Side in Gujarati Moral Stories by Hitesh Patadiya books and stories PDF | આડ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

આડ

"બોન સંજી ! તુંય ઓલકોર જાવા માંડી ?"

"ના..રે.. મુ તો લહણીયુંના ડાચા ગણવા જૈતી." જમનાના સવાલનો સટ કરતો જવાબ વાળીને સેજલ માદરપાટના કપડાંની ચાદર સરખી કરીને પોતાની જગ્યાએ ગોઠવાઈ.

તુરંત જમનાએ સાડીનો છેડો દાંત વચ્ચે દબાવ્યો. હાસ્ય છુપાવવાના ઇચ્છિત નિષ્ફળ પ્રયાસ સાથે ત્વરાથી પૂછ્યું, "તે.. ચેટલે પોગ્યો સે આંકડો ?"

"વંડીએ તો ઘણીય ચડી સે, હવે ઠેકે ઈ હાચી !"

"અને.. રઘલાનું ડાચું સું કેસ ?"

"હાંઠીયુંનો હલો તો ઝાઝો થ્યો સે. પણ ખાલી જોવાનો હરખ. એકેય હાંઠી હજી બારી કાઢીન બટકાવી હોય ઇમ લાગતું નથ."

આંખના ઇશારે દૂર હવામાં જરાતરા લહેરાતી મંદિરની ધજા તરફ ધ્યાન દોરતાં જમના બોલી, "કળજુગ ભલે રમતો હૈશે તોય હાચનું માતમ હાવ ગામતરે નથ્ય જ્યું."

જમના અને તેના જેવી ઘણી મહિલાઓ માટે દીવાલની આડશે દેખાતી ધજા માત્ર પણ જાણે ભરોસાનો ધગધગતો પુંજ હતો. વૈશાખી વાયરાની સાક્ષીએ ધોળે દિવસે કાલાં ફોલતી વખતે કંઈક વાતોના પહાડ રચાતાં અને ખોદાતાં. જે દુ:ખી કે બિચારી સાબિત થવાની અણિએ આવે એની નજર ધજા પર મંડાતી.

આમ તો આવી જગ્યા જીન તરીકે વધુ જાણીતી હોય છતાં "આડ" પણ કહેવાતી. ખુલ્લાં મેદાનમાં એક બાજુ પાકી દીવાલ અને ત્રણેક બાજુએ કપડાંની વાડ બાંધી હોય અને માથે ચંદરવાની છત. કડક કાલાંમાંથી રૂ ખેંચી કાઢવાનું કામ મજાનું તો નહીં પણ બે પૈસા રળવા આખી આડ ઊભરાતી. એક મણની એક ધડી ગણાય. એક ધડી કાલાં ફોલવાની મજૂરી સામે પૈસા તો મળતાં પણ સમય ઘણો જતો. ઘરે બેઠાં કાલાં ફોલવાંની પણ છૂટ તો હતી પણ એમાં મળતર ઓછું રહેતું. "ઘરે લઈ જાય એટલે રૂમાં ધૂળ ને પાણીનો ભેગ કરીને ચોરી થાય જ." મુજબની શેઠિયાઓની કાયમી સમજણ અને અનુભવ. વળી ઘરે લઈ જનાર પાસેથી ઠાલિયાં પરત લેવાના નહીં એટલે મફતનું લગીર બળતણ પણ મળી રહે - એ પણ શેઠિયાંની નજરનો તર્ક.

આડમાં હાજર રહીને કાલાં ફોલવાંનો ઉદ્યમ એટલે ઘણી મહિલાઓ માટે તો પેટ છૂટી વાતો કરવાનો અવસર. ઘાણીના બળદ સમાન જિંદગીમાં કંઈક નવાઈ અને જીભના તાળા ખોલવાની તક. સાથે સૌના બીજાં લક્ષ્યો પણ ખરાં. કોઈ આ દોઢેક મહિનાની સિઝનમાં પોતાના અને સંતાનોના બે-ત્રણ જોડી નવા કપડાંની જોગવાઈ પામે. કોઈ એકાદ ચીજ ખરીદવા સક્ષમ બને. કોઈ ઉનાળા બાદ ફરવા જવાના ખર્ચનો સરવાળો સાધે. તો કોઈ વળી પોતે વધુમાં વધુ કેટલાં કમાઈ શકે તેની એકબીજાની સરખામણીએ સ્પર્ધામાં હોય.

