Sharma ji namkeen film review in Gujarati Film Reviews by Mahendra Sharma books and stories PDF | Sharma ji namkeen film review

Featured Books
Categories
Share

Sharma ji namkeen film review

નામમાં શર્માજી છે એટલે મારા ઘરની જ વાત કહેતો હોઉં એવું લાગે છે પણ એવું નથી, મારા પિતા નિવૃત થયા જ નહીં, તેઓ છેલ્લા દિવસ સુધી દુકાને જતાં અને કામ કરતાં રહેતાં. પણ ઘણી વાતો આ વાર્તા નાયક અને મારા પપ્પાની એક સરખી નીકળી, એ હું આગળ કહીશ.

શર્માજી નમકીન આપણા વન એન્ડ ઓન્લી ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ. એટલે જોવાની તો હતી જ, કારણ કે હું ઋષિ કપૂરનો ફેન. ભલે તેઓ મારા સમકાલીન નથી, મારા જન્મ ના ૬ વર્ષ પહેલાં બોબી ફિલ્મ રીલિઝ થઈ હતી જે મેં લગભગ ૧૮ વર્ષનો થયો ત્યારે ટીવી પર જોયેલી, બસ ત્યારથી હું એમનો ફેન બની ગયો. જોકે પહેલાં મેં એમને મેરા નામ જોકરમાં એમના પિતા રાજ કપૂરના કિશોર ઉમરના રોલમાં જોયેલું. એ ઉમરમાં પણ એમની અદાકારી પુખ્ત બની ચૂકી હતી. મારા ઘણાં સગા સબંધીઓને એમનો ચહેરો મારા જેવો લાગતો એવું કહેતા, ગોળ મટોળ અને હસમુખ. હું હજી એવો જ છું.

ઋષિ કપૂરની બીજી એક ફિલ્મ પ્રેમરોગમાં પદ્મિની કોલ્હાપુરી સાથે એમનું અભીનય અદ્ભુત પરિપક્વતા દેખાડે છે, ફિલ્મ સ્ક્રિપ્ટ જાણે એમને ઉદ્દેશીને લખાઈ હોય એવી રીતે આ ફિલ્મમાં હું ખોવાઈ ગયો હતો. લવસ્ટોરી એટલે ઋષિ કપૂરનો ગમતો વિષય. આ વાર્તામાં મનોરમા એટલે પદ્મિનીના લગ્ન થઈ જતાં હોય છે, પછી એનો પતિ મરી જાય છે, એમની ઉપર દુષ્કર્મ થાય છે અને છેવટે તે પિયર આવે છે, ત્યાં સુધી એમને એ ખબર નથી પડતી કે એમનો બાળપણ નો મિત્ર એટલે દેવધર એટલે ઋષિ જ એમનો પ્રથમ પ્રેમ છે. વિધવા વિવાહ દર્શાવવા માટે આ ફિલ્મ જે તે સમયે ખુબજ મોટું પગલું હતું. એ સાદગી, એ સ્થિરતા, એ સચ્ચાઈ એ પાત્રમાં ઋષિ સિવાય કોઈ મૂકી શક્યો જ ન હોત.

ઘણી ફિલ્મોમાં એમને અમિતાભ સાથે હોવાના લીધે અવગણના કે ઓછી પ્રસિદ્ધિ મળી એવું એમણે પોતાના ઇન્ટરવ્યૂ માં કહેલું, જે તે સમયે એંગ્રી યંગમેન જેવી ફિલ્મો વધુ ચાલતી એટલે ઋષિને એવી ભૂમિકાઓ એમના સ્વભાવ કે કદ કાઠીને જોઇને મળતી નહોતી, કે એવું કહો કે ઋષિને ગુસ્સો પણ બહુ સૂટ નહોતો થતો. તેમ છતાં અમર અકબર એન્થની, કુલી કે કભી ક્ભી જેવી ફિલ્મો અમિતજી અને ઋષિએ સાથે રહીને સુપર હિટ કરાવી. એક ૧૦૨ નોટ આઉટ કે જે આપણા માનીતા સૌમ્ય જોશીએ લખી હતી , એક એવી ફિલ્મ છે કે જેમાં બેઉ દિગ્ગજોને અભિનયને એક સરખા વખાણવામાં આવ્યા.

એમના કરિયરની અપવાદરૂપ એટલે નેગેટિવ કેરેક્ટર વાળી ફિલ્મ એટલે નવી અગ્નિપથ. રૌફ લાલા જેવું પાત્ર ઋષિના વ્યક્તિત્વ કરતાં સાવ વિપરીત હતું. કહેવાય છે કે કરણ જોહરને જ્યારે ઋષિએ આ ફિલ્મ માટે હા પાડી ત્યારે એ પણ કહેલું કે જો લોકો આ પાત્રને પસંદ નહીં કરે તો ઋષિ કોઈ દિવસ કરણ સાથે કામ નહીં કરે, પણ આ અદાકારની અદાકારી જુઓ. આવા ખુબજ ક્રૂર પાત્રમાં પણ ઋષિ ઉમદા તરી આવ્યા, એકદમ ચોકલેટ બોય જ્યારે આવા ક્રૂર પાત્ર કરે ત્યારે નવાઈ લાગે પણ આજ તો એક સારા કલાકારની નિશાની છે, કે તેઓ પાત્રને ન્યાય આપતા જાણે છે.

