RRR (આર.આર.આર) ફિલ્મ રીવ્યૂ
અગાઉ "ધ કાશ્મીર ફાઈલ્સ" ફિલ્મનો રીવ્યૂ જરા અલગ શૈલીમાં અને બે ભાગમાં આપ્યો હતો. આ વખતે પણ જરા અલગ શૈલીમાં. પ્રયોગ પણ ગણી શકો.
અમુક ફિલ્મોમાં અમુક બાબતો સચોટ રીતે કહી શકાય. જેમાં ખરાબ અથવા ત્રુટીદર્શક અથવા ઓછી ગુણવત્તા સંદર્ભેની બાબતે તો મોટાભાગના વાચક/દર્શક સહમત થાય. જે સંદર્ભે સહમતીની લગભગ ૯૦% સુધી આશા રાખી શકાય. પણ જો વખાણવા લાયક એટલે કે સારી બાબત કહો તો આ સહમતીનું પ્રમાણ અંદાજવું કપરું છે. કેવું વિચિત્ર છે નહીં! ઊણપ અંગે બહોળી સહમતીની અનુભવના આધારે સહજ ધારણા કરી શકાય, પણ સારપ અંગે ભારે અવઢવ! ખરાબને તો લોકો સટાક દઈને ખરાબ કહે પણ સારપ અંગે સંતોષના ઘણાં સ્તર! જેમાં ઘણી વખત લોકોની સમજ ખોટી પડતી હોય છે. અર્થાત્ સારી અને સ્પષ્ટ બાબતને સમજી કે સ્વીકારી નથી શકતા. જોકે એનો મતલબ એવો તો નથી જ કે રીવ્યૂ લખનારે અતિશયોક્તિ કરી જ હોય.
ના ના, ટ્રેક નથી બદલ્યો. રીવ્યૂ જ આપી રહ્યો છું. જરા પ્રસ્તાવના અલગ રીતે એટલે લખી કે જેથી ફિલ્મ વિશે જે ત્રણ-ચાર સારી બાબત કહેવી છે તેનું મહત્ત્વ દર્શાવી શકું અને એ અતિશયોક્તિ નથી તેમ સહજ રીતે કહી શકું.
તો પ્રથમ વાંચી લો કેટલાંક સોય ઝાટકીને કહી શકાય તેવા રસપ્રદ તારણો:
(૧) ફિલ્મના મુખ્ય બે નાયક એટલે "રામ ચરન તેજા" અને "જુનિયર એન.ટી.આર" છે. બંનેએ એટલી બધી મહેનતથી સરસ અભિનય કર્યો છે કે ફિલ્મ પૂરી થયા બાદ આપ બંનેના ફેન બની જશો.
(૨) બંને નાયકોએ "નાચો નાચો"વાળા ગીતમાં જે સ્ફૂર્તિલા સ્ટેપ રજૂ કર્યા છે તે અદ્ભુત છે. વધુ અદ્ભુત બાબત એ છે કે તમે નક્કી નહીં કરી શકો કે બંનેમાંથી કોનું નૃત્ય પ્રદર્શન ચડિયાતું રહ્યું. મતલબ તાલમેલ, એનર્જી, હાવભાવ વગેરે બધું જ પરફેક્ટ. તમને થશે કે એમાં શું! કોરિયોગ્રાફર સારો હોય અને ઢગલો રી-ટેક કરે તો પરફેક્શન આવે પણ ખરું. જો આવું વિચારતા હોવ તો જરા કલ્પના કરો કે કોઈ ફિલ્મમાં રીતીક રોશન અને સનિ દેઓલની જોડી બનાવો અને આવું ગીત ફિલ્માવો તો બંનેનું સ્તર એકસરખું જાળવવું શક્ય બનશે?
(૩) ફિલ્મમાં બંને નાયકોની એન્ટ્રીના અલગ અલગ બે સીન તથા અન્ય છ જેટલા સીન ગણો તો આઠેક અફલાતૂન એક્શન સિકવન્સ સામેલ છે. માત્ર આ સિકવન્સ જ જોઈ લો તો પણ પૈસા વસૂલનો સંતોષ થાય.
(૪) ફિલ્મનું બજેટ રૂ. ૫૦૦-૬૦૦ કરોડ છે. માત્ર મોટા બજેટથી સારી કે રસપ્રદ ફિલ્મ બને તેવું નથી જ હોતું. ('ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ફિલ્મે કેવા ઠગ્યા હતા તે યાદ કરો.) બજેટથી પણ વધુ તો અહીં એકેએક સીન પાછળ ડિરેક્ટર તથા તેમની ટિમે કરેલી મહેનત સચોટ રીતે સફળ રહી છે. ફિલ્મ ત્રણ કલાક લાંબી છે પણ એક મિનિટ માટેય કંટાળો નહીં આવે. એવું વિચારવાનો ક્યાંય સમય જ ક્યાં રહેવા દીધો છે ડિરેક્ટરે!
(૫) મોટા બજેટની એક્શન ફિલ્મમાં ક્લાઈમેક્સની લાંબી અને જોરદાર એક્શન સિકવન્સ સૌથી સરસ રીતે દર્શાવાતી હોય છે. જે ફિલ્મની બેસ્ટ (અને મોંઘી) સિકવન્સ હોય છે. અહીં ક્લાઈમેક્સ સિવાય પણ ત્રણેક વખત આવી સિકવન્સ માણી શકશો.
(૬) અદ્ભુત એક્શન, ઉત્તમ અભિનય, સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, 3D ફિલ્મ જોતી વખતે પ્રેક્ષકને મહત્તમ આનંદ મળે તે માટે જરૂરી અલગ લેન્થ પર રહેલાં ઓબજેક્ટ (આગળ પાછળ કે પછી બે ઓબજેક્ટ વચ્ચે સ્પષ્ટ અંતર) ધરાવતી ઘણી ફ્રેમની ભરમાર વગેરે ધરાવતી આ ફિલ્મમાં અમુક સહજ ભૂલો, ખામી વગેરે ભલે હોય (બોલીવુડ કે હોલીવુડ, દરેકમાં હોય જ), પણ મનોરંજન અને પૈસા વસૂલની બાબતે સો ટકા સફળ કે સંતોષજનક ફિલ્મ છે.
***હવે વાંચો વિવિધ મુદ્દે વધુ માહિતી***
(ના, આખી વાર્તા કે રહસ્યો નથી કહેવાનો)
સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંદર્ભ લઈને બનાવેલી અત્યંત પ્રભાવી એક્શન સિન ધરાવતી કાલ્પનિક ફિલ્મ છે.
પ્રથમ સીનમાં જ નાની છોકરી દ્વારા ગવાતું ગીત નાનું પણ સરસ છે. ગીતનો અવાજ ફિલ્મમાં દર્શાવેલી છોકરીની નાની ઉંમર સાથે મેચ થાય છે. આ ગીત ગુજરાતી ગાયિકા રાગ પટેલે ગાયું છે. જે હાલ દસમા ધોરણની વિદ્યાર્થીની છે. મતલબ નાની ઉંમરની જ છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટના ભાગે ચણામમરાં જ આવ્યા છે. એમાં પણ પાછું વાર્તાના પરિવેશમાં તે ફીટ નથી બેસતી. વધુ પડતી ગોરી/સુંદર લાગશે.
અજય દેવગનને જે કામ માટે અન્ય હીરોના પ્રમાણમાં ઘણો નાનો રોલ મળ્યો છે તેમાં તે સો ટકા સફળ રહ્યો છે.
પાવરપેક્ડ એક્શન સીનમાં હોવું જોઈએ તેવું સચોટ બેકગ્રાઉન્ડ મ્યુઝીક છે.
બંને મુખ્ય હીરોની પડદા પર એન્ટ્રી ખરેખર ભવ્ય અને માણવાલાયક છે. બંનેનો અભિનય સ્ક્રિપ્ટ મુજબનો અને ઉત્તમ છે. જુનિયર એન.ટી.આર ના ચહેરા અને શરીર પર જરૂર પડે ત્યારે ભોળપણ, ખુમારી, વજ્ર જેવી મજબૂતી, સ્ફૂર્તિ વગેરે સચોટ અને ક્લાસિક છે. રામ ચરનની પાત્ર મુજબની સચોટ આભા પણ દરેક ફ્રેમમાંથી ઊછળીને બહાર આવશે. અગાઉ ગીત વિશે કહ્યું તે જ રીતે અહીં અભિનય બાબતે પણ બંનેના સંદર્ભે ચડિયાતાપણું નક્કી નહીં કરી શકો.
એક્શન સીનમાં અલગ જ કરામત હોય, કલ્પના બહારનો તર્ક કે મજેદાર યુક્તિ હોય તો મજા ડબલથી પણ વધી જાય. આ ફિલ્મમાં એવી બાબતો પણ જથ્થાબંધ છે. યાદ રાખવું કે આ મનોરંજક અને કાલ્પનિક ફિલ્મ છે. રિયાલીટી શો નથી. (રિયાલીટી શોમાં પણ ક્યાં બધું રિયલ હોય છે!) તેથી એક્શનનો તે મુજબ જ આનંદ માણવો.
એક્શન સિવાય ફિલ્મમાં "દેશભક્તિ" અને "દોસ્તી" - બંને તત્ત્વોનું સત્ત્વ ભાવનાત્મક રીતે દર્શાવ્યું છે. બંને તત્ત્વોને જે રીતે એકબીજા સાથે વણી લીધા છે તે જૂની હિન્દી ફિલ્મ જેવું લાગશે.
અમુક ગળે ના ઊતરે તેવા, અતિશયોક્તિ વાળા, બંધ ના બેસે તેવા વગેરે સીન પણ છે જ જેમ કે, જમીન પર વહેતું લોહી દર્શાવવા જાણે ઝીણી કેનાલ બનાવી હોય તેવો રેતીમાં પાડેલો ચાસ અને ખરેખર એક જ વ્યક્તિના શરીરમાંથી વહેતું વધુ પ્રમાણમાં લોહી, ચાબુક વડે સજા આપવાના સીનમાં કુદરતી રીતે થવું જોઈએ તેટલું દર્દ અને હીરોના ચહેરાનો હાવભાવ મેચ નથી થતો વગેરે... પણ એની વધુ યાદી નથી આપવી કારણ કે, વખાણવા લાયક બાબતો તેનાથી અનેકગણી વધારે છે.
એડિટીંગ આમ તો કડક છે, પણ અમુક જગ્યાએ સહેજ ઊણપ પણ છે. જોકે ફિલ્મની ઝડપ, ઢગલો ઘટનાઓ વગેરે સામે તે ઢંકાઈ જાય છે.
હિન્દી ડબિંગ આ વખતે બાહુબલી ફિલ્મ જેવું દમદાર નથી જણાતું. જોકે ઉત્તમ અભિનયથી આ ઊણપ પણ ઝાઝી કઠતી નથી.
નહીં જુઓ તો શું ગુમાવશો? : ઘણું બધું. કારણ કે ફિલ્મો વારંવાર મોટા પડદા પર રીલીઝ નથી થતી હોતી. અને આ ફિલ્મ મોટા પડદા પર જોવાનો આનંદ અદ્ભુત જ રહેવાનો. એમાં પણ જો 3D નો આનંદ માણશો તો ડબલ મજા.
રેટીંગ : ૪.૫/૫