Dumb dumb in Gujarati Short Stories by Heena Pansuriya books and stories PDF | મૂંગો મૂંઝારો

Featured Books
Categories
Share

મૂંગો મૂંઝારો



મનનો મૂંગો મૂંઝારો કોને કહી સંભળાવું,
મધદરિયે ડોલે છે નાવ,
તમારાં વિના કેમ કરી સંભાળું...



"પપ્પા, સોરી. ભૂલથી તમારાં રેડિયો પર પાણી ઢોળાઈ ગયું."

મારું ધ્યાન છાપામાંથી હટીને મારી દીકરી પર ગયું. તે હાથમાં રેડિયો લઈને ઊભી હતી. એ રેડિયો પર પડેલાં પાણીનાં ટીંપામાં મને મારો ભૂતકાળ રચાતો દેખાયો.

***

"ઓ ભાઈ, તમારી બોટલમાંથી પાણી ટપકે છે. ઢાંકણું સરખું બંધ કરો."

મેં મારી બાજુમાં બેસેલા ભાઈનું ધ્યાન તેનાં બેગમાં રહેલી અર્ધખુલ્લી પાણીની બોટલ તરફ દોર્યું. તે ભાઈ 'માફ કરો, માફ કરો' કરતા કરતા ઢાંકણું સરખું બંધ કરી ફરીથી બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાતુ એ ચડયા. અલબત્ત, મને એ ટપકી રહેલાં પાણીની ચિંતા નહોતી પણ એ મારા લીધેલા નવેનવાં રેડિયો પર પડી રહ્યું હતું. મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને હળવેથી સાફ કરીને રેડિયો મારાં ખોળામાં જ મૂકી દીધો.

એટલામાં સ્ટેશન માસ્ટરે લીલી ઝંડી બતાવીને ટ્રેનને વિદાય આપી. એન્જિનનો ઘરઘરાટ અવાજ અને બારીમાંથી આવતાં ઠંડા પવનનું મિશ્રણ મને ગાડાના પૈડાંના કિચૂડ કિચૂડ અવાજ અને ખેતરમાંથી આવતી ભીની માટીની સુગંધ તરફ ધકેલી ગયું. ખોળામાં પડેલો રેડિયો જોઈ મારી નજર સામે બાપુજીનો ચહેરો તરી આવ્યો.

'રેડિયો' મારા બાપુજીનો પ્રિય રેડિયો. બાપુજીની સવાર રેડિયોમાં આવતાં પ્રભાતિયાથી થતી અને રાત ડાયરા સાંભળી. તે કદાચ એક ટક જમ્યા વગર ચલાવી લે પણ રેડિયો વગર ગલીનું નાકું ય નો વટે. ખેતરે કામ કરતા કરતા પણ રેડિયો તો સાથે જ હોઈ.

હું દરરોજ નિશાળેથી છુટી સીધો ખેતરે જતો ત્યારે બાપુજી રેડિયોમાં ગીતો સાંભળી આનંદ લેતા લેતા કામ કરતાં હોય. ભરબપોરે સૂરજદેવનાં આકરા તાપને હંફાવતાં, પરસેવાથી તરબોળ, ધગધગતા ખેતર ઉપર કામ કરતા બાપુજીને જોઈ હું ઘણીવાર પૂછતો,

"બાપુ, આટલા તડકામાં ખેતરમાં કામ કરીને તમને થાક નથી લાગતો?"

તે મારી સામું જોઈ હસતાં અને પ્રેમથી જવાબ આપતાં,

"અરે દીકરા, થાક હેનો વળી? જી માટીમાં જલમ લીધો, ઈ માટીમાં કામ કરવામાં થાક થોડો લાગે."
"પણ બાપુ, તમને આમ જોઈ મને દુઃખ થાય છે. જંગલી પ્રાણીઓની બીક અને કેટલીય કુદરતી આફતો. ગયા વર્ષે તો વધુ વરસાદને લીધે ખેતરમાં ઊભો પાક ધોવાઈ ગયો. ખેતીને બદલે નોકરી કરતા હોત તો આટલી મહેનત તો ન કરવી પડત."