શર્માજી નમકીન એટલે ફકત અને ફકત ઋષિ માટે જ જોઈ, બસ હતું કે એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ જ એક શ્રેષ્ઠ માર્ગ છે. પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકાર આ ફિલ્મ પૂરી કરવા તૈયાર થાય ત્યારે એનાથી સારી ઉદારતા દુનિયામાં શક્ય નથી. પરેશ રાવલને ખબર હશે કે તેઓ ગમે તેવું સારું પાત્ર ભજવશે પણ નામ અને પ્રશંસા ઋષિને મળશે, એ જાણવા છતાં આ ફિલ્મ કરવી એટ્લે બસ સમર્પણ, ઋષિ પ્રત્યે, અદાકારી પ્રત્યે અને માનવતા પ્રત્યે સમર્પણ.

ફિલ્મની વાર્તા એક નિવૃત અને વિધુર પિતાની છે, જેઓ ખરેખર નિવૃત તરીકે જીવવાનું પસંદ કરતા નથી. લોકો મજાકમાં ને મજાકમાં અનેક હાસ્યાસ્પદ કાર્યો એમને સજેસ્ટ કરે છે અને તેઓ હસતા હસતા હા પણ પાડે છે. એમનો છોકરો એમને નિવૃત જીવન જીવવા કહે છે, યોગા કરો, ચાલવા જાઓ, પૂજા કરો, સૂઈ જાઓ જેવી સલાહો આપે છે.

શર્માજી ને એ બધી પ્રવૃત્તિઓમાં રસ નથી જે ફકત ટાઇમ પાસ માટે કરીએ, એમને વ્યસ્ત રહેવું છે અને કંઇક પડકાર જનક કરવું છે, પણ તેઓ ટ્રેકિંગ વેગેરે નહિ કરવા ઈચ્છતા, એમને ગમતું કામ કરી વ્યસ્ત રહેવું છે, જે એમના છોકરાને ગમતું નથી. શર્માજી નું ગમતું કામ છે કુકીંગ, તેઓ ખાવાનું બનાવવા અને ખવડાવવામાં ખૂબ આનંદ મેળવે છે.

આ ફિલ્મમાં દરેક ૫ મિનિટે ઋષિ થી પરેશ રાવલ અને પરેશ રાવલ થી ઋષિ કપૂર બદલાય છે, એટલે લોકેશન બદલાય તો ચહેરો બદલાય. એટલે એક બાજુ મજા આવે છે કે બે દિગ્ગજો સ્ક્રીન પર છે અને એક બાજુ તમને ખૂબ ધ્યાન આપી ફિલ્મ જોવી પડે કે ક્યારે કોઈ સીન છૂટી ન જાય.

ડગલે ને પગલે એક નિવૃત વ્યક્તિને એવું ભાન કરાવે છે કે તમે નકામા છો, ફિલ્મમાં સતીશ કૌશિક શર્માજી ના મિત્ર છે.
ચડ્ડા પોતે નિવૃત્તિ સ્વીકારીને એ રીતે જીવન જીવી જ રહ્યા હતા જેમ કે એમના કૂતરાઓને નવડાવવું, ફરવા લઈ જવું, ગલીના નાકે બેસી મિત્રો સાથે સમય વિતાવવો, પાર્કમાં યોગા કરવા વગેરે પણ તેઓ શર્માજીને ઓળખે છે, એટલે એમને એમનું ગમતું કરવા પ્રેરણા આપે છે.
ચડ્ડા એટલે સતીશ કૌશિક પોતે ખુબજ ઉમદા ડાયરેકટર અને એક્ટર છે, આ ફિલ્મમાં એમનું કામ ખુબજ ગમ્યું, હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ, આ એક એડ ફિલ્મમાં સાંભળેલું, અહીં એ યથાર્થ લાગે છે.

જુહી ચાવલા પણ એક વિધવા છતાં હસમુખ અને નિડર સ્ત્રીનો ખુબજ સારો રોલ નિભાવે છે અને શર્માજી ને એમના કામ એટલે કૂકિંગ માટે પ્રોત્સાહન આપે છે. છેવટે ફિલ્મમાં થાય છે એવું કે જ્યાં શર્માજીના યુવાન પુત્રના પ્રયત્નો અને ધમપછાડા કરવા છતાં સબંધો કામ નથી લાગતા ત્યાં આ વૃદ્ધ અને નિવૃત શર્માજી એટલે એના પિતાના સબંધો વહારે આવે છે અને યુવાન પુત્ર એક મોટી મુસબતથી હેમખેમ બચી જાય છે. વધુ વાર્તા નહીં કહું નહીં તો ફિલ્મ જોવાની મજા મરી જશે.

મારી વાત કહું કે મારે ઘણી વખત થયેલું કે મારા પપ્પા, જેઓ મારાથી ઓછું ભણ્યા હતા, ઓછું કમાતા હતા પણ એમના સબંધોના લીધે મારા અણધાર્યા કામ થઈ જતાં. તેઓ ખૂબ સારા સબંધો સાચવતા એટલે લોકો એમને ખૂબ માન આપતા અને મારી મદદે કહ્યા વગર આવી જતા.

આ ફિલ્મ ઘણું બધું કહી જાય છે જે આપણે આંખ આળા કાન કરીએ છીએ. માબાપ વૃદ્ધ થાય ત્યારે બસ થોડા ઘીમાં પડે છે પણ તેઓ નકામા નથી થતાં.

ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર છે, ઋષિને પસંદ કરો છો તો ફિલ્મ તો જોવી જ રહી. ઋષિ કપૂર અમર રહે.

મહેન્દ્ર શર્મા ૩.૪.૨૦૨૨