ગતાંકથી ચાલુ.....
ગઈકાલે વનિતાને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હાય,,,, તું કેમ છે? મેસેજ વાંચતાની સાથેજ એનું મૃત હૈયું ફરી ધબકવા લાગ્યું.નંબર ભલે અજાણ્યો હતો,પણ તેના શબ્દો ખૂબ જાણીતા હતા.આનંદ કહો,આશ્ચર્ય કહો કે આવેગ કહો,પણ વનિતાનો હાથ રીપ્લાય આપવા માટે થનગની રહ્યો હતો.શબ્દ,અક્ષર અને અવાજથી જેને એ સંપૂર્ણ જાણતી હતી,તેની સાથે થોડીક મજાક કરવાની ઈચ્છા થઇ ગઈ.રીપ્લાયમાં એણે લખી મોકલ્યું કે,'માફ કરજો,ઓળખાણ ના પડી?'તો બીજી તરફથી મેસેજ લખાવવાનું શરૂ થઈ ગયુ.વનિતાના મોબાઇલની સ્ક્રીન પર ટાઈપિંગ ટાઈપિંગ બતાવી રહ્યું હતું.તેના પૂછાયેલા સવાલનો શો જવાબ આવશે એ વિચારીને એનું હૈયું પૂરજોશમાં ધબકી રહ્યું હતું.ત્યાંજ મેસેજ આવ્યો,'મારી ઓળખાણ જાણવી હોય તો તું તારી આંખોને બંધ કર,અને તારા જમણા હાથને હૈયા પર મુક અને પૂછ એને કે હું કોણ છું?તારું હૈયું તને જવાબ આપી દેશે'.મેસેજ વાંચતાની સાથેજ વનિતાએ પોતાનો હાથ હૈયા પર મુક્યો અને આંખો બંધ કરી ત્યાંજ એનું હૈયું બોલી ઉઠ્યું વિજય.... વિજય.... વિજય.
દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય જે જૂઠું બોલતો ના હોય,પણ એક હૈયુંજ એવું છે જે હંમેશા સાચું બોલે છે.કારણકે લાગણીથી બંધાયેલા સંબંધો અને લાગણીથી જોડાયેલા વ્યક્તિઓને હૈયુ ક્યારેય ઓળખવામાં ભૂલ કરતું નથી.એટલે તો ઈશ્વર માણસના હૈયામાં વસે છે. ઈશ્વર જે કહે છે,જે કરે છે,તેમાં ક્યારેય કોઈ ભૂલ નથી થતી પણ અફસોસ,આપણે ક્યાં કદી હૈયાનું સાંભળીએ છીએ.
વિજયનું નામ સાંભળતાની સાથેજ વનિતાએ સીધો ફોન કરવાનો નિર્ણય લઈ લીધો.નંબર ભલે નવો હતો,પણ એ શબ્દોને પોતે વીસ વર્ષથી ઓળખતી હતી.નંબર ડાયલ થયો ને સહેજ રીંગ વાગી ત્યાં જ એનો ફોન રિસિવ થઈ ગયો.કંઈજ આડી અવળી વાત કર્યા વગર જ એણે પૂછી લીધું,'વિજય તું?' સામા છેડેથી જવાબ આવ્યો,'હા, હું.મને ખબર હતી કે વીસ વર્ષ ભલેને વિતી ગયા હોય પણ તું મને અને મારા શબ્દોને ક્યારેય ભૂલી નહીં શકે.'વિજયની વાત સાંભળીને વનિતાની આંખમાં આંસુ આવી ગયા.
