આજે કેટલા વર્ષો પછી અમે ત્રણેય શહેરમાંથી ગામડે આવ્યાં....હું, મારી બાળપણની યાદો અને એ નાસ્તાનો ડબ્બો. બારમાં ધોરણ સુધી મારા ગામમાં જ ભણ્યા પછી હું એવો તે શહેરમાં ઘુસ્યો તે ગામનો ટહુકો સાંભળી જ ના શક્યો. પણ સાચું કહું ને તો, ગામ મને બહુ યાદ આવતું હતું હ અને ખાસ તો મારી શાળા મને બહુ યાદ આવતી. આજે મારો ટાબરિયો શાળાનું પ્રથમ પગથીયું ભરવા જઇ રહ્યો હતો ત્યારે હું તૂટી પડ્યો....જો જો હ, મારું નાનું છોરું ઘર છોડીને શાળાએ જઇ રહ્યું હતું એટલે નહીં. એ વિરહ કરવા તો એની મા બેઠી હતી ને!!....હું તો મારા બાળપણમાં ઘુસી ગયો....મારી શાળા મને યાદ આવવા લાગી....મારું ગામ....અને સૌથી અગત્યનો એ મારો નાસ્તાનો ડબ્બો.
મને ખબર છે કે તમે લોકો બહુ ઘુંચવાઈ રહ્યાં છો, હું બધા ભેદ ખોલી નાખું ચાલો. હું નયન પંડ્યા, મારી ધર્મપત્ની સ્મિતા પારેખ પંડ્યા અને મારું છોરું....છોરું કે કછોરું જે ગણો તે, ધૈર્ય પંડ્યા. ત્રણ જણા છીએ અને રાજકોટ શહેરમાં નિવાસ. એમાં થયું એવું ને કે આજે ધૈર્યનો શાળાનો પ્રથમ દિવસ હતો એટલે એની માએ સવારથી ઘરને ચગડોળે ચડાયું હતું. સ્મિતાએ મને રસોડામાં બોલાવ્યો અને નાસ્તાનો ડબ્બો આપ્યો, કીધું ધૈર્યનાં બેગમાં મુકો. મેં વળી મૂક્યો હ....પણ એ જે મેં સફર ખેડ્યું ને રસોડાથી હોલ સુધીનું, હાથમાં ડબ્બો લઈને, એને મને મારા શૈશવમાં ફેંકી દીધો. હું અને સ્મિતા, અમે બન્ને ધૈર્યને મૂકવા ગયા અને આખાં રસ્તામાં મને બસ મારી શાળા, મારો એ નાસ્તાનો ડબ્બો યાદોમાં આવીઆવીને ખૂંચવા લાગ્યો. મેં સ્મિતાને પાછી ઘરે ઉતારી અને ધૈર્યને શાળાથી છુટીને લઇ આવવા કહ્યું. અને હું સીધો ઉપડ્યો મારાં ગામે....મારી નિશાળે. સ્મિતાને ઘરે ઉતારવા આવ્યો એ વખતે મારો આઠમાં ધોરણથી સાચવી રાખેલ એ નાસ્તાનો ડબ્બો લઈને ચુપચાપ ગામે જવા નિકળ્યો.
હું આઠમાં ધોરણમાં જે શાળામાં ભણતો એ શાળાએ પરત આવ્યો. લગભગ બધું જ બદલાઈ ગયું હતું પણ હું બદલાવને મારી આંખો સામે લાવવા માંગતો જ નહોતો, એટલે મારાં માટે એ બધું એમનું એમ જ હતું જેમ એ હું આઠમાં ધોરણમાં હતો ત્યારે હતું. હું ગાડીમાં બેઠોબેઠો બસ શાળાને જોયા કરતો’તો. પછી વળી થોડો મોબાઈલ મચડ્યો.