"ઈ કોકની ગુલામી કરીને જીવવું આપણને નો ફાવે હોં. જી મજા માટીનાં ઢેફાં ભાંગવામાં આવે ઈ ટાઢે છાંયડે બેહી કામ કરવામાં નો આવે. વગર મહેનતે માંડવીનું ડોડવુય નથી ભાંગતુ, ને મહેનત કર્યે કોઈ મરી નથ જાતુ. તુ હજી નાનો પડે, મોટો થાય એટલે તનેય હમજાય જાહે."

બાપુજીએ ત્યારે કીધું હતું કે મોટો થઈશ ત્યારે સમજાઈ જશે પણ મોટો થયા પછી સમજવાને બદલે એ પ્રશ્ન મારી જિદ્દમાં પલટાઈ ગયો. આખો દિવસ બાપુજીને આવી કાળી મજૂરી કરતાં જોઈ મારું હ્રદય કંપી ઊઠતું. મેં પણ નક્કી કરી લીધું કે હું કોઈ મોટા શહેરમાં જઈ નોકરી કરીશ. બાપુજીને હવે વધુ કામ કરવા નહીં દઉં. અત્યાર સુધી વેઠ ઉતારીને મને મોટો કર્યો. હવે મારી ફરજ છે કે તે શાંતિથી જીવન પસાર કરે.

એટલામાં ટ્રેનનાં પૈડાં રોકાયા. સાથે સાથે વિચારો ઉપર પૂર્ણવિરામ મુકાયું. મેં આસપાસ જોયું. મારી બાજુમાં બેસેલા ભાઈ હજુ પણ વાતુમાં લાગેલાં હતાં. મેં બારીની બહાર નજર ફેરવી. સ્ટેશન પર લોકોની અવરજવર ચાલુ હતી. મારી નજર ચાર-પાંચ વર્ષનાં છોકરાને ખભા પર બેસાડીને જઈ રહેલાં એક વ્યક્તિ પર પડી. તે જોઈને મને ફરીથી મારા બાપુજીની યાદ આવી ગઈ.

બાપુએ વાડીએ રાવણી વાવી હતી અને રાવણાં મને અનહદ વ્હાલા. ઝાડવામાંથી ખરે તે વીણવાનો તો બાપુને વારો જ ન આવતો. કેમકે બાપુ પહોંચે એ પહેલા તો રાવણા મારા પેટમાં આરામ કરતાં હોય. ઝાડવામાં ઊંચે લટકતા રાવણાં સુધી તો હું પહોંચી ન શકતો એટલે બાપુ મને પોતાનાં ખભા પર બેસાડતાં. પછી તો મારી લાકડી આરામથી ઉપર સુધી પહોંચી જતી.

ક્યારેક મારા બા જોઈ જતા એટલે તરત બાપુને વઢતાં,

"એ એને હેઠે ઉતારો, ડોકે એકાદ મણકો ખહી જાહે તો વળી નવી ઉપાદી."

બાપુ પ્રેમથી જવાબ આપતાં,

"તું નાહકની ઉપાદી કરે. મને કાંય નય થાય. છોકરા આ ઉંમરે મજા નો કરે તો ક્યારે કરે!"

હું બાપુને ગળે લગાવી જતો. બાપુજી મને ખુબ વ્હાલ કરતાં. બાળપણની આ વાત મને બહુ ગમે. પ્રેમ હોય, ગુસ્સો હોય કે મનમાં કોઈપણ વાતની ઉથલપાથલ ચાલતી હોય, એ માતા-પિતા સામે સરળતાથી વ્યક્ત થઈ જતું. નાનામાં નાની વાત હોઈ તોયે વગર પૂછયે કહી શકાતું.

