રાજા વિરાટનાં કક્ષમાં શોર્યસિંહ, વિરાટ, સુકુમાર, દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય નક્ષ અને લક્ષની રાહ જોઇને ઊભાં હતા.બધા રાજકુમારો શું વાત હશે એ જાણવા માટે ઉત્સુક હતાં. વિરાટનાં કક્ષમાંથી નીચેનો બગીચો સરસ દેખાતો હતો. ત્યાં રાજકુમારી વૈદેહી,રાજકુમારી વેદાંગી, આર્યા અને પદ્મિની બેઠાં હતાં.થોડાં સમય બાદ લક્ષ અને નક્ષ ત્યાં આવ્યાં.
“પ્રણીપાત.”તેઓએ કહ્યું.
“કલ્યાણ હો.”
“પુત્રો કાલે રાજસભામાં બધા પ્રજાજનો સમક્ષ વાત રજુ કરું એ પહેલાં મારે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત જણાવવી છે.”વિરાટે કહ્યું.
તેઓની વાત સાંભળીને બધા રાજકુમારોએ તેમની સામે ઉત્સુકતાથી જોયું.
“પુત્ર દુષ્યંત, હવે તારું શિક્ષણ પણ પૂરું થઇ ગયું છે અને તને રાજનીતિ વિશે પણ સારી એવી માહિતી છે.માટે અમે એટલે કે કાકાશ્રી શોર્યસિંહ, સુકુમાર અને મેં સહમતીથી એ નિર્ણય લીધો છે કે સારું મુહૂર્ત જોવડાવીને તારો યુવરાજ પદે રાજ્યાભિષેક કરાવી દઈએ.”
વિરાટની વાત સાંભળીને દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય ખુશ થઈ ગયા. નક્ષ કંઇક કહેવા ગયો પરંતુ લક્ષે તેનો હાથ દબાવી રોકી લીધો.
“પુત્રો,તમને અમારો નિર્ણય સ્વીકાર્ય તો છે ને?”વિરાટે પૂછ્યું.
“હા, સહર્ષ સ્વીકાર્ય છે.”યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય એકી સાથે બોલી ઉઠ્યાં.
“હા, અમને તમારો નિર્ણય સ્વીકાર્ય છે.”નક્ષ અને લક્ષે પણ કમને હા કહી.
“કાકાશ્રી,તમે બીજી કંઇક વાત પણ જણાવવાના હતાને?”વિસ્મયે પૂછ્યું.
“હા પુત્ર, એ પણ કહું છું.”
રાજા વિરાટે દુષ્યંતનાં ખભા પર હાથ રાખ્યો અને કહ્યું,
“પુત્ર દુષ્યંત, તારો રાજ્યાભિષેક થશે ત્યાર બાદ આપણા મિત્ર રાજ્યોના રાજા પોતાની પુત્રી માટે વિવાહ પ્રસ્તાવ અવશ્ય રાખશે. તો તું વિવાહ માટે તૈયાર છો ને?”
તેની વાત સાંભળીને દુષ્યંત ઉદાસ થઈ ગયો પરંતુ તેણે પોતાના મુખ પરની રેખાઓ બદલાવવા ન દીધી.જવાબ આપતાં પહેલાં તેનાથી નીચે બગીચામાં ઉભેલી આર્યા સામે જોવાઇ ગયું.
“પિતાજી, તમે જે કંઇ કરશો એ મારાં હિત માટે જ કરશો.માટે તમે ભવિષ્યમાં મારાં વિવાહને લઈને જે પણ ફેંસલો કરશો એ મને માન્ય રહેશે.”દુષ્યંતે મક્કમતાથી કહ્યું.
તેની વાત સાંભળીને યુયૂત્સુ,અર્જુન અને વિસ્મય ત્રણેય ઉદાસ થઇ ગયાં કારણકે તેઓ જાણતાં હતાં કે પોતાના જ્યેષ્ઠ ભ્રાતાને આર્યા જ પસંદ છે.
થોડી સામાન્ય ચર્ચા કરીને બધા રાજકુમારો પોત-પોતાના કક્ષમાં ગયાં.
શોર્યસિંહે પોતાનાં કક્ષમાં આવ્યાં બાદ વિસ્મયને પોતાની પાસે બોલાવ્યો.વિસ્મય આવ્યો એટલે તેઓએ કહ્યું,
“પુત્ર વિસ્મય, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.”
…
થોડાં દિવસ બાદ પદ્મિનીનાં પગનો ઘાવ ભરાઈ જતાં તે નજીકનાં વનમાંથી ઔષધિઓ લેવાં ગઈ.અર્જુનને કોઈ રાજકીય કાર્ય હતું નહીં, તેથી તે પણ પદ્મિની સાથે ગયો.સૈનિકોની એક ટુકડી તેમનાથી થોડી પાછળ હતી જયારે
પદ્મિની અને અર્જુન ઔષધિઓ એકઠી કરવાં માટે વનમાં થોડાક અંદરની તરફ ગયાં હતાં.
“તમારાં પરિવારમાં કોણ-કોણ છે?”અર્જુને પૂછ્યું.
“રાજકુમાર, હું ઘણાં સમયથી એકલી જ ભ્રમણ કરી રહી છું.”પદ્મિનીએ અર્ધસત્ય કહ્યું.
“તમને એકલાં ભ્રમણ કરવામાં ભય નથી લાગતો?”
“એ ભયથી ખતરનાક બીજો ક્યો ભય હોઈ શકે?”પદ્મિનીએ ધીમેથી કહ્યું.
“શું?”
“ના, નથી લાગતો.”
“તમે બહુ જ બહાદુર છો.”
પદ્મિની કંઈક કહેવા ગઈ પરંતુ ત્યાં તો સામેની ઝાડીઓમાંથી કંઇક અવાજ આવ્યો.એ અવાજ સાંભળીને તે બંને સતર્ક થઇ ગયાં.અર્જુને પોતાનું બાણ કાઢીને નિશાનો લીધો.પદ્મિનીએ પણ એમ જ કર્યું.બંને પોતાનું નિશાન તાકી ઝાડીઓમાં થતી હલચલ નિહાળવા લાગ્યાં.
અચાનક ઝાડીઓમાંથી કંઇક બહાર આવતું હોય એવું લાગ્યું.તે જોઈને બંને વધુ સતર્ક થઈ ગયાં. અચાનક એ ઝાડીઓમાંથી બે -ત્રણ નાનાં-નાનાં સસલાઓ બહાર આવ્યાં. સસલાઓ જોઈને અર્જુન અને પદ્મિની હસી પડ્યાં.
“મને એમ કે વાઘ હશે.”બંને એકીસાથે બોલી ઉઠ્યાં અને ફરીથી હસી પડ્યાં. પદ્મિનીને હસતી જોઈને અર્જુન તેનાં તરફ જોઇ રહ્યો.તેણે પદ્મિનીની આંખોમાં અત્યાર સુધી માત્ર ગંભીરતા અને એક અજ્ઞાત ભય જ જોયો હતો.આજે તેની આંખોમાં નિખાલસતા જોઈને તે બસ તેની સામે જ જોઇ રહ્યો. આ વાતથી અંજાન પદ્મિની સસલાઓને રમાડવા લાગી.
...
આજે પદ્મિની,આર્યા અને બંને રાજકુમારીઓ વિરમગઢની સીમાએ,નિવાસોથી થોડે દુર આવેલ મંદિરે દર્શન કરવાં માટે આવી હતી. વિસ્મયે વૈદેહી અને વેદાંગીને દુષ્યંત અને અર્જુનને જે લાગણીઓ હતી આર્યા અને પદ્મિની માટે એનાં વિશે જણાવી દીધું હતું. તેથી બંને રાજકુમારીઓ આર્યા અને પદ્મિનીની ટીખળ કરી રહી હતી.
“વૈદેહી, જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત અને ભ્રાતા અર્જુન પણ સાથે આવ્યાં હોત તો કેટલું સારું હતું નહીં?”
“હા વેદાંગી, તું સત્ય કહી રહી છો. તેઓ પણ સાથે આવ્યાં હોત તો આપણે બધાને ગમત.”વૈદેહીએ આર્યા અને પદ્મિની સામે જોઇને કહ્યું.
“તમે જો અમારી સાથે આવશો તો અમને પણ ગમશે.”પાછળથી એક યુવાન બોલ્યો.
તેનો અવાજ સાંભળીને ચારેય ચોંકી ગઈ અને પાછળ ફરીને જોયું.પદ્મિની તેને જોઈને ચોંકી ગઈ.તે લૂંટારુઓનાં સરદારનો પુત્ર હતો.જે પોતાની મોટી ટોળકી સાથે હતો.
“તું ?”પદ્મિનીએ કહ્યું.
“તું ઓળખે છે આને?”આર્યાએ પૂછ્યું.
“હા,આ… .”પદ્મિની આર્યાનું નામ બોલવા અટકી ગઈ.
“આ લોકો તો મને જ આર્યા સમજે છે અને તે રાત્રીએ તેણે જે કહ્યું હતું એ પરથી તો લાગી રહ્યું છે કે તે અવશ્ય આર્યા એટલે કે મારાં માટે જ અહીં આવ્યાં છે. જો તેઓને ખબર પડી કે હું આર્યા નહીં પરંતુ પ…પદ્મિની છું તો તેઓ મારી સાથે-સાથે આર્યાને પણ નુકશાન પહોંચાડશે.માટે અત્યારે તેમનો વહેમ દુર ન થાય એ જ બધા માટે હિતાવહ રહેશે.”પદ્મિનીએ વિચાર્યું.
ત્યાં જ સરદારનો પુત્ર ફરીથી બોલ્યો, “ આર્યા, તારી સુંદરતા અને બહાદુરી મને ફરીથી તારી તરફ ખેંચી લાવી.હવે તારી પાસે બચવાનો કોઇ જ રસ્તો નથી. તારે મારી જોડે વિવાહ કરવાં જ પડશે.”
વૈદેહી ડરનાં લીધે ચિલ્લાઈ, “સૈનિકો.”
“તેઓને તો અમે ક્યારનાં માર્ગ પરથી હટાવી દીધાં છે.”સરદાર બોલ્યો.
તેની વાત સાંભળીને ચારેય ડરી ગઈ.
…
અર્જુન અને દુષ્યંત એક દુત સાથે ચર્ચા કરી રહ્યાં હતાં.
“રાજકુમાર, થોડાં દિવસ પહેલાં મેં તેઓની વિરમગઢની સીમા પાસે જોયા હતા.”દુતે કહ્યું.
“ઠીક છે.તું તેઓની વિશે જે કંઇ પણ માહીતી મળે એ તરત જ મારાં સુધી પહોંચાડતો રહેજે.”અર્જુને કહ્યું.
દુતનાં ગયાં બાદ વિસ્મય અને યુયૂત્સુ ત્યાં આવ્યાં.સામાન્ય વાતો બાદ અર્જુને કહ્યું.
“વૈદેહી અને વેદાંગી નથી?આજે મહેલમાં શાંતિ લાગી રહી છે.”
“જ્યેષ્ઠ, શાંતિ કે અશાંતિ ?”વિસ્મયે કહ્યું.
“અર્જુન,આ તારી અશાંતિ પાછળનું કારણ પદ્મિનીની ગેરહાજરી તો નથી ને?”યુયુત્સુએ કહ્યું અને હસવાં લાગ્યો.
“જ્યેષ્ઠ, તો તો તમારી આ અશાંતિ હમણાં દુર નહીં થાય કારણકે આર્યા અને પદ્મિની આપણી બહેનો સાથે માતાજીનાં મંદિરે ગઇ છે.”
“વિસ્મયની વાત સાંભળીને અર્જુન અને દુષ્યંત ચોંકી ગયાં અને પોતાના હથિયાર લઈને ભાગ્યા.
“જ્યેષ્ઠ, શું થયું?”
“વિસ્મય, થોડાં દિવસ પહેલાં લૂંટારુઓ પણ એ બાજુ દેખાયાં હતાં.”અર્જુને ભાગતાં-ભાગતાં જ કહ્યું.
તેની વાત સાંભળીને વિસ્મય અને યુયૂત્સુ પણ ભાગ્યાં.
...
શું રાજકુમારો આર્યા,પદ્મિની અને પોતાની બહેનોને બચાવી શકશે?