વહેલી સવારથી ગામને આવકારતી આડમાં ટાઢા પહોરના લીધે ભીડ રહેતી. નાની ઉંમરની અને કામમાં ઝપટ રાખતી મહિલાઓ ખાસ બપોર ચડ્યાં અગાઉ ઘણું કામ ખેંચતી.

આડમાં માંડવા નીચે બેસવાનું રહેતું. ધડી લેવા પરિસરમાં સામા છેડે સુધી જવાનું રહેતું. વચમાં ભેગાં થયેલ રૂનાં ઢગલાની જરા આડશ રહેતી. જોખનારા મણ કાલાં જોખીને ગાંસડી બંધાવે એટલે માથે ઉપાડીને પોતાની બેઠકે લેતું આવવાનું. પોતપોતાના કાલાં સૌ સાચવતાં. ફોલીને કાઢેલ રૂ સાચવવાની જરૂર નહોતી. કામદારો વારંવાર રૂ ભેગું કરીને લઈ જતાં. પોતાના કાલાંમાં કોઈ ટીખળી ખોબો ભરીને કાલાં ઠલવે એટલે તુરંત સામી પ્રસાદી જમા કરી દેવાતી.

ઘણાં દિવસથી ચણભણ વહેતી થઈ હતી. ગત વર્ષ કરતાં મહેનતાણાંમાં વધારાની આશા પર પાણી ફરી વળ્યું હતું. છતાં શેઠ કદાચ સિઝન પૂરી થાય એ પહેલાં વધારો કરશે તેવી હવા હતી. જેનો કોઈ આધાર નહોતો. એક બીજી પણ હવા દબાતાં સ્વરે વહી રહી હતી. ખાસ કરીને મહિલાંઓમાં. અમુક મહિલાંઓને ધડીના તોલમાં ફાયદો થઈ રહ્યો હતો. પારખું નજરોમાં રઘલાંની હાથકરામતની શંકા મપાઈ ગઈ હતી. ઠઠ્ઠા મશ્કરીના છુટ્ટા દોરના બદલામાં મળતો લાભ લેનારીઓની સંખ્યા વધવા લાગી હતી.

ચણભણ બજાર પણ ગરમ થવા લાગ્યું હતું. લાભ લેનારી ટોળીની એક સભ્યની ધડી થોડી ઝડપથી ફોલાતાં જ સંજીએ ટોણો માર્યો, "બાચકુંક કાલાં તો દાંત હારે જોખતાં જ વેરાણાતાં - તે ઉતાવળી જ હોયને !"

સાંભળનારામાંથી અમુકને સમજણ ના પડી પણ જેને પડવાની હતી એને મનમાં થડકા સાથે પડી. જમનાએ હાથના ઇશારે સેજલને વધુ બોલતા અટકાવી.

બીજા દિવસે પણ દબાતા સ્વરે આખી આડની ચબરાક મહિલાઓમાં વાત ચર્ચાતી રહી. આમ તો રઘુ બપોરે જમવા માટે ઘરે જતો પણ આજે રઘુની ઘરવાળી રાધા ટિફિન લઈને આવી હતી.

રઘુ આડનો માલિક નહોતો પણ તમામ વહીવટ એના થકી જ થતો. માલિક પણ બે-ત્રણ ધંધા આદરીને બેઠેલાં. એટલે ખરીદી, મુસાફરી, ચર્ચા વગેરેમાં વ્યસ્ત રહેતા હોવાથી રોજ આવી શકતા નહોતા. આવે તો પણ અલપઝલપ.

જ્યારે રાધા આડમાં આવતી ત્યારે સૌની આંખો તેને જાણે શેઠાણીનું સન્માન આપતી. જેનો રાધાને લગીર ઉમળકો થાતો પણ એનું દિલ સાફ હતું. રઘુના એકેય અપલખણની સામે રાધામાં એવો છાંટોય જોવા મળતો નહોતો.

રઘુ ટિફિન જમવા લાગ્યો તો રાધા આડમાં કામમાં વ્યસ્ત એની પાડોશણો અને બહેનપણીઓ સાથે ગપાટે બેઠી. સેજલ થોડીક જ દૂર હતી. સેજલે હસતા મોઢે ખાસ અંદાજમાં કહ્યું, "રાધારાણી હમણેથી કોપભવને લાગેસેને કાંય !"

સામેથી જવાબ મળ્યો, "ના રે, મારે વળી શેનો કોપ ?"

"લે, તાણ મોહન ઇમનમ કંય થોડોક મૂરઝાતો હૈસે ! "

વાક્યમાં 'મૂરઝાતો' શબ્દ સાંભળીને જમનાને હાશ થઈ. બાકી મનમાં વિચાર્યુ હતું કે, "આજ તો આ સંજી રઘલા ને રાધાની વચમાં દેતવો મેલીને જ જંપવાની."

રાધાને નવાઈ લાગતા પૂછ્યું, "કુણ મોહન વરી !"

"અલી... કુણ તે તારો ભરથાર. તું રાધા ને ઈ રાધાનો મોહન. લે.. બધોય ફોડ પાડવાનો !" બોલતાં બોલતાં સેજલે શબ્દોના આરોહાવરોહ સાથેનો એટલો સરસ અભિનય કર્યો કે એની વાતના મૂળમાં રહેલ મુદ્દાને રાધા પામી ન શકી અને હળવી મજાક સમજી બેઠી. જોકે આસપાસની ઘણી મહિલાઓને મનમાં ઊંડે સુધી સેજલનો સંદેશ ઝીલાયો હતો.

રાધાએ પૂછ્યું, "હા ઈ તો હાચુ પણ ચ્યમ આજ એવું પૂસવાનું થ્યું ?"

"અલી ઝાઝું તે કાંય નૈ. આ તો રાધારાણી ઘણે દા'ડે ભાતું દેવા આયા તીમા."

રાધા શરમથી તો અન્યો વિવિધ ભાવ સાથે હસ્યાં. રાધાને કાલાં ફોલવાની જરૂર નહોતી છતાં થોડું રોકાઈ. એક જ જગ્યાએ ઘણી સખીઓ સાથે બે-અઢી કલાક વાતું કરવાનો લાભ લીધો. પછી રઘુની રૂમ તરફ ગઈ અને પાછળ બનેલી ચોકડીમાં ટિફિન ધોવા લાગી. સેજલ હળવેકથી એ બાજુ ગઈ અને રાધા સાથે વાતે વળગી.

સહેજ વાત પછી સેજલે મૂળ મમરો મૂક્યો, "આ ધડીયુંના તોલમાં હમણેથી બૌ ઠેકાણાં નૈ હોં. અમુકને ઓસા કાલાંએ ધડીયું બંધવી દે સે."

"ઈ તો મણેક કાલાં જોખે તૈ લગીર તો આઘુંપાસું રે'વાનું."

"હકન.., લગીર તો રે'વાનું પણ-"

"પણ શું ?"

"દાંતડા કાઢવામાં મોહનના તરાજવા ભૂલું કાઢે તૈયે લગીર ધીયાન દેબુ હારું. ઘણી ધડીયુંમાં તે નકરાં લારિયાં કાલાં જ ગરકી જાય સે ઈય નવાઈ જેવું શે. મારે તે બોન શું વાંધો હોય પણ આ ઓણસાલ ધડીએ મળતરમાં વધારો કરવાની વાતુ હતી. હરવેક રઈન ઈ વાતુનો વાયરો થૈ જ્યો ઈમાં મને આ રમતુનો ભાગ લાગ્યો."

સેજલનો અગાઉનો ટોન પણ યાદ આવી જતાં રાધાને ઊંડો ચમકારો થયો. એ કંઈ બોલવા જાય એ પહેલાં સેજલ ઝપાટાભેર જાતતપાસની વણમાગી સલાહ આપીને રવાના થઈ ગઈ હતી.

રાધા રઘુની રૂમ કમ ઓફિસ કમ ઘણી ચીજોના ગોડાઉનની બારીએથી ઝીણી આંખે એકાદ પુરાવો શોધવાનો પ્રયત્ન કર્યો. જે નિષ્ફળ રહ્યો. એટલે ઇશારાથી જગલાને બાજુમાં બોલાવીને થોડી પૂછપરછ કરીને ઘણું જાણી લીધું.

કશું બોલ્યા વિના રાધા બહાર નીકળવા જ જતી હતી એવામાં 'ચા'નો સાદ પડ્યો. રાધાને અડધો ડઝન સખીઓએ આમંત્રણનો ઇશારો કર્યો.

આડમાં માલિકના ખર્ચે રોજ એક વખત 'ચા' ની વ્યવસ્થા કરાતી હતી. રાધા મંડપ પાસે પહોંચી. 'ચા' પીરસનારા બે જણા હોય. એક ડોલમાં રાખેલી રકાબી વહેંચે અને બીજો 'ચા' આપતો જાય.

સેજલનો વારો આવતાં જ અલગ પ્રકારની રકાબી આપવામાં આવી. એની બાજુમાં બેઠેલી જમનાને પાછી અન્યો જેવી રકાબી અપાઈ. સ્પષ્ટ બે ભાગ જણાતાં હતાં. રાધા અને સેજલની નજર એક થતાં જ આજે અલગ મૂડમાં આવેલી સેજલે કહ્યું, "એ ઘણાંના લોય અલગ સે તૈ આ રકાબીયુંય અલગ સે."

રાધા માટે આ દૃશ્યની નવાઈ તો નહોતી પણ સેજલના અણિદાર શબ્દો અને લહેકાથી રાધાને જાણે પીડા થઈ હતી. રાધા 'ચા' પતાવીને તુરંત રવાના થઈ.

સાંજે રાધાએ રઘુને ધડીની મજૂરી વધારવા અને તોલમાપમાં લાલિયાવાડી વિશે હળવેકથી વાત કરી જોઈ. રઘુ અકળાઈ ગયો અને ધંધામાં માથું ના મારવા કહી દીધું. ટિફિન લઈને ના આવવા પણ કહ્યું. રાતે રાધાના મનને સેજલના શબ્દો સતત વીંધી રહ્યા હતા. રાધાએ ખાસ વાતે મન બનાવી લીધું હતું.

બીજા દિવસે રઘુના સાઢુભાઈનો સંદેશો મળ્યો. જમીનના કામે રઘુને ત્રણેક દિવસ માટે તેડાવ્યો હતો. રઘુની ગેરહાજરીમાં જગલાએ આડ સંભાળવાની હતી. રઘુ બપોર બાદ રવાના થઈ ગયો હતો.

રાધા સાંજે આડના માલિક એવા શેઠના ઘરે પહોંચી. અલકમલકની સહેજ વાત બાદ મૂળ મુદ્દા પર આવતા બોલી, "તે... હેં શેઠ તમે શેરમા ફરો તે ઈયાં બાયુનું ગામ કરતા બૌ માન હોય ?"

શેઠે હસતાં હસતાં જવાબ આપ્યો, "હા, થોડી છૂટ વધારે હોય. રહેણીકરણીનો ભેદ તો હોય જ."

"ઈ તો ઠીક પણ આ ઘરના ધંધા ને વૈવટ હોતમાંય તે બાયું બોલી હકે ?"

"હા, ઘણાં ઘરમાં એવું હોય છે ખરું."

"તે આંયા ગામમાં ચ્યમ અમે દબાયેલાં હૈશું ?"

"લે, તને વરી શું થયું ? રઘલાએ કંઈ કર્યું કે શું ?"

"ના રે. કોઈએ કાંય નથ કર્યું પણ કરવા દે એવું લાગતુંય નથ એટલે આ તો જબાને આયું."

"એ... ફોડ પાડ તો ખબર પડે."

"ગામમાં બાયું હુંશિયાર હોય ને કાંઈક વૈવટમાં ચાંચ ખોહવા જાય તૈ ગામના ભાયડાં સાથ આલે ?"

"એતો કામનો પ્રકાર અને બાઈ માણસની આવડત પર બધો આધાર. કોની વાત છે ?"

"કોની તે વરી મારી. આ રઘુ તૈણ દા'ડા બાયણે જ્યો શે. આડનો વૈવટ જગલો કરવાનો. મને ઈમ થા...ય કે જો મુ થોડો ભાગ લઉં તૈ અમુક હારા કામ થાયે ખરાં."

"તે હાલ શું આડમાં કાંઈ ખરાબ કામ થાય છે ?"

"ઈમ નૈ શેઠ. પણ જો, એક તો ધડીએ મજૂરી વધારવાની વાતનું ઓણસાલ કાંય થ્યું નૈ. તે મારી જ બેનપણીયું મને ટોચાં મારતી હોય શે. ને બીજુંય કામ સે પણ ઈ બાયુની વાત."

"હા, મજૂરીવાળી તારી વાત તો સાચી પણ આ બીજી તે શી વાત હતી ?"

"બીજી વાત ઈ કે બાયુ હારુ જો આડમાં જ એકાદ ખૂણે બાથરૂમ જેવું ઊભું કરવી તો બારે ના જાવું પડે. આ રઘલા ને જગલાને આવું બધું ના હૂઝે. જો તૈણ દા'ડા મને વૈવટ આલો તો મારો વૈવટનો અભરખોય પૂરો થાય અને રઘલોય જરીક મારી હામે ઘરમાં હેઠો હાલે. "

શેઠ હસી પડ્યાં અને તુરંત રાધાના એકેએક શબ્દને મનમાં મમળાવી રહ્યાં. થોડું વિચારીને કહ્યું, "જા તને રઘલાની જગ્યાએ વહીવટની જવાબદારી આપી. કાલથી મજૂરી વધારવાની જાહેરાત પણ તું કરજે અને ત્રણ દિવસમાં તારું પેલું બીજું કામ પણ પતાવજે. પૈસા મગનકાકા પાસેથી મળી જશે. ખાલી તારા પર ભરોસો નથી રાખ્યો પણ આખા ગામની બાયુંની હોશિયારી પર રાખ્યો એમ જાણજે. કારણ કે તારા કામની એ બધીને અસર થશે. ખાસ તો ભાયડાઓના મનમાં."

રાધાએ ચારેક વખત આભાર માન્યો. બધી વાત સાંભળીને ખુશ દેખાતાં શેઠાણીને પણ હાથ જોડીને ખુશીના ઉભરે રાધા રવાના થઈ. બીજી બાજુ શેઠે જગલા અને મગનકાકાને પણ તેડાવ્યાં અને મોટું મન રાખીને રાધાને સાથ સહકાર આપવાની સૂચના આપી દીધી.

રાધા સવારે વહેલાં જ આડમાં હાજર થઈ ગઈ હતી. આજે ધડી લેવા લાઇન લાગે એ પહેલાં જ વીસેક ધડીઓ બંધાઈને તૈયાર પડી હતી.

રાધાએ ઇશારો કર્યો અને જગલાએ સૌને નવી સૂચના આપી, "એ... જીને જી ધડી લેવી હોય ઈ લૈ લો. હવે રોજ ધડીયું જોખાય ઈ પસી જ આંય લેવા આબબાનું સે. લારિયાં કાલાં હૈશે તો ઈ બધી ધડીયુંમાં બે તૈણ બાચકાં જ હૈશે. બધી ધડીયું હરખી જ સે."

'ચા' નો સમય થતાં જ રકાબીની વહેંચણી ચાલુ થઈ. આજે એક જ ડોલ હતી અને તમામ રકાબી નવી અને એક જ ડિઝાઈનવાળી હતી. ઘણાંના ભવાં ચડ્યાં પણ રાધાએ રોકડું પરખાવ્યું, "એ હરખે હરખાં લોયની હરખે હરખી રકાબીયું. એ... બોચી પકડીન પીવરાવવાની નથ. ઇચ્છા ને ચોખું મન હોય ઈ લે બાકી હરી હરી."

સાંજ પડતાં સુધીમાં વાંસ, પતરાં વગેરેથી એક ખૂણે કામચલાઉ બાથરૂમ ઊભું થઈ ગયું હતું. જે અંગે રાધાએ ત્રણ ચાર મહિલાઓને બાજુએ લઈ જઈને માહિતી આપી અને થોડાં દિવસમાં પાકા ચણતરની પણ જોગવાઈની ખબર આપી. દસેક મિનિટમાં જ એ સમાચાર લાગુ પડતી તમામ વ્યક્તિઓના કાને પહોંચી ગયાં હતાં.

રાધા આજે સતત ધડી જોખનારાં પર ધ્યાન રાખવું, બાથરૂમનું કામ વ્યવસ્થિત થાય તે જોવું વગેરેમાં વ્યસ્ત રહી હતી. મગનકાકા અને જગલા સાથે પણ માથાકૂટની રમઝટ બોલી હતી. જેમાં નવી રકાબીઓનો ખર્ચો, ધડી જોખવા અને સોંપવાની નવી રીત વગેરે મુદ્દે રાધાએ બંનેને સારી પેટે રમાડ્યાં હતાં.