કારણ એમ કે ૨:૨૦ વગાડવાનાં હતાં....અને બોલો વાગી ય ગ્યા. મેં જેવો મોબાઈલ ખોલ્યો કે મારાં મિત્ર તરુણે મને એક સરસ મજાની વાર્તાની લિંક શ્યેર કરી હતી વોટ્સએપ પર. વાર્તા હતી ‘વેદાંત દવે’ લિખિત ‘સંગ્રામ:આ ગઈ પુલિસ!!’. ખતરનાક વાર્તા હતી બોસ. એકદમ એક્સક્લુઝિવ ‘માતૃભારતી’ પ્લેટફોર્મ પર. એ વાર્તા વાંચી કાઢી અને બધાં મારાં મિત્રોને શ્યેર કરી દીધી ને એમાં ૨:૨૦ વાગી ગયા તે ખબર પણ ના પડી.
જેવા ૨:૨૦ થયાં કે હું ગાડીમાંથી ઉતરી શાળાની બહાર નિકળવાનાં પાછળનાં દરવાજા આગળ જઈને બેસી ગયો. હું પૂરેપૂરી ચાળીસ મિનિટ હાથમાં મારો પેલો નાસ્તાનો ડબ્બો લઈને ત્યાં બેસી રહ્યો. બરાબર ૨:૨૦ એ એટલે જ કે ત્યારે અમારે શાળામાં ૨જી રિસેસ પડતી અને લગભગ ચાળીસ મિનિટ ચાલતી.
તો ચાલો હવે સીધાં ભૂતકાળમાં....
હું અને મારાં બીજાં છ મિત્રો, કુલ થઈને અમે સાત જણા ૨જી રિસેસમાં સાથે મળીને નાસ્તો કરીએ. પ્રથમ અને ત્રીજી રિસેસ તો દસ-દસ મિનિટની જ હોય એટલે એ તો ક્લાસની બહાર બધાં અમે એકબીજાંને અડપલાં કરતાં નીકળીએ એમાં જ પતી જાય. એટલે અમે બધાં ૨જી રિસેસમાં શાંતિથી નાસ્તો કરતાં અને બાકીનાં સમયમાં કઈક ને કઈક મેદાનમાં રમતાં.
પણ પછી બન્યું એવું કે અમારાં એક મિત્રને ઘરનાં નાસ્તાથી કંટાળો આવવાં લાગ્યો અને ભાઈ દરરોજ દસ રૂપિયા લઈને આવવાં લાગ્યાં. અમે બધાં મિત્રો શાળાની નીચેની લોબીમાં ગોળ કુંડાળું કરીને બેસીએ અમારો ઘરનો નાસ્તો કરવાં અને એ ભાઈ દસ રૂપિયામાંથી કઈક ને કઈક પડીકાં લાવે અને ટુકડીમાં જોડાય. પછી તો હું પણ એને સહકાર આપવાં એની સાથે બહાર નાસ્તો લેવાં જવા લાગ્યો. જો જો હ....ખાલી એને સંગાથ આપવાં જ હ....હું તો ઘરેથી જ નાસ્તાનો ડબ્બો લઈને આવું પણ આ તો ખાલી જોવાં કે ભાઈ રોજ દસ રૂપિયામાંથી નવાં-નવાં પડીકાઓ લાવે છે તે વળી આપણે પણ એને કઈક પસંદ કરાવીએ.
શાળાનાં પાછળના દરવાજા બહાર એક ઘરડાં દાદી લારી લઈને ઉભા રહેતાં, પડીકાં વેચતાં. એકદમ ભૂરાં-ભૂરાં દાદી....અને એટલે જ એમને બધાં છોકરાઓ ‘ચાચી’ કહીને બોલાવે અને એમની લારીને ‘ચાચીની લારી’. મને નાસ્તાનાં એટલાં બધાં અવનવાં પેકેટ્સ જોઇને જરા પણ લાલચ થઇ નહીં પણ મને આટલાં બધાં વિદ્યાર્થીઓનું પેટ ભરતાં એ ચાચીનું વર્તન એકદમ સ્પર્શી ગયું.