પણ જ્યારથી બા કે બાપુજીની આંગળી પકડયા વગર રસ્તે ચાલતો થયો ત્યારથી આંગળીની સાથે એ નિખાલસતાં પણ ક્યાંક જતી રહી. વાત કહેવામાં જીભ અચકાતી. બા-બાપુજી અને મારી વચ્ચે એક મૂંગો પડદો પડી ગયો. જીંદગીમાં જ્યારે એક સાચી સલાહકારની જરૂર હતી ત્યારે જ મેં તેને અવગણ્યાં. નોકરી કરીને ઘરની બધી જવાબદારી ઉપાડીને બાપુજીને શાંતિયુક્ત જિંદગી દેવાની વાત જિદ્દ બની ગઈ હતી.

દસમાં ધોરણની પરીક્ષા આપી દીધી હતી. હવે આગળ ભણવાનો વિચાર મારો હતો નહીં. માટે બાપુજી આગળ નોકરીની વાત કરવાનું નક્કી કરી લીધું.

રાતે જમી પરવારીને બાપુ ઓસરીમાં ખાટલે બેઠા હતાં. બાજુમાં રેડિયો ચાલુ હતો. હું તેની પાસે જઈ ઊભો રહી ગયો. મારો ચહેરો જોઈ બાપુ સમજી ગયા અને રેડિયોનો અવાજ ધીમો કરી મારી સામું જોઈને બોલ્યા,

"કાંઈ વાત કેવી તી, દીકરા?"

"બાપુ, મારું ભણવાનું તો હવે પૂરું થઈ ગયું. મારે બહાર શહેરમાં જઈને નોકરી કરવી છે. મારે ખેતી નથી કરવી."

ખુબ હિંમત કરી છતાં હું એમ ન બોલી શક્યો કે 'બાપુ, મારે તમને હવે કામ નથી કરવાં દેવું.' એની બદલે કહી દીધું કે 'મારે ખેતી નથી કરવી.'

નાનો હતો ત્યારે નોકરીની વાત કરતો ત્યારે બાપુજી છોકરબુદ્ધિ સમજીને વાતને ભૂલી જતા. પણ આજે ફરીથી એ જ વાત સાંભળી બાપુજી ગંભીર થયા.

"આપડી હાત પેઢીયુમાંથી કોઈ નોકરીયે ગ્યુ નથી. જી ધરતી તને બે ટકનુ ખાવાનુ આપે ઈ ને મેલીને કોકની ચાકરી કરવાનો વિસાર ક્યાંથી આયવો તને?"

"પણ બાપુ, પેલા રમેશકાકાનો દિકરો ય શહેરમાં જઈને નોકરીએ લાગીને પૈસા કમાવા માંડ્યો. તો હું શા માટે ન જઈ શકું?"

"દિકરા, ખેતી કરવી ઈ હંધાયનું કામ નથ. એમાં સખત મહેનત જોઇ, માવજત જોઇ. કઈ ઋતુના બીબામાં ક્યો પાક ઢાળવો ઈનુ ગણિત ચોખ્ખુ હોવુ જોઈ. આ બધી કળા તો આપણને ખૂનમાં મળેલી. ઢીલાપોચાં માણહ હોય ઈ નોકરીયુ કરે. આપણુ ને ઈ રમેશનુ તો વરણ જ નોખુ. આપડા જેવી મહેનત ઈ નો કરી હકે. એમાંય વળી ઘરનાં ભાગલા પડે. અડધા આયા ને અડધા શે'રમાં, અન્ન નોખા એના મન નોખા. ને દીકરા, મારો ને તારી બા નો જીવ તો તારામા સે. તુ આમ નોખો રે'વા વયો જા, તો અમારુ કોણ થાહે!"

બાપુજીની વાત સાંભળીને તેને વધુ કંઈ કહેવા માટે મારી પાસે શબ્દો નહોતાં. મનનો છાનો ખૂણો જાણતો હતો કે બાપુજીની વાત સાચી છે. પણ મારી જિદ્દ મારા મન પર હાવી થઈ ગઈ. મારે થોડી આખી જિંદગી બા-બાપુજીથી અલગ રહેવું હતું, એકાદ-બે વર્ષની તો વાત હતી. ને એમ પણ આ બધું તો બાપુજી માટે જ તો કરી રહ્યો હતો. છતાંય હજી એક વાર કોશિશ કરી,

"પણ બાપુ..."

"બસ, મારે જી કેવાનું હતુ એ કઈ દીધુ. બાર ક્યાય જાવાનુ નથ. ખેતર અને ઘરને હંભાળો."

ત્યારે પહેલીવાર બાપુજીએ મારી સામુ ઊંચા અવાજે વાત કરી. પછી કંઈપણ કહેવાની હિંમત ના રહી. તેણે મને ઘસીને ના પાડી દીધી. મને એની વાતનું ખોટું લાગી ગયું. એટલી ઉંમરે મારા ક્યાં સ્વાભિમાનને ઠેસ પહોંચી એ તો મને હજી સુધી નથી સમજાયું. કદાચ એ ઉંમરમાં નાનામાં નાની વાત પણ મનમાં ઘર કરી જતી હોય છે. મારી સાથે પણ એવું જ થયું. ગુસ્સામાં નક્કી કરી લીધું કે હું ઘર છોડી ચાલ્યો જઈશ.

બા-બાપુજી ઊંઘી ગયાં તેની પાક્કી ખાતરી કરીને મેં મારો સામાન બાંધ્યો. દર મહિને બાપુ પૈસા આપતાં એમાંથી કરેલી બચત સાથે લીધી અને નીકળી ગયો ઘરેથી. દુઃખ તો ખૂબ થયું પણ મને ખુદ પર અને મારા નિર્ણય પર પૂરો ભરોસો હતો.

'મારે નોકરી કરવી છે' બસ આ વાક્યનાં સહારે ઘરેથી તો નીકળી ગયો પણ ક્યાં અને કેવી રીતે શોધવી તેનો જવાબ મારી પાસે નહોતો. એટલે રમેશકાકાના દીકરાની જ મદદ લઈને મુંબઈમાં એક કારખાનામાં લાગી ગયો.

નવી જગ્યાએ નવા કામમાં હું એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે ઘડિયાળનાં કાંટાએ ક્યારે બે વર્ષની ચક્કર લગાવી લીધી તેનું ભાન જ ના રહ્યું. સમયે મને વાસ્તવિકતાનું ચિત્ર બતાવ્યું. બે વર્ષ પહેલાંના ગુસ્સાએ આજે મને બાપુજીનો ગુનેગાર ઠેરવી દીધો હતો. અંતે એક દિવસ મેં ગામડે જવાનું નક્કી કરી લીધું.

અત્યારે પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની ગતિ પણ મને ધીમી લાગી રહી હતી. બે વર્ષ પછી ગામડે જવાનો હરખ મારા મનમાં સમાતો નહોતો. 'મારી પહેલી કમાઈમાંથી બાપુજી માટે લીધેલો રેડિયો જોઈને તે ખુબ ખુશ થશે, પોતાના દિકરાને પગભર થયેલો જોઈ મારી ઉપર ખુબ ગર્વ થશે. હા, મારાથી નારાજ હશે પણ હું મનાવી લઈશ.' આ બધા વિચારો વચ્ચે મારી આંખ મીંચાઈ ગઈ.

સવારે આંખ ખુલી ત્યાં મારી મંજિલ આવી ગઈ હતી. હું ઉતાવળા પગે ટ્રેનમાંથી ઉતર્યો. સ્ટેશનથી ગામડું થોડું દુર હતું પણ મેં ચાલીને જવાનો નિર્ણય કર્યો. બે વર્ષમાં તો આખો નકશો પલટાઈ ગયો હતો પણ ગામડાની એ માટીની સુગંધ હજુ યથાવત હતી. એ સુગંધ મારા રોમરોમમાં તાજગી ભરી ગઈ. બે ઘડી હું વિચારતો રહ્યો કે હું અહીંથી બે વર્ષ દુર કઈ રીતે રહી શકયો હોઈશ?

બાપુ અત્યારે વાળીએ જ હશે તે વિચારી મેં તે તરફ પ્રયાણ કર્યું. વાળીએ પહોંચીને મારી પહેલી નજર રાવણી પર ગઈ. બારેમાસ લીલીછમ રહેતી રાવણી જાણે કોઈ કપડું નીચોવે તેમ નીચોવાઈ ગઈ હતી. વગર પાનખરે સુકાઈ ગઈ હતી. મેં બાપુને આસપાસ શોધ્યાં પણ ક્યાંય મળ્યાં નહીં. મને કંઈક અજુગતું થયાનો ભાસ થયો.

મેં ઝડપથી ઘર તરફ પગલાં માંડ્યા. મનમાં ઉઠેલા વિચારોના વમળમાં ફસાતો હું રસ્તો કાપવાની કોશિશ કરવા લાગ્યો. મારી આગળ ચાલી રહેલ બે જણાની વાતચીત મારા કાને પડી.

"બચાડા વાલજીભાઈ, નોતા ન્યાથી દખના દી આવી પઈડા. અટાણે તો હારુ સે ને?"

"હવારે જ આટો મારી આયવો તો. કાંઈ ખાસ સુધારો નથી. ગમે એમ પણ મગજનો હુમલો હતો, જીવ તો હવે હાથમાં ને હાથમાં. એમાંય પાસો એનો દીકરોય નથી. ઉપાદીમાં ને ઉપાદીમાં ખાટલાવશ થઈ ગયા."

મારા પગ ત્યાંજ રોકાઈ ગયાં. મેં જે સાંભળ્યું એની ઉપર વિશ્વાસ નહોતો આવતો. 'વાલજીભાઈ', મારા બાપુજી? ખરેખર એ બાપુની વાત કરી રહ્યાં હતાં?

"પણ બાપુને થોડું કંઈ થઈ શકે. એ લોકો તો બીજા કોઈ વાલજીભાઈની વાત કરી રહ્યા હશે." આમ મનને મનાવતા મનાવતા ઘરે જવા લાગ્યો.

બે વર્ષ પછી મારું ઘર જોયું. કોઈ ખાસ ફરક નહોતો પડ્યો પણ કોણ જાણે કેમ પહેલાં જેવી રોનક નહોતી દેખાતી. બા ને ફળિયામાં કપડાં સૂકવતાં જોઈ હું તેની પાસે ગયો. બા ની અશ્રુભરી આંખો અને થોડીવાર પહેલા સંભાળેલી વાતોથી મનમાં ફાળ પડી.

મને જોઈને બા 'તારા બાપુ...' બોલીને રડવા લાગ્યાં. મારા શરીરમાં ભયની કંપારી છૂટી. મેં બા ને શાંત કર્યા અને ધ્રુજતાં પગે ઘરમાં ગયો.

હાથમાં ભરાવેલી સોઈ, બાટલો, નળીઓથી ઘેરાઈને સૂતા મારા બાપુને જોઈને મને ડૂસકું આવી ગયું. મેં મારી જાતને સંભાળી અને બાપુ પાસે ગયો. તેની આંખો બંધ હતી. વગર થાક્યે આખો દહાડો ખેતરમાં કામ કરતા બાપુજીનું શરીર અત્યારે સાવ સુકાઈ ગયું હતું. હંમેશા ચહેરા પર રહેતું હાસ્ય ક્યાંક ગાયબ થઈ ગયું હતું. બા મારી પાછળ આવ્યાં.

"બા, આ બધું કેમ? ક્યારે?"

"દીકરા, તારા ગ્યા કેડે તારા બાપુ આખો દિ ઉપાદીમાં રેતા. એમા ને એમા શરીર બગડતુ ગ્યુ. મગજ ખમી નો હઈકુ ને હુમલો આવી ગ્યો."

"પણ બા, મને કીધું કેમ નઈ?"

"તારા બાપુએ કીધુ કે સોકરો નાહકનો હેરાન થાહે. જરુર પડસે તો રમેશના દિકરા ભેરા વાવડ મોકલાવી દેહુ."

