એટેક
- રાકેશ ઠક્કર
એટેક' ને એક સારી રોમાંચક ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો પણ બની શકી નથી. વાર્તા ઘીસીપીટી જ છે. દેશભક્તિવાળી બોલિવૂડની ફિલ્મમાં હોય એવી જ વાર્તા છે. 'સત્યમેવ જયતે ૨' ની નિષ્ફળતા પછી પણ જૉન અબ્રાહમને એ જ્ઞાન મળ્યું નથી કે મેકઅપ પર નહીં પણ સ્ક્રીપ્ટ અને નિર્દેશન પર પૈસા લગાવવાની જરૂર છે. 'સુપર સોલ્જર' ના નામ પર જૉનના થોડા એક્શન દ્રશ્યો જ છે. વીએફએક્સનો ક્યાંય ઉપયોગ દેખાતો નથી. 'એટેક' નું ટ્રેલર જોઇને જ આખી ફિલ્મ જોયાનો સંતોષ માણવા જેવો હોવાનું ઘણા સમીક્ષકો કહી રહ્યા છે. દેશને બચાવવા માટે એક સૈનિક લડાઇ લડે એ વાત અનેક ફિલ્મોમાં આવી ગઇ છે. આર્મી ઓફિસર અર્જુન શેરગિલ (જૉન) એક મોટા આતંકવાદીને પકડવામાં સફળ થાય છે. તે મિશન પૂરું કરીને ઘરે જતો હોય છે ત્યારે આયશા (જેકલીન) સાથે મુલાકાત થાય છે. બંનેને પ્રેમ થાય છે અને વાત લગ્ન સુધી પહોંચી જાય છે. પણ એક આતંકવાદી હુમલામાં તે આયશાને ગુમાવી દે છે. અને એક બુલેટ લાગવાથી લકવાનો શિકાર બને છે. ત્યારે આરડીઓ સબા (રકુલપ્રીત) જૉનના મગજમાં સિમકાર્ડ જેવી એક ચિપ નાખીને સુપર સોલ્જર બનાવે છે. એ પછી અર્જુનનો મુકાબલો એક આતંકવાદી મુખિયા એલહમ (હમીદ) સાથે થાય છે. અર્જુન નવી તકનીકથી દેશને આતંકવાદીથી કેવી રીતે બચાવે છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે.
પહેલી વખત બોલિવૂડમાં સુપરહીરોની ફિલ્મ હોવાનો દાવો છતાં એમાં નવું કંઇ જ નથી. જૉનને 'સુપર સોલ્જર' બનાવવા વિજ્ઞાનની તકનીકનો સરખો ઉપયોગ થયો નથી. જૉન સુપરહીરોને બદલે હીરો તરીકે જ વધારે દેખાય છે. હોલિવૂડની 'માર્વલ' ની ફિલ્મો જેવો અનુભવ મળતો નથી. 'એટેક' નો પ્રચાર 'સુપરહીરો' ફિલ્મ તરીકે જ થયો હોવાથી દર્શકો માત્ર હીરોને જોઇ છેતરાયા હોવાની લાગણી અનુભવે છે. કેમકે જૉનને 'સુપર સોલ્જર' તરીકે રજૂ કરવા કોઇ મહેનત કરવામાં આવી નથી. ફિલ્મ જોઇને એમ થશે કે આનાથી વધુ શક્તિશાળી સુપર સોલ્જર હોવો જોઇતો હતો. જૉનને એક એવા સોલ્જર તરીકે બતાવ્યો છે જેના મગજમાં એક ચિપ હોય છે. જેના દ્વારા તેના શરીરમાં ઇરા નામની સહાયક રહે છે. જે તેને દરેક સવાલનો જવાબ આપે છે. જૉનના અભિનયની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. 'સત્યમેવ જયતે ૨' ના ત્રણેય જૉન કરતાં તેણે સારું જ કામ કર્યું છે. એક્શન સાથે અભિનય પર ધ્યાન આપ્યું છે. આ ભૂમિકા માટે તે સૌથી શ્રેષ્ઠ પસંદગી છે એ વિશે બે મત નથી. ફિલ્મને સમીક્ષકોએ પાંચમાંથી જે બે-અઢી સ્ટાર આપ્યા છે એમાં એક જૉન માટે જરૂર છે. પરંતુ જૉનનો બરાબર ઉપયોગ થયો નહીં. બાકી એક્શનમાં તેનો કોઇ જવાબ નથી. નિર્દેશક લક્ષ્ય રાજ આનંદની 'એટેક' નામવાળી ફિલ્મમાં એક્શન દ્રશ્યો જ બહુ ઓછા છે. એમણે ઇમોશન અને કોમેડી આવે એનું થોડું ધ્યાન રાખ્યું છે. આમ તો લક્ષ્ય સલમાનની 'એક થા ટાઇગર' અને રિતિકની 'બેંગ બેંગ' માં સહાયક નિર્દેશક રહી ચૂક્યા હોવાથી કોશિષ સારી કરી છે. કોએ એકશન ફિલ્મમાં દર્શકોને જકડી રાખવાનું કામ તેમણે કરી બતાવ્યું છે. એટલું છે કે નવીનતા ન હોવા છતાં મનોરંજન આપી શક્યા છે.
'એટેક'માં વિલન નબળો બતાવાયો હોવાથી જૉન દમદાર હીરો તરીકે વધારે ઉભરી આવતો નથી. વિલન તરીકે 'હામિદ ગુલ' તરીકે અફઘાનિસ્તાનના અભિનેતા એલહમ એહસાસ અગાઉ વિદેશી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હોવાથી અભિનયમાં પ્રભાવિત કરે છે. જેકલીન ફર્નાન્ડીસ હવે અર્થપૂર્ણ ભૂમિકાઓ ભજવવા લાગી છે. ગ્લેમર માટે કે આઇટમ ગીત માટે જ કામ કરતી નથી. તે નાની ભૂમિકામાં પોતાના અભિનયની છાપ છોડી ગઇ છે. રકુલપ્રીત સિંહ એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં પ્રભાવિત કરે છે. ઘણા સમય પછી દેખાયેલા કિરણકુમાર ખાસ પ્રભાવિત કરતા નથી. પ્રકાશ રાજ, રત્ના પાઠક શાહ વગેરે પોતાની ભૂમિકાઓને ન્યાય આપી જાય છે. લોજિક વગરની આ ફિલ્મનો ક્લાઇમેક્સ વધારે નિરાશ કરે છે. 'ઉરી:ધ સર્જીકલ સ્ટ્રાઇક' માટે શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ જીતનાર સાસ્વત સચદેવ નિરાશ કરતા નથી. 'એક તૂ હૈ' અને 'લા લા લા' જેવા ગીતો સારા બન્યા છે. ફિલ્મ બે કલાકની જ હોવાથી જેને જૉન અબ્રાહમ અને એક્શન ગમે છે એ દર્શકો નિરાશ થવાના નથી.