વિજય કહ્યું કે,'તું જાણે છે કે હું બધું સહન કરી શકું છું,પણ તારી આંખના આસુંને નહી.ચાલ હવે તારા ગાલ પર આવી ગયેલા આંસુને તારા ખભાથી લુછી નાખ,જે તારી આદત છે.'વિજયની આ વાત સાંભળીને વનિતાએ એજ રીતે આંસુ લૂછી નાખ્યા અને કહ્યું કે,'તને હજીય આ બધું યાદ છે? 'હા, મને બધું યાદ છે.મેં એકાંતમાં હંમેશા તારી યાદોને વાગોળી છે.તારી સાથે વિતાવેલા સમયને મેં જીવનની હરેક ક્ષણે માણ્યો છે.તારી હાજરી ન હોવા છતાંય મે તારી ખોટ ક્યારેય મારા હૈયાને વર્તાવા દીધી નથી.તું સતત મારો ધબકાર બનીને મારામાં ધબકતીજ રહે છે,તો પછી હું કેવી રીતે ભૂલી શકું આપણા પ્રેમને!'સામેથી વિજયને ફક્ત હમ્મમમ નો અવાજ સંભળાયો.વિજયે કહ્યું કે,'મારે તને એટલું જ પૂછવું છે કે 'તારો ગુસ્સો ઉતયોૅ કે નહી?'
થોડીવાર મૌન રહ્યા પછી વનિતા માંડ બોલી શકી,'વિજય,આ સવાલ તારે આપણા ઝઘડાના બીજા દિવસેજ પુછવો જોઈતો હતો.જે મે સહન કર્યું છે,જે તે સહન કર્યું છે,તે સત્ય સમજાઈ ગયા પછી પણ એ વેદનાઓની ભરપાઈ થઇ શકે તેમ નથી,કારણ કે દર્દ તો દર્દ જ આપવાનું જાણે છે.જે તે પણ ભોગવ્યું અને મેં પણ.સત્ય સમજાઈ ગયા પછી પણ શું કરવાનું?એક નાનકડી વાતને લઈને થયેલા મનભેદે આપણા સપનાઓને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં છે.સપનામાં પણ ના વિચાર્યું હોય એવા દિવસો આવી ગયા.આજે સમજાય છે કે એ કમનસીબ દિવસ આપણા પ્રેમના લીલાછમ બગીચાને વિરાન બનાવી ગયો.આજે પણ હું તને એટલો નહીં,એનાથીય વધારે પ્રેમ કરું છું,તને ખબર છે વિજય?'
'હા,વનિતા મને ખબર છે.'વિજય એને અધવચ્ચેજ બોલતા અટકાવી અને કહ્યું કે,'ચાલ જવા દે એ બધી વાતોને,હું ગઈકાલે બિઝનેસના કામથી અમદાવાદ આવ્યો છું.મારા આગમનની જાણ અતુલને મે પહેલેથીજ કરી રાખી હતી એટલે એ મને લેવા માટે એરપોર્ટ પર આવી ગયો હતો.ત્યાંથી અમે સીધા હોટલ બુલીવુડ ફાઇવમાં પહોંચ્યા,જ્યાં મેં પહેલેથીજ રૂમ બુક કરાવી રાખ્યો હતો.વનિતા,મારા કારણે તારા જીવનમાં આવેલી તકલીફોથી હું સંપૂર્ણ માહિતગાર છું.અતુલે મને ગઈકાલે તારા વિશે બધી વાત કરી.તારો ભૂતકાળ મે ફક્ત સાંભળ્યો નથી,પણ અનુભવ્યો છે.તે ભોગવેલી પારાવાર વેદનાઓ અને તારી મનોદશાને હું સ્પશીૅ ચૂક્યો છું.કેવી પરિસ્થિતિમાં અને કેવા સંજોગોમાં તારા લગ્ન થયા,અને કેમ થયા તેની પણ મને જાણ છે.'
સમયની સાથે તારામાં આવેલું પરિવર્તન જાણીને હું ખૂબજ ખુશ છું.તારો નાનકડો પરીવાર છે,જેમાં તારો પતિ અને બે બાળકોનો સમાવેશ થાય છે.પતિનું નામ જીગર અને બાળકોના નામ વેદ અને વેદાંશિ છે.
વનિતાએ કહ્યું, 'હા'. અતુલે તમને કહેલી બધી વાતો શબ્દશ: સાચી છે,કારણ કે અતુલ મારા જીવનની તમામ ઘટનાઓનો તાજનો સાક્ષી છે.
વધુ આવતા અંકે.....