધ પાછો જોડાય એવી આશામાં સંમતિ આપતાં તો આપી દીધી છે પણ એક-બે દિવસમાં જ મન હારી રહ્યું છે. એ બંને સલામત રહે એવી પ્રાર્થના કરું છું. થાય છે કે એમને એક ફોન કરું..' દિનકરભાઇના સ્વરમાં હતાશા હતી.

'ના, ફોન બિલકુલ કરશો નહીં. એમણે ના પાડી છે. કોઇ બહુ જ ઇમરજન્સી હોય તો જ સંપર્ક કરવાનો છે. મને શ્રધ્ધા છે કે 'પ્રકૃતિ' ના સાંનિધ્યમાં એમના વિચાર બદલાશે. અલગ થવાનો નિર્ણય ભલે અચાનક કર્યો છે પણ ભેગા થવા કંઇક નિમિત્ત બનશે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ગયા જનમમાં મેં કોઇ પુણ્ય કર્યા હોય તો એમને ફરી એક જરૂર કરજે. આ જન્મમાં મને જેટલા દુ:ખ આપવા હોય એટલા આપજે. એ બંનેને સુખી કરજે...' બોલતાં બોલતાં સુલુબેનની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા.

'સુલુ, તને શું લાગે છે? એ બંને પાછા ભેગા રહેવા રાજી થઇ જશે?' દિનકરભાઇ કુતૂહલથી પૂછવા લાગ્યા.

'હા, મને દિયાન કરતાં હેવાલી પર વધારે વિશ્વાસ છે. એ જરૂર દિયાનનો સાથ પાછો મેળવશે...' સુલુબેનના સ્વરમાં આત્મવિશ્વાસ છલકતો હતો.

'સુલુ, તું આ કયા આધારે વિશ્વાસપૂર્વક કહી શકે છે?' દિનકરભાઇ ખુશ થતા પૂછવા લાગ્યા.

'કેમકે હું...' બોલતાં સુલુબેન અટકી ગયા. તેમણે નજર ફેરવી લીધી.

દિનકરભાઇને થયું કે સુલુબેન બંને વિશેનું કોઇ રહસ્ય જાણે છે. પણ કહેવા માગતા નથી.

ક્રમશ: