પત્ર -૧
પ્રિય યુગ્મા,
ગુડ મોર્નિંગ, આઈ નો, તું મજામાં હોઇશ, આમ તો આપણે રોજ જ મોબાઈલના વાતો કરીએ છીએ, પણ એમાં જે ફિલિંગ છે એ કદાચ સચવાય નહિ, બેકઅપ ક્યાંક ખોવાઈ જાય યા તો મોબાઈલ ખરાબ થઈ જાય તો આપણી આ દિવસનો યાદોનું શું? મારે તારી જોડેના દરેક પળોને મારી યાદોમાં સમેટવા છે. તે મને માં બનવાની ખુશખબરી આપી એ પલથી મે દરેક અવસરને ક્યાંકને ક્યાંક કેદ કર્યા છે પણ હવે તું પિયર ગઈ ત્યારથી આપણી દુરી ક્યાંક વધી ગઈ હોય એવું જણાય છે. હું દૂર રહેતા છતાંય આપના જીંદગીના આ સુંદર અવસરને અક્ષરોમાં કંડારીને આપના બાળકને વંચાવવા માંગુ છું. મને ખ્યાલ છે તું મને આમાં પૂરેપૂરો સહયોગ કરીશ.
સવારે ઊઠ્યો તરત એમ જ હતું કે તું હમણાં જ કોફી લઈને આવીશ મારા માટે, પણ નિસાસા સહ મારું દિલ તને મિસ કરવા લાગ્યું, બેબીશાવર પછી મને એકલો મૂકીને હસમુખભાઇને ઉર્ફ મારા પ્રિય સસરાના ત્યાં ધામા નાખીને બેઠી છે! તને સમજાતું નથી કે અહી તારા વગર મારે કેટલી ઉપાધિ છે.તારા વગર મને દરેક કામ કરવા માટે પાંગળો બનાવી દિધો છે.તું ક્યારે આવીશ એના દિવસો મે હવે ગણવાના ચાલુ કરી દીધા છે.
તારી તબિયત તો સારી હશે, તું તારી અને આપના આવનારા બાળકને બરાબર સાચવતી હોઇશ. એ તને કિક કરે તો તારે એને જરા મીઠું વધીને શાંત કરી દેવાની તારી વાત મને બહુ યાદ આવે છે. મારે તો તને જવા જ નહોતી દેવી, પણ આ રિવાજોમાં માટે તેને દૂર કરવી બહુ દુઃખદાયક છે. તું ખાવામાં જે નખરા કરે છે એ મને જરાં પણ નહિ ગમતું, તું ટાઈમે દવા અને ફ્રૂટ જ્યૂસ પી લેજે, આપના બેબી માટે અને તારા માટે એ હમણાં બહુ જ મહત્વનું છે.
તારી ડોક્ટરની ફાઈલ અહી જ રહી ગઈ હતી, તારી આ ભૂલવાની આદત તો ખબર નહિ ક્યારે જશે? આ તો ફાઈલ ભૂલી ગઈ, જોજે થોડા દિવસમાં મને ના ભૂલી જાય? નહિ તો હું બેબીનું મોઢું જોવા આવું તો કહેશે ભાઈ તમે કોણ? મજાક કરું છું.
હું તારા પત્રની રાહ જોઇશ. જોઉં તો ખરાં મારા બેબીની મમ્માને લખતાં આવડે છે કે નહિ?!
મિસ યુ લોટસ યુગ્મા અને માય બેબી!
.......................................................
પત્ર -૨
પ્રિય અલય,
તારો પત્ર મળ્યો અને મેં એને વાંચ્યો, ખૂબ સરસ લખ્યું છે! આજકાલ મોબાઈલના જમાનામાં તારા આ રીતે પત્ર લખવાની ઢબ મને બહુ જ સારી લાગી, આજે મે કેટલાય વર્ષો બાદ પેન હાથમાં લીધી હોય એવું લાગ્યું, બાકી મારા ટેરવા તો લેપટોપ અને મોબાઈલની સ્ક્રીનમાં ઘસાઈ ગયા!
મને ખબર છે તું મારા વગર સાવ સુનો પડી ગયો છે, પણ આપણી આ જુદાઈ આપણા પ્રેમને હજીય ગાઢ કરશે એની મને ખાતરી છે. લગ્નના ત્રણ વર્ષ એકસાથે રહ્યા હોઈ પછી અચાનક પાંચ છ મહિનાનો વિરહ આવી જાય એ ઘણો વેદના સભર હોય એ સ્વાભાવિક છે. મારા માટે પણ કઠિન જ છે, પણ.... અહીં મમ્મી પપ્પાને પણ એમની જવાબદારીઓનું વહન કરવાનો અવસર છે, વિદાય કર્યા પછી દીકરી જોડે રહેવાનો એમને માટે પણ એક અવસર છે, પછી તો આખો જન્મારો મારે તારા સંસાર ભેગો જ છે ને!ઉપર થી તું અત્યાર જલસા કરી લે, પછી તો તને બેડરૂમમાં સૂવાની જગ્યા પણ ઓછી મળશે! હું તો આવીશ સાથે એક નાનકડું મહેમાન પણ મારી સાથે તારું મગજ ખાસે!
તું ત્યાં રહે પણ મારી આ રીતે ખ્યાલ રાખે છે એ જાણીને હું ખુશ છું, મારુ સૌભાગ્ય કે તું મને એક જીવનસાથી તરીકે મળ્યો, મને આશા છે કે તું એક પ્રેમાળ પિતાની પણ ભૂમિકા ખુબ સારી રીતે નિભાવીશ. મારો દિવસ તો અહીં તને યાદ કરતા જ પૂરો થાય છે, મમ્મી જોડે વાત કરતી હોઉં કે બીજ કોઈની સાથે વાત કરતી હોઉં મારા મોઢે અલય અલયની માળા ઘટતી નથી, હવે તો અહીં બધા મારી ઠેકડી ઉડાવે છે કે 'અલયને પણ ભેગો જ લઇ આવવો જોઈએ ને!'
મને ખ્યાલ છે કે તું મારી મોર્નિંગ કોફી મિસ કરે છે, પણ મેં મમ્મીને કહ્યું છે કે તને આ કોફીની આદત ભુલાવડાવાની છે, એટલે એ સવારે નથી આપવા આવતા, હવે તો તું બાપ બનવાનો છે, તો આવી રીતે બ્રશ કાર્ય વગર કોફી થોડી પીવાય? તને આમ જોઈએને તારું બચ્ચું પણ એવું જ કરશે! પછી મારે એક ની સાથે બેને વઢવા પડશે નહિ!?
હું રોજ મોર્નિંગમાં દૂધ પી લઉં છું અને દવા પણ લઇ લઉં છું, ખાલી મને એપલ નથી ભાવતાં તો એને ખાતા મને સૂગ થાય છે, પણ તારા પ્રિય સાસુમા મને તારી ગરજ પુરી પડે છે, તારી જેમ જ વઢીને મને સારી પેઠે એ એપલ પૂરું કરાવડાવે છે એટલે તું ચિંતા ના કર! તારી ધર્મપત્ની અહીં એના પિતાની રાજકુમારી છે માટે એને જરાય ઓછું નહિ આવે!
મને ફાઈલ મળી, કાલે અહીં ડૉક્ટર ઋષભ જોડે અપોઇન્મેન્ટ મળી છે, હું અને મમ્મી જઈ આવીશું, પછી તને જે હશે એ જણાવીશ.તું મારુ બહુ ટેનશન ના લે, હું મારુ અને તારા બેબી બન્નેનું સારી રીતે ધ્યાન રાખું છું.
હા તું પણ તારું ધ્યાન રાખેજે, તારા વધુ શબ્દોની રાહ જોતી તારી યુગ્મા!
......................................................
પત્ર -૩
પ્રિય યુગ્મા,
આજે સવારથી તારા પત્રનો રાહ જોતો હતો, હતું જ કે આજે તારો રિપ્લાય આવી જ જશે! તારા શબ્દો હવે મારા કાનમાં ખરેખર ધ્વનિ બની ગુંજી રહે છે. તારા એક એક શબ્દો હરપળ મારી આંખો સમક્ષ આવીને નૃત્ય કરતા હોય એવું લાગે છે.
જો હું આજથી સુધરી ગયો, બ્રશ કરીને પછી કોફી પીધી. તારા જોડેના હોવાનો એક ફાયદો થયો, હું તારી વાત જે રોજ કહેવાથી પણ નહોતો માનતો એ એક પત્રના માધ્યમથી માની ગયો.
ડોક્ટરના ત્યાં જઈ આવે પછી મને કહેજે જો એવું કઈ હોય તો હું આવી જઈશ, આમ પણ મારે હવે વિકેન્ડમાં બે રાજાઓનુ સેટિંગ થાય છે. જો તને એક વાત કહેવાની ભુલાઈ જ ગઈ, આજે મારા ઓફિસમાં મિટિંગ છે, જો એમાં મારા પરફોમન્સ પરથી મારુ પ્રમોશન થશે, તું વિશ કરજે કે હું એમાં બહુ સારું કરી શકું, એ પ્રોજેક્ટ મારી લાઇફનો એક ડ્રિમ છે, જો એ સફળ થઇ જાય તો કંપની મને સારામાં સારી તક આપીને સારામાં સારી પોસ્ટ પર મુકશે. મેં આ મારી બધી મહેનત આપણા આવનારા બાળકને નામ કરી દીધી છે, એ એનું નસીબ લઈને આવશે!
ગઈ કાલે સાંજે મેં વૉર્ડરોબ ખોલ્યું હતું, તો એમાં નાના બેબીના કપડાં અને વસ્તુઓ મમ્મી એ લાવીને મૂકી હતી, એ જોઈને હું એટલો બધો ખુશ થઇ ગયો ને! સાવ નાના નાના મોજા-ટોપીઓ, રમકડાં એ બધું જોઈને મને એમ થાય કે ક્યારે આવશે બેબી ને હું એના ક્યારે મારા હાથમાં લઈશ? એને જોવાની બહુ જ આતુરતા છે મને! એક પિતા બનવાનો શું અહેસાસ છે એ મારે અનુભવવો છે. એની નાની નાની પગલી જયારે આપણા ઘરમાં પડશે અને એનો મીઠો અવાજ આપણા સૌના કાનમાં ગૂંજશે ત્યારે કેવો સરસ અહેસાસ હશે? એ તારા ને મારા પ્રેમની એક નિશાની હશે જે આજીવન આપણને જોડી રાખશે!
તું કહે શું આવશે? બેબી બોય કે બેબી ગર્લ? મારે તો બેબી ગર્લ આવે એવી ઈચ્છા છે, વ્હાલનો દરિયો જોઈએ આપણને તો કહી દીધું! અમે બાપ દીકરી મળીને પછી તને હેરાન કરીશું, તું એને વઢીશ કોઈ વાર તો હું માત્રને માત્ર એનો પક્ષ જ લઈશ, એમાં તું રિસાઈ ના જતી.
તું ખાવા પીવામાં ધ્યાન રાખેજે ખાસ, ફિગર મેન્ટેન કરવાના ચક્કરમાં અત્યારે હેરાન ના થતી, મારે મન તું અને બાળક તંદુરસ્ત હોવ એ જ મહત્વનું છે, તું જાડી થઇ પણ જઈશ તો આપણે જીમની મેમ્બરશિપ કરાવી લઈશું બસ! પણ અત્યારે ખાઈ પીને મજા કરજે!
તારો દીવાનો પતિ!
...........................................................
પત્ર -૪
પ્રિય અલય,
ગુડ મોર્નિંગ, કાલે સાંજે જ તારો પત્ર મળ્યો, વાંચીને ખૂબ આનંદ થયો કે તારે પ્રોજેક્ટ પછી પ્રમોશન આવશે તો આપણું ભાગ્ય ખુલી જશે! મને પૂરો વિશ્વાસ છે કે તું ચોક્કસ એમાં સફળ થઈશ, તારી મહેનત કરવાની જે ધગસ છે એ જ તારો પોઝિટિવ પોઇન્ટ છે. તારી મહેનત અને આપણા બાળકનું ભાવિ એ તને ચોક્કસ સફળતા આપશે!
તું હવે ધીરે ધીરે સુધરે છે, કુટેવો કાઢીને સારી ટેવો અપનાવે છે એ વાતનો પણ મને આનંદ છે.તું મારા અને આપના બાળક માટે આટલો બધો પાઝેસિવ છે મને બહુ ગમે છે, તું અમારા બન્નેનો ખ્યાલ રાખે છે ગમ્યું.હા પણ અમારા બેના વિચારોમાં તું તારું રૂટિન ના ડિસ્ટર્બ કરતો! તારો ભુલ્લકડ સ્વભાવ એવો કે તું અમારી ચિંતામાં ક્યાંક ખાવાનું ના ભૂલી જાય!??
આપણને બેબી ગર્લ આવે કે બોય એ આપણું નસીબ છે.જે આવે એ આપણે સ્વીકાર્ય જ છે. મે તો માત્ર સપનાં સજાવ્યા છે કે નાનું બાળક મારા ખોળામાં રમે, એનો અવાજ આપણા આંગણે ખીલી ઉઠે. બાકી બાળકી આવશે તો તને તો મજા જ છે, તને એક સાથે ત્રણ કેર કરતી સ્ત્રીઓ તારા જીવનમાં મળી જશે. મમ્મી હું અને આપની બાળકી અમે ત્રણ થઈને તને માથે ચડાવિશું.
અને જો બેબી બોય આવશે તો મને મજા છે, તારી જોડે એ પણ મારો ખ્યાલ રાખશે તારા કરતાં પણ વધારે!
આપણા જીવનમાં આવનાર હવે ના દરેક દિવસો આપણા બાળક સાથે સંકળાયેલ હશે. આપણા પ્રેમનું પ્રતીક અપનું બાળક કદાચ આપણને ઝગડવશે પણ ખરાં!! પણ એ માત્ર થોડીક ક્ષણો પણ પછી એ જ આપણને પાછા ભેગાં કરી દેશે! આપણા મીઠા જગડાઓની એ પણ સાક્ષી બનશે, તું મને કોઈ વાર ખીજવાઈ જશે તો એ મારો પક્ષ લઈને તને વઢશે.નક્કી તારું તો હવે આવી જ બનશે!!
હવે થોડાં દિવસોમાં આપનું આ સપનું આપણી નજર સમક્ષ હશે! નાની પગલીઓ અત્યારે મને પેટમાં લાત મારે છે એ બહાર આવીને તને પણ મારશે! અગામી અઠવાડિયે કદાચ તારે આવવું પડશે! તું તૈયારી રાખજે કોલ આવે એટલે આવવાની! અને જોડે ગુલાબજાંબુ લઈને આવજો મારી ગિફ્ટમાં!
બાળક બેબી બોય હોય કે બેબી ગર્લ આપણે તો ગુલાબજાંબુ જ ખાવાના છે આપણી પહેલી મુલાકાતની જેમ!
આપણું બાળક બોલાવે એટલે આવી જજો જલ્દીથી!