એક સમયે મગનકાકાને "ભરોહો ના હોય તો જાવ શેઠાણીને અબઘડી પૂછી જોવો. વાત થઈ તૈ ઈ હાજર જ હતાં." જેવો હવામાં ગોળીબાર કરીને પણ ધાર્યો વહીવટ પાર પાડીને સોંપો પાડી દીધો હતો.

મગનકાકા અને જગલા સાથેની બધી માથાકૂટ બાદ જ છેલ્લે મહેનતાણાંમાં વધારાની જાહેરાત કરીને તો આજે આડમાં હાજર સૌને સુખદ આંચકો આપી દીધો હતો. ગામ આખામાં આજે આડમાં રાધાએ કરેલાં તમામ પરિવર્તનના તરંગો વીજળીવેગે ફરી વળ્યાં હતાં.

છેક સાંજે રાધા અને સેજલની આંખો ચાર થઈ અને જાણે અલગ જ ઊર્જાસેતુ રચાયો. ત્યાં જ શેઠ પણ આવી પહોંચ્યા. જગલાએ અતિઉત્સાહથી બધી વાત ઠાલવી દીધી. છૂટ કરતાં વધુ અને અલગ કામ વિશે ભાર દઈને કીધું. મગનકાકાએ પણ હામી ભરી હતી. બંનેનું બોલવાનું પૂર્ણ થતાં જ રાધાએ મક્કમતાથી હસતાં મોઢે શેઠને કહ્યું, "શેઠ, હમજણ ને જરૂર બેય ઠેકડાં મારતી હોય તૈ મારે હારો વૈવટ તો કરવો જ ને !"

શેઠ કંઈ બોલે એ પહેલાં સેજલે પણ સાથ આપ્યો, "અરે બોન તેં હંધુય હારું જ કર્યું સે. અને તે વરી થોડું તારા હારું કર્યું સે તે કોઈને ઈર્ષા થવી ઘટે !"

શેઠ રાધાના વખાણ કરીને મગનકાકા અને જગલાને સાથ ચાલુ રાખવાની સૂચના આપીને રવાના થઈ ગયા. રાધા અને સેજલ - બંનેના ગાલ પર ઘાટી લાલિમા સ્પષ્ટ જણાતી હતી.

પવન પણ સરસ ચડ્યો હતો અને પેલાં મંદિરની ધજા આજે પૂરા જોશમાં ફરકતી દેખાતી હતી.

આજે અમુક નકામી આડશ ધ્વસ્ત થઈ હતી તો અમુક જરૂરી આડશ ઊભી થઈ હતી. સેજલે ચાંપેલી સુ-ચિનગારીના પ્રભાવે કોમળ હાથવાળી રાધાએ આજે સખતાઈ અને ચતુરાઈથી એક ચેતના જીવંત કરી બતાવી હતી. જેની મૂક સાક્ષી બની હતી - આડ.

***

રઘુ પાછો આવ્યો ત્યાં સુધીમાં તો આડમાં સૌ નવી વ્યવસ્થાથી ટેવાઈ ગયાં હતાં. રઘુ જેમજેમ હકીકત જાણતો ગયો તેમતેમ મૂંઝાતો ગયો. રઘુએ ગામ આખાના મોઢે રાધાના વખાણ સાંભળ્યા હતાં. આથી પોતે પણ વખાણના બે શબ્દ તો બોલ્યો જ.

તે રાધાને કંઈક પૂછવા તો માંગતો હતો પણ ભૂતકાળમાં રાધાએ માત્ર તોલમાપ વિશે અછડતો જ સવાલ કર્યો હતો. તેને ઊંડે ઊંડે ત્રણ દિવસના ફેરામાં મળેલ નિષ્ફળતા અને સાઢુભાઈના વર્તન અંગે પણ કંઈક સમજ પડી હતી.

ઘણું વિચારીને તે માત્ર રાધાના વ્યક્તિત્વનો નવો મિજાજ અને ચહેરાનો નવો ઉજાસ જોતો રહ્યો. રાધાએ કોઈ જ ટોણો નહોતો માર્યો. આથી રઘુ પાસે પણ હવે એક જ રસ્તો હતો. આડમાં કામકાજમાં અને રાધા સાથે વાતચીતમાં હંમેશ માટે રાખવાની હતી - શાણપણની આડ.

***