પછી તો બસ હું અને મારો એ મિત્ર અમે બન્ને બાકીનાં પાંચ જણાથી માનો કે અલગ જ પડી ગયાં. હું અને તે મિત્ર ઉત્સવ, અમે રોજ ૨જી રિસેસમાં ચાચીની લારીએ જઈએ. ઉત્સવ દસ રૂપિયાનાં કઈક પડીકાં જમે અને હું લારી ઉપર ચાચીની બાજુમાં બેસીને ખૂણા પર મારો નાસ્તાનો ડબ્બો રાખી જમતો જાઉં ને સાથેસાથે ચાચીને વેચવામાં મદદ કરતો જાઉં. મને મારી બા સાથે જેટલું નતું બનતું એટલું એ ચાચી સાથે બનવા લાગ્યું.
મારે અઠવાડિયામાં એકાદવાર તો મમ્મી વઘારેલી રોટલી મુકે. એ રોટલીની સુગંધ તો ચાચીને વળી આકર્ષી ગઈ, ચાચીએ ચાખી અને પછી તો મારાં હાથમાં એની લારીનું સૌથી ફેમસ પેકેટ પકડાવી, બધી મારી વઘારેલી રોટલી ઝાપટી ગઈ બોલો. ચાચીનાં ચહેરે જે મેં એ દિવસે તૃપ્તિ જોઈ એ અનુભવ હું વર્ણવી શકું એમ છું જ નહીં. પછી તો હું દર આંતરે દિવસે વઘારેલી રોટલી લઇ જવા લાગ્યો, મારી ચાચી માટે....એક્સ્ટ્રા નાસ્તાનો ડબ્બો.
એકદિવસ અચાનક ચાચી આવ્યાં જ નહીં. હું ઘુંચવાયો પણ ઉત્સવે મને બહેકાવ્યો. પાછો અમે બન્નેએ નાસ્તો તો ચાચીની લારી આગળ જ કર્યો. ચાચીનો ડબ્બો એ દિવસે ઉત્સવને નસીબ થયો. સતત બીજે દિવસે પણ એવું જ બન્યું. ત્રીજે દિવસે મારું મન ઘરેથી મારી મા એ જ મનાવી સરસ મજાની લીમડો ને બધું નાખેલી વઘારેલી રોટલી ભરીને નાસ્તાનો ડબ્બો ભરી આપ્યો....મારી ચાચીનો ડબ્બો.
૨જી રિસેસ પડી....પણ ચાચી આવ્યાં નહોતાં. ઉત્સવથી ભૂખ સહન ન થાય એટલે અમે બન્નેએ ફટાફટ મારાં ડબ્બામાંથી નાસ્તો કર્યો અને ચાચીનો ડબ્બો તો એમનો એમ જ રેહવા દિધો. શાળાનાં પટાવાળા જોડેથી ચાચીનું સરનામું લીધું. આગળનાં વર્ગો ભરવા ઉત્સવ ખંડમાં ગયો અને હું શાળાથી નિકળી ચાચીનાં ઘર તરફ. મારું દફ્તર ઉત્સવને આપી દીધું અને હું ફક્ત હાથમાં ચાચીનો ડબ્બો લઈને એનાં ઘર તરફ નિકળ્યો.
ઘર જેમ નજીક આવતું જાય તેમ ખબર નહીં કેમ વાદળો ઘેરાતાં જાય....વાતાવરણ સુમસાન થતું જાય....સન્નાટો વધતો જાય....ને મારાં ધબકારાં વેગ પકડે. ઘર પાસે આવતાં જોયું કે ત્યાં તો માતમ મનાવાઇ રહ્યો હતો. સૌ સફેદ કપડામાં આંખોમાંથી દરિયો વહેવડાવી રહ્યાં હતાં.
મારી આગળ જવાની હિંમત થઇ નહીં....હું ચોધાર આંસુએ એ ડબ્બો મારા હૃદયને વિટાળીને પાછો ફરી ગયો.
એ વખતે હું જરા પણ ભૂખ્યો નહોતો....
મારાં હાથમાં એ પૂરો ભરેલો નાસ્તાનો ડબ્બો પણ હતો....પણ મને ભૂખ હતી.
ભૂખ હતી મારી ચાચીની....કારણ શું ભૂખ ભૂખ્યાંને જ હોય છે !?