આવી પરિસ્થિતિમાં પણ બાપુજીની મારા માટેની ચિંતા જોઈને હું મારી નજરમાંથી ઉતરી ગયો. બે વર્ષ પહેલાં કરેલો નિર્ણય તદ્દન ખોટો સાબિત થયો. બાપુની લાકડી બની ટેકો આપવાનાં સમયે હું એને નોંધારા મૂકી જતો રહ્યો. બા એકલે હાથે બધું સંભાળતા રહ્યાં. છતાંય મારી સામે ફરિયાદનો એક શબ્દ નહોતો કહ્યો. અત્યારે, મારી સામે રહેલા બંને માણસનો હું ગુનેગાર હતો. મારે બાપુજીની માફી માગવી હતી, એ જે સજા આપે તે ભોગવવાં પણ તૈયાર હતો. બસ મારે બાપુજી સાથે વાત કરવી હતી. મનમાં જે કંઈપણ હતું તે કહી નાખવું હતું. પણ બાપુજી આંખ પણ નહોતા ખોલતાં.

બાપુજીની તબિયત વિશે જાણવા મેં ગામનાં ડોક્ટરને બોલાવ્યાં. તેણે આવીને તપાસ શરૂ કરી. હું બાપુજીનો હાથ પકડીને તેની બાજુમાં બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરતો હતો. રડી રડીને બા ની હાલત ખરાબ થઈ ગઈ. નાનપણમાં જ્યારે રસ્તો ઓળંગવા સમયે બાપુજીનો હાથ પકડતો, ત્યારે મને કોઈનો ભય નહોતો. આંખ બંધ કરીને ચાલ્યો જતો. પણ જિંદગીનાં અનેક વાંકાચૂકા રસ્તાઓને બાપુજી વગર પસાર કરવાનો વિચાર માત્ર મને ધ્રુજાવી ગયો.

અચાનક બાપુને શ્વાસ ચડવા લાગ્યો. ડોક્ટરે ઝડપથી ઇન્જેક્શન લગાવ્યું. થોડીવારમાં બાપુજીનું શરીર શાંત પડયું. એકાએક મારા હાથમાં રહેલાં બાપુજીના હાથનો મને ભાર લાગવા લાગ્યો, જાણે પોતાની બધી જવાબદારી મારા હાથમાં મુકી દીધી. મારું હ્રદય ધબકારો ચુકી ગયું. ડોક્ટરે તપાસ કરી અને મારી સામે જોઈને એક જ શબ્દ બોલ્યા,

"સોરી"

***

"સોરી પપ્પા, મારું ધ્યાન નહોતું રહ્યું અને પગ લપસી ગયો. એમાં પાણી ઢોળાઈ ગયું."

હું જુની યાદોમાંથી બહાર આવ્યો અને બોલ્યો,

"કંઈ વાંધો નહીં, તને નથી લાગ્યું ને?"

"ના. પણ રેડિયો..."

"એની ચિંતા નહીં કર."

"ઓકે પપ્પા, સોરી પપ્પા." બોલીને તે ફરીથી રમવા લાગી.

'સોરી' કેટલી સરળતાથી બોલીને જતી રહી. અરે એ સોરી તો મારે બાપુજીને કહેવાનું હતું. એક પિતાનો તેનાં દિકરા પર રાખેલો વિશ્વાસ મેં તોડયો હતો. બાપુજી માટે લીધેલો રેડિયો આપી નહોતો શક્યો પણ તે આજે સુધી મારી પાસે રાખ્યો હતો. મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને તે દિવસની જેમ જ, હળવેથી સાફ કરીને મારાં ખોળામાં મૂક્યો. ફર્ક માત્ર એટલો જ હતો કે ત્યારે બાપુજી પાસે જવાનો હરખ હતો અને આજે પારાવાર અફસોસમાં મન રડતું હતું.

ન કહેવાયેલી વાતનો ભાર હવે નથી ખમાતો. આજે પણ બાપુજીની ખોટ ખૂબ સાલે છે. કેટલીય વાતોનું પોટલું બાંધી મુંબઈથી નિકળ્યો હતો. પણ એ પોટલું ખોલવાનો વખત ના રહ્યો અને મારા હાથમાંથી બાપુજીનો હાથ હંમેશાં માટે છૂટી ગયો.

***

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર.

આપના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ,
જય શ્રી કૃષ્ણ